Home તાજા સમાચાર gujrati રાજકોટ : આંતરજ્ઞાતિય લગ્ન બાદ દલિત યુવકની હત્યા પછી સાળાની ધરપકડ, આરોપી...

રાજકોટ : આંતરજ્ઞાતિય લગ્ન બાદ દલિત યુવકની હત્યા પછી સાળાની ધરપકડ, આરોપી ત્રણ અઠવાડિયાંથી ક્યાં સંતાયો હતો?

6
0

Source : BBC NEWS

રાજકોટ : આંતરજ્ઞાતિય લગ્ન બાદ દલિત યુવકની હત્યા પછી સાળાની ધરપકડ, આરોપી ત્રણ અઠવાડિયાંથી ક્યાં સંતાયો હતો? બીબીસી ગુજરાતી ન્યૂઝ સમાચાર

પ્રકાશિત

વાંચવાનો સમય: 4 મિનિટ

24 સપ્ટેમ્બરના રોજ રાજકોટ શહેરની વચ્ચે આવેલ અને જ્યાં વાહનોની અવરજવરનો સતત ધમધમાટ રહે છે તેવા ભક્તિનગર સર્કલમાં વિમલ વાણિયા નામના 27 વર્ષના એક દલિત યુવક પર ત્રણ શખ્સોએ કથિત રીતે હુમલો કર્યો હતો.

તેની જાહેરમાં હત્યા થઈ હોવાની ફરિયાદ રાજકોટના ભક્તિનગર પોલીસ સ્ટેશનમાં નોંધાઈ હતી. હવે મુખ્ય આરોપીને પોલીસે પકડી લીધો છે.

પોલીસે જણાવ્યું હતું કે, આશરે સાત વર્ષ અગાઉ વિમલ અને શીતલ ઘાંઘળ નામની મહિલાએ રાજીખુશીથી લગ્ન કર્યાં હતાં.

શીતલ અન્ય જ્ઞાતિનાં કુટુંબમાં જન્મેલાં મહિલા છે. વિમલનાં માતા ભારતીબહેને પોલીસને જણાવ્યું હતું કે શીતલે એક દલિત યુવક સાથે લગ્ન કરતાં તેનો ભાઈ કમલેશ ઘાંઘળ નારાજ હતો.

તેથી, અન્ય બે લોકોની મદદથી કમલેશે વિમલ પર ભક્તિનગર સર્કલમાં છરી વડે હુમલો કરી તેની હત્યા નિપજાવી છે, તેવી ફરિયાદ વિમલનાં માતાએ પોલીસને કરી હતી.

આરોપી સાળો કેવી રીતે પકડાયો?

રાજકોટ : આંતરજ્ઞાતિય લગ્ન બાદ દલિત યુવકની હત્યા પછી સાળાની ધરપકડ, આરોપી ત્રણ અઠવાડિયાંથી ક્યાં સંતાયો હતો? બીબીસી ગુજરાતી ન્યૂઝ સમાચાર

આ કથિત હત્યાનાં ત્રણ અઠવાડિયાં બાદ રાજકોટ સીટી પોલીસની ક્રાઇમ બ્રાન્ચે 15 ઑક્ટોબરના રોજ કમલેશ ઘાંઘળને રાજકોટ શહેરના પૂર્વ ભાગમાં આવેલ કુવાડવા ગામ પાસેના હાઇવે પરથી પકડી લીધો હતો.

પોલીસના જણાવ્યા અનુસાર, કમલેશ ઘાંઘળની ઉંમર 25 વર્ષ છે. એક અખબારી યાદીમાં ક્રાઇમ બ્રાન્ચે જણાવ્યું હતું કે ગુનાની ગંભીરતાને ધ્યાને લઇ આરોપીઓને પકડી પાડવા માટે પોલીસની અલગ અલગ ટીમો બનાવવામાં આવી હતી.

