Source : BBC NEWS

આઈપીએલ, સાઈ સુદર્શન, ફાયનલ, ક્વૉર્ટર ફાયનલ, બીબીસી

ઇમેજ સ્રોત, ANI

આઈપીએલ 2026 સીઝનની ક્વૉલિફાયર-1 મેચ આજે (26મે) ધર્મશાળામાં રમાશે. જેમાં પોઈન્ટ ટેબલમાં ટોચની બે ટીમો રૉયલ ચેલેન્જર્સ બેંગલુરુ અને ગુજરાત ટાઇટન્સ ટકરાશે. અને આજની મૅચની વિજેતા ટીમ સીધી ફાઇનલમાં પ્રવેશ કરશે.

આ મૅચમાં વિરાટ કોહલી, શુભમન ગિલ, ભુવનેશ્વર કુમાર, જૉશ હેઝલવુડ, રાશિદ ખાન જેવા ઘણા સ્ટાર ખેલાડીઓ રમી રહ્યા છે. આમાંથી કોઈ પણ પરિણામ પર સીધી અસર કરી શકે છે. પરંતુ હું સૌથી આતુર તે બાબતે છું કે આ મૅચમાં સાઈ સુદર્શન કેવું પ્રદર્શન કરશે?

તમિલનાડુના આ 24 વર્ષીય બૅટ્સમેને આ સિઝનમાં અત્યાર સુધીમાં 638 રન માર્યા છે, તે સાથે જ ઑરેન્જ કેપ યાદીમાં ટોચ પર છે. તેમણે એક સદી અને સાત અડધી સદી ફટકારી છે. આ સિઝનની દરેક મૅચમાં લગભગ સાઈનું શાનદાર પ્રદર્શન રહ્યું છે. આ સિઝનમાં તે તેમની ટીમનો હીરો બનીને ઊભરી આવ્યા છે.

સાઈ સુદર્શને સતત ત્રીજી સિઝનમાં 500 રનનો આંકડો પાર કરી દીધો છે, દરેક મૅચમાં તે એક નવી સિદ્ધિ હાંસલ કરી રહ્યા છે. આઈપીએલ જેવી સિરીઝમાં 2000 રનનો સૌથી ઝડપી સ્કોર કરનાર ખેલાડી બનવું એ કોઈ સામાન્ય સિદ્ધિ નથી.

સાઈ સુદર્શન તેમની સામે આવતા પડકારોને યોગ્ય રીતે ઝીલી રહ્યા છે. ક્રિકેટ પિચની બાબતમાં પણ સ્પિન-ફ્રેન્ડલી પિચ હોય કે બાઉન્સ-ફ્રેન્ડલી પિચ દરેક પરિસ્થિતિઓ સાઈ માટે હાલ અનુકૂળ સાબિત થઈ રહી છે, તે સતત રન બનાવતા દેખાઈ રહ્યા છે.

આ વખતની ટીમ તેમના માટે વધુ યોગ્ય સાબિત થઈ રહી છે. તેમને ગુજરાત ટાઇટન્સની ટીમમાં સારું વાતાવરણ મળી રહ્યું છે તેવું લાગી રહ્યું છે. તેમણે મને ઘણીવાર આ વાત કહી છે.

તેમણે એ પણ ઉલ્લેખ કર્યો છે કે કોચ આશિષ નેહરા અને કૅપ્ટન શુભમન ગિલ તેમને ઘણી મદદ કરે છે. પરંતુ આ તેમના સારા પ્રદર્શન પાછળનું એકમાત્ર કારણ નથી.

તો તેમના ઉત્તમ પ્રદર્શન પાછળનું કારણ શું છે? તે સતત બદલાતા ટી20 લૅન્ડસ્કેપમાં પોતાની રણનીતિ કેવી રીતે ઘડે છે?

છગ્ગો નહીં… ચોગા ફટકારનાર ખેલાડી

આઈપીએલ, સાઈ સુદર્શન, ફાયનલ, ક્વૉર્ટર ફાયનલ, બીબીસી

ઇમેજ સ્રોત, ANI

આ સિઝનમાં, સાઈ સુદર્શને તેની બૅટિંગમાં કેટલાક નોંધપાત્ર ફેરફારો કર્યા છે.

