Source : BBC NEWS

હૉલી રૅચફર્ડને આજે પણ વિશ્વાસ બેસતો નથી કે જે માણસ એક સમયે તેમના સંચાલન હેઠળ રહેલા ઍપાર્ટમેન્ટમાં રહેવા આવ્યો હતો, તેના પર અમેરિકાના તાજેતરના ઇતિહાસના સૌથી કાળા દિવસ સાથે સંકળાયેલા હોવાનો આરોપ છે.
હૉલી રૅચફર્ડ કહે છે કે, “તેણે પોતાને જેવો દેખાડ્યો હતો અને હકીકતમાં તે જેવો હતો, એ બન્ને વચ્ચેનો તફાવત મારા માટે સમજવો લગભગ અશક્ય છે. આજે પણ હું એ વાત સ્વીકારી શકતી નથી.”
એ માણસનું નામ ઓમર અલ-બાયૂમી હતું. ચાલીસેક વર્ષની ઉંમરનો આ સાઉદી નાગરિક સપ્ટેમ્બર 1999માં પોતાના પરિવાર સાથે કૅલિફોર્નિયાના સાન ડિયેગોમાં આવેલા આ રહેણાક સંકુલમાં રહેવા આવ્યો હતો.
152 પાર્કવૂડ ઍપાર્ટમેન્ટ્સમાં રહેવા આવેલા નવા રહેવાસી બાયૂમી ટૂંક સમયમાં જ રૅચફર્ડની સ્વિમિંગ-પૂલ પાર્ટીઓમાં નિયમિત રીતે આવવા લાગ્યા.
તે યાદ કરતાં કહે છે, “તે હંમેશાં ખૂબ જ ઉત્સાહી અને હસતો રહેતો. અને ખૂબ, ખૂબ જ મળતાવડો હતો.”
થોડા મહિનાઓ પછી બાયૂમીએ રૅચફર્ડની ઓળખ “વિનમ્ર” અને દેખીતી રીતે સામાન્ય જણાતા બે માણસો સાથે કરાવી, જેઓ પછી તેના પડોશી પણ બન્યા.
આ બંને માણસો પછી અમેરિકન ઍરલાઇન્સની ફ્લાઇટ 77નું અપહરણ કરીને તેને પેન્ટાગોન સાથે અથડાવનાર આતંકવાદીઓ તરીકે કુખ્યાત બન્યા. 9/11ના હુમલાઓ દરમિયાન તેમણે વિમાનને પેન્ટાગોન સાથે અથડાવ્યું હતું.
છેલ્લાં 25 વર્ષથી રૅચફર્ડ આ ત્રણેય માણસો સાથેના પોતાના સંબંધને કારણે વ્યથિત છે. તેમને લાગે છે કે શરૂઆતથી જ બાયૂમીએ તેમને પોતાની વાતોથી ભોળવી દીધાં હતાં.
“હું જ્યારે પણ પાર્ટી રાખતી, ત્યારે તે આવતો અને તેમાં ભાગ લેતો,” તે યાદ કરતાં કહે છે. તે ઉમેરે છે કે તેનો પરિવાર તેમને ભોજન માટે ઘરે પણ નોંતરતો.
“મને તેમના ઘરે જવું ગમતું હતું.”
પરંતુ 152 પાર્કવૂડમાં એક સમયે રહેતો બાયૂમી હવે એક ટ્રિલિયન ડૉલર(£733 અબજ)ના કેસના કેન્દ્રમાં છે. 9/11ના હુમલામાં માર્યા ગયેલા લોકોનાં હજારો પરિવારજનો અને હુમલામાં બચી ગયેલા લોકોએ સાઉદી અરેબિયાની સરકાર સામે આ કેસ દાખલ કર્યો છે.
11 સપ્ટેમ્બર, 2001ના રોજ ઇસ્લામવાદી ઉગ્રવાદી સંગઠન અલ-કાયદાના 19 સભ્યોએ ચાર મુસાફર વિમાનોનું અપહરણ કર્યું હતું.
વૉશિંગ્ટન ડીસી નજીક આવેલું અમેરિકાનું લશ્કરી મુખ્ય મથક પેન્ટાગોન પણ આ હુમલાનો ભોગ બન્યું હતું.
બે વિમાનો ન્યૂ યૉર્કના વર્લ્ડ ટ્રેડ સેન્ટરના ટ્વિન ટાવર્સ સાથે અથડાવાયાં, જેના કારણે બંને ઇમારતો ધરાશાયી થઈ ગઈ. ચોથું વિમાન પેન્સિલ્વેનિયાના એક મેદાનમાં તૂટી પડ્યું હતું. વિમાનમાં સવાર મુસાફરોએ અપહરણકારોનો પ્રતિકાર કર્યો હતો.
આ હુમલાઓમાં કુલ મળીને લગભગ 3,000 લોકો માર્યા ગયા હતા.
તેમાં વર્લ્ડ ટ્રેડ સેન્ટર ખાતે ફરજ બજાવતા આશરે 300 અગ્નિશામકો અને કટોકટીના સમયે બચાવકાર્યમાં જોડાયેલા અન્ય કર્મચારીઓનો પણ સમાવેશ થાય છે.
