Source : BBC NEWS

કોલકાતા સેફ ડિપોઝિટ વૉલ્ટની અંદરની તસ્વીર.

ઇમેજ સ્રોત, Tariq Khan

  • પ્રકાશિત

  • વાંચવાનો સમય: 5 મિનિટ

અંગ્રેજોના સમયમાં જ્યારે બૅન્કો ઓછી હતી, અને કિંમતી માલસામાન રાખવા માટે દેશમાં મોટી તિજોરીઓની વ્યવસ્થા ન હતી, ત્યારે પશ્ચિમ બંગાળના કોલકાતામાં એક ગુજરાતીએ ‘કલકત્તા સેફ ડિપોઝિટ વૉલ્ટ લિમિટેડ’ નામની કંપનીની સ્થાપના કરીને ઇતિહાસ રચ્યો હતો.

આશ્ચર્યની વાત એ છે કે 1937માં શરૂ થયેલું આ વૉલ્ટ આજ સુધી કાર્યરત છે, અને દેશભરના અનેક પરિવારો પેઢીઓથી તેનો ઉપયોગ કરી રહ્યા છે.

કોલકાતાના સમૃદ્ધ ડેલહાઉઝી વિસ્તારમાં 1930ના દાયકામાં અનેક અંગ્રેજી કંપનીઓ કાર્યરત હતી ત્યારે ગુજરાતી વેપારી અમૃતલાલ ઓઝાએ આ વૉલ્ટની રચના કરી હતી.

કચ્છના અંજારના અમૃતલાલ ઓઝા પશ્ચિમ બંગાળના કોલકાતામાં આવીને કોલસાનો વેપાર કરતા હતા.

પોતાના વિદેશ પ્રવાસ દરમિયાન લંડન સેફ ડિપોઝિટ વૉલ્ટની મુલાકાત લીધા બાદ, ઓઝાને વિચાર આવ્યો હતો કે ભારતમાં પણ આ પ્રકારના વૉલ્ટની જરૂર છે.

તે સમયના અંગ્રેજ અમલદારોએ એમ કહીને તેમને ઉતારી પાડ્યા હતા કે ભારતમાં તો બધા ગરીબો છે, પછી તેમને કિંમતી સામાન રાખવા માટે વૉલ્ટની શું જરૂર?

જોકે, અમૃતલાલે પોતાની હિંમત અને જીદને કારણે 1937માં આ વૉલ્ટ ઊભું કર્યું અને પછી તો જાણે કે ચિત્ર બદલાઈ ગયું.

પછી દેશભરના રાજા-મહારાજા, રાજ-રજવાડાઓ, ખુદ અંગ્રેજ અમલદારો, જે. આર. ડી. ટાટા અને દલાઈ લામા જેવી વિભૂતીઓએ આ વૉલ્ટનો ઉપયોગ કર્યો. આજ સુધી એવા ઘણા લોકો તેના ગ્રાહકો છે.

એક સમયે વૉલ્ટનું વાર્ષિક ભાડું 100 રૂપિયાથી શરૂ થતું હતું, અને કોલકાતાના આ વૉલ્ટનાં તમામ 8,500 લૉકર ભરાયેલાં રહેતાં હતાં.

ઉપરાંત, તેના બે સ્ટ્રૉંગ રૂમમાં નાની-મોટી તિજોરીઓ સહિત અનેક કબાટ, ટ્રંક વગેરે રાખવામાં આવ્યા હતા. તેમાંથી ઘણા તો આજ સુધી આ સ્ટ્રૉંગ રૂમમાં પડ્યા છે.

બ્રિટિશ શાસન દરમિયાન આ ગુજરાતીએ કરી સેફ ડિપોઝિટ વૉલ્ટની શરૂઆત

અમૃતલાલ ઓઝાના પુત્ર, શ્રીરામ ઓઝા.

ઇમેજ સ્રોત, Kushal Batunge

અમૃતલાલ ઓઝાનો જન્મ 22મી જૂન 1890માં કચ્છના અંજારમાં થયો હતો. તેમના પિતાનું નામ લાલજી ઓઝા અને માતાનું નામ હરકુંવરબા હતું.

પિતાના ધંધામાં નુકસાન થતાં તેઓ ખૂબ નાની ઉંમરે અંજાર છોડીને તે સમયના ‘કલકત્તા’માં આવી ગયા હતા.

શરૂઆતમાં તેમણે કોલસાની ખાણોમાં નોકરી કરી, પછી ધીમે ધીમે કોલસાની ખાણોના માલિક બની ગયા.

એક પછી એક અનેક વેપાર શરૂ કર્યા. ટૂંક સમયમાં અમૃતલાલ ઓઝાની ગણતરી કોલકાતાના વેપારીઓ અને ધનાઢ્ય વ્યક્તિઓમાં થવા માંડી.

