Source : BBC NEWS
ઇમેજ સ્રોત, Getty Images
સિંગાપુરે તેના સરકારી કર્મચારીઓ માટે એક નવી મૅચમેકિંગ (લગ્ન સંબધિત) સેવા શરૂ કરી છે. દેશમાં ઘટી રહેલા પ્રજનનદરની સમસ્યા દરમિયાન આ પહેલ કરવામાં આવી છે.
આ અઠવાડિયાથી 21થી 35 વર્ષની વયના સરકારી કર્મચારીઓ માટે ‘ફર્સ્ટ ડેટ’ નામની સેવા શરૂ થઈ છે. તે ડેટિંગ માટે એક અલગ દૃષ્ટિકોણ રજૂ કરે છે અને નોબલ પુરસ્કાર વિજેતાના અલ્ગોરિધમનો ઉપયોગ કરીને સહભાગીઓને એક સમયે માત્ર એક જ વ્યક્તિ સાથે મૅચ કરે છે.
તેની વેબસાઇટ પર લખ્યું છે, “અહીં ‘સ્વાઇપ કરવાથી લાગતા થાકનો અહીં અંત આવે છે.”
ભાગ લેનારાઓ રાષ્ટ્રીય ડિજિટલ આઇડેન્ટિટી સિસ્ટમનો ઉપયોગ કરીને લૉગ-ઇન કરે છે અને તેમની રુચિઓ, આદતો અને મૂલ્યોના એક સર્વેક્ષણનો જવાબ આપે છે.
‘ફર્સ્ટ ડેટ’ની શરૂઆત પર સિંગાપુરના લોકો તરફથી મિશ્ર પ્રતિસાદ મળ્યો છે. કેટલાક લોકોએ તેને “ડાયસ્ટોપિયન” (ભયાનક કે અમાનવીય) ગણાવ્યું, જ્યારે કેટલાક લોકોએ તેને અજમાવવાની ઇચ્છા વ્યક્ત કરી.
પોતાની વેબસાઇટ પર ફર્સ્ટ ડેટ એ ‘ગેલ-શાપલે સ્ટેબલ મૅરેજ અલ્ગોરિધમ’ વિશે જણાવ્યું છે જે આ પ્રોગ્રામને ચલાવે છે.
આ ગાણિતિક ફ્રેમવર્ક બે સમાન આકારનાં બે જૂથોને તેમની પસંદગીઓના આધારે જોડે છે.
દિવંગત ગણિતશાસ્ત્રી લૉયડ શાપલેને 2012માં આ અલ્ગોરિધમની શોધ કરવા બદલ અર્થશાસ્ત્રમાં નોબલ સ્મારક પુરસ્કાર મળ્યો હતો. આ અલ્ગોરિધમનો ઉપયોગ પબ્લિક સ્કૂલના પ્રવેશ, મેડિકલ રેસિડેન્સી મેચિંગ અને ડેટિંગ ઍપ્સમાં થાય છે.
સિંગાપુરના સંરક્ષણ મંત્રાલયમાં કામ કરતાં અને ‘ફર્સ્ટ ડેટ’ અજમાવવા માટે ઉત્સુક 29 વર્ષીય એલિઝાબેથે બીબીસીને કહ્યું, “આખરે મને લાગે છે કે કોઈ પણ ઍપ્લિકેશન દ્વારા કોઈને મળવાનો અનુભવ લગભગ સરખો જ રહે છે.”
“પરંતુ એ જાણીને સારું લાગે છે કે છેતરાવાની શક્યતા ઘણી ઓછી છે. આપણે બધા સાથીદાર શોધતા સરકારી કર્મચારીઓ જ છીએ, ખરુંને?”
પરંતુ કેટલાક સોશિયલ મીડિયા યૂઝર્સનું કહેવું છે કે આ પહેલ હાલમાં પાઇલટ તબક્કામાં છે, તે સરકારમાં કામ ન કરતા લોકો સાથે ભેદભાવ કરે છે.
અન્ય લોકોએ તેની વયમર્યાદાની પણ ટીકા કરી. એક રેડિટ યૂઝરે લખ્યું, “તેઓ ફક્ત કુલ પ્રજનનદર વધારવા માટે આ કરી રહ્યા છે. બાકી આપણે કોઈ સાથી શોધીએ છીએ કે નહીં તેની તેમને વાસ્તવિક ચિંતા નથી.”
