Home તાજા સમાચાર gujrati સ્ત્રીઓના ગુપ્તાંગને સૌંદર્યના પ્રતીકમાંથી ‘શરમજનક’ કોણે બનાવ્યું?

સ્ત્રીઓના ગુપ્તાંગને સૌંદર્યના પ્રતીકમાંથી ‘શરમજનક’ કોણે બનાવ્યું?

2
0

Source : BBC NEWS

મહિલાનાં જનનાંગોને શરૂઆતમાં પ્રજનન ક્ષમતાનું પ્રતીક માનવામાં આવતાં, પણ સમય જતાં તે શરમજનક બનવા લાગ્યું

હજારો વર્ષોથી લોકો મહિલાઓના બાહ્ય જનનાંગ એટલે યોનિ વિશે વાત કરતા આવ્યા છે.

શરૂઆતમાં આ ભાગ પ્રજનનક્ષમતાનું પ્રતીક હતો, પણ સમય જતાં તે શરમજનક અને છુપાવવા યોગ્ય ગણાવા લાગ્યો.

વર્તમાન સમયમાં મહિલાઓના જનનાંગ પર ધ્યાન આપતો એક વિશાળ ઉદ્યોગ મોજૂદ છે, જે તેને ચુસ્ત કરવાના નામે પ્લાસ્ટિક સર્જરી તથા કૉસ્મેટિક ટ્રિટમેન્ટ જેવી સેવાઓ ઑફર કરે છે.

કલાકારો તેમની કળાકૃતિઓમાં આ અંગ દર્શાવી રહ્યા છે. સામાજિક કાર્યકરો વિરોધના પ્રતીક તરીકે તેનો ઉપયોગ કરી રહ્યા છે.

બીજી તરફ ડૉક્ટરો એવું પુરવાર કરવાનો પ્રયત્ન કરી રહ્યા છે કે મહિલાઓનાં જનનાંગોની કુદરતી રચનામાં વ્યક્તિએ-વ્યક્તિએ ભિન્નતા પ્રવર્તે છે.

તો, માનવ શરીરનો આ ભાગ પ્રજનનક્ષમતાના પ્રતીકમાંથી શરમનું પ્રતીક, સૌંદર્યના પ્રતીકમાંથી રાજકીય પ્રતીક કેવી રીતે બની ગયો?

ફ્રેન્ચ અખબાર ‘લિ મોન્ડે’એ આ ઇતિહાસ ખોળવાનો પ્રયાસ કર્યો, જ્યારે બ્રિટિશ દૈનિક અખબાર ‘ધ ગાર્ડિયન’એ તેના પર પોર્નોગ્રાફી અને સોશિયલ મીડિયાના પ્રભાવના આંકડા પૂરા પાડ્યા છે.

આ બંને અખબારોમાં છપાયેલા લેખો એ બાબત સ્પષ્ટ કરે છે કે મહિલાઓના ગુપ્તાંગ અંગેનો વિવાદ કેવળ શરીર પૂરતો સીમિત નથી, બલકે તે શક્તિ, શરમ, સૌંદર્ય અને પોતાના શરીર પરના તેમના અધિકારો સાથે સંબંધિત છે.

પ્રજનનક્ષમતાનું પ્રતીક

નોન ઉના ડી મેનોના કાર્યકરોએ ઇટાલીના ટ્યુરિનમાં મહિલાઓની વધી રહેલી હત્યાના વિરોધમાં હાથ વડે યોનિનું ચિહ્ન બનાવ્યું હતું

આજના યુગમાં કળાનાં સ્વરૂપોમાં કોઈ પણ પ્રકારના સંકોચ વિના મહિલાઓના જનનાંગના પ્રદર્શનની કલ્પના કરવી પણ મુશ્કેલ છે.

પરંતુ હજારો વર્ષો પહેલાં જ્યારે લોકો મહિલાઓનું ચિત્ર દોરતા કે તેની મૂર્તિ કોતરતા હતા, ત્યારે તેઓ જનનાંગોને ખાસ મહત્ત્વ આપતા હતા.

તેનો પુરાવો ફ્રાન્સના પ્રાચીન લા ફેરાસીમાં આવેલી શૂવેટ કેવ્ઝમાં મોજૂદ છે, જ્યાં વિશ્વનાં સૌથી જૂનાં ગુફાચિત્રો આવેલાં છે.

તે ઉપરાંત એક રસપ્રદ શોધ થઈ છે. ઉદાહરણ તરીકે, ‘વિનસ ઑફ મોમ્પાઝિયર’ના નાના શિલ્પમાં મહિલા જનનાંગોને જાણીજોઈને મોટાં દર્શાવાયાં છે.