અખબારી યાદીમાં ક્રાઇમ બ્રાન્ચે જણાવ્યું કે પોલીસની ટીમો બનાવ સ્થળની આજુ-બાજુના સીસીટીવી ફુટેજ ચેક કરી, ટેકનિકલ તથા હ્યુમન સૉર્સથી ‘મર્ડર’ના આરોપીઓને શોધી કાઢવા સતત પ્રયત્નશીલ હતી.

“એ પછી મળેલી ચોક્કસ બાતમીને આધારે રાજકોટ-અમદાવાદ હાઇવે, કુવાડવા ગામ હાઇવે ઉપરથી મર્ડરના ગુનાના મુખ્ય આરોપીને પકડી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે.”

પોલીસનું શું કહેવું છે?

આ કેસની તપાસ રાજકોટ સીટી પોલીસના પૂર્વ વિભાગના એસીપી ભરત જાદવ કરી રહ્યા છે.

બીબીસી સાથે શુક્રવારે વાત કરતાં એસીપી ભરત જાદવે કહ્યું, “આરોપીને અમે કોર્ટમાં રજૂ કર્યો છે અને તેના રિમાન્ડ માગવા અરજી કરી છે. કોર્ટે તે અરજી ગ્રાહ્ય રાખતા પાંચ દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે. આરોપી આટલા દિવસ ક્યાં નાસતો-ફરતો હતો તેની તપાસ ચાલુ છે.”

જોકે, આ કેસની તાપસ સાથે સંકળાયેલ અન્ય એક પોલીસ અધિકારીએ પોતાની ઓળખ છતી ન કરવાની શરતે બીબીસીને જણાવ્યું કે, “વિમલ વાણિયાને છરીના ઘા મારી મોતને ઘાટ ઉતાર્યા બાદ મુખ્ય આરોપી કમલેશ ઘાંઘળ મથુરા ભાગી ગયો હતો અને ત્યાં સંતાતો ફરતો હતો. પરંતુ તે રાજકોટ પાછો આવતા ક્રાઇમ બ્રાન્ચે તેને શહેરની ભાગોળેથી જ પકડી લીધો હતો.”

પરિવારની ના-મંજૂરી, બળજબરી છતાં શીતલ કઈ રીતે વિમલને પરણ્યાં?

રાજકોટ : આંતરજ્ઞાતિય લગ્ન બાદ દલિત યુવકની હત્યા પછી સાળાની ધરપકડ, આરોપી ત્રણ અઠવાડિયાંથી ક્યાં સંતાયો હતો? બીબીસી ગુજરાતી ન્યૂઝ સમાચાર

પોલીસ ઇન્સ્પેક્ટર જે.ડી. પરમારે જણાવ્યું કે, એકબીજાના પ્રેમમાં પડ્યાં બાદ વિમલ અને શીતલ ઘરેથી ભાગી ગયાં હતાં, પરંતુ શીતલને તેમના ભાઈએ શોધી કાઢ્યાં હતાં અને ઘરે લઈ આવ્યાં હતાં.

“શીતલને ઘરે લઈ આવ્યા બાદ તેમના પરિવારે તેમનાં લગ્ન અન્ય યુવક સાથે કરાવી દીધાં હતાં. પરંતુ શીતલને તે લગ્ન અમાન્ય હતાં અને તેઓ પાછાં આવી ગયાં હતાં અને સંરક્ષણગૃહમાં આશરો લીધો. ત્યાર બાદ તેમણે વિમલ સાથે લગ્ન કરી લીધાં હતાં.”

ફરિયાદમાં વિમલનાં માતા ભારતીબહેને જણાવ્યું કે, વિમલ અને શીતલ પ્રથમ વાર ઘર છોડીને ભાગી ગયાં બાદ કડી તરફ રહેવા ગયાં હતાં.

