Home તાજા સમાચાર gujrati ‘મસ્જિદ નથી તોડવામાં આવી, બંધારણની ફજેતી કરવામાં આવી છે’, યુપીમાં એક મસ્જિદ...

‘મસ્જિદ નથી તોડવામાં આવી, બંધારણની ફજેતી કરવામાં આવી છે’, યુપીમાં એક મસ્જિદ પર બુલડોઝર ચાલ્યા બાદ કેમ વધી રહ્યો છે વિવાદ?

5
0

Source : BBC NEWS

સહારનપુરમાં મસ્જિદ તોડવા માટે વિપક્ષી નેતાઓને નજરબંદ કરવામાં આવ્યા હોવાના આરોપ લાગી રહ્યા છે. બીબીસી ગુજરાતી, ઓવૈસી મુસ્લિમ મુસલમાન ધર્મ યોગી સરકાર ભાજપ, હિંદુત્વ, કૉંગ્રેસ, એઆઈએમઆઈએમ

ઇમેજ સ્રોત, ANI

પ્રકાશિત

વાંચવાનો સમય: 6 મિનિટ

ઉત્તર પ્રદેશના સહારનપુરમાં કલેક્ટર કચેરીના પરિસરની અંદર આવેલી એક મસ્જિદને ‘ગેરકાયદેસર’ જાહેર કર્યા બાદ શનિવારે સવારે તોડી પાડવામાં આવી.

કારરવાહી દરમિયાન મોટી સંખ્યામાં પોલીસ કર્મચારીઓને તહેનાત કરવામાં આવ્યા હતા.

આ વહીવટી કાર્યવાહી 4 સપ્ટેમ્બરે જિલ્લા જજની અદાલતના એ નિર્ણય બાદ કરવામાં આવી, જેમાં મસ્જિદ વ્યવસ્થાપન સમિતિની અપીલને નામંજૂર કરવામાં આવી હતી અને અગાઉના નિર્ણયને યથાવત્ રાખવામાં આવ્યો હતો.

આ નિર્ણયમાં ધાર્મિક માળખાને સરકારી જમીન પરનું અતિક્રમણ માનવામાં આવ્યું હતું. સિટી મૅજિસ્ટ્રેટે જુલાઈમાં મસ્જિદને ‘ગેરકાયદેસર’ જાહેર કરીને તેને તોડી પાડવાનો આદેશ આપ્યો હતો.

સહારનપુરના ડીઆઈજી અભિષેકસિંહે કહ્યું, “સહારનપુર કલેક્ટર કચેરીના પરિસરમાં એક મસ્જિદ હતી. સિટી મૅજિસ્ટ્રેટની અદાલતે નિષ્કર્ષ આપ્યો કે, તેનું નિર્માણ સરકારી જમીન પર ગેરકાયદેસર રીતે કરવામાં આવ્યું હતું. મસ્જિદ સમિતિ દ્વારા તેને તોડી પાડવાના વિરોધમાં દાખલ કરાયેલી અપીલ નામંજૂર કરવામાં આવી હતી.”

તેમણે કહ્યું, “કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે અમે તમામ સાવચેતીનાં પગલાં લીધાં છે. આ કાર્યવાહી દરમિયાન તમામ કાયદાકીય પ્રક્રિયાઓનું પાલન કરવામાં આવી રહ્યું છે.”

મસ્જિદ તોડવામાં આવે તેના પહેલાં, સમાજવાદી પાર્ટીનાં લોકસભા સાંસદ ઇકરા હસનને કથિત રીતે કૈરાનામાં તેમના નિવાસસ્થાને નજરબંદ કરવામાં આવ્યાં હતાં, જેથી તેઓ સહારનપુર જઈ ન શકે. ઇકરા હસને ઍક્સ પર એક વીડિયો શૅર કર્યો છે, જેમાં પોલીસકર્મીઓ તેમને જવા દેતા નથી.

મસ્જિદ 100 વર્ષથી પણ વધુ જૂની હોવાનું જણાવવામાં આવી રહ્યું છે. કૉંગ્રેસ સાંસદ ઇમરાન મસૂદનો દાવો છે કે મસ્જિદની માલિકી વહિદ ખાન અને યાકૂબ ખાનનાં નામે નોંધાયેલી છે.

ડીઆઈજીએ જણાવ્યું કે તહેવારોને ધ્યાનમાં રાખીને સહારનપુરમાં સુરક્ષા વ્યવસ્થા વધારી દેવામાં આવી છે અને સોશિયલ મીડિયા પર પણ નજર રાખવામાં આવી રહી છે.

