Source : BBC NEWS
ઇમેજ સ્રોત, Getty Images
ચોમાસા પછી તમે ક્યારેય ધાનનાં ખેતરો, શાકભાજીના બગીચાઓ કે પછી ઝાડ-છોડથી ભરપૂર વિસ્તારોમાં ગયા હોવ, તો તમે તીડને ચોક્કસ જોયાં હશે.
લીલાં પાન કે સૂકાઈ ગયેલા ઘાસમાં આસપાસના વાતાવરણ સાથે ભળી જતું આ જીવડું ઘણીવાર બિલકુલ સ્થિર બેસેલું જોવા મળે છે. તે પોતાના શિકારની અત્યંત ધીરજપૂર્વક રાહ જોઈને બેસી રહે છે.
તેના આગળના બે પગ વાળી રાખવાની વિશિષ્ટ મુદ્રા એવી હોય છે, જાણે હાથ જોડીને પ્રાર્થના કરી રહ્યું હોય! તેની આ સ્થિતિને અંગ્રેજીમાં ‘પ્રેઇંગ મેન્ટિસ’ કહેવામાં આવે છે. તેનું સ્વરૂપ ભલે ખૂબ શાંત અને નિર્દોષ લાગે, પરંતુ જીવજંતુઓની દુનિયામાં તે અત્યંત કુશળ અને ઘાતક શિકારીઓમાંનું એક ગણાય છે.
જોકે, આ પ્રજાતિની માદા જીવાત સંભોગ બાદ નરને જ ખાઈ જાય છે, એવી માન્યતા વ્યાપકપણે પ્રચલિત છે. તો શું ખરેખર આવું બને છે? તેમાં કેટલું તથ્ય છે?
પરિસ્થિતિ સાથે ભળી જવાની અદભુત કળા
ઇમેજ સ્રોત, SUBAGUNAM KANNAN
ઝુઓલોજીકલ સર્વે ઓફ ઇન્ડિયાના આંકડા મુજબ, વિશ્વભરમાં તીડની 2,300થી વધુ જાતિઓની ઓળખ થઈ ચૂકી છે. ખાસ કરીને ભારતમાં વિવિધ પ્રકારના આવાસોમાં તીડની અંદાજે 184 જાતિઓ નોંધાઈ છે.
આ જીવડાં ઉષ્ણકટિબંધીય જંગલો, ઘાસનાં મેદાનો, ઝાડીઓથી ભરેલા વિસ્તારો અને ખેતીની જમીનો સહિતના અનેક પ્રકારના પર્યાવરણમાં વસે છે.
વિશ્વના સૌથી સમૃદ્ધ જૈવવૈવિધ્ય ધરાવતા વિસ્તારોમાંના એક ગણાતા પશ્ચિમ ઘાટમાં પણ તીડની ઘણી પ્રજાતિઓ જોવા મળે છે. ખાસ કરીને કેરળ, તમિલનાડુ અને કર્ણાટકમાં ફેલાયેલા પશ્ચિમ ઘાટના દક્ષિણ ભાગમાં 12 વૈજ્ઞાનિક વર્ગોને આવરી લેતી 61 પ્રજાતિઓ નોંધાઈ હોવાનું ઝુઓલોજીકલ સર્વે ઓફ ઇન્ડિયાના આંકડા દર્શાવે છે.
આ શિકારી જીવડાંઓને અન્ય જીવજંતુઓથી અલગ ઓળખ અપાવવામાં તેમની ‘કેમોફ્લેજ’ એટલે કે આસપાસના વાતાવરણમાં ભળી જવાની અદ્ભુત ક્ષમતા અત્યંત મહત્ત્વની ભૂમિકા ભજવે છે.
તીડનું શરીર ક્યારેક લીલા પાન જેવું, ક્યારેક સૂકાઈ ગયેલી ભૂરા રંગની ડાળી જેવું, ક્યારેક ઝાડની છાલ જેવું તો કેટલીક વખત ફૂલ જેવું પણ દેખાઈ શકે છે.
આ વિશેષતાના કારણે તીડ પ્રકૃતિમાં એટલી સહજ રીતે ભળી જાય છે કે શત્રુઓની નજરે ચડતું નથી. પરંતુ તેનો આ છદ્મવેશ માત્ર પોતાનું રક્ષણ કરવા માટે જ નથી, તેના શિકારની રણનીતિનો પણ એક મહત્ત્વનો ભાગ છે.
