Home તાજા સમાચાર gujrati ‘શિક્ષકની બીકથી ઘર છોડનાર’ વ્યક્તિ 66 વર્ષ બાદ પાછી આવી ત્યારે ગામમાં...

‘શિક્ષકની બીકથી ઘર છોડનાર’ વ્યક્તિ 66 વર્ષ બાદ પાછી આવી ત્યારે ગામમાં શું થયું?

5
0

Source : BBC NEWS

સંદીસ

સંદીસ માત્ર 11 વર્ષના હતા જ્યારે તેમણે પોતાનું ગામ છોડી દીધું હતું. પણ આ ઘર છોડી જવાનું કારણ વિચિત્ર હતું. આ કારણ હતું ‘શિક્ષકનો ડર’.

કદાચ તેમને એ ખ્યાલ નહીં હોય કે આ ડરને કારણે ઘર છોડ્યા પછી તેમને જીવનના છ દાયકા ઘર અને પરિવારથી દૂર વિતાવવા પડશે અને જ્યારે તેઓ પાછા ફરશે ત્યારે તેમનાં માતાપિતા પણ તેમને ગળે મળવા માટે નહીં બચ્યાં હોય.

આ વિચિત્ર કહાણી 77 વર્ષના સંદીસની છે. જ્યારે તેઓ પાકિસ્તાન પ્રશાસિત કાશ્મીરમાં આવેલા ઝેલમ વેલી જિલ્લામાં આવેલા તેમના ગામ નોગ્રાનમાં આવેલા ઘરે પરત ફર્યા ત્યાકે તેમનું નામ પણ બદલાઈ ગયું હતું.

હવે તેઓ અબ્દુલ અઝીઝ નામે ઓળખાય છે. જ્યારે તેઓ તેમના ગામમાં 66 વર્ષ પછી પાછા ફર્યા ત્યારે તેમનાં માતાપિતા અને ભાઈબહેન તેમને આવકારવા માટે હાજર નહોતાં. તેમનું સૌનું મૃત્યુ થઈ ગયું હતું.

જ્યારે તેઓ ઘરે પરત ફર્યા ત્યારે નવી પેઢી તેમનું સ્વાગત કરી રહી હતી. આ લોકો તેમના પરિવારની એ વ્યક્તિને જોવા આતુર હતા જેમને તેઓ ક્યારેય મળ્યા નહોતા અને દાયકાઓથી વિખૂટા પડી ગયા હતા.

સંદીસે ઘર કેમ છોડી દીધું હતું?

વર્ષ 1960માં સંદીસ 11 વર્ષના હતા અને ગોહારાબાદ સ્કૂલમાં ભણી રહ્યા હતા.

તેમનું કહેવું છે કે તેમણે ઘર અને આ વિસ્તાર શિક્ષકોના ડરથી છોડી દીધો હતો.

બાળકનું અચાનક ગાયબ થઈ જવું એ તેમના પરિવાર માટે ઝટકો હતો. સમય પસાર થતો ગયો, પણ પરિવારને તેના કોઈ સમાચાર ન મળ્યા.

સંદીસના ભત્રીજા મતીને બીબીસી ઉર્દૂને જણાવ્યું કે, “જ્યારે અમને થોડી ખબર પડવા માંડી ત્યારે અમારાં માતાપિતા વાતો કરતા કે તેમનો એક ભાઈ શાળાએથી ઘરે આવ્યો અને કહ્યું કે શિક્ષકે તેને માર્યો છે અને હવે પછી એ શાળાએ નહીં જાય.”

મતીન કહે છે, “એ દિવસોમાં શાળાએ જઈને શિક્ષકની ફરિયાદ કરવી એ ઘણું અઘરું મનાતું હતું. માતાપિતા ધીરજ રાખતાં હતાં. પરંતુ આ વાત ત્યાં ન અટકી.”

“એ દિવસે એ શિક્ષક ઘરે આવ્યા અને તેમણે સંદીસે ઘરે આવીને પણ ફટકાર લગાવી. શિક્ષકે ઘરે આવીને માતાપિતાને કહ્યું કે તમારું બાળક શાળાએ આવતું નથી અને અભ્યાસમાં ધ્યાન આપતું નથી.”

જોકે, આ સમયગાળા દરમિયાન સંદીસે ઘર છોડી દીધું અને પાકિસ્તાનના પંજાબ પ્રાંતમાં આવેલા ફૈસલાબાદ ચાલ્યા ગયા. તેમના કહેવા અનુસાર, તેમણે પાકિસ્તાનના અન્ય શહેરોમાં મહેનત કરી અને જીવન પસાર કર્યું.