હવે સુદર્શનનું પ્રદર્શન શ્રેષ્ઠ સાબિત થઈ રહ્યું છે. તે જ રીતે તેઓ પહેલા કરતાં વધુ ઑફ-સાઇડમાં રમી રહ્યા છે. તે ખાસ કરીને તે ‘સ્ક્વેર ઑફ ધ વિકેટ’ રમી રહ્યા છે. જ્યારે તેઓ ચોથા કે પાંચમા સ્ટમ્પ લાઇનમાં હોય તો પણ તે પોતાના માટે જગ્યા બનાવી લે છે, તેમજ ગલી અને પોઇન્ટની દિશામાં ઘણા રન મારે છે.

ઇંગ્લૅન્ડ સામેની ટેસ્ટ સિરીઝ દરમિયાન તેમનું શરીર ભારે થઈ ગયું હતું, તે વધુ ઑફ સાઈડ રમી રહ્યા હતા, પરિણામે ઇંગ્લેન્ડના બૉલરો સ્ટમ્પ લાઇન પર બૉલિંગ કરીને તેમના પર ભારે પડી રહ્યા હતા પરંતુ હવે સાઈ સુદર્શને તે સુધારી લીધું હોય તેવું લાગી રહ્યું છે અને ઑફ સાઈડથી જ સારો સ્કોર કરી રહ્યા છે.

ઘણા લોકો તેમને ક્લાસિકલ ટેસ્ટ બૅટ્સમેન તરીકે જુએ છે, પરંતુ સાઈ સુદર્શન પોતાના અભિગમથી સાબિત કરી રહ્યા છે કે તેઓ ઓડીઆઈ અને ટી20 જેવા ફોર્મેટમાં ચમકી શકે છે.

તેઓ માત્ર સિક્સરો ફટકારનાર ખેલાડી નથી. તે ચોગ્ગા ફટકારનાર ખેલાડી છે. તેમ છતાં તે સતત મોટી સંખ્યામાં રન બનાવતા રહ્યા છે. જ્યારે છગ્ગો ફટકારવામાં આવે ત્યારે આપણે ગણતરી કરતાં હોઈએ છીએ કે છગ્ગો કેટલી દૂર ગયો. પરંતુ જ્યારે કોઈ ખેલાડી કેટલી ઝડપથી ચોગ્ગા ફટકારે તો સાઈ સુદર્શન આ લિસ્ટમાં ટોચ પર આવશે. તેમનું લક્ષ્ય ચોગ્ગા લગાવવાનું છે.

આઈપીએલ, સાઈ સુદર્શન, ફાયનલ, ક્વૉર્ટર ફાયનલ, બીબીસી

ઇમેજ સ્રોત, ANI

અથાક પરિશ્રમ અને દ્રઢ સંકલ્પ

છેલ્લાં કેટલાંક વર્ષોમાં સાઈ સુદર્શનનો વિકાસ અસાધારણ રહ્યો છે. દક્ષિણ આફ્રિકામાં ભારતીય ઓડીઆઈ ટીમ માટે ડેબ્યૂ કરતી વખતે પણ તેમણે સારું પ્રદર્શન કર્યું હતું. તે શ્રેણીમાં તેમણે રમેલી ત્રણ મૅચમાં તેમણે બે અડધી સદી ફટકારી હતી. કમનસીબે ભારતીય ટીમમાં તીવ્ર સ્પર્ધાને કારણે તે પછી તેમને વનડે ટીમમાં સ્થાન મળ્યું નથી.

તેએ આઈપીએલમાં સતત શ્રેષ્ઠ પ્રદર્શન કરી રહ્યા છે. તેમણે સતત ત્રીજી સિઝનમાં 500+ રન બનાવ્યા છે. ગત સિઝનમાં ઑરેન્જ કેપ જીતનાર સાઈ સુદર્શન હાલમાં આ સિઝનમાં પણ યાદીમાં ટોચ પર છે. તે પરિસ્થિતિ થોડી વધુ મૅચોમાં બદલાઈ શકે છે. જોકે, તેમના પ્રદર્શનનું મહત્ત્વ બદલાશે નહીં.

તેમને આ સ્થાન સુધી પહોંચવા પાછળનું કારણ તેમની સખત મહેનત અને તેમની નૈતિકતા છે.

