Source : BBC NEWS
ઇમેજ સ્રોત, Getty Images
આજકાલ હાઈ બ્લડ શુગર વિશે ઘણી ચર્ચા થઈ રહી છે. જોકે, ખાધા પછી બ્લડ શુગરમાં વધારો એ શરીરનું સામાન્ય અને કુદરતી કાર્ય હોઈ શકે છે.
તો શું તમને ખબર છે કે ક્યારે ચિંતા કરવી અને ક્યારે નહીં?
પાછલાં કેટલાંક વર્ષોમાં બે આશ્ચર્યજનક ફેરફારો જોવા મળ્યા છે.
સૌપ્રથમ, ઘણા સ્વસ્થ લોકો, જેમને ડાયાબિટીસ કે અન્ય કોઈ મેડિકલ કન્ડિશન નથી, તેઓ પણ હવે આખો દિવસ બ્લડ શુગર મૉનિટર પહેરે છે. કેટલાક લોકોએ સફેદ બ્રેડ અને પાસ્તા જેવા શુદ્ધ કાર્બોહાઇડ્રેટ્સ ખાવાનું સંપૂર્ણપણે બંધ કરી દીધું છે.
હાઇ બ્લડ શુગર વિશે તમારે ક્યારે ચિંતા કરવી જોઈએ?
આજકાલ, ઘણા લેખકો, પૉડકાસ્ટર્સ અને સ્વાસ્થ્ય સંબંધિત સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર્સ કહી રહ્યા છે કે આપણે બધાએ આપણા બ્લડ શુગરના વધારા પર નજર રાખવી જોઈએ અને તેને વધતા અટકાવવું જોઈએ.
આમાંના કેટલાક લોકો આ મુદ્દાને વધુ આગળ ધપાવે છે, તેઓ કહે છે કે લોહીમાં ગ્લુકોઝનું લેવલ ખૂબ વધવા દેવો એ ખતરનાક બની શકે છે.
તેમનો દાવો છે કે જે લોકોને કોઈ મેટાબૉલિક ડિસૉર્ડર નથી, એટલે કે જેઓ સ્વસ્થ છે, તેમનામાં પણ હાઇ બ્લડ શુગર હોર્મોનલ અસંતુલન, ખીલ, મૂડ સ્વિંગ અને તેનાથી પણ વધુ ગંભીર સમસ્યાઓ જેવી હાનિ પહોંચાડી શકે છે.
પરંતુ હવે નિષ્ણાતો આ દાવા સામે સવાલ ઉઠાવી રહ્યા છે. તો ચાલો સમજીએ કે ક્યારે હાઈ બ્લડ શુગર ચિંતાનું કારણ બની શકે, અને ક્યારે કાર્બોહાઇડ્રેટયુક્ત ખોરાક ખાવાથી લાંબા ગાળે નુકસાનની બીક નથી હોતી.
ખોરાક લીધા પછી બ્લડ શુગર કેમ વધે છે?
ઇમેજ સ્રોત, Getty Images
જ્યારે આપણે ખાંડ, ફળ અથવા કાર્બોહાઇડ્રેટ્સ ધરાવતી કોઈ પણ વસ્તુ ખાઈએ છીએ, ત્યારે આપણા લોહીમાં શર્કરાનું સ્તર તેની પાચનક્રિયા વખતે આપમેળે થોડું વધી જાય છે.
આવું એટલા માટે થાય છે, કારણ કે કાર્બોહાઇડ્રેટ્સ અને ખાંડ પાચન દરમિયાન ગ્લુકોઝ બની જાય છે.
આ ગ્લુકોઝ લોહીમાં મુક્ત થાય છે, જેના કારણે થોડા સમય માટે બ્લડ શુગર વધે છે.
પછી સ્વાદુપિંડ ઇન્સ્યુલિન નામનું હોર્મોન મુક્ત કરે છે.
