Source : BBC NEWS

(કેટલીક વિગતો વિચલિત કરી શકે છે)
“હું ભાનમાં આવ્યો તે પહેલાં મારા બંને પગ કાપી નાખવામાં આવ્યા હતા. મેં હાથ ઊંચા કર્યા તો કશું અનુભવાયું નહીં.”
“એ પણ કાપી નાખવામાં આવ્યા હતા. મારું ગળું રૂંધાઈ ગયું હતું અને હું કશું બોલી શકતો ન હતો.”
13થી 25 વર્ષની વયના ડઝનેક સ્થળાંતરકર્તાઓ બીબીસી અફઘાન ફૉરેન્સિકને જણાવ્યું હતું કે તેમનો સમાવેશ એ 50 અફઘાનોમાં થતો હતો, જેઓ બરફમાં ફસાયા એ પહેલાં તુર્કીના સરહદ રક્ષકોએ માર માર્યો હતો અને નિર્વસ્ત્ર કર્યા હતા.
એ 12 લોકોમાં 13 વર્ષના આસિમનો પણ સમાવેશ થાય છે. હિમડંખ લાગવાને કારણે આસિમના પાંચ અંગો કાપી નાખવા પડ્યાં હતાં. એ પૈકીના પાંચ લોકોએ જણાવ્યું હતું કે તેમણે અન્ય ઓછામાં ઓછા 20 લોકોને કાતિલ ઠંડીમાં થીજીને મૃત્યુ પામેલા જોયા હતા.
વિશ્વમાં શરણાર્થીઓના પાંચ સૌથી મોટા આશ્રયદાતાઓ પૈકીના એક તરીકે તુર્કીને આંતરરાષ્ટ્રીય સ્તરે પ્રશંસા મળી છે, પરંતુ માનવાધિકાર દેખરેખ સંસ્થાઓ કહે છે કે તુર્કીએ યોગ્ય સમીક્ષા વિના ઘણા અફઘાનોનો વ્યવસ્થિત રીતે દેશનિકાલ કર્યો છે.
જોકે, તુર્કીના વિદેશ મંત્રાલયના પ્રવક્તાએ બીબીસી અફઘાન ફૉરેન્સિકને જણાવ્યું હતું કે તેમના દેશના સરહદી દળો રાષ્ટ્રીય તથા આંતરરાષ્ટ્રીય કાયદાઓનું પાલન કરે છે. તુર્કીના સાંસ્કૃતિક સિદ્ધાંત અનુસાર મૂળભૂત રીતે માનવ મૂલ્યો તથા ગૌરવનું સન્માન કરે છે.
તેમણે જણાવ્યું હતું કે અટકાયતમાં લેવાયેલા તમામ વણનોંધાયેલા સ્થળાંતરકર્તાઓને ભોજન, પાણી તથા ચિકિત્સા સહાય સહિતની તમામ મદદ ઉપલબ્ધ કરાવે છે તેમજ “માનવીય સહાયતાના તમામ માપદંડોનું અક્ષરસઃ પાલન કરે છે.”
આ વર્ષે 10થી 20 જાન્યુઆરી દરમિયાન તાપમાન માઇનસ 15 ડિગ્રી સેન્ટિગ્રેડ સુધી ઘટી ગયું હતું ત્યારે ઈરાની સરહદ નજીકના તુર્કીના શહેર તથા સ્થળાંતરકર્તાઓની તસ્કરીના કેન્દ્ર ઈસ્ટર્ન એનાટોલિયાના વાન ખાતે લગભગ અફઘાનિસ્તાનના લગભગ 50 વણનોંધાયેલા સ્થળાંતરકર્તાઓની ધરપકડ કરવામાં આવી હતી.
લોકોને નિર્વસ્ત્ર કરવામાં આવ્યાનો આરોપ

21 વર્ષના શાહસવારે બીબીસી અફઘાન ફૉરેન્સિકને જણાવ્યું હતું કે માનવ તસ્કરોએ ભારે બરફમાં ચોથા પ્રયાસમાં ઈરાની સરહદ પાર કરવામાં મદદ કરી એ પછી શહેરમાં પ્રવેશતાંની સાથે જ તેમને અટકાયતમાં લેવામાં આવ્યા હતા.
ખૂબ ગુસ્સે થયેલી તુર્કી પોલીસે આવા સ્થળાંતરકર્તાઓને લાઇનમાં ઊભા રાખ્યા હતા અને માર મારવાનું શરૂ કર્યું હતું.
શાહસવારે કહ્યું હતું કે, “અમને જોરદાર માર માર્યા પછી અનેક રાત સુધી એક ગોદામમાં રાખ્યા હતા. ત્યાં અમારા પર બરફ વર્ષા થતી હતી અને અમને દિવસમાં માત્ર એકવાર પાણી તથા સૂકી રોટલી આપવામાં આવતી હતી.”