ઇમેજ સ્રોત, Getty Images
9/11ના હુમલાના કાવતરામાં બાયૂમીએ મદદ કરી હોવાનો આરોપ છે. અમેરિકામાં સૌ પ્રથમ પહોંચેલાં બે વિમાન અપહરણકારો નવાફ અલ-હઝમી અને ખાલિદ અલ-મિધરને તેમણે મદદ અને સહકાર આપ્યાં હતાં. હુમલા પહેલાં આ બંને કેટલાક મહિનાઓ સુધી પાર્કવૂડમાં રહ્યા હતા.
ન્યૂ યૉર્કમાં 9/11ના પીડિતોના પરિવારો દ્વારા દાખલ કરવામાં આવેલા કેસમાં ફેડરલ ન્યાયાધીશે એક વર્ષ પહેલાં એક મહત્ત્વપૂર્ણ નિષ્કર્ષ આપ્યો હતો.
તેમના મતે, ઉપલબ્ધ પુરાવાઓ પરથી એવું “વાજબી અનુમાન” કરી શકાય છે કે બાયૂમી અને અમેરિકામાં તહેનાત એક સાઉદી રાજદ્વારી અપહરણકારોને મદદ કરવા માટે સાઉદી સરકાર સાથે સંકલન કરી રહ્યા હતા.
ન્યાયાધીશના આ ચુકાદાથી પીડિત પરિવારોને કેસ આગળ વધારવાનો માર્ગ મળ્યો છે. સાઉદી અરેબિયા આ ચુકાદા સામે અપીલ કરી રહ્યું છે. સાઉદી સરકાર અને બાયૂમીએ આ આરોપોને હંમેશાં નકાર્યા છે.
હુમલા થયા ત્યારથી બાયૂમી અંગે અહેવાલો પ્રસિદ્ધ થતા રહ્યા છે અને અનેક પ્રકારની અટકળો પણ થતી રહી છે.
રૅચફર્ડે બાયૂમીને આ બંને અપહરણકારો સાથે વાતચીત કરતાં જોયો હતો અને તેમને આપવામાં આવેલી એક મહત્ત્વની મદદની સાક્ષી પણ બની હતી. તેમણે ન્યૂ યૉર્કની અદાલતમાં એક ગુપ્ત નિવેદન નોંધાવ્યું છે.
પરંતુ તેમણે પોતે જે જોયું હતું એ અંગે અત્યાર સુધી કદી જાહેરમાં વાત કરી નથી.
ઇમેજ સ્રોત, Holly Ratchford
હૉલી રૅચફર્ડને શોધવાનું સહેલું નહોતું.
અમેરિકન સરકારે જેને “આધુનિક ઇતિહાસમાં અમેરિકાની ધરતી પર આચરવામાં આવેલું સૌથી ગંભીર ગુનાહિત કૃત્ય” ગણાવ્યું છે, તેની તપાસમાં અજાણતાં જ સંડોવાઈ ગયા પછી તે અમેરિકામાં માનવ વસાહતોથી શક્ય તેટલા દૂરના વિસ્તારમાં જતાં રહ્યાં હતાં.
મેં તેમને પશ્ચિમ અમેરિકાના ઊંચાઈવાળા રણપ્રદેશમાં શોધી કાઢ્યાં હતાં. આ એવો વિસ્તાર છે જ્યાં રૅટલસ્નેક જેવા ઝેરી સાપ જોવા મળે છે. તેમણે મને કહ્યું કે પોતે સમાચારો જોવાનું ટાળતી હતી અને પત્રકારો સાથે વાત જ કરતી નહોતી. પરંતુ મારા આશ્ચર્ય વચ્ચે તેમણે મારી સાથે વાત કરવાની સંમતિ આપી.
મારી સાથેની તેમની વાતચીતથી બાયૂમીએ પોલીસ, એફબીઆઇ અને ન્યૂ યૉર્કની અદાલત સમક્ષ રજૂ કરેલી ઘટનાઓની વિગતો અંગે શંકા ઊભી થાય છે.
1999ની શરૂઆતમાં રૅચફર્ડનું જીવન જાણે ફરી પાટે ચડ્યું. એ પહેલાં તેમનું જીવન અસ્થિર રહ્યું હતું 21 વર્ષની ઉંમર થાય એ પહેલાં તેઓ અનેક જગ્યાએ રહી ચૂક્યાં હતાં, લગ્ન કરી ચૂક્યાં હતાં, ગર્ભવતી થઈ ચૂક્યાં હતાં અને છૂટાછેડા પણ લઈ ચૂક્યાં હતાં. પરંતુ હવે, 27 વર્ષની ઉંમરે, તેમને પોતાની પસંદનું કામ અને પોતાનું ઘર મળી ગયાં હતાં.
તેઓ કહે છે કે, સાન ડિયેગોનાં ઉપનગરોમાં આવેલા 175 નાના ઍપાર્ટમેન્ટ અને ટાઉનહાઉસના સંકુલ પાર્કવૂડ ઍપાર્ટમેન્ટ્સની નવી પ્રૉપર્ટી મૅનેજર તરીકે પોતે ખૂબ સારું કામ કરતાં હતાં. કોઈ પણ ઘર લાંબા સમય સુધી ખાલી રહેતું નહોતું.
પરંતુ આ કામ તેમને સ્વપ્નસમાન લાગતું હતું તેનું કારણ પેપરવર્ક કે તગડું વેતન નહોતું; તેમને ગમતા હતા ત્યાં રહેતા લોકો.