એવું મનાય છે કે પ્રાચીન લોકો કદાચ મહિલાઓની બાળકો પેદા કરવાની શક્તિ પર ભાર મૂકવા માગતા હતા.

પ્રાચીન મેસોપોટેમિયામાં પણ મહિલાઓની જાતીયતાને શરમજનક નહોતી માનવામાં આવતી. એક પ્રાચીન ગ્રંથોમાં દેવી ઈષ્ટાર તેમના પ્રેમીને કહે છે, “પ્રિય… મારી યોનિમાં બીજ રોપી દો.”

પણ સમય વીતવા સાથે બધું બદલાઈ ગયું.

પ્રાચીન ઇતિહાસકાર ક્રિશ્ચિયન-જ્યૉર્જેસ શ્વેન્ટઝેલે ‘લે મોન્ડે’ને જણાવ્યું હતું કે આ મોટો ફેરફાર ત્યારે થયો, જ્યારે પ્રાચીન ગ્રીસ અને તત્કાલીન રોમે મહિલાની જાતીયતાને જોખમી બાબત તરીકે જોવાનું શરૂ કર્યું.

તેઓ સમજાવે છે, “ગ્રીસ અને રોમમાં યોનિના બહારના ભાગને ઘૃણાસ્પદ ચીજ તરીકે જોવામાં આવી.”

આથી એવી ધારણા વિકસવા લાગી કે ઇચ્છાઓ ધરાવતી મહિલાઓને દબાવવી અને અંકુશમાં લેવી જરૂરી છે. આ વિચાર લાંબા સમય સુધી પ્રવર્તતો રહ્યો.

મનોવિશ્લેષક સારાહ પિઆઝા જણાવે છે કે પ્રાચીન કાળથી લઈને અત્યાર સુધી મહિલાઓને જે રીતે રજૂ કરવામાં આવી છે, તેમાં “મહિલા જનનાંગોનો ભય” છુપાયેલો છે.

સૌંદર્ય પાછળ છુપાયેલું નિયંત્રણ

કલાકારો માનવીય શરીરની કળાકૃતિ બનાવીને તેને પ્રદર્શિત કરતા રહે છે

મહિલા જનનાંગનો દેખાવ બદલવાની ઇચ્છાનો ઉદ્ભવ આધુનિક યુગમાં નહોતો થયો.

વિવિધ સંસ્કૃતિઓમાં જનનાંગોના ભાગને દૂર કરવાના કે તેમનો દેખાવ બદલવાના રીત-રિવાજો રહેલા છે.

આધુનિક કૉસ્મેટિક સર્જરીના આગમન પહેલાં યુરોપિયન ચિકિત્સા વિજ્ઞાનમાં જનનાંગોના બહારના ભાગને નાનું કરવાની સર્જરીનું વર્ણન મળે છે.

આજે, સ્ત્રીઓ તેમના શરીર પર પૂર્ણ સ્વતંત્રતા ધરાવે છે.

પણ અહીં સવાલ ઉદ્ભવે છે કે જો સમાજ એ નક્કી કરવાનું ચાલુ રાખે કે ‘આદર્શ’ નારી દેહ કેવો હોવો જોઈએ, તો શું એ સ્થિતિમાં આ સ્વતંત્રતા વાસ્તવિક છે ખરી?

તબીબી દૃષ્ટિએ વાત કરીએ તો બાહ્ય જનનાંગ માટે કોઈ એક ‘સાચો’ આકાર નથી.

સેક્સોલૉજિસ્ટ જોએલ મિગ્નોટ ભારપૂર્વક કહે છે કે ગુપ્તાંગના દેખાવ માટે કોઈ તબીબી માપદંડ નથી. પુરુષોની માફક જ મહિલાઓમાં પણ આ અંગોનાં આકાર અને કદમાં ઘણા તફાવતો હોય છે.

જોકે, મહિલાઓ પોતાના સામાન્ય શરીરને જોયા પછી પણ એવી ચિંતા સેવતી હોય છે કે કોઈ ગરબડ તો નથીને.

સુંદરતાની પરિભાષા કોણે નક્કી કરી?

વર્તમાન સમયમાં મહિલાઓના જનનાંગ પર ધ્યાન આપતો એક વિશાળ ઉદ્યોગ મોજૂદ છે, જે તેને ચુસ્ત કરવાના નામે પ્લાસ્ટિક સર્જરી તથા કૉસ્મેટિક ટ્રિટમેન્ટ જેવી સેવાઓ ઑફર કરે છે (પ્રતીકાત્મક તસવીર)

છેલ્લા કેટલાક દાયકામાં પોર્નોગ્રાફી ઉદ્યોગ, સોશિયલ મીડિયા તેમજ કૉસ્મેટિક સર્જરી માટેની જાહેરાતોએ આ દબાણ વધારી દીધું છે, જેમાં જનનાંગોના વાળને સંપૂર્ણપણે દૂર કરવાનું ચલણ પણ સામેલ છે.