તેમણે કહ્યું કે આ મામલે કોઈ પણ પ્રકારની અફવા ફેલાવનાર સામે કાર્યવાહી કરવામાં આવશે.

‘લોકોને ઘરોમાં કેદ કરી મસ્જિદ તોડી પાડવામાં આવી’

યુપીના સહારનપુરમાં મસ્જિદ તોડવાનો સમગ્ર મામલો જાણો, વિપક્ષી નેતાઓને હાઉસ અરેસ્ટ કરવાના આરોપ સહારનપુરમાં મસ્જિદ તોડવા માટે વિપક્ષી નેતાઓને નજરબંદ કરવામાં આવ્યા હોવાના આરોપ લાગી રહ્યા છે. બીબીસી ગુજરાતી, ઓવૈસી મુસ્લિમ મુસલમાન ધર્મ યોગી સરકાર ભાજપ, હિંદુત્વ, કૉંગ્રેસ, એઆઈએમઆઈએમ

ઇમેજ સ્રોત, Getty Images

સ્થાનિક પત્રકાર અમિત સૈનીના જણાવ્યા અનુસાર, શુક્રવારે રાત્રે અચાનક ચર્ચા શરૂ થઈ હતી કે કલેક્ટર કચેરીના પરિસરની મસ્જિદને પ્રશાસન રાત્રે જ તોડી પાડવાનું છે. આ ચર્ચા સમગ્ર શહેર અને સોશિયલ મીડિયા સુધી પહોંચી ગઈ.

રાત વધતી ગઈ તેમ કલેક્ટર કચેરીના પરિસરની આસપાસ પોલીસકર્મીઓની હાજરી પણ વધતી ગઈ.

શનિવારે વહેલી સવારે અંદાજે ચાર વાગ્યાથી મસ્જિદને હટાવવાની કાર્યવાહી શરૂ કરવામાં આવી.

સવારે સુધીમાં મસ્જિદનો એક ભાગ તોડી પાડવામાં આવ્યો હતો. સમગ્ર ઇમારત હટાવવા માટે પ્રશાસને છ બુલડોઝર તહેનાત કર્યાં હતાં.

આ પછી કલેક્ટર કચેરીના પરિસરની બહાર નેતાઓ અને લોકોની અવરજવર વધવા લાગી.

આ મામલે કૉંગ્રેસ સાંસદ ઇમરાન મસૂદે કહ્યું, “અમારા લોકો આખી રાત જાગતા રહ્યા. અમે સતત અધિકારીઓ સાથે સંપર્ક સાધવાનો પ્રયાસ કરતા રહ્યા. તમામ માહિતી આપ્યાં છતાં મસ્જિદ તોડી પાડવામાં આવી. હકીકતમાં મસ્જિદ નથી તોડી પાડવામાં આવી, ત્યાં તો બંધારણની ફજેતી કરવામાં આવી છે.”

તેમણે કહ્યું, “આ મસ્જિદ 1911 પહેલાંની છે. આજ સુધી મસ્જિદની મિલ્કત વહિદ ખાન અને યાકૂબ ખાનનાં નામે છે. તમામ માહિતી આપ્યા પછી પણ સિટી મૅજિસ્ટ્રેટે આદેશ આપ્યો. હાઈકોર્ટમાં દરેક મુદ્દાને અવગણવામાં આવ્યો. ન તો વકફ બોર્ડને આ મામલે પક્ષકાર બનાવવામાં આવ્યું અને ન તો તેને કાર્યવાહીનો ભાગ બનાવવામાં આવ્યું.”

ઇમરાન મસૂદે આરોપ લગાવ્યો, “મસ્જિદને ચારેય બાજુથી ઘેરી લેવામાં આવી. લોકોને તેમનાં ઘરોમાં કેદ કરી દેવામાં આવ્યા. ત્યારબાદ મસ્જિદ તોડી પાડવામાં આવી.”

મસ્જિદ તોડ્યા બાદ રાજકીય પ્રતિક્રિયા

યુપીના સહારનપુરમાં મસ્જિદ તોડવાનો સમગ્ર મામલો જાણો, વિપક્ષી નેતાઓને હાઉસ અરેસ્ટ કરવાના આરોપ સહારનપુરમાં મસ્જિદ તોડવા માટે વિપક્ષી નેતાઓને નજરબંદ કરવામાં આવ્યા હોવાના આરોપ લાગી રહ્યા છે. બીબીસી ગુજરાતી, ઓવૈસી મુસ્લિમ મુસલમાન ધર્મ યોગી સરકાર ભાજપ, હિંદુત્વ, કૉંગ્રેસ, એઆઈએમઆઈએમ

ઇમેજ સ્રોત, Getty Images

મસ્જિદ તોડવાની કાર્યવાહી અંગે પ્રતિક્રિયા આપતાં અખિલેશ યાદવે સોશિયલ મીડિયા પ્લૅટફૉર્મ ઍક્સ પર લખ્યું, “સૌહાર્દ જાળવી રાખવું સરકારની સૌથી મોટી જવાબદારી પણ હોય છે અને સિદ્ધિ પણ.”