ઇન્સ્યુલિન લોહીના પ્રવાહમાંથી ગ્લુકોઝ દૂર કરે છે અને તેને શરીરના કોષો સુધી પહોંચાડે છે, જ્યાં કોષો તેનો ઉપયોગ ઊર્જા બનાવવા માટે કરે છે.
માત્ર ખાવાથી જ બ્લડ શુગરમાં વધારો નથી થતો
ઇમેજ સ્રોત, Getty Images
યુએસએના કનેક્ટિકટસ્થિત યેલ સ્કૂલ ઑફ મેડિસિનમાં બાળકોમાં હોર્મોનલ ડિસૉર્ડરનાં નિષ્ણાત ડૉ. જેનિફર શેર સમજાવે છે કે જ્યારે આપણે તીવ્ર કસરત કરીએ છીએ, ત્યારે શરીર એડ્રેનલિન જેવા હોર્મોન્સ મુક્ત કરે છે. આ હોર્મોન્સ લીવરને લોહીના પ્રવાહમાં વધુ ગ્લુકોઝ (ખાંડ) છોડવાનું કહે છે.
આ વધારાનું ગ્લુકોઝ કસરત કરતા સ્નાયુઓને વધુ ઊર્જા પૂરી પાડે છે, જે બ્લડ શુગરમાં કામચલાઉ વધારો કરી શકે છે.
ડાયાબિટીસ ધરાવતા લોકોને બેમાંથી એક સમસ્યા હોય છે: કાં તો તેમનું શરીર પૂરતું ઇન્સ્યુલિન ઉત્પન્ન કરતું નથી, અથવા ઇન્સ્યુલિન ઉત્પન્ન થાય છે, પણ યોગ્ય રીતે કામ કરતું નથી. આ પછીની સ્થિતિને ઇન્સ્યુલિન રઝિસ્ટન્સ કહેવામાં આવે છે.
તેથી, ખોરાક લીધા પછી, તેમના બ્લડ શુગરનું સ્તર ખતરનાક સ્તરે વધી શકે છે.
આવા લોકોએ તેમના આહાર અને કસરત પર ધ્યાન આપવું જોઈએ. અચાનક થયેલા વધારાને રોકવા માટે તેમણે વારંવાર તેમના બ્લડ શુગરનો ટેસ્ટ પણ કરાવવો જોઈએ.
કેટલાક લોકોને ઇન્સ્યુલિન અથવા મેટફોર્મિન જેવી દવાઓ પણ લેવાની જરૂર પડે છે.
સ્વસ્થ લોકોમાં બ્લડ શુગર વધે એ સામાન્ય છે
સ્વસ્થ લોકોમાં, ખાધા પછી બ્લડ શુગરમાં વધારો થાય એ શરીરનું સામાન્ય કાર્ય છે.
યુકેમાં યુનિવર્સિટી કૉલેજ લંડન ખાતે પોષણ અને આહારના ઍસોસિયેટ પ્રોફેસર એડ્રિયન બ્રાઉન કહે છે, “સૌથી મોટી ગેરસમજ એ છે કે બ્લડ શુગરમાં દરેક વધારો હાનિકારક છે.”
મેં તાજેતરમાં છ અઠવાડિયાં માટે ખાંડ, એટલે કે ખોરાક અને પીણામાં ઉમેરવામાં આવતી ખાંડ, છોડી દીધી છે. ત્યારથી, મને વધુ ખ્યાલ આવ્યો છે કે જ્યારે પણ હું કંઈક મીઠી વસ્તુ ખાઉં છું ત્યારે મારા બ્લડ શુગરનું સ્તર વધવું સ્વાભાવિક છે.
સામાન્ય રીતે ખાધા પછી એક કલાક પછી બ્લડ શુગર ટોચ પર પહોંચી જાય છે.
આ પછી, આગામી બે કલાકમાં તે ફરીથી સામાન્ય થઈ જાય છે.
