Source : BBC NEWS
ઇમેજ સ્રોત, getty
દર વર્ષે ચોમાસામાં સાપ કરડવાના બનાવ વધવા લાગે છે.
લુધિયાણા જિલ્લાના બસ્સિયાન ગામમાં પણ આવી જ એક ઘટના બની હતી, જેમાં સાપ કરડવાથી બે ભાઈ-બહેનનાં મોત થયાં.
રક્ષાબંધનના દિવસે આઠ વર્ષના જોબનપ્રીત અને તેમની છ વર્ષનાં બહેનનું સાપ કરડવાથી મોત થયું.
બંને બાળકો ઓરડાની બહાર પોતાની દાદી પાસે સૂતાં હતાં.
અચાનક બપોરે લગભગ 3 વાગ્યે જોબનપ્રીતે પોતાની દાદીને ફરિયાદ કરી કે તેને કંઈક કરડ્યું છે. પરંતુ પરિવારને લાગ્યું કે કોઈ જીવડું કે મચ્છર હશે. થોડા સમય પછી તેની બહેન જસપ્રીતે પણ ફરિયાદ કરી કે તેને કંઈક કરડ્યું છે.
દરમિયાન, બાળકોની તબિયત લથડવા લાગી અને ઘટનાસ્થળની નજીક એક સાપ દેખાતાં પરિવારજનો બાળકોને હૉસ્પિટલ લઈ ગયા.
હૉસ્પિટલ પહોંચતાં પહેલાં જ જસપ્રીતનું મોત થઈ ગયું, જ્યારે જોબનપ્રીતનું મોત લુધિયાણાની એક ખાનગી હૉસ્પિટલમાં સારવાર દરમિયાન થયું.
કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય અનુસાર, ભારતમાં દર વર્ષે સાપ કરડવાના અંદાજે 30થી 40 લાખ કેસ નોંધાય છે, જેમાંથી લગભગ 50,000 લોકોનાં મોત થાય છે. આ સંખ્યા વિશ્વભરમાં સાપ કરડવાથી થતાં કુલ મૃત્યુના લગભગ અડધા જેટલી છે.
આવી સ્થિતિમાં સવાલ થાય કે સાપ કરડ્યા બાદ કઈ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ અને કઈ સાવચેતી રાખવી જોઈએ.
પંજાબમાં કયા સાપ જોવા મળે છે?
ઇમેજ સ્રોત, getty
નવાંશહરના રહેવાસી નિખિલ સાંગર સાપને રૅસ્ક્યૂ કરવાનો 10 વર્ષથી વધુ અનુભવ ધરાવે છે. આ દરમિયાન તેમણે હજારો સાપના જીવ બચાવ્યા છે. તેઓ લાંબા સમય સુધી પંજાબ વન અને વન્યજીવ સંરક્ષણ વિભાગ સાથે પણ કાર્યરત્ રહી ચૂક્યા છે.
તેમના જણાવ્યા અનુસાર, “પંજાબમાં સાપની ચાર પ્રજાતિઓ જીવલેણ છે. આ પ્રજાતિઓમાં કોબ્રા, કૉમન ક્રેઇટ, રસેલ્સ વાઇપર અને સૉ-સ્કેલ્ડ વાઇપરનો સમાવેશ થાય છે.”
નિષ્ણાતોના જણાવ્યા અનુસાર, સાપ કરડવો એક તબીબી કટોકટી છે. પંજાબમાં અત્યંત ઝેરી સાપ જોવા મળે છે, પરંતુ સાપ કરડે એટલે દરેક વખતે જીવલેણ સાબિત થાય એવું નથી.
તેમ છતાં, સાપ કરડવાની ઘટનાને ગંભીરતાથી લેવી જોઈએ અને તરત હૉસ્પિટલ જવું જોઈએ.
સમાણાની સરકારી હૉસ્પિટલમાં મેડિકલ ઑફિસર તરીકે ફરજ બજાવતા ડૉ. દીપક મોંગિયા કહે છે, “સાપ કરડ્યા બાદ સૌથી મહત્ત્વની બાબત હૉસ્પિટલે પહોંચવાની છે. સાપના ઝેરની સૌથી અસરકારક સારવાર ‘એન્ટિ-વેનમ વૅક્સિન’ છે, જેને ‘એન્ટિ-સ્નેક વેનમ વૅક્સિન’ પણ કહેવામાં આવે છે. આ વૅક્સિન જેટલી વહેલી આપવામાં આવે, દર્દી માટે એટલું સારું.”