હવામાં ઊડતા શિકારનો પીછો કરીને તેને પકડી લેતા ડ્રેગનફ્લાય કે જાળું બાંધીને રાહ જોતા કરોળિયાથી વિપરીત, તીડ પાનમાં પાન, ડાળીમાં ડાળી અને ફૂલમાં ફૂલ બની જાય છે. તે અદ્ભુત ધીરજ સાથે કલાકો સુધી એક જ જગ્યાએ સંતાઈને પોતાના શિકારની રાહ જોઈને બેસી રહે છે.
એક જ સ્થાને બિલકુલ હલનચલન કર્યા વિના તે કલાકો સુધી સ્થિર રહી શકે છે અને તેની નજીક આવતા જ કોઈ પણ જીવાતને પળવારમાં પકડી લે છે.
તીડ એટલી હદે નિશ્ચલ રહી શકે છે કે અનુભવી વન્યજીવ ફોટોગ્રાફરો અને પક્ષીપ્રેમીઓ પણ ઘણી વખત તેને શોધવામાં નિષ્ફળ જાય છે.
નિષ્ણાતોના જણાવ્યા અનુસાર, આ અદ્ભુત ક્ષમતાના કારણે તીડને શિકાર મળવાની સંભાવના તો વધી જ જાય છે, સાથે-સાથે પક્ષીઓ જેવા તેના કુદરતી શત્રુઓથી બચીને જીવતા રહેવાની તક પણ વધારે મળે છે.
ત્રિપરિમાણીય દૃષ્ટિની અનોખી ક્ષમતા
ઇમેજ સ્રોત, Getty Images
આસપાસના વાતાવરણમાં ભળી જવાની તેની કળા જેટલી આશ્ચર્યજનક છે, એટલું જ તેનું બીજું શક્તિશાળી હથિયાર છે તેની દૃષ્ટિ.
અમેરિકાના PNAS સામયિકમાં પ્રકાશિત થયેલા એક સંશોધન લેખ અનુસાર, તીડની બે મોટી આંખોમાં ‘ઓમેટીડિયા’ તરીકે ઓળખાતા હજારો સૂક્ષ્મ લેન્સ હોય છે. રૉયલ ઍન્ટોમોલોજિકલ સોસાયટીના જણાવ્યા અનુસાર, તીડની એક જ આંખમાં અંદાજે 3,500 જેટલા ઓમેટીડિયા હોય છે. આંખોની આ વિશિષ્ટ રચનાના કારણે તે પોતાનું માથું કે શરીર ફેરવ્યા વગર જ આસપાસની લગભગ દરેક હિલચાલને સ્પષ્ટપણે જોઈ શકે છે.
આ ઉપરાંત, અશોકા ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઍન્વાયર્નમેન્ટલ રિસર્ચનાં કીટશાસ્ત્રી ડૉ. સહાના જણાવે છે કે જંતુઓની દુનિયામાં તીડ એવી ગણતરીની જીવાતોમાં સામેલ છે, જે 3D દૃષ્ટિ ધરાવે છે.
2018માં ન્યૂકેસલ યુનિવર્સિટીના વૈજ્ઞાનિકો દ્વારા કરવામાં આવેલા સંશોધનમાં પણ આ વાતની પુષ્ટિ થઈ હતી.
સંશોધનમાં જાણવા મળ્યું હતું કે, તીડ પોતાની બંને આંખોથી દેખાતાં દૃશ્યોને એકસાથે સરખાવીને ત્રિપરિમાણીય રીતે સમજે છે. આ ક્ષમતાના કારણે શિકાર તેનાથી કેટલા અંતરે છે તેનો અંદાજ મનુષ્ય કરતાં પણ વધુ ચોકસાઈથી લગાવી શકે છે.
ડૉક્ટર સહાનાના જણાવ્યા અનુસાર, આ જ ક્ષમતાની મદદથી તીડ ગણતરી કરી શકે છે કે શિકાર તેના હુમલાની રેન્જમાં ક્યારે આવશે. તેથી તે છેલ્લી ક્ષણ સુધી સંપૂર્ણ સ્થિર રહે છે અને યોગ્ય સમય આવતા જ વીજળીની ઝડપે હુમલો કરે છે.