રૅચફર્ડ પાર્કવૂડમાં કામ કરવા ઊપરાંત ત્યાં રહેતાં પણ હતાં.
તેમના ગ્રાહકો જ તેમના પાડોશીઓ હતા. અને ઘણા તો એથી પણ વધારે હતા તેમના કહેવા પ્રમાણે, તેઓ પોતાનાં મિત્રો બની ગયા હતા.
તે યાદ કરે છે કે, “હું મારા સ્ટાફને હંમેશાં કહેતી: ‘તેમને એમ લાગવા દો કે આ તેમનું પોતાનું ઘર છે અને તેઓ અહીં જ રહેશે.'”
પાર્કવૂડમાં રૅચફર્ડે પોતાની સારી એવી છાપ ઊભી કરી હતી.
પોતે ઊભી કરેલી આ દુનિયામાં તેઓ ખુશ અને સુરક્ષિત હતાં એવી દુનિયા, જેમાં તે દરેક વ્યક્તિ અને દરેક બાબતને જાણતાં હતાં. પરંતુ પછી બધું જ અણધારી અને નાટ્યાત્મક રીતે વિખેરાઈ ગયું.

ઓમર અલ-બાયૂમી પાર્કવૂડમાં રહેવા આવ્યો ત્યારે તેણે પોતાને વયસ્ક વિદ્યાર્થી ગણાવ્યો હતો.
રૅચફર્ડ કહે છે કે, “મને ખબર હતી કે તે ભણવા જતો હતો. એ સિવાય તે શું કરતો હતો, એની મને ખબર નથી.”
બે દાયકાથી વધુ સમય પછી જાહેર કરવામાં આવેલા એફબીઆઇના દસ્તાવેજો અને અદાલતી દસ્તાવેજોમાંથી જાણવા મળ્યું કે 1998માં બાયૂમીનો અભ્યાસ વાસ્તવમાં અટકી ગયો હતો.
તે હવે મુસ્લિમ સમુદાયમાં ધાર્મિક પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં ઘણો વધુ સમય પસાર કરતો હતો. તે આ પ્રવૃત્તિઓના વીડિયો પણ અવારનવાર બનાવતો હતો.
સતત વીડિયો ઉતારવાની અને પૂછપરછ કરતા રહેવાની તેની ટેવ શંકા ઉપજાવતી હતી.
“સાન ડિયેગોના મુસ્લિમ સમુદાયમાં સામાન્ય રીતે એવી માન્યતા હતી કે બાયૂમી સાઉદી ગુપ્તચર સેવાનો એજન્ટ હતો,” 9/11 પછી શહેરમાં એફબીઆઇની તપાસનું નેતૃત્વ કરનારા રિચર્ડ લૅમ્બર્ટ મને કહે છે.
પરંતુ તેની અંગત બાબતોમાં તપાસ કરવાનું રૅચફર્ડ માટે કોઈ કારણ નહોતું. તેમના માટે મહત્ત્વનું એટલું જ હતું કે તે ભાડું ચૂકવી શકે કે કેમ. અને તે ભાડું ચૂકવી શકતો હતો.
પછી એફબીઆઇને જાણવા મળ્યું કે તેને વર્ષે આશરે 90,000 ડૉલર (£55,600) મળતા હતા.
બાયૂમીએ પોતાને એક સામાન્ય પારિવારિક જીવન જીવતા માણસ તરીકે રજૂ કર્યો હતો.
રૅચફર્ડે જોયેલો બાયૂમી તેના ઘરના અગાઉ ક્યારેય પ્રસારિત ન થયેલા વીડિયોમાં પણ જોવા મળે છે.
પાર્કવૂડના સ્વિમિંગ પૂલ પાસે તે પરિવાર સાથે બૉલ રમતો અને બૉલ પાણીમાં જતો રહે ત્યારે હસતો જોવા મળે છે.
અન્ય એક વીડિયોમાં તે પરિવાર સાથે લાસ વેગાસની સફરે ગયેલો જોવા મળે છે.
ફૂલની ડિઝાઇનવાળું શર્ટ પહેરીને તે ન્યૂ યૉર્ક, ન્યૂ યૉર્ક હોટેલ-કૅસિનો પાસેના રોલરકોસ્ટર તરફ ઇશારો કરે છે.
રૅચફર્ડ કહે છે કે,”તેણે મને જે કંઈ કહ્યું એ બધું મેં સાચું માની લીધું હતું. મને ખરેખર લાગતું હતું કે તે એવો જ હતો.”
પરંતુ બાયૂમીની આ છબી અન્ય વીડિયોમાં જોવા મળતા તેના રૂપ સાથે મેળ ખાતી નથી.
1999ના ઉનાળામાં બાયૂમીએ વૉશિંગ્ટન ડીસીમાં આવેલા અમેરિકી કૅપિટોલના અલગ અલગ ખૂણેથી વીડિયો ઉતાર્યા હતા. વીડિયો ઉતારતી વખતે તેણે એક “યોજના”નો ઉલ્લેખ કર્યો હતો અને પછી કૅમેરો પોતાની તરફ ફેરવીને પત્રકારની જેમ તેની વિગતો જણાવી હતી.
9/11ના પીડિત પરિવારોના વકીલોનો આરોપ છે કે તે હુમલા માટે આ ઇમારત સંભવિત નિશાન બની શકે કે કેમ તેની તપાસ કરી રહ્યો હતો.
