Home તાજા સમાચાર gujrati રાજકોટ : ‘હવે કોઈ સામું પણ જોતું નથી’, ટીઆરપી અગ્નિકાંડનાં બે વર્ષ...

રાજકોટ : ‘હવે કોઈ સામું પણ જોતું નથી’, ટીઆરપી અગ્નિકાંડનાં બે વર્ષ બાદ પીડિત પરિવારોની અવદશા

5
0

Source : BBC NEWS

ટીઆરીપ, બીબીસી ન્યૂઝ ગુજરાતી

ઇમેજ સ્રોત, BIPIN TANKARIA/BBC

જૂનાગઢના માંગરોળ તાલુકાના કાલેજ ગામના વતની ચંદુભાઈ કાથડ વર્ષો સુધી તેમના ગામની આજુબાજુના ખેડૂતોની વાડીઓમાં કૂવા ખોદવાની મજૂરી કરતા રહ્યા અને તેમની ચાર દીકરીઓ અને એક દીકરાને સારું શિક્ષણ મળી રહે તે માટે તનતોડ મહેનત કરતા રહ્યા.

મોટી બે દીકરી-કાજલ અને સુમિતાના વિવાહ બાદ પિતાએ નાની દીકરીઓ સંતોષ અને આશા અને દીકરા કૃષ્ણાને સારું શિક્ષણ અપાવવા શક્ય તમામ પ્રયાસ કર્યાં.

પરિવારની પાતળી આર્થિક સ્થિતિ પામી જઈને સંતોષ આગળના ભણતર માટે અને કામની શોધમાં રાજકોટ આવ્યાં. તેમને એક શૉપિંગ મૉલમાં સેલ્સગર્લ તરીકે નોકરી મળી ગઈ. ત્યાર બાદ નાની બહેન આશા 202૩માં બારમા ધોરણની પરીક્ષામાં નાપાસ થતાં તે પણ કામની શોધમાં રાજકોટ આવી ગયા અને તેમને ટીઆરપી ગેમ ઝોનમાં નોકરી મળી ગઈ.

બંને બહેનો નોકરી કરવા ગામ છોડીને રાજકોટ આવી જતા ચંદુભાઈ અને તેમનાં પત્ની ગીતાબહેન પણ દીકરીઓને સહારો આપવા રાજકોટ આવી ગયાં. મજૂર ચંદુભાઈ રાજકોટ શહેરમાં એક પ્રાઇવેટ પેઢીમાં ચોકીદાર તરીકે નોકરી કરવા મંડ્યા, પરંતુ આશાએ નોકરી ચાલુ કરી ત્યાર બાદ અંદાજે સાત મહિના પછી 25 મેં, 2024ના રોજ આગ ફાટી નીકળી. તે આગમાં આશા અને 26 અન્ય લોકોનાં મૃત્યુ થયાં.

આ ભીષણ અગ્નિકાંડને બે વર્ષ થયાં છે, પરંતુ 49 વર્ષના ચંદુભાઈ તે ઘટના વિષે વાત કરતાં રડી પડે છે અને ભય વ્યક્ત કરે છે કે તેઓ બેભાન થઈ જશે. દીકરીને બપોરનું ટિફિન આપવા પિતા દરરોજ ટીઆરપી ગેમ ઝોન જતા હતા તેમ પરિવાર કહે છે. પિતા કહે છે કે ગેમ ઝોનમાં આગ ફાટી નીકળી ત્યારે તેઓ ગેમ ઝોનની બહાર હતા, પરંતુ તેમની દીકરીને બચાવવા કશું ન કરી શક્યા.

બીબીસી સાથે વાત કરતા ચંદુભાઈ કહે છે, “મારે મહિનો દિવસની રજા હતી એટલે હું ત્યાં દરરોજ જતો હતો. પરંતુ ત્યાં એવી કોઈ સુવિધા ન હતી કે બચાવ થાય… પાંચ ને વીસ-પચ્ચીસના ગાળામાં આ બનાવ થયો. થોડા થોડા ધુમાડા નીકળ્યા. મને એમ થયું કે ત્યાં કામ કરે છે એટલે તેમણે કંઈક સળગાવ્યું હશે. પણ પાંચ -સાત સેકન્ડમાં જ આગ ભયંકર બની ગઈ. તે કાબૂમાં આવે તેવી નહોતી… હું દોડીને ગેટ તરફ ગયો ત્યાં તો ધડાકો થયો અને હું દૂર ફેંકાઈ ગયો. મેં ત્રણ ચક્કર માર્યાં. ત્રીજા ચક્કરે મેં એક ખૂણેથી બે છોકરા બહાર આવતાં જોયા. તે બે બચ્યા… વીસ-પચ્ચીસ મિનિટમાં તો આખું ગેમ ઝોન બેસી ગયું.”