તેમને કુલ 11 પુત્રો હતા, જેમાંથી હાલમાં એક જ જીવિત છે. તેમના સૌથી નાના પુત્ર શ્રીરામ ઓઝાની ઉંમર 83 વર્ષ છે.

તેઓ બીબીસી ગુજરાતી સાથે વાત કરતાં કહે છે, “મારા પિતાએ તે સમયમાં ગવર્નર જનરલ લૉર્ડ લિનલિથગો સાથે અનેક મુલાકાતો કરી અને તેમને કહ્યું કે ભારતમાં પણ એવા ઘણા લોકો છે જેમને આ પ્રકારના વૉલ્ટની જરૂર છે.”

“તેઓ માની ગયા અને ત્યાર બાદ આ વૉલ્ટની લંડન સેફ ડિપોઝિટ વૉલ્ટ જેવી જ રચના કરવામાં આવી. તે સમયમાં આ વિસ્તારમાં અનેક બ્રિટિશ કંપનીઓ ચાલતી હતી, અને તેમની વચ્ચે ‘સિક્યૉરિટી બિલ્ડિંગ’ નામે આખી ઇમારત ઊભી કરી અને તેના બેસમેન્ટમાં આ વૉલ્ટ બનાવ્યું હતું.”

શ્રીરામભાઈના ભત્રીજા અનુપ ઓઝા હાલમાં આ વૉલ્ટનું કામકાજ સંભાળે છે.

અનુપભાઈ કહે છે, “તે સમયમાં આ વિસ્તારમાં સ્ટૉક ઍક્સચેન્જ હતું, મોટાં કૉર્પોરેટ હાઉસ હતાં, હાવડા બ્રિજ હતો, રાઇટર્સ બિલ્ડિંગમાં ઘણી પ્રવૃત્તિઓ થતી હતી, તેથી અહીં હંમેશાં લોકોની ભીડ રહેતી હતી.”

અમૃતલાલ ઓઝાએ આ વૉલ્ટની શરૂઆત કરી ત્યારે સુરક્ષા માટે એક ઇલેક્ટ્રિક એલાર્મ સિસ્ટમ હતી, જે સીધી નજીકના પોલીસ સ્ટેશન સાથે જોડાયેલી હતી.

કોઈ પણ ગેરકાયદેસર હરકત થાય તો પોલીસને તરત જ ખબર પડી જાય એવી સિસ્ટમ તેમણે 1930ના દાયકામાં ઊભી કરી હતી.

આની સાથે સાથે સમય જતાં તેમાં ઑટોમેટિક વેક્યુમ સિસ્ટમ પણ ઉમેરવામાં આવી હતી, જેથી વૉલ્ટની અંદરની તમામ ધૂળ-માટી દરરોજ સાંજે ખેંચી શકાય.

અનુપભાઈએ જણાવ્યું કે,”મારા દાદાજીએ તે સમયમાં તમામ મોટા લોકોને પોતાની કિંમતી વસ્તુઓ અહીં રાખવા માટે મનાવી લીધા હતા. ઘણા લોકો તો પોતાના સ્ટૉક માર્કેટના મહત્ત્વપૂર્ણ કાગળો અહીં મૂકવા માટે વૉલ્ટ ભાડે રાખતા હતા, અને દરરોજ અનેક લોકો માત્ર સ્ટોક માર્કેટમાંથી અહીં પોતાના કાગળો મૂકવા અને લેવા આવતા હતા.”

અત્યારે આ જૂના જમાનાના વૉલ્ટની પરિસ્થિતિ કેવી છે?

પશ્ચિમ બંગાળ, કોલકાતા, બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, Tariq Khan

એક સમયની કૉર્પોરેટ ઇમારત ‘સિક્યૉરિટી બિલ્ડિંગ’માં પ્રવેશતાં જ ખ્યાલ આવી જાય છે કે આ બ્રિટિશ જમાનામાં બનેલી ઇમારત છે.

પ્રવેશતાં જ પહેલાં અમૃતલાલ ઓઝાની મોટી તસવીર દેખાય છે, અને ત્યાર બાદ બેઝમેન્ટમાં જતા તેમની મૂર્તિ પણ દેખાય છે.

આશરે 100 વર્ષ જૂની આ બિલ્ડિંગનું બાંધકામ આજે પણ અડીખમ ઊભું છે.

તેની તિજોરીઓ અને લોખંડના દરવાજાઓની મજબૂતીનો જોટો જડે એમ નથી.

અનુપભાઈ કહે છે, “તેના મુખ્ય દરવાજાનું વજન આશરે 2 ટન છે, અને બૉમ્બ ધડાકાથી પણ તેને તોડી શકાય તેમ નથી. તેને ચલાવવા માટે આજે પણ ખાસ તાલીમ મેળવેલા લોકો જ તેને ખોલી શકે છે.”