તે હુમલા માટે આ ઇમારત સંભવિત નિશાન બની શકે કે કેમ તેની તપાસ કરી રહ્યો હતો. જો કે, સાઉદી અરેબિયાની સરકારનું કહેવું છે કે તે માત્ર પર્યટન માટેનો વીડિયો હતો.
ઑગસ્ટ 2025ના પોતાના ચુકાદામાં ન્યૂ યૉર્કના ન્યાયાધીશે કહ્યું હતું કે આ વીડિયોમાંથી “અદાલત એટલો જ નિષ્કર્ષ કાઢી શકે છે” કે બાયૂમીએ “વૉશિંગ્ટન ડીસીની મુલાકાત લીધી હતી અને શહેરનો વીડિયો ઉતાર્યો હતો.”
ઇમેજ સ્રોત, SDNY
3 ફેબ્રુઆરી, 2000ના રોજ બાયૂમી બે યુવાનને રૅચફર્ડની સાન ડિયેગો સ્થિત ભાડાની ઑફિસમાં લઈ આવ્યો. તે ખૂબ ઉતાવળમાં હતો.
રૅચફર્ડ કહે છે કે તેણે ફાઇલિંગ કૅબિનેટ પર બેસીને જણાવ્યું કે બંને યુવાનો તેની મસ્જિદમાં આવતા હતા અને ભાડે રહેવા માટે જગ્યા શોધી રહ્યા હોવાથી તેની સાથે રહેતા હતા.
તેઓ યાદ કરતાં કહે છે કે, “તેમનામાં કશુંય અસામાન્ય નહોતું. તેઓ સારા અને વિનમ્ર હતા.”
બંને યુવાનોને અંગ્રેજી આવડતું નહોતું, પરંતુ બાયૂમીએ વાતચીતની જવાબદારી સંભાળી લીધી.
રૅચફર્ડ કહે છે કે તેણે પૂછ્યું હતું કે પાર્કવૂડમાં ઍપાર્ટમેન્ટ મેળવવા માટે આ બંનેએ કયા દસ્તાવેજો રજૂ કરવા પડશે.
રૅચફર્ડ મને કહે છે કે,”તેઓ આવકનો જરૂરી માપદંડ પૂરી કરતા નહોતા. બૅન્ક ખાતું પણ નહોતું. તેમની પાસે આમાંનું કશું જ નહોતું.”
રૅચફર્ડના પોતાના નિયમો હતા. તેથી તેમણે તરત જ ના પાડી દીધી.
પરંતુ બંને યુવાનો પાસે રોકડમાં કેટલાક હજાર ડૉલર હતા. બૅન્કના રેકૉર્ડ દર્શાવે છે કે બીજા જ દિવસે બાયૂમી તેમને નજીકની બૅનન્કમાં લઈ ગયો અને ખાતું ખોલવામાં તેમની મદદ કરી.
ત્રીજા દિવસે રૅચફર્ડની ઑફિસમાં પાછા આવીને તેણે આવકના મુશ્કેલ માપદંડમાંથી બહાર નીકળવાનો રસ્તો શોધી કાઢ્યો. તે બંનેના ભાડાપટ્ટા પર સહી કરીને તેમના ઍપાર્ટમેન્ટ માટે કાનૂની બાંહેધરી આપવાનો હતો.
ભાડાપટ્ટાના કરારમાં બાયૂમીની અનેક જગ્યાએ કરેલી સહી જોવા મળે છે.
તે તેમનો બાંહેધરીદાર, મિત્ર અને કટોકટીના સમયે સંપર્ક કરી શકાય એવી વ્યક્તિ હતો. તેમના હાલના સરનામા તરીકે તેનું પાર્કવૂડનું ઘર પણ નોંધવામાં આવ્યું હતું.
વધુ વિલંબ વિના બંને યુવાનો 150 નંબરના એક બેડરૂમવાળા ઍપાર્ટમેન્ટમાં રહેવા આવી ગયા. તે બાયૂમીના સ્વિમિંગ પૂલ પાસે આવેલા ટાઉનહાઉસથી થોડે જ અંતરે હતું.
બાયૂમીએ જેમની કાનૂની જવાબદારી સ્વીકારી હતી તે બંને યુવાનો નવાફ અલ-હઝમી અને ખાલિદ અલ-મિધર પાછળથી 9/11ના વિમાન અપહરણકારો બન્યા હતા.
ઇમેજ સ્રોત, SDNY
આગામી કેટલાક મહિનાઓ દરમિયાન હૉલી રૅચફર્ડે બંને યુવાનોને વારંવાર જોયા હતા.
તે કહે છે કે, “હું તેમની સાથે બેસીને કૂકીઝ અને ચા લેતી. તેઓ માત્ર અમારી પાસેથી ઍપાર્ટમેન્ટ ભાડે લેનારા લોકો નહોતા; અમારી વચ્ચે એથીય વધારે સંબંધ હતો.”
હઝમી અને મિધર એ જ વર્ષના મે મહિનાના અંત સુધી તેમના ઍપાર્ટમેન્ટમાં રહ્યા અને ત્યાર પછી ત્યાંથી જતા રહ્યા. રૅચફર્ડે પણ એ બાબતે ઝાઝું વિચાર્યું નહીં.