‘પરિવારે એક કમાનાર સભ્ય ગુમાવ્યો’

ટીઆરીપ, બીબીસી ન્યૂઝ ગુજરાતી

ઇમેજ સ્રોત, BIPIN TANKARIA/BBC

પિતા કહે છે કે આશાનું મોત થતાં પરિવારે એક કમાનાર સભ્ય ગુમાવ્યો. તેઓ કહે છે, “અમારે હવે એક બહેન (દીકરી સંતોષ) છે. હું તો બીમારી થઈ જાઉં તો થોડો સમય ઘરે રહેવું પડે અને વળી પાછો નોકરીએ જાઉં. એવું ચાલે છે. એક બહેન પર પરિવારનું ગુજરાન ચાલે છે. છોકરાની ઉંમર ઘટે છે એટલે તેને કોઈ કામે રાખતા નથી.”

ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડને બે વરસ થઈ ગયાં છે, પરંતુ કાથડ પરિવાર તેના માનસિક અને આર્થિક આઘાતમાંથી બહાર આવી શક્યો નથી.

પરિવાર હજુ પણ એક નાનો ફ્લૅટ ભાડે રાખી તેમાં રહે છે. સંતોષ શૉપિંગ મોલમાં નોકરી કરવાની સાથે સાથે આગળનો અભ્યાસ પણ કરી રહ્યાં છે તેમ તેમણે જણાવ્યું.

‘ન્યાય તો કોઈ કરતું નથી, કોઈ સામુંય જોતું નથી’

તમારું ડિવાઇસ મીડિયા પ્લેબૅક સપોર્ટ નથી કરતું

ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડના મૃત્યુ પામેલ 27 લોકોમાં 22 વર્ષના જય ધોરેચાનો પણ સમાવેશ થતો હતો. જામનગરના ધ્રોલ તાલુકાના જાયવા ગામના વતની ધોરેચા પરિવાર સુથારી કામ સાથે સંકળાયેલ છે. જયને રાજકોટની એક ફૅક્ટરીમાં સીએનસી મશીન ઑપરેટર તરીકે નોકરી મળતાં પરિવાર 2020-21માં રાજકોટ સ્થાયી થયો. પરંતુ એક માર્ગ અકસ્માતમાં જયને હાથે ફ્રૅક્ચર થઈ જતા તેને તે નોકરી છોડી દેવી પડી તેમ તેમનાં માતા વર્ષાબહેન કહે છે.

અકસ્માત બાદ આર્થિક ઉપાર્જન માટે જયે પાનની એક દુકાન ખોલી. પરિવાર કહે છે કે 2 માર્ચ, 2024ના રોજ જયના પિતા અનિલભાઈ ગુજરી ગયા. તેના પોણા ત્રણ મહિના બાદ ટીઆરપી ગેમ ઝોનમાં આગ લગતાં જયનું પણ મૃત્યુ થયું.

જયના મોટા ભાઈ તુષાર ધોરેચા બીબીસી ન્યૂઝ ગુજરાતીને જણાવે છે કે તે દિવસે જય ધ્રોલમાં રહેતા તેના બે મિત્રો સુરપાલસિંહ જાડેજા અને નમ્રજિતસિંહ જાડેજા સાથે ટીઆરપી ગેમ ઝોનની મુલાકાતે ગયા અને અગ્નિકાંડમાં હોમાઈ ગયા.

અગ્નિકાંડ બાદ રાજકોટ સિટી પોલીસે સાઅપરાધ મનાવવધનો ગુનો નોંધી 15 લોકોની ધરપકડ કરી હતી, પરંતુ હાલ બધાને જમીન મળી ગયા છે અને રાજકોટની ડિસ્ટ્રિક્ટ ઍન્ડ સેશન્સ કોર્ટમાં કેસની સુનાવણી ચાલી રહી છે.