બ્રાઉન કહે છે કે જો બ્લડ શુગર થોડા સમય માટે વધે અને વ્યક્તિનું શરીર ખોરાકને યોગ્ય રીતે પચાવી રહ્યું હોય અને તેને ઊર્જામાં રૂપાંતરિત કરી રહ્યું હોય, તો ચિંતા કરવાની કોઈ જરૂર નથી.
જેનિફર શેર કહે છે કે જ્યારે બ્લડ શુગર અપેક્ષા કરતાં લાંબા સમય સુધી વધારે રહે છે ત્યારે ચિંતા કરવી જોઈએ.
આનો અર્થ એ થઈ શકે છે કે શરીર ગ્લુકોઝને યોગ્ય રીતે હૅન્ડલ કરી શકતું નથી.
તે ઇન્સ્યુલિન રેઝિસટન્સનો સંકેત પણ હોઈ શકે છે, જ્યાં શરીર ઇન્સ્યુલિનને યોગ્ય રીતે પ્રતિસાદ આપતું નથી.
જો શરીરમાં લાંબા સમય સુધી બ્લડ શુગર વધારે રહે તો ઇન્સ્યુલિન રેઝિસ્ટન્સ થઈ શકે છે.
આનાથી ભવિષ્યમાં પ્રી-ડાયાબિટીસ અને ટાઇપ 2 ડાયાબિટીસ થઈ શકે છે.
ડાયાબિટીસ ધરાવતા કેટલાક લોકોમાં, જો બ્લડ શુગર સતત વધતું રહે, તો તે નસો અને આંખોને નુકસાન પહોંચાડી શકે છે.
આનાથી હૃદયરોગ અને સ્ટ્રોકનું જોખમ પણ વધી શકે છે.
જોકે, કેટલાક નિષ્ણાતો કહે છે કે હજુ સુધી એવા પૂરતા પુરાવા નથી કે હાઇ બ્લડ સુગર પ્રત્યક્ષપણે ઇન્સ્યુલિન રેઝિસ્ટન્સનું કારણ બને છે.
યુકેમાં ઑક્સફર્ડ યુનિવર્સિટીનાં ન્યુટ્રિશનિસ્ટ અને સિનિયર રિસર્ચ ફેલો નિકોલા ગેસ આનું બીજું કારણ સમજાવે છે.
તેઓ કહે છે કે જ્યારે આપણે આપણા શરીરની જરૂરિયાત કરતાં વધુ ખાઈએ છીએ, ત્યારે બાકીની કૅલરી ઘણી વાર શરીરમાં ચરબી તરીકે સંગ્રહિત થાય છે.
આનાથી વજન વધે છે, અને વજન વધવાથી ટાઇપ 2 ડાયાબિટીસનું જોખમ વધે છે.
સ્વસ્થ લોકોમાં પણ બ્લડ શુગર માપવાનાં મશીનોનું વધતું ચલણ
ઇમેજ સ્રોત, Getty Images
ડાયાબિટીસ ધરાવતા લોકો પહેલાંથી જ વારંવાર તેમના બ્લડ શુગરની તપાસ કરાવતા હોય છે.
આ કરવાની એક રીત સતત ગ્લુકોઝ મૉનિટર (સીજીએમ) છે. આ મશીન આખો દિવસ બ્લડ શુગર માપે છે.
આ મશીનો હવે એવા સ્વસ્થ લોકોને વેચવામાં આવી રહ્યાં છે, જેમને ડાયાબિટીસ નથી, અને તેમની વચ્ચે આનું વેચાણ સતત વધી રહ્યું છે.
પરંતુ કેટલાક નિષ્ણાતો ચેતવણી આપે છે કે જે લોકોને ડાયાબિટીસ નથી તેમને આ મશીનોની જરૂર નથી.