મેં તેમની સાથે ઘણી ક્રિકેટ મૅચ રમી છે. મેં તેમને પહેલી વાર તમિલનાડુ ફર્સ્ટ ડિવિઝન સિરીઝ દરમિયાન જોયા હતા. મને ત્યારે જ ખબર હતી કે તેમની પાસે પ્રતિભા છે. અને તેમણે તે પ્રતિભાનો યોગ્ય રીતે ઉપયોગ કરીને આ સિદ્ધિ સુધી પહોંચ્યા તેનું કારણ તેમની સમર્પણની ભાવના છે.

સાઈ સુદર્શન સવારથી સાંજ સુધી સ્કૂલના વિદ્યાર્થીની જેમ સમયપત્રક બનાવે છે અને તેનું પાલન કરે છે. તેમની ક્રિકેટ સ્કિલ ટ્રેનિંગ, દોડવાની ટ્રેનિંગ, જીમ, ભોજન, બધું જ આયોજન અગાઉથી કરે છે. તેમના સમયપત્રકમાં આરામ માટે કોઈ જગ્યા નથી. સવારે ઉઠ્યા પછીથી રાત્રે સૂઈ જાય ત્યાં સુધી, તે કામ કરતા રહે છે. હંમેશાં કંઈકને કંઈક ચાલુ રહે છે, પછી ભલે તે કસરત હોય, ધ્યાન યોગ હોય. ઊંઘ એક માત્ર તેમનો આરામ છે. બીજો કોઈ પ્રકારનો આરામ તેઓ લેતા નથી.

આઈપીએલ, સાઈ સુદર્શન, ફાયનલ, ક્વૉર્ટર ફાયનલ, બીબીસી

ઇમેજ સ્રોત, ANI

તેમના કોચ અને તેમનાં માતા-પિતાએ પણ તેમના રમત પ્રત્યેના દૃષ્ટિકોણમાં મોટું યોગદાન આપ્યું છે. તેમની પણ પ્રશંસા થવી જોઈએ. તેમનાં માતા-પિતા પણ રમતગમત ક્ષેત્રે જોડાયેલા છે. એક ઍથ્લીટ છે અને બીજા સ્ટ્રેન્થ ઍન્ડ કંડીશનિંગ કોચ છે, જે સાઈ સુદર્શન માટે મદદરૂપ છે.

સાંઈ સુદર્શનની બીજી એક મોટી તાકાત એ છે કે તે મુશ્કેલ પરિસ્થિતિઓમાં પણ ક્યારેય હાર માનતા નથી. રન ન વાગે ત્યારે પણ તે નિરાશ થતાં નથી. કેટલાક લોકો સરળતાથી તૂટી જતાં હોય છે અને પ્રેશરમાં આવી જાય છે. પરંતુ મેં સાંઈ સુદર્શનને ક્યારેય આવી પરિસ્થિતઓમાં જોયા નથી. હું બે સીઝન તેમનો રૂમમેટ પણ હતો. જ્યારે મેં તેમની મહેનત અને નિશ્ચયને નજીકથી જોયાં ત્યારે હું ખૂબ જ આશ્ચર્યચકિત થઈ ગયો.

કોઈ તણાવ કે મૂંઝવણ નહીં.

તેમની બૅટિંગની રીત આજના ટી20 બૅટિંગથી બિલકુલ વિપરીત છે. આજકાલના બૅટ્સમેન શરૂઆતમાં જ ‘ટ્રિગર મૂવમેન્ટ’ સાથે પોઝિશનમાં આવી જાય છે.

તેઓ ઊંચી સિક્સર મારવાનો પ્રયત્ન વધુ કરતાં હોય છે. તેઓ બેઝબોલ ખેલાડીઓની જેમ રમતા હોય છે. પરંતુ સાઈ સુદર્શન એકદમ વિપરીત છે. તેમનો અભિગમ 1980 અને 90ના દાયકાના બૅટ્સમેનનો જેવો છે. તે પોતાનું ઊંચી બાઉન્ડ્રી મારવાનું ટાળે છે.

આજના યુગમાં, વાત ફક્ત વૈભવ સૂર્યવંશી અને પ્રિયાંશ આર્યની જેમ બૅટિંગ કરવાની નથી, સાઈ સુદર્શન એક ઉદાહરણ છે કે તમે અલગ રીતે બૅટિંગ કરો તો પણ ટી20 મૅચોમાં રન બનાવી શકો છો.