પરંતુ 9/11ના હુમલા પછીના દિવસોમાં અમેરિકા આઘાત અને શોકમાં ગરકાવ હતું.
તેના 16 મહિના બાદ એક મહિલાએ રૅચફર્ડને ફોન કર્યો અને બંને યુવાનો માટે ભાડાના મકાનના અગાઉના રહેઠાણ અંગેની માહિતી માંગી. રૅચફર્ડે ઝાઝું વિચાર્યા વિના તેમને લગતી વિગતો જણાવી દીધી.
પરંતુ એ મહિલા પ્રૉપર્ટી એજન્ટ નહોતી તે એક પત્રકાર હતી.
તેનો આગળનો સવાલ રૅચફર્ડને હચમચાવી ગયો: “તમને ખબર હતી કે આ બંને એવા આતંકવાદીઓ હતા, જેમણે વિમાન પેન્ટાગોન સાથે અથડાવ્યું હતું?
“અને મેં કહ્યું, ‘શું?'”
બાયૂમી કેવી રીતે છટકી ગયો

ત્યાર પછી એફબીઆઇના અધિકારીઓ રૅચફર્ડને મળવા આવ્યા.
14 સપ્ટેમ્બર, 2001ના રોજ બે વિશેષ એજન્ટોએ રૅચફર્ડની પાર્કવૂડની ઑફિસમાં તેમની પૂછપરછ કરી.
તેમણે એ લોકોને બાયૂમીનું બાંહેધરીદાર તરીકેનું ફૉર્મ આપ્યું. તેણે તેમને બાયૂમીનું બાંયધરીદાર તરીકેનું ફૉર્મ આપ્યું.
આથી બાયૂમી સામે તપાસ શરૂ થઈ. એફબીઆઇને પછીથી તે સાન ડિયેગોમાં બંને વિમાન અપહરણકારોને મદદ કરનાર મુખ્ય વ્યક્તિ હોવાનું જણાયું.
એફબીઆઇમાંથી હવે નિવૃત્ત થઈ ચૂકેલા અને 9/11ના પીડિત પરિવારો દ્વારા દાખલ કરવામાં આવેલા કેસમાં સલાહકાર તરીકે કામ કરતા રિચર્ડ લૅમ્બર્ટ કહે છે, “વિમાન અપહરણકારોના સંપર્કમાં રહેલા લોકોને અમે ઓળખવા લાગ્યા, તેમ એ સ્પષ્ટ થવા લાગ્યું કે ઓમર અલ-બાયૂમીના નેતૃત્વ હેઠળ એક નેટવર્ક કાર્યરત હતું.”
એફબીઆઇને જાણવા મળ્યું કે બાયૂમીના સંપર્કોએ હઝમી અને મિધરને કૅલિફોર્નિયાનું ડ્રાઇવિંગ લાઇસન્સ મેળવવામાં, ફ્લાઇટ સ્કૂલમાં પ્રવેશ લેવા અરજી કરવામાં, મધ્ય-પૂર્વમાંથી નાણાંની ટ્રાન્સફર મેળવવામાં અને દાંતની સારવારની વ્યવસ્થા કરવામાં પણ મદદ કરી હતી.
એફબીઆઇના એજન્ટો બાયૂમીની પૂછપરછ કરવા માગતા હતા. તેમણે તેને 5,000 માઇલથી દૂર આવેલા બ્રિટનના બર્મિંગહામમાં શોધી કાઢ્યો.
9/11ના હુમલા પહેલાં જ તે ત્યાં રહેવા ગયો હતો.
21 સપ્ટેમ્બર, 2001ના રોજ મેટ્રોપૉલિટન પોલીસની આતંકવાદવિરોધી શાખાએ તેની ધરપકડ કરી અને તપાસકર્તાઓએ તેની પૂછપરછ શરૂ કરી.
બાયૂમી શરૂઆતમાં એકદમ નિશ્ચિંત જણાતો હતો અને કેટલીક વખત તો ગુસ્સે પણ થતો હતો. પોતે કોઈ પણ વિમાન અપહરણકારને ઓળખતો હોવાનો તેણે ઇનકાર કર્યો.

તેણે કહ્યું કે પોતે ઘણી વાર લોકોને રહેવા માટે જગ્યા શોધવામાં મદદ કરતો હતો.
પરંતુ તપાસકર્તાઓએ વધુ પૂછપરછ કરી ત્યારે તેણે કહ્યું કે તેણે જેમના ઍપાર્ટમેન્ટ માટે બાંહેધરી આપી હતી, એમાંથી કોઈનું નામ તેને યાદ નહોતું.
“એક દિવસ પછી તેણે કહ્યું કે તેને બે વ્યક્તિઓને મદદ કર્યાનું યાદ આવ્યું—’નવાફ’ અને ‘ખાલિદ’.” આ હઝમી અને મિધરના પહેલાં નામ હતાં.
તેણે સ્વીકાર્યું કે આ બે જ વ્યક્તિઓ હતી, જેમને તેણે આટલી મદદ કરી હતી.
બાયૂમીના કહેવા પ્રમાણે, તે બંનેને લૉસ એન્જલસમાં મળ્યો હતો. એક રેસ્ટોરાંમાં તેઓ અરબીમાં વાત કરી રહ્યા હતા ત્યારે તેણે તેમની વાતચીત સંયોગવશ સાંભળી હતી. તેણે બંનેને કહ્યું હતું કે તેઓ ક્યારેય સાન ડિયેગો આવે તો પોતે તેમને મદદ કરી શકે છે.