ઉદાહરણ તરીકે, ડાયાબિટીસ ન હોય એવા લોકોના અભ્યાસમાં જાણવા મળ્યું છે કે તેમના બ્લડ શુગરનું સ્તર 96 ટકા કિસ્સામાં યોગ્ય સ્તરે હતું.
કેટલાક નિષ્ણાતો એવું પણ કહે છે કે આ મશીનોને કારણે લોકો પોતાના ખોરાકમાં એવા ફેરફારો કરી શકે છે, જે તેમના માટે હાનિકારક હોઈ શકે છે.
આના કારણે, લોકોમાં તેમના સ્વાસ્થ્ય વિશે ખોટા વિચારો પણ આવી શકે છે.
આનું એક કારણ એ છે કે આ મશીનો ક્યારેક બ્લડ શુગરનું સ્તર ખરેખર હોય તેના કરતાં વધારે બતાવી શકે છે.
એડ્રિયન બ્રાઉન અને તેમના સાથીઓએ તાજેતરમાં આ વિષય પરના અભ્યાસોની તપાસ કરી.
તેમને એવા કોઈ મજબૂત અને વિશ્વસનીય પુરાવા મળ્યા નથી કે સીજીએમ (કન્ટિન્યૂઅસ ગ્લુકોઝ મૉનિટર)નો ઉપયોગ ડાયાબિટીસ ન હોય એવા લોકોના સ્વાસ્થ્યમાં સુધારો કરે છે.
જોકે, જે લોકોને ટાઇપ 2 ડાયાબિટીસ થવાનું જોખમ હોય તેમના માટે પરિસ્થિતિ અલગ હોઈ શકે છે.
જેનિફર શેર કહે છે કે પ્રારંભિક સંશોધન સૂચવે છે કે આ મશીનો એવા લોકોને ઓળખવામાં મદદ કરી શકે છે, જેમને ટાઇપ 2 ડાયાબિટીસનું જોખમ વધારે છે.
પરંતુ આવા લોકો માટે સીજીએમ ખરેખર ફાયદાકારક છે કે કેમ તે નક્કી કરવા માટે વધુ પુરાવાની જરૂર છે.
સંતુલિત આહાર હજુ પણ શ્રેષ્ઠ માર્ગ છે
સ્વસ્થ લોકોમાં બ્લડ શુગરનું પ્રમાણ વધુ હોવું સામાન્ય છે, અને ગંભીર નુકસાનનું જોખમ ઓછું છે.
તેમ છતાં, બ્લડ શુગરની ખૂબ ઝડપથી થતી વધઘટને અટકાવવાના કેટલાક ફાયદા હોઈ શકે છે.
ઉદાહરણ તરીકે, જો ખાધા પછી બ્લડ શુગર ઝડપથી ઘટી જાય, તો તમને વધુ ભૂખ લાગી શકે છે.
આના કારણે આપણે આખા દિવસ દરમિયાન વધુ ખાઈ શકીએ છીએ અને શરીરમાં વધુ કૅલરી પહોંચી શકે છે.
બ્લડ શુગર પર વિવિધ ખોરાકની અલગ અલગ અસર પડે છે.
બ્લડ શુગરને સ્થિર રાખતી વસ્તુઓ ખાવાથી તમને લાંબા સમય સુધી પેટ ભરેલું લાગે છે.
આમાં આખા અનાજ અને પ્રોટીનયુક્ત ખોરાકનો સમાવેશ થાય છે.
જ્યારે સફેદ બ્રેડ અને સફેદ ભાત જેવા સરળ કાર્બોહાઇડ્રેટ્સ ઝડપથી પચી જાય છે, અને તેમાંથી ઉત્પન્ન થતું ગ્લુકોઝ ઝડપથી લોહીમાં પહોંચે છે.
તમે જે ક્રમમાં ખોરાક લો છો તેનાથી પણ ફરક પડે છે.