નાંગરહાર પ્રાંતના 23 વર્ષના અલાઉદ્દીને બીબીસી અફઘાન ફૉરેન્સિકને કહ્યું હતું કે “કાતિલ ઠંડી હતી.”
“તેમણે અમને કશું ખાવા આપ્યું ન હતું. અમને સખત મજૂરી કરવાની ફરજ પાડવામાં આવી હતી.”
“અમારે લાકડાં ઉપાડવા પડતાં હતાં અને બરફ હટાવવો પડતો હતો.”
જે માનવ તસ્કરે તેમને તથા તેમના પરિવારને યુરોપ લઈ જવાનું વચન આપ્યું હતું તેની સાથે તેમનો કોઈ સંપર્ક થઈ શક્યો ન હતો.
લગભગ 12 લોકોએ 25 જાન્યુઆરીએ બીબીસી અફઘાન ફૉરેન્સિક સાથે વાત કરી હતી.
તેમણે જણાવ્યું હતું કે તેમને બહાર લાઇનમાં ઊભા રાખવામાં આવ્યા હતા અને લોખંડના સળિયા વડે માર મારવામાં આવ્યો હતો.
અલાઉદ્દીને જણાવ્યું હતું કે તેમને નિર્વસ્ત્ર કરી નાખવામાં આવ્યા હતા અને તેમના હાથ બાંધી દેવામાં આવ્યા હતા.
“એ અવસ્થામાં તેમને પેટના સહારે ઘસડાઈને ટેકરી ચડવાની ફરજ પાડવામાં આવી હતી.”
બરફથી લોકો થીજી ગયા હતા

અલાઉદ્દીને બીબીસી અફઘાન ફૉરેન્સિકને કહ્યું હતું કે, “તુર્કીના સરહદી દળોએ મારેલા મારને કારણે કેટલાક લોકોનાં માથાં ફૂટી ગયાં હતાં અને તેમના ખભા પરથી લોહી વહી રહ્યું હતું.”
શાહસવારના જણાવ્યા મુજબ, કેટલાક લોકોને એટલી ખરાબ રીતે માર મારવામાં આવ્યો હતો કે તેઓ તેમના હાથનો ઉપયોગ કરી શકે તેમ ન હતા.
“તેમણે અમારાં બધાં કપડાં લઈ લીધાં હતાં. ફક્ત એક પેન્ટ બાકી રહ્યું હતું.”
“તેમણે અમારા જૂતાં અને મોજાં પણ લઈ લીધાં હતાં. પછી અમને આઠ જૂથમાં ઈરાન તરફના જુદા જુદા વિસ્તારોમાં છોડી મૂક્યા હતા.”
તે એક તોફાની રાત હતી. જોરદાર બરફવર્ષા થતી હતી અને કશું દેખાતું ન હતું.
“રસ્તાઓ બરફથી ઢંકાયેલા હતા અને કઈ દિશામાં જવું તેની કે ત્યાં જ રહીશું તો અમે બચીશું કે કે કેમ તેની અમને કોઈ ખબર ન હતી.”
આ લોકોને બાદમાં ખબર પડી હતી કે તેમના જૂથમાંનો દાનિયાલ નામનો એક છોકરો, જે બરફમાં ગુમ થઈ ગયો હતો, તે મૃત્યુ પામ્યો છે.
ભૂખ અને કાતિલ ઠંડીને કારણે શાહસવાર પોતે થાકી ગયા હતા.
તેમણે એક મોટા ખડક પાસે આશરો લેવો પડ્યો હતો.
ટૂંક સમયમાં અહમદ અને આસિમ પણ ત્યાં આવી પહોંચ્યા હતા. તેમના હાથ સખત રીતે થીજી ગયા હતા.
શાહસવારે કહ્યું હતું કે “સવારે આસિમ આગળ વધ્યો હતો, પરંતુ અમે એટલા થીજી ગયા હતા કે બોલી પણ શકતા ન હતા.”
“અહમદ મારા હાથમાં સૂતો હતો અને થોડા સમય પછી મેં જોયું તો તેના શ્વાસ થંભી ગયા હતા.”
હિમડંખને કારણે શરીરના કેટલાક ભાગ કાળા પડી ગયા હતા

એ પછીના મહિને સોશિયલ મીડિયા પર એક વીડિયો પોસ્ટ કરવામાં આવ્યો હતો. તેમાં બરફમાંથી મળી આવેલો આસિમ જોવા મળ્યો હતો.
તેના શરીર પર ઠેકઠેકાણે હિમડંખ લાગેલા હતા અને તેના શરીર પર બહુ ઓછાં વસ્ત્રો હતાં.