બહુજન સમાજ પાર્ટીનાં નેતા માયાવતીએ મસ્જિદ તોડવાના મુદ્દે લખ્યું, “જિલ્લા સહારનપુરની મસ્જિદ સહિત સમગ્ર ઉત્તર પ્રદેશમાં વારંવાર મસ્જિદોને ઉતાવળમાં ગેરકાયદેસર જાહેર કરીને તેમને ધરાશાયી કરવાની જે સરકારી ઝુંબેશ ચાલી રહી છે તે યોગ્ય નથી. સરકારે આવી નકારાત્મક પરિસ્થિતિઓથી બચવા માટે તેના પર તરત રોક લગાવી, અન્ય ઉપાયો કરવા જોઈએ.”

હૈદરાબાદના લોકસભા સાંસદ અસદુદ્દીન ઓવૈસીએ ઍક્સ પર લખ્યું, “સહારનપુર કલેક્ટર કચેરીના પરિસરમાં આવેલી મસ્જિદને આજે સવારે પાંચ વાગ્યે તોડી પાડવામાં આવી.”

“શું હવે મુસ્લિમો માટે ધાર્મિક સ્વતંત્રતાનો બંધારણીય અધિકાર પણ બાકી રહ્યો નથી? અમારી ઇબાદતગાહો પર વારંવાર નબળાં અને મનગમતાં કારણોના નામે બુલડોઝર કેમ ચલાવવામાં આવે છે?”

“મસ્જિદ સમિતિએ 1911ના દસ્તાવેજો અદાલતમાં રજૂ કરીને એ સાબિત કરવાનો પ્રયાસ કર્યો કે આ મસ્જિદ કલેક્ટર કચેરી બનતાં પહેલાંથી અસ્તિત્વમાં હતી. એક સદીથી વધુ સમયથી ત્યાં સતત નમાજ અદા કરવામાં આવતી રહી છે.”

“અર્થાત્ આ કોઈ આજકાલ ઊભી કરાયેલી ઇમારત નથી, પરંતુ લાંબા સમયથી ઇબાદતગાહ તરીકે ઉપયોગમાં લેવાતી રહી છે. આ જ ‘વકફ બાય યુઝર’નો આધાર છે, જેને કાયદામાં પણ માન્યતા આપવામાં આવી છે.”

મસ્જિદ તોડાયા બાદ નજરબંદ કરાયેલા સમાજવાદી પાર્ટીના એમએલસી શાહનવાઝ ખાને સમાચાર એજન્સી પીટીઆઈને જણાવ્યું, “આ 1911થી અસ્તિત્વમાં રહેલી મસ્જિદ છે, જેને આજે સવારે શહેર ઊંઘમાં હતું ત્યારે અચાનક તોડી પાડવામાં આવી. મને સમજાતું નથી કે આટલી ઉતાવળ શા માટે કરવામાં આવી.”

“જો નીચલી અદાલતમાંથી રાહત ન મળે તો આ દેશમાં દરેક વ્યક્તિને ઉપરની અદાલતનો દરવાજો ખટખટાવવાનો અધિકાર છે. જે ઝડપથી આ કાર્યવાહી કરવામાં આવી છે તે ગંભીર પ્રશ્નો ઊભા કરે છે.”

“હું વારંવાર કહેતો રહ્યો છું કે આ મસ્જિદ શહેરની વારસાગત ઓળખનો એક ભાગ છે. આ વારસાનું રક્ષણ કરવું સમગ્ર સમાજની જવાબદારી છે.”

“હું સમાજના તમામ વર્ગોના લોકોને અપીલ કરું છું કે તેઓ આગળ આવે, પોતાનો અવાજ ઉઠાવે અને આપણા શહેરની શાંતિ, સૌહાર્દ અને વારસાને બચાવવામાં મદદ કરે.”

મસ્જિદ વિવાદમાં કેવી રીતે આવી?

