Source : BBC NEWS
ઇમેજ સ્રોત, Getty Images
પ્રકાશિત
વાંચવાનો સમય: 5 મિનિટ
રિપોર્ટર: ચારેય બાજુ વૈભવ અને વૈભવની જ ચર્ચા છે. ત્યારે કોચ અને કૅપ્ટન માટે આ પરિસ્થિતિ મૂંઝવણમાં મૂકનારી હશે?
આ પ્રશ્નના જવાબથી ભારતીય ટી20 કૅપ્ટન શ્રેયસ અય્યરની સોશિયલ મીડિયા પર વ્યાપક ચર્ચા થઈ રહી છે. તેમના આ વલણની ટીકા અને ટ્રોલિંગ પણ થઈ રહ્યું છે.
ભારત તાજેતરમાં આયર્લૅન્ડ સામેની બે મૅચની ટી20 શ્રેણી 2-0થી હારી ગયું.
વૈભવ સૂર્યવંશી બંને મૅચમાં રમ્યા ન હતા, જેના કારણે ક્રિકેટ નિષ્ણાતો, પૂર્વ ક્રિકેટરો અને ચાહકોએ કૅપ્ટન અને ટીમ મૅનેજમેન્ટના નિર્ણયો અંગે પ્રશ્નો ઊભા કર્યા હતા.
ભારત બુધવાર એક જુલાઈના રોજ ઇંગ્લૅન્ડ સામે પાંચ મૅચની ટી20 સિરીઝની પહેલી મૅચ રમવાના હતા.
ત્યારે પત્રકારોએ કૅપ્ટન શ્રેયસ અય્યરને વૈભવ સૂર્યવંશી અને આ સંદર્ભે યોજાયેલી પ્રેસ કૉન્ફરન્સમાં તેમના વિશે ચાલી રહેલી ચર્ચાઓ વિશે કેટલાક પ્રશ્નો પૂછ્યા, ત્યારે તેમના જવાબો પર સોશિયલ મીડિયા પર વ્યાપક ચર્ચાઓ શરૂ થઈ હતી અને તેમને ખૂબ ટ્રોલ પણ કરવામાં આવ્યા.
કૅપ્ટન શ્રેયર અય્યરે વૈભવ સૂર્યવંશી વિશે શું કહ્યું હતું?
ઇમેજ સ્રોત, Ashley Allen/Getty Images
જ્યારે એક પત્રકારે વૈભવ સૂર્યવંશી વિશે અય્યરને પૂછ્યું કે વૈભવની એટલી બધી ચર્ચા થઈ રહી છે જે સાંભળવી શું કૅપ્ટન અને કોચ માટે ખૂબ મુશ્કેલ થતી હશે તેના જવાબમાં અય્યરે કહ્યું, “હું તો એવું કંઈ જોઈ રહ્યો નથી. ના હું તમારી ન્યૂઝ ફૉલો કરું છું. ના હું ઇન્સ્ટાગ્રામ પર કંઈ ફૉલો કરું છું અને ના તો કોઈ સોશિયલ મીડિયા પ્લેટફૉર્મ પર. એટલે મેં એવું કંઈ પણ સાંભળ્યું નથી.”
જ્યારે બીજા પત્રકારે તેમને પૂછ્યું “જ્યારે એક એવો છોકરો, જે ઢગલાબંધ રન બનાવવા છતાં બૅન્ચ પર બેઠો છે, તો એક કૅપ્ટન તરીકે અથવા ટીમ મૅનેજમેન્ટ માટે એ નિર્ણય લેવો શું ખરેખર મુશ્કેલ છે કે તેમને ક્યારે તક આપવામાં આવે?”
તેના જવાબમાં અય્યરે કહ્યું, “ટીમમાં હાજર દરેક ખેલાડીએ પર્ફોર્મ કર્યું છે. એવું નથી કે માત્ર એક ખેલાડીએ જ સારું રમ્યું છે. દરેક ખેલાડીને તક આપવાની છે અને સાથે જ ટીમમાં તેની જગ્યાને લઈને તેને આશ્વસ્ત પણ રાખવાનો છે, જેથી તેનો આત્મવિશ્વાસ જળવાઈ રહે.”
“જે ખેલાડીઓએ ગત વર્લ્ડકપ જિતાડવામાં યોગદાન આપ્યું છે, તેમને એ વાતનો અનુભવ છે કે તેઓ ટી20માં કેવી રીતે રમે છે.”
“તેઓ આ ફૉર્મેટના મુખ્ય સ્તંભ રહ્યા છે. તેથી તેમનું સમર્થન કરવું ખૂબ મહત્ત્વનું છે.”
ટીમ કૉમ્બિનેશન વિશે જ્યારે તેમને પૂછવામાં આવ્યું તો તેમણે કહ્યું, “તમે ક્યારેય જાણતા નથી કે શું થવાનું છે. અમે શું કરવાના છીએ તેને લઈને અમારા હાથ પણ બંધાયેલા છે, કારણ કે આ જાણકારી ખાનગી હોય છે.”
