Source : BBC NEWS
ઇમેજ સ્રોત, RUPESH SONAWANE
પ્રકાશિત
વાંચવાનો સમય: 5 મિનિટ
ચેતવણી : આ અહેવાલની કેટલીક વિગતો તમને વિચલિત કરી શકે છે.
સુરતના પલસાણામાં રસીકરણ દરમિયાન ગંભીર બેદરકારી થઈ હોવાના આરોપ લાગ્યા છે.
બીબીસી સહયોગી રૂપેશ સોનવણેએ જણાવ્યું હતું કે સુરતના પલસાણા ખાતે ‘મમતા દિવસ’ના રસીકરણ કાર્યક્રમમાં આરોગ્ય કર્મચારીઓ દ્વારા સાડા ત્રણ મહિનાના બાળકને અને એક વર્ષના બાળકને રસી અપાય છે. રસીકરણ બાદ પાંચ માસૂમ બાળકોને પેરાસિટામોલના બદલે ભૂલથી ડાયાબિટીસની ‘ગ્લાગ્લિમીપ્રાઇડ 2 એમજી’ નામની દવા આપી દેવાને કારણે બાળકોની પરિસ્થિતિ એટલી ગંભીર બની ગઈ કે તેમને તાત્કાલિક આઇસીયુમાં દાખલ કરવાં પડ્યાં હતાં.
સારવાર લઈ રહેલા એક બાળકના પિતાનું કહેવું છે કે દવા આપ્યાના 12 કલાકમાં તેમના દીકરાને સતત ખેંચ આવવા લાગી, તેની આંખો ઉપર ચઢી ગઈ હતી.
આ બાળકની સારવાર કરી રહેલા ડૉક્ટરનું કહેવું છે કે બાળકની હાલત ગંભીર છે, તેમના જીવન વિશે કંઈ પણ કહેવું મુશ્કેલ છે.
આ પ્રકારે દવાની આડઅસર થતાં અત્યાર સુધી કુલ પાંચ બાળકોને તાત્કાલિક હૉસ્પિટલમાં દાખલ કરાયાં છે.
આ ઉપરાંત આરોગ્યમંત્રી પ્રફુલ પાનશેરિયાએ આ મામલે તાત્કાલિક તપાસના આદેશ આપ્યા છે. તેમજ ફરજમાં બેદરકારી દાખવનાર મહિલા હેલ્થ વર્કરને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ પણ કર્યાં છે.
શું છે સમગ્ર મામલો?
ઇમેજ સ્રોત, RUPESH SONAWANE
સુરત જિલ્લા પંચાયતની આરોગ્ય શાખા દ્વારા 25 સપ્ટેમ્બરે જાહેર કરેલા સસ્પેન્શન હુકમ અનુસાર, સુરત જિલ્લાના પલસાણા તાલુકાના કણાવ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર અંતર્ગત આવેલા પલસાણા-01 સબ સેન્ટર ખાતે 23 સપ્ટેમ્બર, 2026ના રોજ પલસાણાના કણાવના સબ સેન્ટર પર ‘મમતા દિવસ’નું આયોજન કરવામાં આવ્યું હતું.
આ દરમિયાન સાત બાળકોનું નિયમિત રસીકરણ કરવામાં આવ્યું હતું.
‘રસીકરણ બાદ બાળકોને સામાન્ય રીતે તાવ કે દુખાવો ન થાય તે માટે પેરાસિટામોલ (Paracetamol Kid) ટેબ્લેટ આપવાની હોય છે, પરંતુ આરોગ્ય કર્મચારીની ગંભીર ભૂલના કારણે પેરાસિટામોલના બદલે ભૂલથી ડાયાબિટીસની ગંભીર અસર કરતી દવા ‘ગ્લિમીપ્રાઇડ 2 એમજી’ બાળકોને આપી દેવાઈ હતી.’
હુકમમાં જણાવ્યા અનુસાર, ‘ડાયાબિટીસની આ ભારે દવા નાનાં બાળકોના શરીરમાં જતાં જ તેની ગંભીર આડઅસર (AEFI) જોવા મળી હતી. તેથી પાંચ જેટલાં માસૂમ બાળકોની તબિયત અચાનક અત્યંત નાજુક બની ગઈ હતી.’