પરંતુ જયનાં માતા ફરિયાદ કરતાં કહે છે કે ભગવાન પણ તેમની સામે જોતો નથી. તેઓ કહે છે કે જયના મૃત્યુ પછીના થોડાક જ મહિનાઓમાં તેમના કાકા અને કાકીનાં પણ મૃત્યુ થતાં 2024ના વર્ષમાં જ પરિવારે ચાર સભ્યો ગુમાવ્યા.

વર્ષાબહેન કહે છે, “ન્યાય તો કોઈ કરતું નથી. હવે કોઈ સામુંય જોતું નથી.”

ગુજરાત હાઇકોર્ટે કેટલાક આરોપીઓની જામીન અરજી નામંજૂર કરતાં તેઓ સુપ્રીમ કોર્ટમાં ગયા હતા અને સુપ્રીમ કોર્ટે તેમના જામીન મંજૂર કર્યા હતા.

તુષાર ધોરેચા કહે છે કે સુપ્રીમ કોર્ટમાં વકીલ રાખવાની તેમની આર્થિક સ્થિતિ નથી. તેઓ કહે છે, “સુપ્રીમમાં અમારી પાસે વકીલ નહોતા એટલે પછી તો કોઈ પણ વસ્તુ થવાની છે. આપણી એટલી ક્ષમતા નથી, કારણ કે સુપ્રિમ કોર્ટમાં વકીલની ફી હાઈ લેવલની થઈ જાય.”

ટીઆરપી અગ્નિકાંડ કેસમાં આરોપીઓ કોણ છે?

ટીઆરીપ, બીબીસી ન્યૂઝ ગુજરાતી

ઇમેજ સ્રોત, BIPIN TANKARIA/BBC

રાજકોટ પોલીસે આ કેસમાં કુલ પંદર લોકોની ધરપકડ કરી હતી. તેમાંથી સાત લોકો ટીઆરપી ગેમ ઝોન સાથે સંકળાયેલા છે જ્યારે અન્ય આઠ આરોપીઓ રાજકોટ મહાનગરપાલિકાના તત્કાલીન અધિકારીઓ-કર્મચારીઓ છે.

ધરપકડ કરવામાં આવેલી વ્યક્તિઓમાં ટીઆરપી ગેમ ઝોનના માલિક-સંચાલકો ધવલ ઠક્કર, યુવરાજસિંહ સોલંકી, રાહુલ રાઠોડ, અશોકસિંહ જાડેજા અને તેમના નાના ભાઈ કિરીટસિંહ જાડેજા, ટીઆરપી ગેમ ઝોનના તે વખતના મૅનેજર નીતિન જૈન ઉર્ફે નીતિન લોઢા અને રાહુલના કાકા મહેશ રાઠોડનો સમાવેશ થાય છે.

રાજકોટ પોલીસ અનુસાર ટીઆરપી ગેમ ઝોનમાં સ્નો પાર્ક માટે એક નવા શૅડ બનાવવાનું કામ ચાલી રહ્યું હતું. શૅડ બનાવવાનો કૉન્ટ્રેક્ટ મહેશ રાઠોડને આપવામાં આવ્યો હતો.

આ શૅડ બનાવવા વેલ્ડિંગ કરતી વખતે તણખા ઝરતાં ગેમ ઝોનમાં આગ લાગી હતી. પોલીસ અનુસાર ટીઆરપી ગેમ ઝોન 2021માં ચાલુ થયો હતો, પરંતુ તેનો બે માળ જેટલો ઊંચો પતરાનો શૅડ રાજકોટ મહાનગરપાલિકાની ટાઉન પ્લાંનિંગ એટલે કે નગર-નિયોજન વિભાગની પૂર્વ મંજૂરી વગર જ બાંધવામાં આવ્યો હતો. તેમજ માલિક-સંચાલકોએ આ ગેમ ઝોનના શેડ માટે રાજકોટની ફાયર અને ઇમર્જન્સી વિભાગની મંજૂરી પણ લીધી ન હતી.

