Home તાજા સમાચાર gujrati લાહોરમાં સંસ્કૃત શીખવે છે આ ભૂતપૂર્વ ઍન્જિનિયરઃ ‘મારી ઇચ્છા છે કે, સંસ્કૃતમાંથી...

લાહોરમાં સંસ્કૃત શીખવે છે આ ભૂતપૂર્વ ઍન્જિનિયરઃ ‘મારી ઇચ્છા છે કે, સંસ્કૃતમાંથી ઉર્દૂમાં રામાયણ-મહાભારતનો અનુવાદ થાય’

5
0

Source : BBC NEWS

ઉર્દૂ શિક્ષક, પાકિસ્તાન,બીબીસી ગુજરાતી, સંસ્કૃત, Sanskrit, pakistan, urud teacher

“સંસ્કૃત ભાષા દક્ષિણ એશિયાનો સામાન્ય વારસો છે અને તેને આધુનિક વિશ્વની રાષ્ટ્રીય સરહદોના વિભાજનમાં જકડી રાખવી એ મોટો અન્યાય છે.”

આ શબ્દો છે લાહોરમાં સંસ્કૃત ભણાવનારા શિક્ષક ડૉક્ટર શાહિદ રશીદના.

લાહોર યુનિવર્સિટી ઑફ મૅનેજમેન્ટ સાયન્સિઝ (એલયુએમએસ) ખાતે જર્મન સેન્ટર ફૉર લૅંગ્વેજ ઍન્ડ લિટરેચરે ગયા વર્ષના ડિસેમ્બરમાં સંસ્કૃતનો કોર્સ શરૂ કર્યો હતો.

આ સમાચારને કારણે પાકિસ્તાન અને ભારત, બંને દેશોના લોકોમાં આશ્ચર્ય અને અચરજનું મોજું ફરી વળ્યું હતું, કારણ કે, ભાગલા પડ્યા પછી પ્રથમ વખત એવું બન્યું છે કે, સંસ્કૃત ભાષા પાકિસ્તાનના યુનિવર્સિટી સ્તરના શિક્ષણનો ભાગ બની હોય.

બીબીસી સાથે વાત કરતાં પ્રોફેસર શાહિદ રશીદે જણાવ્યું હતું કે, પાકિસ્તાનમાં મુસ્લિમ પૃષ્ઠભૂમિ ધરાવનારી વ્યક્તિના સંસ્કૃત તરફ વળવાથી ઘણા લોકોને નવાઈ લાગી હતી. “સ્વીકાર્યતાની સાથે કેટલાક લોકોએ એવું પણ વિચાર્યું કે, તે સમયનો વ્યય છે અને તેનાથી કોઈ સાંસારિક કે ધાર્મિક ફાયદો થવાનો નથી.”

ભારત તરફથી મળેલા પ્રતિસાદ પર સ્મિત ફરકાવીને તેમણે કહ્યું હતું, “કેટલાક લોકોએ કહ્યું કે, આ બધું જૂઠ્ઠું છે કે પછી આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ (એઆઇ)ની મદદથી બનાવવામાં આવ્યું છે, કારણ કે, તેમને લાગતું હતું કે, પાકિસ્તાનમાં આવું કંઈ થઈ જ ન શકે. “

સંસ્કૃત નાશપ્રાયઃ થઈ રહેલી ભાષા છે અને ભારતમાં પણ ઘણા ઓછા લોકોને તે આવડે છે.

પાકિસ્તાનમાં સંસ્કૃતને પુનઃજીવિત કરવાના પ્રયાસ વિશે વાત કરતાં પ્રોફેસર શાહિદ રશીદે જણાવ્યું હતું, “હું માનું છું કે, પાકિસ્તાનનો ઇતિહાસ માત્ર 1947ના રાજકીય આંદોલનથી નથી શરૂ થતો.”

“આપણે તે સમય કરતાં પણ પાછળ જવું પડશે. આપણે સિંધુ ખીણની સંસ્કૃતિ તપાસવી પડશે, આપણે તક્ષશિલા વિશે સમજવું પડશે. આપણે આપણા ભૂતકાળથી ભાગી શકીએ નહીં.”.

લાહોર અને સંસ્કૃતનો શું સંબંધ છે?

ઉર્દૂ શિક્ષક, પાકિસ્તાન,બીબીસી ગુજરાતી, સંસ્કૃત, Sanskrit, pakistan, urud teacher

ડૉક્ટર શાહિદ રશીદના મત મુજબ, “લાહોર સંસ્કૃતનું કેન્દ્ર રહ્યું હતું.”