બીજા દિવસે, તેણે બ્રિટિશ તપાસકર્તાઓને જણાવ્યું હતું કે બંને યુવાનો સાન ડિયેગોમાં આવેલી તેની સ્થાનિક મસ્જિદમાં આવ્યા અને રહેવા માટે જગ્યા જોઈએ છે એમ કહ્યું.
ત્યાર પછી પોતે તેમને કારમાં પાર્કવૂડ લઈ ગયો હતો, જ્યાં રૅચફર્ડ સાથે વાત કરીને તેમના માટે ઍપાર્ટમેન્ટ શોધી શકાય.
હઝમી અને મિધર પાર્કવૂડમાં રહેવા આવ્યા પછી બાયૂમીના કહેવા પ્રમાણે તેણે તેમનાથી અંતર રાખ્યું હતું. પોતે શહેરની બહાર જતો રહ્યો હતો અને પાછો ફર્યો ત્યારે બંને ત્યાંથી જતા રહ્યા હોવાનું તેને જાણવા મળ્યું હતું.
બાયૂમીના જણાવ્યા પ્રમાણે, ભવિષ્યના વિમાન અપહરણકારો સાથે તેનો સંપર્ક બહુ ટૂંકા સમય પૂરતો હતો. પરંતુ તેની આ વાત રૅચફર્ડે જણાવેલા ઘટનાક્રમ સાથે મેળ ખાતી નથી.

“મને ખબર છે કે તેણે એમ જ કહ્યું હતું. અને મને એ પણ ખબર છે કે એ તદ્દન ખોટું છે,” તે કહે છે.
રૅચફર્ડ કહે છે કે, વિમાન અપહરણકારોને પોતાની ઑફિસમાં લઈ આવતાં પહેલાં બાયૂમીએ રૅચફર્ડને બે લોકો માટે ઍપાર્ટમેન્ટ શોધવા અંગે ઘણી વાર પૂછ્યું હતું.
તેઓ કહે છે કે,”હું તેને ઉપલબ્ધ ઍપાર્ટમેન્ટ વિશે જણાવતી. ત્યારે તે કહેતો, ‘ઓહ ના, ના, મારે તો પેલા જોઈએ છે.” તે પોતાની નજીક કંઈક ઇચ્છતો હતો અને શક્ય તેટલું સસ્તું ઘર મળે એવી તેની આશા હતી.”
બાયૂમીએ ઍપાર્ટમેન્ટ અપાવ્યા પછી વિમાન અપહરણકારોને પોતે ભાગ્યે જ મળ્યો હતો એવા તેના દાવાને પણ રૅચફર્ડ નકારે છે.
તેમના કહેવા પ્રમાણે, ત્યાર પછીના અઠવાડિયાંમાં તેમણે બંનેને બાયૂમી સાથે ઘણી વાર જોયા હતા. એક પ્રસંગે તો ત્રણેય તેમની ઑફિસમાં ચા અને કૂકીઝ માટે આવ્યા હતા.
તેઓ કહે છે કે,”એવું નહોતું કે તેણે માત્ર તેમના માટે ઍપાર્ટમેન્ટ શોધી આપ્યો અને પછી તેમની સાથે ક્યારેય વાત જ ન કરી. ત્રણેય વચ્ચે ચોક્કસપણે મિત્રતા હતી.”
રૅચફર્ડે એફબીઆઇને એમ પણ જણાવ્યું હતું કે વિમાન અપહરણકારોનું ભાડું બાકી રહી ગયું ત્યારે બાયૂમીએ તે ચૂકવી આપ્યું હતું.
તે સમયે મહત્તમ સાત દિવસ સુધી જ કોઈને કસ્ટડીમાં રાખી શકાતા અને મેટ્રોપૉલિટન પોલીસે બાયૂમીને સાત દિવસ સુધી કસ્ટડીમાં રાખ્યો હતો. અમેરિકાના ન્યાય વિભાગે તેની સામેના આરોપો અંગે કાર્યવાહી કરવા તેને અમેરિકાને સોંપવાનો નિર્ણય લીધો નહોતો.
28 સપ્ટેમ્બર, 2001ના રોજ બાયૂમીને મુક્ત કરવામાં આવ્યો.
રૅચફર્ડ આજે પણ આ વાતથી સ્તબ્ધ છે.
તેઓ કહે છે કે, “મને વિશ્વાસ નથી બેસતો કે તે છટકી ગયો.”
ઇમેજ સ્રોત, SDNY
જોકે, એફબીઆઇએ તેની સામેનો કેસ તૈયાર કરવાનું ચાલુ રાખ્યું.
સાન ડિયેગોના એજન્ટોને જાણવા મળ્યું કે સાઉદી સંરક્ષણ મંત્રાલય સાથે જોડાયેલી બે કંપનીઓ બાયૂમીને વર્ષે 90,000 ડૉલરનું વેતન ચૂકવતી હતી. જો કે, તે કદી કામ પર જતો નહોતો અને તેના નામે “અતિશય” ખર્ચ નોંધાતો હતો.