અભ્યાસમાં જાણવા મળ્યું છે કે જો કાર્બોહાઇડ્રેટ્સ પહેલાં પ્રોટીન અને શાકભાજી ખાવામાં આવે તો બ્લડ શુગર સામાન્ય રીતે જેટલી વધે છે તેટલું વધતું નથી.
બીજો અભિગમ એ છે કે તમારા આહારમાં પ્રોટીન, વધુ ફાઇબરવાળા વનસ્પતિ ખોરાક અને હેલ્ધી ફૅટનો સમાવેશ કરો.
આવો સંતુલિત ખોરાક ધીમે ધીમે પચે છે અને શરીરને સતત ઊર્જા પૂરી પાડતો રહે છે.
તે યોગ્ય વજન જાળવવામાં પણ મદદ કરે છે.
એ પણ યાદ રાખવું જોઈએ કે એક જ ખોરાકની જુદા જુદા લોકો પર અલગ અલગ અસરો થઈ શકે છે.
ઇમેજ સ્રોત, Getty Images
બ્રાઉન કહે છે, “જુદા જુદા લોકોનાં શરીર ખૂબ જ અલગ રીતે પ્રતિક્રિયા આપે છે.”
“એક જ વ્યક્તિનું શરીર પણ અલગ અલગ સમયે અલગ અલગ પ્રતિક્રિયા આપી શકે છે. આ ઊંઘ, તણાવ, શારીરિક પ્રવૃત્તિ અને તેઓ જે પ્રકારનો ખોરાક લે છે તેના પર આધાર રાખે છે.”
નિકોલા ગેસ કહે છે કે ખાસ ડાયટના નામે કાર્બોહાઇડ્રેટ્સ સંપૂર્ણપણે છોડી દેવાથી પ્રતિકૂળ અસરો થઈ શકે છે.
જ્યારે આપણે થોડા સમય માટે કાર્બોહાઇડ્રેટ્સ ન ખાધા પછી ફરીથી કાર્બોહાઇડ્રેટયુક્ત ખોરાક ખાઈએ છીએ, ત્યારે બ્લડ શુગર સામાન્ય કરતાં વધુ વધી શકે છે.
સૌથી અગત્યનું, કાર્બોહાઇડ્રેટ્સ સંતુલિત આહારનો એક મહત્ત્વપૂર્ણ ભાગ છે.
નિકોલા તાજેતરની એક સમીક્ષામાં લખ્યું છે કે જો આપણે આખી ખાદ્ય શ્રેણીઓને બાકાત રાખીએ, તો બિનજરૂરી રીતે ઘણા સ્વસ્થ વસ્તુઓ પણ છૂટી શકે છે.
એકંદરે, બ્લડ શુગર પર સતત નજર રાખવાના લાભો અંગે હજુ સુધી કોઈ નક્કર પરિણામ નથી મળ્યું.
હાલ પૂરતું, એ યાદ રાખવું વધુ ઉપયોગી છે કે આપણામાંથી મોટા ભાગના લોકો પહેલાંથી જ જરૂરિયાત કરતાં વધુ ખાંડ લઈ રહ્યા છે.
આપણે ચોક્કસપણે આ ખાંડને ઘટાડવાનો પ્રયાસ કરી શકીએ.
આ લેખમાંની માહિતી ફક્ત સામાન્ય માહિતી માટે છે અને તેને તબીબી સલાહ અથવા તબીબી સલાહનો વિકલ્પ ગણવો જોઈએ નહીં.
મેલિસા હોગેનબૂમ બીબીસીનાં એક વરિષ્ઠ આરોગ્ય સંવાદદાતા છે. તેમણે ‘બ્રેડવિનર્સ’ અને ‘ધ મધરહૂડ કોમ્પ્લેક્સ’ પુસ્તકો લખ્યાં છે. તેમનું ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ melissa_hogenboom છે .
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન
SOURCE : BBC NEWS