લુધિયાણા સિવિલ હૉસ્પિટલના સિનિયર મેડિકલ ઑફિસર ડૉ. અખિલ સરીન જણાવે છે, “સાપના ઝેરનાં લક્ષણો દેખાવામાં કેટલો સમય લાગશે, ઝેરની અસર થવામાં કેટલો સમય લાગશે અથવા એન્ટિ-વેનમ વૅક્સિન ક્યારે આપવામાં આવશે—આ બધું સાપની પ્રજાતિ અને દર્દીની ઉંમર, તબિયત તેમજ રોગપ્રતિકારક શક્તિ પર આધાર રાખે છે.”
ઇમેજ સ્રોત, getty
સાપ કરડ્યા બાદ હૉસ્પિટલે પહોંચતાં પહેલાં શું કરવું:
નૅશનલ હેલ્થ મિશનની સ્ટાન્ડર્ડ ઑપરેટિંગ પ્રોસીજર (SOP) અને ડૉક્ટરોના જણાવ્યા અનુસાર, આટલી જરૂરી સાવચેતી રાખવી જોઈએ.
- દર્દીને શાંત રાખો.
- ગભરાશો નહીં અને વધારે હલનચલન ન કરો.
- દર્દીને દોડવા કે ચાલવા માટે મજબૂર ન કરો.
- અસરગ્રસ્ત અંગને બને તેટલું ઓછું હલાવો.
- સાપે કરડેલા હાથ કે પગને હલાવવાનું ટાળો.
- અંગને સ્પ્લિન્ટ (પાટા) અથવા અન્ય સાધનથી સ્થિર રાખો, જેથી લોહીનો પ્રવાહ ન અટકે.
- સાપે કરડેલા ભાગ પરથી ઘરેણાં, વીંટી, બ્રેસલેટ, જૂતાં, ઘડિયાળ અને ચુસ્ત કપડાં કાઢી નાખો. તેને કારણે પછી સોજો આવી શકે છે અને સ્થિતિ વધુ ખરાબ થઈ શકે છે.
- ઘાને ઢાંકશો નહીં.
- દર્દીને ડાબે પડખે સુવડાવો. આમ કરતી વખતે માથાને હાથનો ટેકો આપો અને જમણો પગ વાળીને રાખો.
શું બિલકુલ ન કરવું જોઈએ?
ઇમેજ સ્રોત, getty
નૅશનલ હેલ્થ મિશનની સ્ટાન્ડર્ડ ઑપરેટિંગ પ્રોસીજર (SOP) અનુસાર, સાપ કરડ્યો હોય તે ભાગને દોરડા કે કપડાથી કસીને બાંધવો જોઈએ નહીં. તેનાથી લોહીનો પ્રવાહ અટકી શકે છે અને અંગને નુકસાન થઈ શકે છે.
ઘાને બ્લેડ કે છરી અથવા અન્ય કોઈ વસ્તુથી કાપવો જોઈએ નહીં અને ઝેર ચૂસવાનો પ્રયાસ પણ ન કરવો જોઈએ. ઘા પર બરફ, ગરમી, વીજળી કે રસાયણ ન લગાવવું. આ પદ્ધતિઓ નુકસાન પહોંચાડી શકે છે.
ડૉ. દીપક મોંગિયા કહે છે કે તાંત્રિકો, બાબાઓ કે ઝાડફૂંક કરનારાઓના ચક્કરમાં સમય બગાડવો જોઈએ નહીં. સાપના ઝેરની વૈજ્ઞાનિક સારવાર માત્ર હૉસ્પિટલમાં જ થાય છે. પરંપરાગત સારવારની પદ્ધતિઓ અસરકારક હોય છે એવો કોઈ વૈજ્ઞાનિક પુરાવો નથી.
કયાં લક્ષણો પર ખાસ ધ્યાન આપવું જોઈએ?
ડૉ. મોંગિયા જણાવે છે કે કરડેલી જગ્યાએ દુ:ખાવો, વધતો સોજો, લોહી વહેવું, ફોલ્લા પડવા, પાંપણો ઢળી જવી, ઝાંખું કે બે-બે દેખાવું, બોલવામાં તકલીફ, ગળવામાં મુશ્કેલી, શ્વાસ લેવામાં તકલીફ, સ્નાયુઓમાં નબળાઈ અને નાક, પેઢાં અથવા શરીરના અન્ય ભાગોમાંથી લોહી વહેવા જેવાં લક્ષણો પર ધ્યાન આપવું જોઈએ.