એજન્ટોને જાણવા મળ્યું કે બંને વિમાન અપહરણકારો સાન ડિયેગો આવ્યા પછી તરત જ તેનું વેતન બમણાથી પણ વધુ થઈ ગયું હતું.
તેઓ અમેરિકાના પશ્ચિમ કિનારેથી ગયા પછી ફરી એ ઘટી ગયું હતું.
બીબીસીને જાણવા મળ્યું છે કે, દરમિયાન, બાયૂમીની બર્મિંગહામની મિલકતોની તલાશી દરમિયાન મેટ્રોપૉલિટન પોલીસે મેળવેલા દસ્તાવેજોનો મોટો જથ્થો ન્યૂ યૉર્કની એફબીઆઇ ઑફિસના એજન્ટોએ તપાસ્યો હતો.
સાઉદી સરકાર સાથે જોડાયેલી અને અલ-કાયદા સાથે સીધા સંબંધો ધરાવતી એક સખાવતી સંસ્થાને લખેલા પત્રો એફબીઆઇને મળ્યા હતા.
આ ઉપરાંત, એવા કેટલાક દસ્તાવેજો પણ મળ્યા હતા, જેના આધારે એજન્ટોએ માન્યું હતું કે તેઓ “ઓમર અલ-બાયૂમીની અમેરિકાવિરોધી લાગણીઓ અને વિચારો દર્શાવતા હતા.” બાયૂમીએ પોતે લખેલા કેટલાક દસ્તાવેજો પણ મળ્યા હતા, જેને એજન્ટોએ ‘જેહાદી વિચારો ધરાવતા’ ગણાવ્યા હતા.”
પરંતુ આમાંથી કશું જ તેના પર આરોપનામું ઘડવા કે તેની સામે કાયદેસરની કાર્યવાહી કરવા સુધી પહોંચ્યું નહીં.
અમેરિકાના ન્યાય વિભાગે બીબીસીને જણાવ્યું કે 25 વર્ષ જૂની બાબતો અને હવે ત્યાં કામ કરતા ન હોય એવા કર્મચારીઓએ તે સમયે લીધેલા નિર્ણયો અંગે તે કોઈ ટિપ્પણી કરી શકે તેમ નથી.
ઑગસ્ટ 2002માં બાયૂમી બ્રિટન છોડીને સાઉદી અરેબિયા જતો રહ્યો.
બે વર્ષ પછી બાયૂમીને જાણે નિર્દોષ ગણી લેવામાં આવ્યો.
9/11ના હુમલાઓની સ્વતંત્ર તપાસ માટે રચાયેલા અમેરિકાના 9/11 કમિશને તેને “સહકાર આપનાર અને મળતાવડો” ગણાવ્યો હતો.
કમિશનના મતે, તે “ઇસ્લામવાદી ઉગ્રવાદીઓ સાથે ગુપ્ત રીતે સંકળાયેલ હોય એવી વ્યક્તિ લાગતો નહોતો.”
જો કે, એફબીઆઇએ તેની પાસેના તમામ પુરાવા કમિશન સમક્ષ રજૂ કર્યા નહોતા. બીબીસીએ આ અંગે પૂછ્યું ત્યારે એફબીઆઇએ કશી ટિપ્પણી કરવાનો ઇનકાર કર્યો હતો.
દરમિયાન, 9/11ના પીડિત પરિવારો અદાલતો દ્વારા બાયૂમી સામે કાર્યવાહી કરવાના પ્રયાસો શરૂ કરી ચૂક્યા હતા.
અલ-કાયદાને કથિત રીતે મદદ કરનારા વિવિધ લોકો, કંપનીઓ અને સરકારો સામે દાખલ કરાયેલા એક ટ્રિલિયન ડૉલરના કેસમાં તેમણે બાયૂમીને પણ પ્રતિવાદી બનાવ્યો હતો.
વર્ષો સુધી આ પરિવારોએ એફબીઆઇની તપાસ સાથે જોડાયેલા દસ્તાવેજોને જાહેર કરવાની માગણી કરતા રહ્યા. રાહ જોવાનો આ સમયગાળો પરિવારો માટે અત્યંત લાંબો અને પીડાદાયક રહ્યો.
જોકે, 2018થી ન્યૂયૉર્કની અદાલત સમક્ષ અને જો બાઇડને સહી કરેલા રાષ્ટ્રપતિના આદેશ હેઠળ હજારો પાનાંના દસ્તાવેજો જાહેર કરવામાં આવ્યા છે.
તેમાં એફબીઆઇ દ્વારા કરવામાં આવેલી હૉલી રૅચફર્ડની પૂછપરછના દસ્તાવેજોનો પણ સમાવેશ થાય છે.
ગયા વર્ષના ઑગસ્ટમાં 9/11ના પીડિત પરિવારોના કેસમાં ન્યાયાધીશે તમામ પુરાવાઓની તપાસ કરી હતી.
તેમણે કહ્યું હતું કે બાયૂમી “માત્ર એક નિર્દોષ સહભાગી હતો” એમ માનવા માટે પુરાવાઓ પૂરતા નથી.