ન્યૂકેસલ યુનિવર્સિટીના વૈજ્ઞાનિકોના જણાવ્યા મુજબ, આ ક્ષમતાના કારણે શિકાર ચૂકી જવાની શક્યતા ઘણી ઓછી થઈ જાય છે અને બિનજરૂરી ઊર્જાનો વ્યય પણ ટળી જાય છે.
તીડની એક બીજી વિશેષતા પણ વર્ષોથી વૈજ્ઞાનિકોને આશ્ચર્યમાં મૂકી રહી છે. તેની આંખોમાં જાણે કોઈ હલનચલન કરતી કીકી હોય એવું લાગે છે. તીડની આંખોમાં દેખાતું ઘેરા રંગનું એક ટપકું ખરેખર આંખની કીકીની જેમ તે જે દિશામાં જુએ છે તે દિશામાં ખસતું હોય એવું લાગે છે.
પરંતુ, રોયલ એન્ટોમોલોજિકલ સોસાયટીના સંશોધનમાં સ્પષ્ટતા કરવામાં આવી છે કે, તીતીઘોડાને વાસ્તવમાં આંખની કીકી હોતી નથી, પરંતુ તેની આંખોમાં હજારો ઓમેટીડિયા પ્રકાશને એ રીતે ગ્રહણ કરે છે કે જેના લીધે દૃષ્ટિભ્રમ થાય છે.
અસીમ ધીરજ અને અદ્ભુત ઝડપ
ઇમેજ સ્રોત, SUBAGUNAM KANNAN
તીડના શિકારને નજીકથી નિહાળીએ તો તેની અસીમ ધીરજનો પરિચય મળે છે, અને તેના હુમલાને જોતાં તેની અદ્ભુત ઝડપનો અહેસાસ થાય છે.
આ વાતનું એક જીવંત ઉદાહરણ મને ત્યારે જોવા મળ્યું, જ્યારે મેં તિરુપુરમાં ‘બૉક્સર મેન્ટિસ’ તરીકે ઓળખાતી તીડની એક પ્રજાતિને એક નાનકડા લીલા જીવડાં ‘લીફહોપર’નો શિકાર કરતાં મારી સગી આંખે જોઈ.
એક દિવસ, વહેલી સવારે હું બે વન્યજીવ ફોટોગ્રાફરો સાથે જીવજંતુઓના નિરીક્ષણ માટે તિરુપુરના ઝાડ અને ઝાડીઓથી ઘેરાયેલા વિસ્તારમાં ગયો હતો. ત્યાં સામાન્ય રીતે જોવા મળતાં લીલાં તીડ ઉપરાંત, તેમનાં ઈંડાં અને ‘બૉક્સર મેન્ટિસ’ પણ જોવાં મળ્યાં.
ત્યાં એક બૉક્સર મેન્ટિસ છોડની ડાળી પર લાંબા સમયથી એકદમ સ્થિર બેઠું હતું. હું લગભગ વીસેક મિનિટ સુધી તેને નિહાળતો રહ્યો. આખરે એક લીફહોપર જીવડું નજીક બેઠેલા તીડની હાજરીથી સંપૂર્ણ અજાણ, તેની બાજુમાં આવીને બેઠું અને પછીની ક્ષણમાં શું બન્યું તે હું સમજી શકું, તે પહેલાં જ તે જીવડું બૉક્સર મેન્ટિસના આગળના પગમાં ઝડપાઈ ગયું હતું.
આ ઘટનાથી સમજાય છે કે શિકાર પકડવા માટે તેના આગળના પગ કેટલા અદ્ભુત રીતે વિકસિત થયેલા છે. શક્તિશાળી સ્નાયુઓથી ખેંચીને તૈયાર થયેલા પગ સ્પ્રિંગની જેમ માથાની નીચે વળેલા રહે છે. શિકાર અનુકૂળ અંતરે પહોંચે કે તરત જ આ પગ પળવારમાં આગળ ધસી આવે છે. સામેના જીવડાને કંઈ સમજાય તે પહેલાં જ તે પગ પર આવેલા તીક્ષ્ણ કાંટાઓ વચ્ચે ફસાઈ જાય છે.