રાજકોટ મહાનગરપાલિકાના તત્કાલીન ચીફ ટાઉન પ્લાનિંગ ઑફિસર મનસુખ સાગઠિયાને આ વિશે માહિતી હોવા છતાં કોઈ પગલાં ન લેવાના આરોપસર તેમની કથિત ગુનાહિત બેદરકારી દાખવવા બદલ તેમની પણ ધરપકડ કરવામાં આવી હતી.

આવા જ આરોપસર પોલીસે રાજકોટ મહાનગરપાલિકાના આસિસ્ટન્ટ ટાઉન પ્લાનર મુકેશ મકવાણા, રાજેશ મકવાણા અને ગૌતમ જોશી ઉપરાંત ટાઉન પ્લાનિંગ વિભાગના આસિસ્ટન્ટ એન્જિનિયર જયદીપ ચૌધરીની પણ ધરપકડ કરી હતી.

રાજકોટ શહેરના તત્કાલીન ચીફ ફાયર ઑફિસર ઇલેશ ખેર, ડેપ્યુટી ચીફ ફાયર ઑફિસર ભીખા ઠેબા અને રાજકોટના કાલાવડ રોડ ફાયર સ્ટેશનના તત્કાલીન સ્ટેશન ઑફિસર રોહિત વિગોરાની પણ ધરપકડ કરવામાં આવી હતી.

જોકે હવે આ પંદર આરોપીઓને જામીન મળી ગયા છે. નીતિન લોઢાનું 16 ડિસેમ્બર, 2025ના રોજ હૃદયરોગના હુમલાથી મૃત્યુ થયું હતું તેમ આ કેસ સાથે સંકળાયેલ વકીલો કહે છે.

કેસની સુનાવણી કયા તબક્કે પહોંચી છે?

ટીઆરીપ, બીબીસી ન્યૂઝ ગુજરાતી

ઇમેજ સ્રોત, BIPIN TANKARIA/BBC

આ કેસનું ટ્રાયલ એટલે કે ખટલો ચલાવવા માટે રાજ્ય સરકારે રાજકોટના જાણીતા વકીલ તુષાર ગોકાણીની ખાસ સરકારી વકીલ તરીકે નિમણૂક કરી છે.

તુષાર ગોકાણી કહે છે કે નીતિન લોઢાનું મૃત્યુ થઈ જતા તેની સામેની અદાલતી કાર્યવાહી પડતી મૂકવામાં આવી છે.

ગોકાણીએ બીબીસી ગુજરાતીને જણાવ્યું, “અત્યારે આ કેસ ટ્રાયલના તબક્કે છે. કુલ 27 લોકોનાં મૃત્યુ થયાં હતાં તે પૈકી 23 મૃતકોના મૃતદેહોના પોસ્ટમૉર્ટમ કરનાર તબીબોની જુબાની નોંધાઈ ગઈ છે. હવે ચાર મૃતદેહોના પરીક્ષણ કરનાર તબીબોની જુબાની નોંધવાની બાકી છે. સૌથી સ્પીડમાં જો કોઈ ટ્રાયલ ચાલતી હોય તો આ ટ્રાયલ છે. દર પંદર દિવસે ગૃહ વિભાગ અમારી પાસે આ કેસનું લેખિત અપડેટ લે છે. સરકાર આ મેટરમાં આ હદ સુધી સંવેદનશીલ છે…”

ગોકાણી કહે છે કે ઑક્ટોબર 2025 સુધી આરોપીઓએ નિર્દોષ છોડી મૂકવાની અરજીઓ વગેરે જેવા રસ્તા અપનાવી “ટ્રાયલને વિલંબમાં નાખવાની કોશિશ કરી હતી.”

તેમણે કહ્યું, “અંતે નવેમ્બર 2025માં સર્વોચ્ચ અદાલતે આ કેસમાં પ્રોસિક્યુશન દ્વારા આપવામાં આવેલ ચાર્જ ફ્રેમ (આરોપનામું) સંપૂર્ણપણે સાચો માની આરોપીઓની અરજી ડિસમિસ કરી દેતા ટ્રાયલ આગળ ધપી હતી. આ છેલ્લા છ મહિનામાં અમે ત્રેવીસ મૃતદેહોના પરીક્ષણ કરનાર તબીબોની જુબાની નોંધી શક્યા છીએ.”