1940માં પ્રકાશિત થયેલા સંસ્કૃતના વ્યાકરણના પુસ્તકને બતાવતાં તેમણે જણાવ્યું હતું, “અહીં અનારકલીમાં ઘણી સંસ્થાઓ સંસ્કૃતમાં પુસ્તકોનું મુદ્રણ કરતી હતી અને તે પુસ્તકોનું સમગ્ર ભારતમાં વિતરણ થતું હતું.”

તેમણે લગભગ 200 આધુનિક અને કેટલાંક જૂનાં સંસ્કૃતનાં પુસ્તકોનો સંગ્રહ કર્યો છે.

પુસ્તકો વિશે ચર્ચા કરતી વખતે, તેમણે પંજાબ યુનિવર્સિટીમાં જાળવી રાખવામાં આવેલી સંસ્કૃતની એવી પ્રાચીન હસ્તપ્રતો તથા દુર્લભ પુસ્તકોનો ઉલ્લેખ કર્યો હતો, જેમનો સંગ્રહ ભારતના ભાગલા પડ્યા, તેના ઘણા સમય પૂર્વે સંસ્કૃતના વિદ્વાન આલ્ફ્રેડ વૂલનર દ્વારા કરવામાં આવ્યો હતો.

તેઓ પંજાબ યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર પણ હતા. 1936માં તેમનું અવસાન થયું હતું.

પ્રોફેસર શાહિદ જણાવે છે, “પાકિસ્તાનમાં એવા કોઈ વિદ્વાન નથી, જે આ પુસ્તકોનો લાભ લઈ શકે.”

પંજાબ યુનિવર્સિટી લાઇબ્રેરીની વેબસાઇટ અનુસાર, સંસ્કૃતના પ્રોફેસર ડૉક્ટર વૂલનર દ્વારા અલભ્ય પુસ્તકો તથા પ્રાચીન હસ્તપ્રતોનો જે સંગ્રહ કરવામાં આવ્યો, તેમાં સંસ્કૃત, હિંદી, પ્રાકૃત, શારદા, આંધ્ર, તમિલ અને નંદનાગરી ભાષાઓ અને લિપિઓમાં લખાયેલી 9,075 પ્રાચીન હસ્તપ્રતોનો સમાવેશ થાય છે. તે ઉપરાંત, 2,000 કરતાં વધુ તાડપત્રો (તાડનાં પાન પર લખવામાં આવતી પ્રાચીન હસ્તપ્રતો) પણ મોજૂદ છે.

સંસ્કૃતના વિદ્વાન આલ્ફ્રેડ વૂલનરની પ્રતિમા આજે પણ પંજાબ યુનિવર્સિટીની બહાર મોજૂદ છે.

આ સિવાય, ગાંધારમાં આવેલી પ્રાચીન વસાહત – શલાતુર સંસ્કૃતના સૌથી જૂના જ્ઞાત વ્યાકરણશાસ્ત્રી પાણિનીનું જન્મસ્થળ હોવાનું મનાય છે.

સંશોધકોના મત મુજબ, આ સ્થળ સંભવતઃ ખૈબર પખ્તુનખ્વા પ્રાંતના સ્વાબી જિલ્લામાં સિંધુ નદી અને કાબુલ નદીના સંગમસ્થાન પર આવેલું એક નાનું નગર છે, જે વર્તમાન સમયમાં “છોટા લાહોર” તરીકે ઓળખાય છે.

ઍન્જિનિયરિંગમાંથી સંસ્કૃત તરફ કેવી રીતે વળ્યા?

ઉર્દૂ શિક્ષક, પાકિસ્તાન,બીબીસી ગુજરાતી, સંસ્કૃત, Sanskrit, pakistan, urud teacher

પંજાબના બુરેવાલાના વતની પ્રોફેસર ડૉક્ટર શાહિદ રશીદે લાહોરથી ઇલેક્ટ્રિક ઍન્જિનિયરિંગનો અભ્યાસ કર્યો હતો અને તે પછી સીએસએસની પરીક્ષા પાસ કર્યા પછી તેમણે થોડા સમય માટે સિવિલ સર્વિસમાં ફરજ બજાવી હતી.

તે પછી નોકરી છોડીને તેઓ બ્રિટનના ઑક્સફર્ડ ગયા અને ત્યાં માસ્ટર્સ ઇન સોશિયોલૉજી કર્યા પછી લાહોરની ફોરમૅન ક્રિશ્ચિયન કૉલેજ (એફસી કોલેજ)માં ભણાવવા માટે પાકિસ્તાન પરત ફર્યા.