પછી તાત્કાલિક 24 સપ્ટેમ્બરના રોજ તે તમામ બાળકોને હૉસ્પિટલના આઇસીયુમાં દાખલ કરવાં પડ્યાં હતાં, જ્યાં તેમની સારવાર ચાલી રહી છે.
‘સતત ખેંચ આવતી રહી અને આંખો ઉપર જતી રહી’
ઇમેજ સ્રોત, RUPESH SONAWANE
સારવાર લઈ રહેલા એક બાળકના પિતા અમન સારણ પલસાણામાં રહે છે, તેમણે બીબીસી સહયોગી રૂપેશ સોનવણેનું જણાવ્યું છે કે મને મારા દીકરાનું રસીકરણ કરાવવા અર્થે કૉલ આવ્યો હતો. રસીકરણ થયું ત્યાં બે નર્સ હતાં (ઓળખ છતી ન થાય તેથી નામ જાહેર કરતાં નથી), તેમાંથી એક નર્સ દ્વારા રસીકરણ અને એક નર્સ દ્વારા મારા દીકરાને તાવ આવે તો લેવા માટે દવા આપી હતી.
અમન સારણનું કહેવું છે કે દવા આપી ત્યારે એવું કહ્યું હતું કે દીકરાને તાવ આવે તો જ આપજો, પરંતુ તેમણે જે દવા આપી હતી તે સુગર કંટ્રોલ કરવાની દવા હતી, જે મેં મારા દીકરાને બે વખત પીવડાવી.”
“તેને કારણે દીકરાનું સુગર લેવલ એકદમ ઘટી ગયું હતું અને 12 કલાકમાં જ તેને સતત ખેંચ આવવા લાગી, તેની આંખો ઉપર ચઢી ગઈ હતી, ત્યારે તાત્કાલિક અમે તેને લઈને હૉસ્પિટલ પહોંચ્યા હતા.”
“પલસાણામાં આવેલી એક હૉસ્પિટલમાં બે કલાક દરમિયાન સારવાર ચાલી ત્યાં ડૉક્ટરે કહ્યું કે અમારા માટે અઘરું છે તો મોટી હૉસ્પિટલમાં લઈ જવા કહ્યું.”
“પછી અમે સુરત ખાતે બાળકને લઈને નિર્મલ હૉસ્પિટલમાં લાવ્યા હતા. હાલ ત્યાં બાળકની સારવાર ચાલી રહી છે. 48 કલાકથી આ સારવાર ચાલુ જ છે.”
અમન સારણનું કહેવું છે “એમઆરઈ રિપોર્ટ આવ્યો ત્યારે ખ્યાલ આવ્યો છે કે મારા દીકરાને મગજમાં સમસ્યા થઈ છે અને તેને આજીવન ખોટ રહેશે, અત્યારે મારા દીકરાની પરિસ્થિતિ પણ અત્યંત ગંભીર છે.”
ડૉક્ટરે કહ્યું કે હાલ આ બાળકના જીવન વિશે કંઈ પણ કહેવું મુશ્કેલ
ઇમેજ સ્રોત, RUPESH SONAWANE
અમન સારણના બાળકની સારવાર સુરતની જે હૉસ્પિટલમાં થઈ રહી છે તે નિર્મલ હૉસ્પિટલના બાળરોગના નિષ્ણાત ડૉ. નિર્મલ ચોરારિયાએ બીબીસી સહયોગી રૂપેશ સોનવણેને કહ્યું, “અત્યારે અમારી હૉસ્પિટલમાં જે બાળક સારવાર લઈ રહ્યું છે તેને ખૂબ વધારે તકલીફ થયેલી છે, કારણ કે ઘણા કલાકો સુધી તેનું સુગર ઓછું રહ્યું હતું, તેને કારણે મગજ પર સોજો આવે અને બાળકને વારંવાર ખેંચ આવતી હતી. ખેંચ પણ બહુ લાંબા સમય સુધી ચાલતી હતી, ઘણી બધી દવા આપ્યા પછી પણ ખેંચ પૂરેપૂરી કંટ્રોલમાં આવતી ન હતી.”