તેઓ કહે છે, “સાપ કરડે ત્યારે તરત હૉસ્પિટલ પહોંચવું જોઈએ, ભલે ને સાપ ઝેરી ન હોય. દર્દીને કેવા પ્રકારની સારવારની જરૂર છે કે નહીં, એ ડૉક્ટરને અથવા હૉસ્પિટલને નક્કી કરવા દો. પરંતુ જો આમાંથી કોઈ પણ લક્ષણ દેખાય, તો તેનો અર્થ એ કે સ્થિતિ જોખમી છે.”
તેઓ વધુમાં જણાવે છે, “કેટલાક ઝેરી સાપના કરડવાનાં લક્ષણો મોડાં દેખાઈ શકે છે. તેથી દર્દીને શરૂઆતમાં સારું લાગતું હોય તો પણ હૉસ્પિટલે જવું જરૂરી છે.”
હૉસ્પિટલમાં શું થાય છે?
ઇમેજ સ્રોત, getty
લુધિયાણા સિવિલ હૉસ્પિટલના સિનિયર મેડિકલ ઑફિસર ડૉ. અખિલ સરીન કહે છે, “હૉસ્પિટલ પહોંચ્યા બાદ દર્દીને સૌથી પહેલાં ઇમરજન્સી રૂમમાં દાખલ કરવામાં આવે છે. ત્યાં સારવારની પ્રક્રિયા શરૂ થાય છે. સૌથી પહેલાં એ જાણવા મળે છે કે કરડેલો સાપ ઝેરી છે કે નહીં અને ત્યાર બાદ એ મુજબ સારવાર કરવામાં આવે છે.”
તેમણે કહ્યું, “સાપ કરડે ત્યારે આપવામાં આવતી એન્ટિ-વેનમ વૅક્સિન ઇમરજન્સી વિભાગ ધરાવતી દરેક સરકારી હૉસ્પિટલમાં ઉપલબ્ધ હોય છે.”
ડૉક્ટરો દર્દીની તપાસ કરીને એ જાણવા પ્રયાસ કરે છે કે જે સાપ કરડ્યો હતો તે તે ઝેરી હતો કે કેમ. કરડેલો સાપ ઝેરી હોય તો ‘એન્ટિ-સ્નેક વેનમ’ આપવામાં આવે છે. દર્દી આ ઇન્જેક્શનથી સાજો ન થાય, તો તેને લાઇફ સપૉર્ટ સિસ્ટમ પર રાખવામાં આવે છે. આ દરમિયાન ઝેરની અસરની સારવાર કરવામાં આવે છે.
જીવડાના કરડવા અને સાપના કરડવા વચ્ચે શું ફરક છે?
ડૉ. મોંગિયા કહે છે, “સાપ કરડ્યાનાં નિશાન અલગ-અલગ પ્રકારનાં હોઈ શકે છે. ક્યારેક ચાર નિશાન હોય છે, ક્યારેક બે અને ક્યારેક માત્ર એક નિશાન હોય છે. સામાન્ય માણસ એ ઓળખી શકતો નથી કે કઈ પ્રજાતિનો સાપ કરડ્યો છે. માત્ર નિષ્ણાત જ આ તફાવત જણાવી શકે છે.”
સામાન્ય રીતે ટિક (એક પ્રકારનું જીવડું) કરડ્યાનું નિશાન બહુ ઝીણું હોય છે. ક્યારેક આ નિશાન દેખાતું પણ નથી. ક્યારેક તે ખંજવાળ કે ઉઝરડા જેવું દેખાય છે અને ક્યારેક એ નિશાન સ્પષ્ટપણે દેખાતું નથી.
ચોમાસા દરમિયાન સાપ કરડવાના બનાવ કેમ વધી જાય છે?
નિખિલ સાંગર જણાવે છે, “ચોમાસું સાપના પ્રજનનની ઋતુ છે. આથી આ દિવસોમાં તેમની સંખ્યા સામાન્ય કરતાં વધારે હોય છે. આ દિવસોમાં જીવજંતુઓ પણ પ્રજનન કરે છે. આ જ કારણે જીવજંતુઓનો પીછો કરતાં સાપ રહેણાક વિસ્તારો સુધી પણ પહોંચી જાય છે.”
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન
SOURCE : BBC NEWS