વીડિયોમાં બચાવકર્તાઓ 13 વર્ષના આસિમને પૂછે છે કે તું એકલો છે? આ સવાલના જવાબમાં આસિમ કશું બોલી શકતો નથી અને હાથથી ઇશારો કરે છે.
શાહસવારના જણાવ્યા મુજબ, આસિમનો ઇશારો એ ખડક તરફ હતો, જ્યાં તેમણે આશરો લીધો હતો અને તેમનો જીવ બચી ગયો હતો.
બીબીસી અફઘાન ફૉરેન્સિક સાથે જે 12 લોકોએ વાત કરી હતી, તેમના જણાવ્યા મુજબ, આ સ્થળાંતરકર્તાઓની અગ્નિપરીક્ષાનો ત્યાં અંત આવ્યો ન હતો. એ પછી તેમને ઈરાનની હૉસ્પિટલમાં સારવાર આપવાનો પણ ઇનકાર કરવામાં આવ્યો હતો.
તહેરાનમાંના અફઘાન દૂતાવાસે 29 જાન્યુઆરીએ જણાવ્યું હતું કે ઈરાન-તુર્કી સરહદે કાતિલ ઠંડીમાં ફસાયેલા અનેક અફઘાન સ્થળાંતરકર્તાઓની ઓળખ કરવા તેમજ તેમના સ્વાસ્થ્યને સુધારવા માટે તાકિદના પગલાં લેવામાં આવ્યાં છે.
ચાર દિવસ પછી એ લોકોને વધુ તબીબી સારવાર માટે અફઘાનિસ્તાનના હેરાત પ્રાંતમાં અને ત્યાંથી રાજધાની કાબુલ લઈ જવામાં આવ્યા હતા.
જોકે, ત્યાં સુધીમાં તો આ 12 લોકો પૈકીના 11ના શરીરના કેટલાક ભાગો હિમડંખને કારણે કાળા પડી ગયા હતા.
શાહસવારે બીબીસી અફઘાન ફૉરેન્સિકને જણાવ્યું હતું કે તેના પોતાના હાથ અને પગનાં હાડકાં કાળાં પડી ગયાં હતાં. આખા શરીરમાં ખંજવાળ આવતી હતી.

તેઓ કાબુલમાં હૉસ્પિટલે પહોંચ્યા ત્યારે તેમના પિતા અને ભાઈએ એક દસ્તાવેજ પર સહી કરી હતી.
તેમને ઑપરેશન થિયેટરમાં લઈ જવામાં આવ્યા હતા અને તેમના બંને હાથ તથા પગ કાપી નાખવામાં આવ્યા હતા.
વર્લ્ડ હેલ્થ ઑગેનાઇઝેશન (ડબલ્યુએચઓ) અને યુનાઇટેડ કિંગ્ડમની નૅશનલ હૅલ્થ સર્વિસ (એનએચએસ)ના જણાવ્યા અનુસાર, તાકિદે સારવાર કરવામાં આવે તો હિમડંખનો ભોગ બનેલી વ્યક્તિને ઉગારી શકાય છે, પરંતુ કમનસીબ 11 અફઘાનો માટે ખૂબ મોડું થઈ ગયું હતું.
વેન બાર ઍસોસિયેશનના હ્યુમન રાઇટ્સ સેન્ટર માઇગ્રેશન ઍન્ડ એસાયલમના અધ્યક્ષ સફાક બોઝકર્ટે બીબીસી અફઘાન ફૉરેન્સિકને કહ્યું હતું કે “પ્રસ્તુત આરોપો બાબતે કોઈ માહિતી મળી નથી. જોકે, આ પ્રદેશમાં આવું થાય છે. હાયપરથર્મિયાના કિસ્સાઓ નોંધાયાનું પણ અમારી જાણમાં છે.”
તુર્કી સ્થિત કર્મશીલ ઝાકિરા હિકમતે જણાવ્યું હતું કે 2021માં તાલિબાને કાબુલમાં સત્તા કબજે કરી ત્યારથી અફઘાન સ્થળાંતરકર્તાઓ વર્ષમાં ઘણી વખત આવી કથાઓ કહેતા રહે છે.
તેનું કારણ એ છે કે સરહદ પર સર્વેલન્સ વધવાથી તેમણે તુર્કીમાં ઘૂસવા માટે ખતરનાક માર્ગે પ્રવાસ કરવો પડે છે.
તેમણે કહ્યું હતું કે, “વસંતના આગમન સાથે બરફ પીગળે ત્યારે આવા લોકોના મૃતદેહો પશુઓના ચરાવતા સ્થાનિકોને મળી આવે છે. તેઓ સુરક્ષા દળોને જાણ કરે છે.”