યુપીના સહારનપુરમાં મસ્જિદ તોડવાનો સમગ્ર મામલો જાણો, વિપક્ષી નેતાઓને હાઉસ અરેસ્ટ કરવાના આરોપ સહારનપુરમાં મસ્જિદ તોડવા માટે વિપક્ષી નેતાઓને નજરબંદ કરવામાં આવ્યા હોવાના આરોપ લાગી રહ્યા છે. બીબીસી ગુજરાતી, ઓવૈસી મુસ્લિમ મુસલમાન ધર્મ યોગી સરકાર ભાજપ, હિંદુત્વ, કૉંગ્રેસ, એઆઈએમઆઈએમ

ઇમેજ સ્રોત, ANI

શનિવારે મસ્જિદ પર થયેલી કાર્યવાહી પાછળ લગભગ દોઢ વર્ષથી ચાલી રહેલો કાયદાકીય વિવાદ છે.

જિલ્લા જજ સત્યેન્દ્રકુમારની અદાલતે 2 સપ્ટેમ્બર, 2026ના રોજ મસ્જિદ પક્ષ દ્વારા દાખલ કરાયેલી અપીલ નામંજૂર કરી હતી અને સિટી મૅજિસ્ટ્રેટ કુલદીપસિંહના 16 જુલાઈ, 2026ના આદેશને યથાવત્ રાખ્યો હતો.

જિલ્લા અદાલતે વિવાદિત જમીનને સરકારી જમીન તરીકે માન્ય ગણાવી હતી. મસ્જિદ પક્ષે સિટી મૅજિસ્ટ્રેટના આદેશને પડકારતા 20 જુલાઈએ અપીલ દાખલ કરી હતી અને અદાલતમાં કુલ 17 તારીખો સુધી સુનાવણી થઈ હતી.

સિટી મૅજિસ્ટ્રેટની અદાલતે જુલાઈમાં મસ્જિદને સરકારી જમીન પરનું ગેરકાયદેસર બાંધકામ ગણાવીને બેદખલીનો આદેશ આપ્યો હતો.

આદેશમાં 30 દિવસમાં પરિસર ખાલી કરવાની સૂચના સાથે 6 કરોડ 41 લાખ 65 હજાર 565 રૂપિયાના વળતરની પણ જોગવાઈ કરવામાં આવી હતી.

મસ્જિદ પક્ષે અદાલતમાં દલીલ કરી હતી કે આ વકફ સંપત્તિ છે.

પક્ષે મસ્જિદ લગભગ 150 વર્ષ જૂની હોવાનો દાવો પણ કર્યો હતો, પરંતુ આ દાવાના સમર્થનમાં અદાલતમાં મજબૂત પુરાવા રજૂ કરી શકાયા નહોતા.

કલેક્ટર કચેરીના પરિસરની મસ્જિદ અંગેના વિવાદની શરૂઆત બજરંગ દળના પૂર્વ પ્રાંત સંયોજક વિકાસ ત્યાગીની ફરિયાદથી થઈ હતી.

ત્યારબાદ 24 માર્ચ, 2025ના રોજ સિટી મૅજિસ્ટ્રેટની અદાલતમાં ઉત્તર પ્રદેશ લોક પરિસર અધિનિયમ હેઠળ કેસ દાખલ કરવામાં આવ્યો હતો.

લાંબી સુનાવણી બાદ 16 જુલાઈ, 2026ના રોજ સિટી મૅજિસ્ટ્રેટે મસ્જિદને ગેરકાયદેસર જાહેર કરીને બેદખલી અને ધ્વંસનો આદેશ આપ્યો હતો.

મસ્જિદ પક્ષે આ આદેશને જિલ્લા અદાલતમાં પડકાર્યો હતો. લગભગ દોઢ મહિનાની સુનાવણી બાદ જિલ્લા જજની અદાલતે 2 સપ્ટેમ્બરે અપીલ ફગાવી દીધી અને સિટી મૅજિસ્ટ્રેટના આદેશને યથાવત્ રાખ્યો.

હવે શનિવારે સવારે શરૂ થયેલી ધ્વંસની કાર્યવાહીથી આ સમગ્ર વિવાદ ફરી એકવાર શહેરના કેન્દ્રમાં આવી ગયો છે.

એક તરફ અદાલતના આદેશ બાદ વહીવટી કાર્યવાહી થઈ રહી છે, તો બીજી તરફ મસ્જિદ પક્ષ દ્વારા કાનૂની અને રાજકીય સ્તરે આગળની કાર્યવાહી કરવાની વાત કરવામાં આવી રહી છે.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

SOURCE : BBC NEWS