“અમે આ બાબતોની ચર્ચા ટીમમાં કરીએ છીએ. અમે દરેકને કહી શકતા નથી કે અમારું કૉમ્બિનેશન શું હશે.”
“સામેવાળી ટીમ પણ કહેવા નહીં માંગે. ચોક્કસપણે વૈભવ ખૂબ જ સારો ખેલાડી છે. તે ખૂબ ટેલેન્ટેડ છે. જ્યારે પણ તેને રમવાની તક મળશે તો તે સારું રમશે.”
હેરી બ્રુકે સૂર્યવંશીનાં કર્યાં વખાણ
આ દરમિયાન ઇંગ્લૅન્ડના કૅપ્ટન હેરી બ્રુકે વૈભવ સૂર્યવંશીની ખૂબ પ્રશંસા કરી.
જ્યારે તેમને પૂછવામાં આવ્યું કે શું તેમની ટીમે સૂર્યવંશી માટે કોઈ ખાસ તૈયારીઓ કરી છે, ત્યારે બ્રુકે કહ્યું, “વૈભવ સૂર્યવંશી એક શાનદાર ખેલાડી છે. તેમણે અત્યાર સુધી શાનદાર પ્રદર્શન કર્યું છે.”
“અમે તેમના માટે અમારી રણનીતિ તૈયાર કરી લીધી છે. અમને આશા છે કે અમે તેમને તેમનું શ્રેષ્ઠ ક્રિકેટ રમવાથી રોકી શકીશું.”
વૈભવ સૂર્યવંશી જવાબ આપીને શ્રેયસ અય્યર કેમ ટ્રોલ થયા?
ઇમેજ સ્રોત, Arun SANKAR / AFP via Getty Images
શ્રેયસ અય્યરે વૈભવ સૂર્યવંશીને લઈને આપેલા જવાબ ક્રિકેટ ચાહકોને પસંદ પડ્યા નથી અને સોશિયલ મીડિયા પર તેમની ટીકા શરૂ થઈ ગઈ.
ઍક્સ પર @MARCUS907935 એ લખ્યું, “આ કેવું વલણ છે? આ છે આપણા નવા કૅપ્ટન, જે આવી વાતો કરી રહ્યા છે.”
ત્યાં જ, @RanjanSinghh_ એ ટિપ્પણી કરી, “વૈભવનું નામ સાંભળતા જ આપણા નવા કૅપ્ટન કેટલા એરોગેંટ અંદાજમાં જવાબ આપી રહ્યા છે.”
ત્યારે @Param_117 એ લખ્યું, “આત્મવિશ્વાસ સારી વાત છે, પણ આ જવાબ બાબતોને સંપૂર્ણરીતે નકારવા જેવો લાગે છે. ફૅન્સ અને મીડિયા વૈભવના પ્રદર્શનને લઈને ઉત્સાહિત છે અને એ ઉત્સાહનો સ્વીકાર કરવામાં કોઈ નુકસાન નથી. થોડી નમ્રતા હંમેશાં સન્માન અપાવે છે, નહીં કે આવું ગુસ્સાવાળું વલણ.”
આયર્લૅન્ડ સામેની બે મૅચોની ટી-20 સિરીઝ અને ઇંગ્લૅન્ડ સામેની પાંચ મૅચોની ટી-20 સિરીઝ માટે શ્રેયસ અય્યરને સૂર્યકુમાર યાદવની જગ્યાએ ભારતીય ટીમના કૅપ્ટન બનાવવામાં આવ્યા છે.
ભારતીય ટીમે આ જ વર્ષે ટી20 વર્લ્ડકપ જીત્યો હતો, જેમાં સૂર્યકુમાર યાદવ કૅપ્ટન હતા.
જોકે, વર્તમાન સિરીઝ માટે તેમને માત્ર કૅપ્ટનશિપ પરથી જ હટાવવામાં આવ્યા નથી, પરંતુ ટીમમાં પણ જગ્યા મળી નથી.
તેમની જગ્યાએ શ્રેયસ અય્યરને કૅપ્ટન બનાવાયા છે, જેના પર ફૅન્સ અને ક્રિકેટ નિષ્ણાતોની ભળતી પ્રતિક્રિયા જોવા મળી.
સૂર્યવંશીને ડેબ્યૂને લઈને નિષ્ણાતોએ શું કહ્યું?
ઇમેજ સ્રોત, Charles McQuillan/Getty Images
આયર્લૅન્ડ સામેની મૅચમાં વૈભવ સૂર્યવંશીને ડૅબ્યૂ ન કરાવવા પર પૂર્વ ભારતીય ક્રિકેટરોએ પણ નિરાશા વ્યક્ત કરી છે.
ભારતના પૂર્વ ક્રિકેટર સુનીલ ગાવસ્કરે એક ટીવી ચૅનલને આપેલા ઇન્ટરવ્યૂમાં કહ્યું હતું કે “વૈભવ સૂર્યવંશીના ફૉર્મને જોતાં તેને બંને મૅચમાં રમાડી શકાયા હોત. એક મૅચમાં વૈભવ સૂર્યવંશીને અભિષેક શર્મા સાથે ઓપનિંગ કરાવી શકાઈ હોત.”