બીજી તરફ જ્યારે તેઓ પાછા ફર્યા ત્યાં સુધીમાં તેમના પરિવારના એક પછી એક સભ્યો મૃત્યુ પામતા ગયા.

“મેં શિક્ષકના ડરે ક્યારેય ઘરે ફરવાનું વિચાર્યું નહીં”

સંદીશનું સ્વાગત કરી રહેલા કેટલાક લોકો

સંદીસે બીબીસી ઉર્દૂને જણાવ્યું કે, “મેં ઘર છોડ્યું એ પછી એક ટ્રક ડ્રાઇવરને મને ગમે ત્યાં ઉતારી દેવા કહ્યું. આ ડ્રાઇવરે મને ફૈસલાબાદમાં ઉતાર્યો.”

તેમનું કહેવું છે કે તેમણે ફૈસલાબાદમાં ઘણી મહેનત કરી પણ ઘરે પરત ફરવા અંગે ક્યારેય ન વિચાર્યું.

સંદીસ ફૈસલાબાદમાં લાંબું ન રોકાયા. પછી તેઓ ખાનપુરા કટુરા નામના ગામમાં ચાલ્યા ગયા.

તેમને ત્યાં સ્થાનિકો સઇદ અહેમદ અને રફીક અહેમદે રાખ્યા.

તેઓ કહે છે, “હું ત્યાં તેમનો બની ગયો. હું ઘરને યાદ કરતો હતો પરંતુ શાળાના શિક્ષક યાદ આવે ત્યાં જ હું ઘરે પાછા ફરવાનો વિચાર છોડી દેતો હતો.”

સંદીસનું કહેવું છે કે સઇદ અહેમદે તેમને તરછોડાયેલા જાહેર નહોતા કર્યા. કારણ કે જો તેમણે આમ કર્યું હોત તો તેમને ઓળખપત્ર ન મળ્યું હોત.

સંદીસનું નામ ઓળખપત્રમાં અબ્દુલ અઝીઝ કરવામાં આવ્યું પરંતુ તેમની સમસ્યાઓ ત્યાં ન અંત થઈ. તેમણે એ જ ગામમાં સગાઈ કરી પરંતુ પછી લગ્ન ન થઈ શક્યાં.

2005માં આવેલા ભૂકંપમાં પાકિસ્તાન પ્રશાસિત કાશ્મીરમાં ભારે નુકસાન થયું હતું. સંદીસનો તેમના પરિવાર સાથે સંપર્ક નહોતો થઈ શક્યો અને પછી પરિવારે એમ માની લીધું હતું કે આ ભૂકંપમાં તેઓ નહીં બચ્યા હોય.

તેઓ કહે છે કે, “જ્યારે કાશ્મીરમાં ભૂકંપ આવ્યો અને હજારો લોકો મરી ગયા ત્યારે મેં મારા પૈસાથી નાનકડી મસ્જિદ બાંધી જેથી કરીને મારાં માતાપિતાને આશીર્વાદ મળતા રહે.”

તેઓ ઘરે પાછા કેવી રીતે ફરી શક્યા?

સંદીશ તેમના અમુક સંબંધીઓ સાથે

સંદીસની ઘરે પાછા ફરવાની કહાણી પણ ઘણી રસપ્રદ છે.

તેઓ જે ગામમાં જ્યાં રહેતા હતા ત્યાં તેઓ એક દુકાને વારંવાર જતા હતા. આ દુકાનમાં એક રાશિદ નામનો માણસ કામ કરતો હતો અને તે પાકિસ્તાન પ્રશાસિત કાશ્મીરથી હતો.

“મેં તેને મારી કહાણી કહી. કહ્યું કે હું આજ સુધી ઘરે પાછો ફરી શક્યો નથી. ત્યાં એક કાશ્મીરી નાગરિક અને ડ્રાઇવર રમઝાન પણ આવતો હતો.”

સંદીસ કહે છે કે રાશિદે આ કહાણી એ ડ્રાઇવરનો કહી અને કહ્યું કે આ બાબા કાશ્મીરી છે અને તમે તેની ઓળખાણ તેમના પરિવાર સાથે કરાવો.

તેમનું કહેવું છે કે થોડા સમય પછી રમઝાને રાશિદને કહ્યું કે તેમણે તેમના પરિવારને શોધી લીધો છે.