ડૉક્ટરના જણાવ્યા પ્રમાણે બાળક હાલ હૉસ્પિટલમાં વૅન્ટિલેટર પર જ છે.
તેમણે વધુમાં કહ્યું, “એમઆરઆઈના રિપોર્ટમાં પણ મગજના અમુક અમુક ભાગોમાં તકલીફ આવી છે.”
“હજુ પણ બાળકનું જીવન જોખમમાં જ છે, તે આ જોખમમાંથી બહાર આવી જશે તેવું હાલ ચોક્કસ કહી શકાય. પરંતુ બીજી તરફ બાળક બચી જાય પછી તેનું કેટલુંક નિરીક્ષણ કરવું પડશે તેથી જીવનભર 100 ટકા તકલીફ રહેશે કે કેમ એ કહેવું પણ અત્યારે મુશ્કેલ છે.”
“બાળકનો વિકાસ ધીમો પડે, બાળકના આગળના જીવનમાં કેટલી અને કેવી અસર થશે તે કહેવું પણ મુશ્કેલ છે. પરંતુ અમારા બધા પ્રયત્ન એ છે કે બાળક બચી જાય, કેમ કે જે પ્રમાણેના એમઆરઆઈ રિપોર્ટ છે તેને કારણે થોડું જોખમ છે જ.”
“પહેલા તેનું વૅન્ટિલેટરમાંથી બહાર આવવું જરૂરી છે.”
આરોગ્યમંત્રીનું શું કહેવું છે?
ઇમેજ સ્રોત, RUPESH SONAWANE
ગુજરાતના આરોગ્યમંત્રી પ્રફુલ પાનશેરિયાએ મીડિયાને જણાવ્યું હતું કે પલસાણા તાલુકાના એક ગામમાં પાંચ બાળકોને મમતા દિવસના દિવસે સાડા ત્રણ મહિનાના બાળકને અને એક વર્ષના બાળકને રસી આપવાના કાર્યક્રમમાં નર્સ અને ટીમ દ્વારા ગંભીર પ્રકારની બેદરકારી દાખવી છે.
તેમણે કહ્યું, “આ બેદરકારીના હિસાબે તે અધિકારીને સસ્પેન્ડ કરી દેવાયા છે અને આ અંગેની તપાસ પણ ઉચ્ચ અધિકારીની ટીમને સોંપવામાં આવી છે. આ તપાસનો રિપોર્ટ આવ્યા પછી વધુ પગલાં લેવાશે.”
તેમણે કહ્યું, “માસૂમ બાળકો હાલ સ્ટેબલ છે, તેમને તત્કાલ સારવાર મળવાથી તેમની તબિયત સંપૂર્ણપણે સ્વસ્થ છે, અને અમને આશા છે કે બાળકોને આજે જ રજા આપવામાં આવશે.”
તો આ ઘટનાની ગંભીર નોંધ લઈને જિલ્લા આરસીએચઓ ડૉ. પીયૂષ વાય. શાહે જિલ્લા પંચાયતમાં અહેવાલ રજૂ કર્યો હતો.
આ મામલે પબ્લિક હેલ્થ અને જાહેર વહીવટી હિતને ધ્યાનમાં રાખીને ગુજરાત પંચાયત સેવા (શિસ્ત અને અપીલ) નિયમો હેઠળ મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરવાનો હુકમ કર્યો છે.
સસ્પેન્શનના સમયગાળા દરમિયાન તેમનું હેડક્વાર્ટર પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, ડોંગરિપાડા (તા. ઉમરપાડા) નક્કી કરવામાં આવ્યું છે અને તેમને નિયમો અનુસાર સસ્પેન્શન ઍલાઉન્સ મેળવવા માટે શરતોનું પાલન કરવાનું રહેશે.
આ ‘ગંભીર બેદરકારી’ બદલ તેમની સામે ખાતાકીય શિસ્ત વિષયક કાર્યવાહી પણ હાથ ધરવામાં આવી છે.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન
SOURCE : BBC NEWS