“35 કે તેથી વધુ ઉંમરે બાળકો પેદા કરવામાં જોખમ વધારે હોવાથી સરકારે આ મોટી ઉંમરના અવિવાહિતોને અવગણ્યા છે.”
હાલમાં એ સ્પષ્ટ નથી કે આ પાઇલટ પ્રોગ્રામ ભવિષ્યમાં સામાન્ય જનતા માટે ઉપલબ્ધ થશે કે નહીં. બીબીસીએ આ પ્રાયોગિક પ્રોગ્રામ પાછળની વૈધાનિક સંસ્થા એવી ‘ગવર્ટેક’નો સંપર્ક કર્યો છે.
આ પ્રાયોગિક શરૂઆત એવા સમયે થઈ છે જ્યારે સિંગાપુરનો જન્મદર ઐતિહાસિક નીચા સ્તરે પહોંચી ગયો છે. છેલ્લાં 60 વર્ષમાં પહેલી વાર 2025માં 30,000થી ઓછાં બાળકોનો જન્મ થયો છે.
બીજી બાજુ, વૃદ્ધ થતી વસ્તીવાળા આ દેશમાં મૃત્યુઆંક સતત વધી રહ્યો છે, જે 2025માં આશરે 26,500 પર પહોંચી ગયો હતો.
ઑગસ્ટમાં વડા પ્રધાન લૉરેન્સ વોંગે પરિવારોને વધુ ટેકો આપવા અને યુગલોને બાળકો પેદા કરવા પ્રોત્સાહિત કરવા માટે નવાં શ્રેણીબદ્ધ પગલાંની જાહેરાત કરી હતી. જેમાં દરેક બાળક 17 વર્ષનું થાય ત્યાં સુધી તેમને આશરે 70,000 સિંગાપુર ડૉલર (54,000 અમેરિકન ડૉલર અથવા 41,000 પાઉન્ડ)ની નાણાકીય સહાય આપવામાં આવશે.
ઇમેજ સ્રોત, Government Technology Agency of Singapore
સિંગાપુર દ્વારા તેના નાગરિકો માટે ‘ક્યુપિડ’ (પ્રેમ કે લગ્ન ગોઠવનાર) બનવાનો આ પહેલો પ્રયાસ નથી.
1984માં તેણે ‘સોશિયલ ડેવલપમેન્ટ યુનિટ’ની સ્થાપના કરી હતી, જેનું કામ અવિવાહિત સ્નાતકોને મળવા માટે સામાજિક કાર્યક્રમોનું આયોજન કરવાનું હતું.
યુનિવર્સિટીના સ્નાતકોને જ લક્ષ્યમાં રાખવા બદલ તેની ટીકા થઈ હતી, પરંતુ સત્તાવાળાઓએ એવું કહીને આ અભિગમનો બચાવ કર્યો હતો કે બિન-સ્નાતકોને જીવનસાથી શોધવામાં મુશ્કેલી પડતી નથી. સમય જતાં એસડીયુને બંધ કરી દેવામાં આવ્યું હતું.
તેના પછીના વર્ષે સરકારે બિન-સ્નાતકોમાં લગ્નને પ્રોત્સાહન આપવા માટે અન્ય એક એજન્સીની સ્થાપના કરી હતી.
સરકાર દ્વારા ચલાવવામાં આવતી ડેટિંગ સેવાનો આ વિચાર માત્ર સિંગાપુર પૂરતો મર્યાદિત નથી. સપ્ટેમ્બર 2024માં જાપાનના ટોક્યો મહાનગર પ્રશાસને દેશના ઘટતા જન્મદર સામે લડવા માટે એક એઆઈ-સંચાલિત ડેટિંગ ઍપ્સ શરૂ કરી હતી.
સરકારી ડેટા અનુસાર, આ ઍપ શહેરમાં રહેતા અવિવાહિતો માટે ખુલ્લી છે, તેના દ્વારા આ વર્ષે જુલાઈ સુધીમાં 265 યુગલોનાં લગ્ન થયાં છે.
સિંગાપુરમાં ઓસમંડ ચિયા દ્વારા વધારાનું રિપોર્ટિંગ
બીબીસી માટે કલેક્ટીવ ન્યૂઝરૂમનું પ્રકાશન
SOURCE : BBC NEWS