સંદીસે બીબીસી ઉર્દૂને જણાવ્યું હતું કે, “રમઝાને કહ્યું હતું કે જો અબ્દુલ અઝીઝ ઘરે પાછા ફરવા માગે તો તેઓ તેમના પરિવાર સાથે મેળવી શકે છે.”

ત્યારબાદ રમઝાને રાશિદ અને સંદીસના પરિવારજનોને મળાવ્યા અને પછી સંદીસનો ભત્રીજો તેમને આ સરનામે લેવા ગયા.

સંદીસના ભત્રીજા મતીને કહ્યું કે રમઝાને જ તેમના પરિવારની માહિતી આપી હતી.

તેમણે કહ્યું કે, “તેઓ સંદીસના જીવિત હોવાના સમાચાર લાવ્યા અને પછી અમે તેમને મળવા ગયા. પછી સઇદ ખાનની મંજૂરીથી અમે કાકાને લઈ આવ્યા.”

સંદીસ કહે છે, “જ્યારે મારા પરિવારના લોકો મને મળવા આવ્યા ત્યારે મેં પહેલાં મારા ભાઈઓ અને માતાપિતા વિશે પૂછ્યું હતું. પણ એ બધાનું મૃત્યુ થઈ ગયું હતું. પણ કેટલાક સંબંધીઓ હજુ જીવિત હતા. મેં મારા ભત્રીજા મતીન સાથે એ શરતે ઘરે જવાનું નક્કી કર્યું કે મારા શાળાના શિક્ષક મને ડરાવવા નહીં આવે.”

“અમે બીજા દિવસે નોગ્રાન પહોંચ્યા. મેં કેટલીક જગ્યાઓ ઓળખી પરંતુ વસ્તી વધવાને કારણે બધું બદલાઈ ગયું હતું. જોકે, મેં મારી જમીન ઓળખી લીધી અને મારી ઘરની જગ્યા પણ ઓળખી લીધી.”

ઘરે સ્વાગત

ઘરે પરત ફરેલા સંદીસ ખુશ છે પરંતુ તેમના પરિવારજનો હવે આ દુનિયામાં ન હોવાથી દુ:ખી પણ છે.

તેમણે બીબીસી ઉર્દૂને જણાવ્યું હતું કે, “હું મારા ઘરે પરત ફરવા માગતો હતો પરંતુ એ કેવી રીતે શક્ય બનશે એ મને ખ્યાલ નહોતો. મારા નસીબમાં ઘરે પરત ફરવાનું લખ્યું હતું અને હું પાછો ફર્યો છું. પણ હું દુ:ખી પણ છું કારણ કે મારાં માતાપિતા અને ભાઈઓને નહીં જોઈ શકું.”

“મને મારા કોઈ સહાધ્યાયી પણ યાદ નથી પણ મારા કેટલાક નજીકના સંબંધીઓ યાદ છે જેમને હું નામથી ઓળખું છું.”

સંદીશને તેમના પરિવારની નવી પેઢીને જોઈને પણ આનંદ થાય છે. તેઓ જ્યારે તેમના ગામ નોગ્રાનમાં આવ્યા ત્યારે આ લોકોએ તેમનું સ્વાગત કર્યું હતું.

સંદીસના ભત્રીજા મુબારક અવને બીબીસી ઉર્દૂને જણાવ્યું કે જ્યારથી તેમના કાકા પાછા ફર્યા છે ત્યારથી લોકો તેમને દૂર દૂરથી મળવા આવી રહ્યા છે.

અમારા કેટલાક સંબંધીઓ એ ઉત્સુકતાથી તેમને મળવા આવી રહ્યા છે કે કોઈ વ્યક્તિ આટલા લાંબા સમય પછી કેવી રીતે પાછી ફરી શકે?

મુબારક ઉમેરે છે કે, “દિવસ હોય કે રાત, ઘરમાં તહેવાર જેવું વાતાવરણ રહે છે. ગમે ત્યારે લોકો તેમને મળવા આવતા રહે છે.”

“કેટલાક એવા લોકો પણ આવી રહ્યા છે જેમના પરિવારજનો વિખૂટા પડી ગયા હોય અને તેમને એવી આશા છે કે તેમના પરિવારના લોકો પણ એક દિવસ પાછા ફરશે.”

જોકે, સંદીશને એ વાતની ધરપત છે કે તેઓ જો મૃત્યુ પામશે તો એમને એ વાતનું દુ:ખ નહીં હોય કે તેઓ તેમના લોકોને મળ્યા વગર આ દુનિયામાંથી ચાલ્યા ગયા.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

SOURCE : BBC NEWS