“આ દરવાજાની ચાવીઓ અલગ-અલગ છે, લગભગ 20 ઇંચ લાંબી, અને તે ક્યાં હોય છે તે માત્ર મને અને દરવાજો ખોલનારા વ્યક્તિને જ ખબર હોય છે.”

જોકે આ ઇમારતની આસપાસ દબાણ વધી ગયું છે. અંદરથી મજબૂત હોવા છતાં ઇમારતની બહારની હાલત ખરાબ છે, એથી તેની દેખરેખ માટે નિયમિત રીતે ખર્ચ કરવો પડે છે.

અનુપભાઈએ જણાવ્યું કે, “કુલ 8,500 વૉલ્ટમાંથી આશરે 4,000 જેટલા વૉલ્ટ હાલમાં કાર્યરત્ છે. તેમાંના કેટલાક વૉલ્ટ તો વર્ષોથી બંધ છે.”

“જોકે હાલમાં અમે વાર્ષિક 1,100 રૂપિયાથી લઈને 25,000 રૂપિયા સુધી ચાર્જ કરીએ છીએ, અને ઘણા પરિવારોની ત્રણ પેઢીઓથી અહીં વૉલ્ટ કે સ્ટ્રોંગ રૂમમાં પોતાની તિજોરીઓ છે.”

શ્રીરામભાઈ કહે છે, “દલાઈ લામાનો કિંમતી સામાન અમારા સ્ટ્રોંગરૂમમાં વર્ષો સુધી પડેલો હતો. થોડાં વર્ષો પહેલાં જ તેઓ પોતાનો સામાન લઈ ગયા. એવા અનેક નામી લોકો આજ સુધી આ વૉલ્ટનો ઉપયોગ કરી રહ્યા છે.”

આ વૉલ્ટ કેવી રીતે કામ કરે છે?

અનુપ ઓઝા

ઇમેજ સ્રોત, Tariq Khan

આ વૉલ્ટની રચના રિઝર્વ બૅન્ક ઑફ ઇન્ડિયાની સ્થાપના પહેલાં થઈ હતી. આ એક પ્રાઇવેટ વૉલ્ટ હોવાથી તેના પર કોઈ કેન્દ્રિય બૅન્કનું નિયંત્રણ નથી.

“આ પ્રાઇવેટ વૉલ્ટ છે, એટલે અમે અમારા પોતાના નીતિનિયમો બનાવ્યા છે. આ નીતિનિયમો સરકારી ધોરણો અનુસાર બનાવવામાં આવ્યા છે.”

અનુપભાઈએ જણાવ્યું કે, “તે પ્રમાણે દરેક વ્યક્તિએ વૉલ્ટ લેતા પહેલાં લેખિતમાં આપવું પડે છે કે તેઓ તેનો ઉપયોગ કોઈ ગેરકાયદેસર વસ્તુઓ કે વિસ્ફોટક પદાર્થો રાખવા માટે નહીં કરે.”

કોઈ વ્યક્તિ આવે ત્યારે તેને એક રજિસ્ટરમાં પોતાનું નામ લખવું પડે છે.

ત્યાર બાદ વૉલ્ટનો સ્ટાફ પોતાની ચાવી લઈને તે ગ્રાહક સાથે વૉલ્ટ સુધી જાય છે.

આજે દરેક બૅન્કમાં વૉલ્ટ બે ચાવીઓથી જ ખુલતા હોય છે.

અનુપભાઈએ કહ્યું કે, “આ બે ચાવીઓવાળી સિસ્ટમ અમારે ત્યાંથી શરૂ થઈ છે.”

આ વૉલ્ટના એક ગ્રાહક નટરાજન ચૌધરીએ બીબીસી ગુજરાતી સાથે વાત કરતાં કહ્યું હતું, “મારા પરદાદાઓએ અહીં એક વૉલ્ટ ભાડે લીધું હતું, ત્યાર બાદ તેની જવાબદારી મારા દાદા, મારા પિતા અને હવે મારી પાસે આવી છે. અમે વર્ષોથી આ વૉલ્ટનો ઉપયોગ કરી રહ્યા છીએ.”

મૅનેજમેન્ટનો દાવો છે કે આજ સુધી આ વૉલ્ટમાં ક્યારેય કોઈપણ પ્રકારની ચોરી કે લૂંટની ઘટના બની નથી, અને આજે પણ લોકોનો તેના પર એટલો જ વિશ્વાસ છે જેટલો દાયકાઓ પહેલાં અમૃતલાલ ઓઝાએ લોકો પાસેથી જીત્યો હતો.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

SOURCE : BBC NEWS