અન્ય દુર્ઘટનાઓની સરખામણીએ કેસની પ્રગતિ કેવી છે?

ટીઆરીપ, બીબીસી ન્યૂઝ ગુજરાતી

ઇમેજ સ્રોત, BIPIN TANKARIA/BBC

પીડિત પરિવારો વતી રાજકોટ બાર ઍસોસિયેશનના પૂર્વ પ્રમુખ સુરેશ ફળદુ પણ આ કેસમાં પ્રોસિક્યુશન એટલે કે કેસ ચલાવનારને મદદ કરી રહ્યા છે.

બીબીસી સાથે વાત કરતાં સુરેશ ફળદુએ કહ્યું કે મૃતકોનું પોસ્ટમૉર્ટમ કરનાર છ ડૉક્ટરોમાંથી પાંચની જુબાની નોંધાઈ ગઈ છે અને તે રીતે આ કેસના ટ્રાયલમાં સારી પ્રગતિ થઈ છે.

તેઓ કહે છે કે ગુજરાતનાં તાજેતરનાં વર્ષોમાં થયેલી અન્ય ત્રણ મોટી દુર્ઘટનાઓના કેસની સરખામણીએ ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડ કેસની સુનાવણી ઝડપથી ચાલી રહી છે.

સુરેશ ફળદુએ કહ્યું, “તક્ષશિલા અગ્નિકાંડ, હરણી નાવ દુર્ઘટના, ઝૂલતો પુલ દુર્ઘટના અને ટીઆરપી અગ્નિકાંડ આ ચાર મોટી દુર્ઘટનાઓના કેસમાં ટીઆરપી અગ્નિકાંડ કેસ પહેલો કેસ છે જેમાં ચાર્જ ફ્રેમ થઈ ગયા છે એટલે કે આરોપીઓ સામે કોર્ટ દ્વારા આરોપો ફરમાવી દેવાયા છે.”

“અન્ય ત્રણ કેસોમાં હજુ સુધી ચાર્જ ફ્રેમ નથી થયા અને તેથી અદાલત સમક્ષ પુરાવા રજૂ કરવાની કાર્યવાહી પણ શરૂ નથી થઈ શકી. રાજકોટની ટીઆરપી ગેમ ઝોનની ઘટના આ ત્રણ ઘટનાઓ પછીની ઘટના છે તેમ છતાં તેમાં ચાર્જ ફ્રેમ થઈ ગયા છે અને પોસ્ટમૉર્ટમ કરનાર પાંચ ડૉક્ટરોને તપાસી લેવામાં આવ્યા છે.”

પરંતુ બીબીસી ગુજરાતી જ્યારે કાથડ અને ધોરેચા પરિવારને મળી ત્યારે આરોપીઓને જામીન મળી જવા બાબતે બંને પરિવારોએ નિરાશા અને વિરોધ નોંધાવ્યાં.

તેનો જવાબ આપતા તુષાર ગોકાણીએ કહ્યું, “આરોપીઓના લાંબા સમયના જેલવાસ અને કેસની સ્થિતિને ધ્યાને લઈને સર્વોચ્ચ અદાલતે જામીન આપેલા છે. જ્યારે સર્વોચ્ચ અદાલતે કોઈ હુકમ કરેલો હોય તો તેની સામે કોઈને અસંતોષ હોઈ શકે અને તે કાયદાકીય પદ્ધતિથી વ્યક્ત કરી શકાય છે.”

બીબીસી માટે ક્લેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

શૉર્ટ વીડિયો

તમારું ડિવાઇસ મીડિયા પ્લેબૅક સપોર્ટ નથી કરતું

  • પદ્મ પુરસ્કાર, રાષ્ટ્રપતિ, ગુજરાત

  • માછલીઓ, દિલ્હી, તળાવ

  • ચામાચીડિયું, ગરમી, ઉત્તરપ્રદેશ

  • હેમા માલિની, ધર્મેન્દ્ર, બીબીસી

  • રાજકોટ, ઉપલેટા, બીબીસી, પેટ્રોલ, ડીઝલ

  • 100 મીટર દોડ, સ્પોર્ટ, બીબીસી, રેસ

  • નવું વર્ષ, શહેર, ગજબ દુનિયા બીબીસી

SOURCE : BBC NEWS