હાઈસ્પીડ વિડિયો વિશ્લેષણો દર્શાવે છે કે આ સમગ્ર હુમલો માત્ર 50થી 70 મિલિસેકન્ડમાં પૂર્ણ થઈ જાય છે. એટલે કે, મનુષ્યને આંખ ઝપકાવવામાં જેટલો સમય લાગે તેના કરતાં પણ ઓછા સમયમાં તીડ પોતાનું કામ પાર પાડી દે છે.
કીટશાસ્ત્રી સહાનાના જણાવ્યા મુજબ, કલાકો સુધી સ્થિર રહી શકતાં આ જીવડાં પોતાનું શરીર હલાવ્યા વિના અને આસપાસના વાતાવરણનું ધ્યાન આકર્ષ્યા વગર પોતાનું માથું લગભગ 180 ડિગ્રી ફેરવી શકે છે. આ અસાધારણ લવચીકતાના કારણે તેઓ પોતાની હાજરીનો ભેદ ખોલ્યા વગર શિકારને શોધી શકે છે અને સાથે-સાથે પોતાની ઉપર હુમલો કરવા આવતા શત્રુઓને પણ સમયસર ઓળખી શકે છે.
ડૉક્ટર સહાનાના જણાવ્યા મુજબ, તીડ સ્વાભાવિક રીતે જ પાકને નુકસાન પહોંચાડતી અનેક પ્રકારની જીવાતોને ખાઈ જાય છે, તેથી તે ખેતી માટે મિત્રજીવ ગણાય છે. જોકે, તે મધમાખી, પતંગિયાં કે અન્ય જીવાતો વચ્ચે કોઈ ભેદ નથી રાખતું. તેની નજરે ચડતી લગભગ દરેક જીવાત તેનો શિકાર બને છે. પરિણામે, પરાગનયન દ્વારા ખેતીને લાભ પહોંચાડતી જીવાતો પણ તેના ભોજનનો ભાગ બને છે.
માદા તીડ ખરેખર નર તીડને ખાઈ જાય છે?
ઇમેજ સ્રોત, Getty Images
તીડને જીવજંતુઓની દુનિયામાં અનોખું સ્થાન અપાવવામાં માત્ર તેની શિકાર કરવાની કુશળતા જ જવાબદાર નથી, પરંતુ પ્રજનનનું વિશિષ્ટ વર્તન પણ એટલું જ રસપ્રદ છે. સામાન્ય રીતે એવી માન્યતા છે કે સંભોગ પૂર્ણ થતાં જ માદા તીડ નર તીડને ખાઈ જાય છે.
આ માન્યતામાં થોડું સત્ય તો છે, પણ દરેક વખતે અને દરેક જાતિના તીડને આ વાત લાગનું પડતી નથી. કીટશાસ્ત્રી ડૉ. સહાનાના જણાવ્યા અનુસાર, સંભોગ પછી નર તીડને ખાઈ જવાની ઘટના તે તીડની જાતિ અને તે જે પર્યાવરણમાં રહે છે તેના પર આધાર રાખે છે.
તેમના જણાવ્યા મુજબ, કેટલીક વિશિષ્ટ જાતિઓમાં આવું વર્તન સ્વાભાવિક રીતે જોવા મળે છે, જ્યારે બીજી ઘણી જાતિઓમાં આવી ઘટના અત્યંત દુર્લભ છે. કેટલીકવાર તો બિલકુલ બનતી જ નથી. માદા તીડને કેટલી ભૂખ લાગી છે, તેની ઉંમર કેટલી છે અને તે સમયે પરિસ્થિતિ કેવી છે, જેવાં પરિબળો નક્કી કરે છે કે સંભોગ પછી નર તીડ તેનું ભોજન બનશે કે નહીં.
સ્ટેટ યુનિવર્સિટી ઓફ ન્યૂ યૉર્કના પ્રોફેસર વિલિયમ ડી. બ્રાઉન અને સંશોધકો કેથરિન બેરી અને માર્ક એલ્ગર જેવા નિષ્ણાતો દ્વારા કરવામાં આવેલા સંશોધનથી પણ સાબિત થયું છે કે નર તીડ દરેક વખતે સમાગમ પૂર્ણ થાય ત્યારે બલિદાન આપે જ તે ફરજિયાત નથી.