ન્યાયાધીશ જ્યૉર્જ બી. ડેનિયલ્સે પોતાના ચુકાદામાં આગળ એમ પણ નોંધ્યું હતું કે “વાજબી અનુમાન” કરી શકાય છે કે બાયૂમીએ વિમાન અપહરણકારો માટે ઍપાર્ટમેન્ટ સાથે સંબંધિત જે મદદ કરી હતી, તે કેવળ એક સારા નાગરિક તરીકે કરેલી મદદ નહોતી. પરંતુ તે સાઉદી સરકારની સૂચનાઓનું પાલન કરી રહ્યો હતો.
સાઉદી અરેબિયા 9/11ના હુમલામાં કોઈ પણ પ્રકારની સંડોવણી હોવાનો ઇનકાર કરે છે.
તેનું સતત કહેવું રહ્યું છે કે ઓમર અલ-બાયૂમી સાઉદી એજન્ટ નહોતો અને તેને હુમલાઓની કોઈ પૂર્વ જાણકારી પણ નહોતી.
સાઉદી સરકારનું કહેવું છે કે અમેરિકાના કાયદા હેઠળ તેને સાર્વભૌમ પ્રતિરક્ષણ મળેલું છે એટલે કે કોઈ શાસક અથવા રાજ્યને ચોક્કસ પ્રકારના દીવાની કેસ અને ફોજદારી કાર્યવાહીમાંથી મળતી સત્તાવાર મુક્તિ. તેથી આ કેસ રદ કરી દેવો જોઈએ એવો તેનો દાવો છે.
હવે આ કેસ અમેરિકાની અપીલ અદાલતમાં છે. ઑક્ટોબરમાં અદાલત આ કેસમાં બંને પક્ષોની મૌખિક દલીલો સાંભળશે.

9/11ની દુર્ઘટનાએ હજારો લોકોના જીવન પર ઊંડો વ્યક્તિગત આઘાત પહોંચાડ્યો હતો હુમલામાં માર્યા ગયેલા લોકોના પરિવારજનો, બચી ગયેલા લોકો, બચાવકર્મીઓ અને ઘટનાના સાક્ષીઓ સહિત.
હૉલી રૅચફર્ડ માટે પાર્કવૂડમાં વિતાવેલાં વર્ષોમાં ઊભી થયેલી સુરક્ષા અને સ્થિરતા અચાનક જ ખતમ થઈ ગઈ.
જેવું દેખાતું હતું, એવું કશું જ નહોતું.
તેઓ કહે છે કે, “મને ખબર છે કે 9/11ના દિવસે ઘણા લોકોનાં જીવન તરત જ બદલાઈ ગયાં હતાં. પરંતુ મારા માટે એક-બે અઠવાડિયાંમાં જ મારું જીવન, મારા આદર્શો, મારી માન્યતાઓ બધું જ ખૂબ ઝડપથી બદલાઈ ગયું. જાણે એક સ્વિચ દબાવતાં બધું બદલાઈ ગયું હોય એમ.”
“મને લાગ્યું કે હું કેટલી મૂર્ખ હતી. મેં એવા લોકો પર વિશ્વાસ કર્યો અને તેમની ફિકર કરી, જેઓ ખરાબ કામ કરતા હતા.”
“તેમણે પોતાને જેવા દેખાડ્યા, હકીકતમાં તેઓ એવા નહોતા એ વાતથી હું જે રીતે છેતરાઈ ગઈ, એવું ફરી ક્યારેય ન થાય એવું હું ઇચ્છું છું.”
9/11ના થોડા સમય પછી રૅચફર્ડે પાર્કવૂડ, પ્રૉપર્ટી મૅનેજમેન્ટનું કામ અને મોટું શહેર બધું છોડી દીધું.
પહેલાં તેઓ દરિયાકિનારે ગયાં, પછી આદિવાસીઓ માટેના અનામત વિસ્તારમાં અને ત્યાર પછી સાવ વેરાન વિસ્તારમાં રહેવાે ગયાં.
તેમને સતત એવો અનુભવ થતો હતો કે પોતાની સાથે છેતરપિંડી થઈ રહી છે, અને તેનાથી દૂર જવાનો આ પ્રયાસ હતો.
રૅચફર્ડ કહે છે કે તેમણે પોતાને બીજા લોકોથી દૂર રાખીને માત્ર એવા લોકો સાથે સંપર્ક રાખ્યો, જેમના પર તેમને પૂરો વિશ્વાસ હતો.
તેઓ કહે છે કે, “9/11 પછી મને લોકોથી ડર લાગવા માંડ્યો.”
“હવે મને એવા લોકોથી દૂર રહેવું ગમે છે, જેઓ પોતે કોણ છે એ અંગે ખોટું બોલતા હોય. નાના શહેરમાં રહો તો કોઈ વાત લાંબા સમય સુધી છુપાવી શકાતી નથી અને એ બાબત મને વધુ સુરક્ષિત લાગે છે.”
“હું એવી જગ્યાએ રહેવાનું પસંદ કરું છું, જ્યાં હું લોકો પર વિશ્વાસ કરી શકું.”
પરંતુ બહારની દુનિયાથી વધુ ને વધુ દૂર જવાનો પ્રયાસ કરવા છતાં પાર્કવૂડમાં જે બન્યું એ અંગેના સવાલો તેમને આજે પણ સતાવે છે.
તેઓ કહે છે કે, “મને હજી ક્યારેક વિચાર આવે છે કે જો મેં વધુ કડકાઈ રાખી હોત તો કદાચ હું કંઈક કરી શકી હોત.”
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન
SOURCE : BBC NEWS