વાન સ્થિત એક અન્ય માઇગ્રન્ટ રાઇટ્સ કર્મશીલ મહમૂત કેસેને બીબીસી અફઘાન ફૉરેન્સિકને કહ્યું હતું કે, “તુર્કીમાં ગેરકાયદે પ્રવેશતા અફઘાની લોકો મોટાભાગે પર્વતીય માર્ગને પસંદ કરે છે.”
“આ ક્રૉસિંગ ઘણીવાર મુશ્કેલ હવામાનમાં કરવામાં આવે છે અને તેમાં કાતિલ ઠંડી, ઈજાઓ અને માનવ તસ્કરો દ્વારા શોષણનો સમાવેશ થાય છે.”
તેમણે “ઈરાન-તુર્કી સરહદી પ્રદેશમાં ખરાબ વર્તન કરવામાં આવ્યું હોય, પાછા ધકેલવામાં આવ્યા હોય, આશ્રય આપવાનો ઇનકાર કરાયો હોય અને ખાસ કરીને પાન પ્રાંત તથા આસપાસના સરહદી વિસ્તારોમાંથી બળજબરીથી પાછા ધકેલવામાં આવ્યા હોય એવા અફઘાન નાગરિકો તથા અન્ય સ્થળાંતરકર્તાઓના અસંખ્ય કેસમાં કામ કર્યું છે.”

હ્યુમન રાઇટ્સ વૉચે પણ ઑક્ટોબર 2021 અને નવેમ્બર 2022માં પણ મારપીટ, આશ્રયની સુવિધાના ઇનકાર અને આશ્રય શોધતા લોકોને તુર્કી સૈનિકો દ્વારા પાછા ધકેલવામાં આવ્યાના આરોપોનો અહેવાલ આપ્યો હતો.
ઍમ્નેસ્ટી ઇન્ટરનૅશનલે પણ 2022માં જણાવ્યું હતું કે અફઘાન પુરુષો, મહિલાઓ તથા બાળકોને ગેરકાયદે રીતે પાછા મોકલવામાં આવી રહ્યાં છે.
અફઘાન સ્થળાંતરકર્તાઓ સાથે અમાનવીય વર્તન થતું હોવાનું અને ઈરાની તથા તુર્કી અધિકારીઓ દ્વારા અફઘાની પર ગોળીબાર, મનફાવે તેમ અટકાયત અને બીજું ખરાબ વર્તન કરવામાં આવતું હોવાનું પણ તે અહેવાલમાં જણાવવામાં આવ્યું હતું.
જોકે, તુર્કીના વિદેશ મંત્રાલયના પ્રવક્તાએ બીબીસી અફઘાન ફૉરેન્સિકને કહ્યું હતું કે, “આવા પાયાવિહોણા આક્ષેપો, ગેરકાયદે માઇગ્રેશનને રોકવા માટેના તુર્કીના સફળ પ્રયાસો સામે ખોટી શંકા ઉઠાવે છે.”
તેમણે ઉમેર્યું હતું કે “માઇગ્રેશન રૂટ પરના પોતાના ભૂરાજકીય લોકેશન અને સ્થળાંતરકર્તાઓ તથા નિરાશ્રિતોને મોટી સંખ્યામાં આશરો આપવાની સાથે તુર્કી એક એવી માનવકેન્દ્રી અને ટકાઉ માઇગ્રેશન મૅનેજમેન્ટ સિસ્ટમ અમલી બનાવવા ઇચ્છે છે, જે માનવ મૂલ્યોને અનુકૂળ હોય તેમજ સલામતી તથા સ્વાતંત્ર્ય વચ્ચે સંતુલન જાળવી રાખે.”
“આ હેતુને ધ્યાનમાં રાખીને તુર્કી આંતરરાષ્ટ્રીય કાયદા, માનવાધિકારના સિદ્ધાંતો અને જાહેર સુરક્ષા વચ્ચે સંતુલન જાળવીને ગેરકાયદે માઇગ્રેશનનું અસરકારક રીતે નિરાકરણ કરે છે.”
તેમના કહેવા મુજબ, “તુર્કી ઈરાન સાથેની તેની 560 કિલોમીટર લાંબી સરહદ પર જાસૂસી તથા સર્વેલન્સના સાધનોનો ઉપયોગ કરીને 24 કલાક નજર રાખે છે.”
“સરહદે બનતી બધી ઘટનાઓ રેકોર્ડ કરે છે.”
“તુર્કીના અસરકારક પગલાં અને ગેરકાયદે સ્થળાંતર સામેની સફળ લડાઈને કારણે યુરોપિયન યુનિયન તરફનો ગેરકાયદે સ્થળાંતર પ્રવાહ લગભગ સંપૂર્ણપણે બંધ થઈ ગયો છે.”
આ સંદર્ભે ટિપ્પણી માટે ઈરાની અધિકારીઓનો સંપર્ક પણ સાધવામાં આવ્યો છે.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન
SOURCE : BBC NEWS