“બીજી મૅચમાં અભિષેક શર્માને નીચે ક્રમમાં લાવીને સંજુ સૅમસનને સામેલ કરી શકાયો હોત. પરંતુ આવું થઈ શક્યું નહીં.”
તેમણે કહ્યું “શક્ય છે કે વૈભવે ફક્ત 10-15 રન જ બનાવ્યા હોત. પરંતુ યુવા ખેલાડીઓની કસોટી કરવાની આ શ્રેષ્ઠ તક હતી.”
“હવે તેમને ઇંગ્લૅન્ડ સામેની પહેલી જ મૅચમાં રમાડવા જોઈએ, વાત સરળ છે ફૉર્મમાં ન હોય તેવા બૅટ્સમૅનોને બહાર રાખો અને વૈભવ સૂર્યવંશીને રમાડો.”
“ભલે તમે તેમને ઓપનિંગ નહીં પણ તે પછી મોકલો, પણ રમાડો. તેમને ટીમમાં સ્થાન મળવું જોઈએ.”
પૂર્વ ભારતીય ક્રિકેટર મોહમ્મદ કૈફે પણ બેસ્ટ પ્લેઇંગ ઇલેવન પર પ્રશ્નો ઉઠાવ્યા છે.
તેમણે કહ્યું “જો શ્રેષ્ઠ પ્લેઇંગ ઇલેવન બનાવવામાં આવી હોત, તો વૈભવ સૂર્યવંશીનું નામ ચોક્કસપણે સામેલ કરાયું હોત. દલીલ એવી આપવામાં આવી હતી કે આ એક વર્લ્ડકપ વિજેતા ટીમ છે, તેથી અમે તે જ 11 ખેલાડીઓ સાથે જઈશું.”
“વૈભવે રાહ જોવી પડશે. પરંતુ આ તર્ક પર સતત ટકવું જોઈએ. રોહિત શર્મા વિજેતા કૅપ્ટન હતા, તેમ છતાં બાદમાં તેમને હટાવી દેવામાં આવ્યા અને એક યુવાન કૅપ્ટનને તક આપવાનું કહેવામાં આવ્યું.”
“સૂર્યકુમાર યાદવને કૅપ્ટનપદેથી હટાવવા પાછળ પણ આ જ દલીલ આપવામાં આવી હતી.”
“જ્યારે તમે ભવિષ્ય તરફ જોઈ રહ્યા છો, ત્યારે ભવિષ્ય માટે 15 વર્ષના વૈભવ સૂર્યવંશી કરતાં મોટો ખેલાડી કોણ છે?”
“તે રન બનાવી રહ્યો છે. તેણે આઈપીએલમાં ઑરેન્જ કૅપ જીતી છે. તે ક્રિસ ગેઇલના રેકૉર્ડની બરાબરી કરવાની નજીક પહોંચી ગયો હતો, ફક્ત એક છગ્ગાથી તે ચૂકી ગયો હતો. આવી સ્થિતિમાં તેનું નામ શ્રેષ્ઠ અગિયારમાં હોવું જોઈએ.”
વરિષ્ઠ પત્રકાર રાજદીપ સરદેસાઈએ ઍક્સ પર લખ્યું, “શું વૈભવ સૂર્યવંશીને ફક્ત બૅન્ચ પર બેસવા માટે આયર્લૅન્ડ મોકલવામાં આવ્યા હતા?”
“કે ફક્ત ટીવી પર આ સિરીઝનું માર્કેટિંગ કરવા માટે? જ્યારે તમારી પાસે પેઢીમાં એક વાર આવતી પ્રતિભા હોય ત્યારે તેને ચમકવાની દરેક તક આપવી જોઈએ. આ ખૂબ જ વિચિત્ર છે.”
આ દરમિયાન, વરિષ્ઠ સ્પૉર્ટ્સ પત્રકાર હર્ષા ભોગલેએ આયર્લૅન્ડની ટીમની પ્રશંસા કરી અને ઇન્સ્ટાગ્રામ પર લખ્યું , “આયર્લૅન્ડનું પ્રદર્શન ઉત્તમ હતું. આ તે સફળતા છે જેની તેમના ક્રિકેટને જરૂર હતી.”
“આ પરિણામ ખેલાડીઓને આત્મવિશ્વાસથી ભરી દેશે અને તેમના ક્રિકેટને મજબૂત બનાવશે.”
તેમણે આગળ લખ્યું , “આ બે મૅચ આંખો ખોલનારી સાબિત થઈ. વિશ્વના શ્રેષ્ઠ ખેલાડીઓ પણ એવી પીચ પર વિવિધ પરિસ્થિતિઓમાં ઝડપથી અનુકૂલન સાધી શકતા નથી જ્યાં 250 રન સરળતાથી બનાવી શકાય છે.”
“તેથી ખેલાડીઓએ સમયાંતરે 160-170 રનની મૅચ પણ રમવી જોઈએ. આવી મૅચો બૅટ્સમૅનોની ખરી કસોટી કરે છે.”
બીબીસી માટે કલેક્ટીવ ન્યૂઝરૂમનું પ્રકાશન
SOURCE : BBC NEWS