સંભોગ બાદ માદા તીડ એક ફીણવાળું પ્રવાહી સ્રવે છે અને તેમાં પોતાના ઈંડાં મૂકે છે. થોડા સમય પછી આ ફીણ સખત બની જાય છે અને ‘ઊથેકા’ તરીકે ઓળખાતા સુરક્ષિત ઈંડાના કોષમાં ફેરવાય છે.
ઇમેજ સ્રોત, SUBAGUNAM KANNAN
સહાનાના જણાવ્યા મુજબ, તીડના પ્રજનનમાં માદા જીવાતને મળતું પોષણ અત્યંત મહત્ત્વની ભૂમિકા ભજવે છે.
તેમના કહ્યા મુજબ, જો માદા તીડ ખૂબ ભૂખી હોય તો તેની નજીક આવતા નર તીડ પર હુમલો કરીને તેને ખાઈ જવાની શક્યતા વધી જાય છે. પણ જો તેને પૂરતું ભોજન મળ્યું હોય અને તે તૃપ્ત હોય, તો તે સામાન્ય રીતે આવું આક્રમક વર્તન કરતી નથી.
નર તીડનું ભોજન કરવાથી માદા તીડને જરૂરી પોષક તત્ત્વો મળે છે. આ પોષણ તેના સ્વાસ્થ્ય માટે લાભદાયી છે અને વધુ મજબૂત ઈંડાકોષ તૈયાર કરવામાં તેમજ વધુ સંખ્યામાં ઈંડાં મૂકવામાં મદદરૂપ થાય છે.
સહાનાના જણાવ્યા અનુસાર, આસપાસ પૂરતું ભોજન ઉપલબ્ધ ન હોય તેવી પરિસ્થિતિમાં જ માદા તીડ નર તીડને ખાય છે. તેથી તેને નર જીવાતના ‘બલિદાન’ તરીકે જોવાને બદલે, સફળ પ્રજનન માટે પ્રકૃતિએ વિકસાવેલી એક સ્વાભાવિક વ્યૂહરચના તરીકે જોવું જોઈએ. જોકે, સ્ટેટ યુનિવર્સિટી ઓફ ન્યૂ યૉર્કના અભ્યાસો દર્શાવે છે કે નર તીડ એટલા નિર્દોષ અને બેદરકાર નથી હોતાં.
આ અભ્યાસો અનુસાર, માદા સાથે સંભોગ માટે આગળ વધતાં પહેલાં નર તીડ પરિસ્થિતિનું ખૂબ જ સાવધાનીપૂર્વક મૂલ્યાંકન કરે છે અને શક્ય હોય ત્યાં સુધી પોતે તેના ભોજનમાં ફેરવાઈ જવાના જોખમથી બચવાનો પ્રયાસ કરે છે.
સંભોગ બાદ માદા તીડ ફીણ જેવા પ્રવાહીનો સ્રાવ કરીને તેમાં પોતાના ઈંડાં મૂકે છે. થોડા જ સમયમાં આ ફીણ સખત બનીને ‘ઊથેકા’ તરીકે ઓળખાતા સુરક્ષિત ઈંડાકોષનું સ્વરૂપ ધારણ કરે છે. તીડની પ્રજાતિ અનુસાર એક જ ઈંડાકોષમાં અમુક ડઝનથી લઈને સેંકડો ઈંડાં હોઈ શકે છે.
આ અદ્ભુત ઈંડાકોષ કુદરતી રક્ષાકવચની જેમ કાર્ય કરે છે. ઈંડાંમાંથી બચ્ચાં બહાર આવે ત્યાં સુધી તે તેમને અતિશય ગરમીથી સૂકાઈ જતાં અટકાવે છે, હવામાનના ફેરફારોથી બચાવે છે અને અન્ય શત્રુ જીવાતોના હુમલાથી પણ રક્ષણ કરે છે.
પ્રજનનની ઋતુ દરમિયાન આવા ‘ઊથેકા’ ઈંડાકોષ ઘાસના તણખલાં, ઝાડીઓ, વૃક્ષોની ડાળીઓ અથવા વાડના થાંભલાઓ સાથે ચોંટેલા જોવા મળે છે.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન
SOURCE : BBC NEWS