અહીં એક વાત નોંધનીય છે કે રમતની બદલાતી શૈલી સાઈ સુદર્શનને નર્વસ કરતી નથી. સૂર્યવંશી અને પ્રિયાંશ જેવા ખેલાડીઓને પહેલા બૉલથી જ બાઉન્ડ્રી મારતા જોઈને સુદર્શનને તેવું લાગતું નથી કે તેમણે પણ આવું રમવું જોઈએ. તેમનો ઉદ્દેશ્ય પોતાની શૈલીમાં રન બનાવવાનો હોય છે. તે તેમાં સફળ થયા છે અને આજે તેણે સારું પરિણામ લાવી રહ્યા છે.

આ આવનારી પેઢીના ખેલાડીઓ માટે પ્રોત્સાહન સમાન હશે. સફળતાપૂર્વક રન બનાવવા માટે તમારે એક જ શૈલીમાં રમવાની જરૂર નથી. આવનારી પેઢી માનશે કે તેઓ સાઈ સુદર્શનની જેમ રમીને રન બનાવી શકે છે. કારણ કે તે આ સિઝનમાં લગભગ 160ના સ્ટ્રાઈક રેટથી રમ્યા છે. તે ખૂબ જ રોમાંચક બાબત છે.

સંપૂર્ણ ક્રિકેટર

આઈપીએલ, સાઈ સુદર્શન, ફાયનલ, ક્વૉર્ટર ફાયનલ, બીબીસી

ઇમેજ સ્રોત, Getty Images

જ્યારે સાઈ સુદર્શનની વાત આવે છે, ત્યારે બધા તેમના ફક્ત એક જ પાસાની વાત કરે છે, તે છે તેમની બૅટિંગ. પરંતુ તેમની ફિલ્ડિંગની બહુ ચર્ચા થતી નથી.

સાઈ સુદર્શન ખૂબ જ સારા ફિલ્ડર છે. તે દરેક જગ્યાએ ફિલ્ડિંગ કરી શકે છે. તે બાઉન્ડ્રી પાસે તો શાનદાર ફિલ્ડિંગ કરતા હોય છે, તે ઝડપથી દોડીને પણ બૉલ રોકી શકે છે, તે ઝડપથી બૉલ થ્રો પણ કરી શકે છે, તે 30 યાર્ડ સર્કલની અંદર પણ શ્રેષ્ઠ પ્રદર્શન કરે છે. તેઓ સિલી પૉઈન્ટ, લૅગ ગલી જેવી જગ્યાઓ પર પણ ફિલ્ડિંગ કરી શકે છે.

એટલું જ નહીં, તે બૉલિંગમાં યોગદાન આપવા પર પણ ધ્યાન કેન્દ્રિત કરી રહ્યા છે. તેમણે બે વર્ષ પહેલાં તેમના લૅગ સ્પિનને સુધારવા માટે ટ્રેનિંગ પણ લીધી હતી. હું એમ નથી કહેતો કે તે સંપૂર્ણપણે સ્પિનર ​​છે. પરંતુ તે બૉલર તરીકે પ્રયાસ સારો કરી રહ્યા છે. સાઈ સુદર્શન માને છે કે તેઓ તેમના લૅગ સ્પિનને વિકસાવવાનો પ્રયાસ કરી રહ્યા છે. જો તેમને મોકો મળશે તે તેમના દ્વારા પણ ટીમમાં યોગદાન આપી શકે છે.

હવે તેમનું પહેલું લક્ષ્ય તેમની ટીમને ફાઇનલમાં પહોંચાડવાનું રહેશે. તેમણે અત્યાર સુધીમાં 3 આઈપીએલ પ્લે-ઑફ મૅચ રમી ચૂક્યા છે અને 219 રન બનાવ્યા છે.

આપણે ચોક્કસપણે અપેક્ષા રાખી શકીએ છીએ કે તે આ ટુર્નામેન્ટમાં પણ તે પ્રભાવશાળી પ્રદર્શન ચાલુ રાખશે અને ભુવનેશ્વર કુમાર અને હેઝલવુડ જેવા ખેલાડીઓ માટે મોટો પડકાર ઉભો કરશે.

(લેખક, બાબા અપરાજિત, ચેન્નાઈ સુપર કિંગ્સ ટીમના પૂર્વ ખેલાડી છે. તેઓ 2012માં અંડર-19 વર્લ્ડ કપ જીતનાર ભારતીય ટીમનો ભાગ હતા. તેઓ હાલમાં કેરળ ટીમ માટે રમે છે અને કોમેન્ટેટર તરીકે પણ કામ કરે છે.)

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

SOURCE : BBC NEWS