તેમણે અરેબિક, ફારસી, ગ્રીક, હિંદી તથા સંસ્કૃત જેવી ભાષાઓનું શિક્ષણ મેળવ્યું.

જ્યારે સંસ્કૃતના શિક્ષકોની અપ્રાપ્યતા પડકારરૂપ બની, ત્યારે તેમણે એક ઑનલાઇન પ્લૅટફૉર્મ પરથી સંસ્કૃતના ત્રણ કોર્સ કર્યા. “કેમ્બ્રિજ ઇન્ટ્રોડક્શન ટુ સંસ્કૃત”ના લેખક ઍન્ટોનિયો રુપાલ તે પ્લૅટફૉર્મ પર સંસ્કૃત શીખવે છે.

તેઓ એફસી કૉલેજ ખાતે સમાજશાસ્ત્રના શિક્ષક છે.

જોકે, એલયુએમએસ ખાતે જર્મનિક સેન્ટરના ડિરેક્ટર અલી ઉસ્માન કાઝમીએ તેમને સંસ્કૃત અને હિંદી ભણાવવાની ઑફર કરી અને આ રીતે તેમણે શિક્ષણકાર્ય શરૂ કર્યું.

તેમણે બે ઓપન વર્કશૉપ્સ હાથ ધર્યા છે અને એલયુએમએસના વિદ્યાર્થીઓ માટે બે કોર્સ ચલાવ્યા હતા, જેમાં લગભગ 32 વિદ્યાર્થીઓએ પ્રવેશ મેળવ્યો હતો અને આ શ્રેણી હજુ ચાલી રહી છે.

સંસ્કૃતના શ્લોક અને વ્યાકરણના નિયમો ગાઈને શીખવવામાં આવે છે

પ્રોફેસર શાહિદ રશીદ સંસ્કૃત ભણાવવા માટે વિવિધ પદ્ધતિઓનો પયોગ કરે છે, જેમાં સંગીતનો પણ સમાવેશ થાય છે. તેઓ અને તેમના વિદ્યાર્થીઓ શ્લોક અને વ્યાકરણના નિયમો ગાઈને શીખે છે.

બોલચાલની ભાષા તરીકે હવે સંસ્કૃતનો ઉપયોગ ન થતો હોવાથી પ્રોફેસરનું માનવું છે કે, “જીવન સાથેનું તેનું જોડાણ આર્કાઇવ્ઝ, સંગ્રહાલયો અને ઐતિહાસિક સ્થળો દ્વારા જ રહ્યું છે.”

સાથે જ, તેઓ તેમના વિદ્યાર્થીઓને લાહોર મ્યુઝિયમ, જોગિયાં કિલ્લો તથા ટેક્સિલા (અગાઉના તક્ષશિલા)ના શૈક્ષણિક પ્રવાસે પણ લઈ જાય છે, જ્યાં તેઓ પ્રાચીન બૌદ્ધ લખાણો વાંચવાનો પ્રયત્ન કરે છે.

તેમના જ એક વિદ્યાર્થી આફતાબ નાસિર સ્વયં એલયુએમએસમાં શિક્ષક છે. તેઓ જણાવે છે, “ટેક્સિલામાં જુલિયન યુનિવર્સિટી આવેલી છે, જેની ગણના વિશ્વનાં પ્રાચીન બૌદ્ધ વિશ્વવિદ્યાલયોમાં થાય છે, પરંતુ આપણે તેના વિશે ખાસ જાણતા નથી, કારણ કે તેના મોટાભાગના રેકોર્ડ્ઝ સંસ્કૃતમાં છે.”

એલયુએમએસના વિદ્યાર્થી અબ્દુલ રહમાન 1930 અને 1940ના દાયકાઓમાં બ્રિટિશ શાસન વિરુદ્ધ થયેલી દરેક ચળવળ પર સંશોધન કરી રહ્યા છે.

“આ ચળવળ પર ઉપલબ્ધ આર્કાઇવ્ઝ મોટાભાગે બ્રિટિશ શાસનના રેકૉર્ડના સ્વરૂપમાં છે. મારા સંશોધન દરમિયાન મને દેવનાગરી લિપિના કેટલાક આર્કાઇવ્ઝ સિંધિમાં મળ્યા હતા.”

“ત્યાંથી જ મને દેવનાગરી લિપિ અને સંસ્કૃત શીખવાની પ્રેરણા મળી.”

“આ ઉપરાંત પાકિસ્તાનમાં હજુ પણ એવી ઘણી પ્રાચીન સંસ્કૃત હસ્તપ્રતો છે, જે હજુ સુધી વંચાઈ જ નથી. મારી ઇચ્છા છે કે, ભવિષ્યમાં હું તેને વાંચી શકું.”