એફઆઇઆરમાં માતાને ટાંકીને નોંધવામાં આવ્યું છે, “ત્યાં શીતલનો ભાઈ કમલેશ ઉર્ફે કાનો લાખાભાઈ ઘાંઘળ પહોંચી ગયો હતો અને વિમલને માર માર્યો હતો અને શીતલને તેડીને જતો રહ્યો હતો. પછી શીતલને બીજે પરણાવી દીધાં હતાં.”

“આ બનાવના એક વર્ષ પછી શીતલ ફરી પાછાં તેમના ઘરેથી ભાગીને વિમલની પાસે રહેવાં આવી ગયાં હતાં.”

પિતા બન્યાના 11 મહિના બાદ વિમલની ‘હત્યા’

રાજકોટ : આંતરજ્ઞાતિય લગ્ન બાદ દલિત યુવકની હત્યા પછી સાળાની ધરપકડ, આરોપી ત્રણ અઠવાડિયાંથી ક્યાં સંતાયો હતો? બીબીસી ગુજરાતી ન્યૂઝ સમાચાર

ભક્તિનગર પોલીસ ઇન્સ્પેક્ટર જે.ડી. પરમારે જણાવ્યું કે વિમલ વાણિયા સીએનસી મશીન ઑપરેટર તરીકે કામ કરીને પરિવારનું ગુજરાન ચલાવતા હતા. તેમનાં બહેનનાં લગ્ન થઈ ગયાં છે. વિમલ નાના હતા ત્યારે જ તેમના પિતાનું બીમારીથી મૃત્યુ થઈ જતા તેમનાં માતાએ બીજાં લગ્ન કર્યાં હતાં.

પોલીસ ઇન્સ્પેક્ટરે વધુમાં ઉમેરતા કહ્યું કે, કમલેશ વાહન ડ્રાઇવર તરીકે કામ કરે છે.

જે.ડી. પરમારે કહ્યું, “વિમલ પર થયેલા હુમલાનું રેકૉર્ડિંગ ભક્તિનગર સર્કલ વિસ્તારમાં લગાડેલા સીસીટીવી કૅમેરામાં થઈ ગયું છે. સીસીટીવી ફૂટેજથી એવું સાબિત થાય છે કે ત્રણ હુમલાખોરોમાંથી એક કમલેશ જ હતો.”

જોકે, મીડિયા સાથેની વાતચીતમાં શીતલે કહ્યું હતું કે, વિમલ સાથે લગ્નનો નિર્ણય લીધા બાદ તેમનો ભાઈ તેમને ધમકી આપ્યા કરતો હતો.

તેમણે કહ્યું, “હું ભાગી ત્યારે, મારા ભાઈએ કહ્યું હતું, કે ‘તું જે દિવસે સામી મળીશ ને તે દિવસે’ તને મારી નાખીશ. આજ તો મનેય તેણે મારી નાખી હોત કદાચ, જો હું મારા ઘરવાળા સાથે હોત તો.”

“મને, મારા છોકરાને બધાંયને મારી નાખ્યા હોત. મેં લવ મૅરેજ કર્યાં હતાં, ભાગીને લગ્ન કર્યાં હતાં. આજ સાત વરસે એણે માર્યા મારા ઘરવાળાને.”

શીતલે કહ્યું કે 11 મહિના પહેલાં તેમણે એક દીકરાને જન્મ આપતા તેઓ અને વિમલ માતાપિતા બન્યાં હતાં.

તેમણે ઉમેર્યુ, “હું એમને કોઈને નથી નડતી, કોઈ દિવસ આડે નથી આવી. મેં કોઈ દિવસ કોઈને પૂછ્યું નથી.”

“પણ તેણે આવી રીતે મારા ઘરવાળાને માર્યો. આવડો છોકરો ક્યાં જશે તેના બાપ વગર. એને ફાંસીની સજા મળે, બસ.”

કમલેશ ઉર્ફે કાના ઘાંઘળ કે તેના વકીલનો તાત્કાલિક સંપર્ક થઈ શક્યો ન હતો.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

SOURCE : BBC NEWS