ડૉક્ટર શાહિદનાં પ્રથમ વિદ્યાર્થિની તેમનાં જ પુત્રી આફિયા શાહિદ હતાં.

આફિયા જણાવે છે કે, તેમણે સૌપ્રથમ 2015માં આ ભાષા શીખવાનું શરૂ કર્યું હતું.

તે સમયગાળાની નોંધો બતાવતાં તેમણે કહ્યું હતું, “લોકોને બાળપણનાં કાર્ટૂન્સ કે રમતો યાદ રહેતાં હોય છે, પણ મને સંસ્કૃત અને અરેબિક યાદ છે.”

“મારું બાળપણ આ બંને ભાષાઓ સાથે જ વીત્યું હતું. આથી જ આ ભાષાઓ પ્રત્યે મને અંગત લગાવ છે.”

“આ ભાષા ઘણી જટિલ છે, પણ જ્યારે તમે તેની જટિલતા એક કોયડાની રીતે ઉકેલો, ત્યારે તેમાં ખૂબ મજા પડે છે.”

તાહા વાસિક પણ એલયુએમએસ ખાતે ઇતિહાસના વિદ્યાર્થી છે.

સંસ્કૃત શીખવાની તેમની રુચિ વિશે વાત કરતાં તેમણે કહ્યું હતું, “જો તમે દેવનાગરી લિપિ શીખી જાઓ, તો તમે બીજી ભાષાઓ પણ શીખી શકશો.”

“હિંદી ભાષા ઉર્દૂ સાથે મળતી આવે છે. આથી, હવે હું તે ભાષા વાંચી શકું છું. અમારો મુખ્ય આશય આપણા સાહિત્યિક વારસા સુધી પહોંચવાનો છે.”

પાકિસ્તાનમાં ‘સંસ્કૃત સમુદાય’નું સ્વપ્ન

પ્રોફેસર રશીદ અને તેમનાં વિદ્યાર્થીઓ પાકિસ્તાનની યુનિવર્સિટી ઑફ પંજાબના વૂલનર સેન્ટર ખાતે સંગ્રહાયેલી દુર્લભ પ્રાચીન સંસ્કૃત હસ્તપ્રતો અને પુસ્તકો વાંચી શકવાનું સપનું સેવે છે.

તેઓ કહે છે, “સંસ્કૃત આપણી ભાષા નથી અથવા તો બીજા કોઈની ભાષા છે, તે સંકુચિત અને પૂર્વગ્રહયુક્ત માનસિકતા છે અને હવે તે માનસિકતામાંથી બહાર નીકળવાની જરૂર છે.”

પ્રોફેસર રશીદે જણાવ્યું હતું, “મને ઇચ્છા છે કે, એવો સમય આવે, જ્યારે આપણે સૌ સાથે મળીને મહાભારતનો ઉર્દૂમાં અનુવાદ કરીએ.”

“અત્યારે ઉર્દૂમાં જે મહાભારત ઉપલબ્ધ છે, તે સંક્ષિપ્ત સારાંશના સ્વરૂપમાં છે. એ જ રીતે, રામાયણનો સંપૂર્ણ ઉર્દૂ અનુવાદ પણ પ્રકાશિત થવો જોઈએ.”

અત્રે ઉલ્લેખનીય છે કે, મહાભારત અને રામાયણના ઉર્દૂ અનુવાદો પાકિસ્તાનમાં સહેલાઈથી ઉપલબ્ધ છે અને સહેલાઈથી મળી રહે છે.

આ બાબત સમજાવતાં પ્રોફેસર રશીદે કહ્યું હતું, “આમાંનાં મોટાભાગનાં ભાષાંતરો ફારસી કે અંગ્રેજીમાંથી કરવામાં આવ્યાં છે.”

“મારી ઇચ્છા છે કે, આ ભાષાંતરો સીધાં જ સંસ્કૃતમાંથી કરવામાં આવે.”

તેઓ કહે છે, “આ મારાં કેટલાંક સપનાં છે. એક એવા સંસ્કૃત સમુદાયનું અસ્તિત્વ હોય, કે જેની સાથે લોકો જોડાઈ શકે અને સમજી શકે કે તે કોઈ એક ધર્મ સાથે સંબંધિત નથી.”

“લોકોનાં મન ખૂલે, હૃદય ખૂલે અને આપણે આપણા સમાન વારસાને બહેતર રીતે સમજી શકીએ.”

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

SOURCE : BBC NEWS