તેના લીધે ધીમે ધીમે ‘આદર્શ મહિલા’ની એવી કૃત્રિમ છબિ બનતી ગઈ કે મહિલાની ત્વચા કોમળ હોય, શરીર પર વાળ ન હોય, કરચલીમુક્ત, ગુલાબી અને ગંધરહિત હોય.

ગાયનેકોલૉજિસ્ટ સોફી બર્વિલ તેને ‘ગોલ્ડ સ્ટાન્ડર્ડ’ કહે છે, જે 2000ના દાયકામાં ઊભર્યું હતું.

ગાર્ડિયન અખબાર કહે છે કે અહીં સમસ્યા એ છે કે યુવાન લોકો એ સમજતા નથી કે મહિલાઓનાં ગુપ્તાંગ કુદરતી રીતે જ જુદા-જુદા આકાર ધરાવતાં હોય છે.

ગાર્ડિયને ઑસ્ટ્રેલિયાનો 2024માં હાથ ધરાયેલો એક અભ્યાસ ટાંક્યો હતો, જેમાં જાણવા મળ્યું હતું કે 18 અને 24 વર્ષની વચ્ચેની વયની 23 ટકા યુવા મહિલાઓ તેમનાં ગુપ્તાંગના દેખાવ અંગે ચિંતિત હતી અથવા તો શરમ અનુભવતી હતી અને તેમાંની અડધોઅડધ મહિલાઓ સર્જરી વિશે વિચારતી હતી.

જોકે, શરીરમાં સુધારા-વધારા કરાવવા માગનારી તમામ મહિલાઓ જાહેરાતો કે પોર્નોગ્રાફીથી પ્રભાવિત નથી હોતી.

ગાયનેકોલૉજિસ્ટ સોફી બર્વિલ કહે છે કે કેટલીક દર્દીઓ તેમના ગુપ્તાંગના દેખાવ અંગે વર્ષોથી સ્વમાન સંબંધિત સમસ્યાઓથી પીડાય છે.

કેટલાક લોકો તેમના પાર્ટનરની સામે નિર્વસ્ત્ર થવામાં ક્ષોભ અનુભવે છે અથવા જાતીય સમાગમને જ ટાળે છે.

તેમણે સમજાવ્યું હતું કે સર્જરી કરાવ્યા બાદ આવા લોકોના મૂડ અને જાતીય જીવનમાં સુધારો આવ્યો હતો.

આથી, અહીં સવાલ એ નથી કે ‘સર્જરી કરાવવી જોઈએ કે નહીં.’ વ્યક્તિ આવી સર્જરીનાં જોખમો તથા આડઅસરોથી પૂર્ણપણે વાકેફ હોય તેમજ સર્જરીનો નિર્ણય તેમનો પોતાનો હોય એ જરૂરી છે.

અમેરિકન કૉલેજ ઑફ ઑબ્સ્ટેટ્રિશ્યન ઍન્ડ ગાયનેલોકૉજિસ્ટ્સે ચેતવણી ઉચ્ચારી છે કે ઇન્ટરનેટ અને પોર્નોગ્રાફીના પ્રભાવથી લોકો તેમનાં કુદરતી શરીરનો સ્વીકાર કરવા માટે અસમર્થ થઈ રહ્યા છે.

વધુમાં એ સ્પષ્ટ કરી દેવાયું છે કે આ ક્ષેત્રમાં કરવામાં આવતી ઘણી કૉસ્મેટિક સર્જરીની સુરક્ષા અને અસરકારકતા વિશે પૂરતા તબીબી પુરાવા નથી.

શરમથી વિરોધ અને સમજ સુધી…

ગાયનેકોલૉજિસ્ટ્સ કહે છે કે, યોનિને ચુસ્ત કરવાની સર્જરીની વધી રહેલી માગ પાછળ ઇન્ટરનેટ અને પોર્નોગ્રાફી જવાબદાર છે

અહીંથી કહાણીમાં અણધાર્યો વળાંક આવે છે.

જે શરીરને લાંબા સમય સુધી છુપાવી રાખવામાં આવ્યું હતું, તે હવે જાહેર વિરોધપ્રદર્શનોનું પ્લૅટફૉર્મ બની ગયું છે.

1969માં ઑસ્ટ્રિયન કલાકાર વલી એક્સપોર્ટ એક વિશિષ્ટ પોષાક પહેરીને મ્યુનિકના એક થિયેટરમાં પ્રવેશ્યાં હતાં.

મહિલાઓના શરીરને કેવળ પુરુષોની દૃષ્ટિથી જોવા સામે સવાલ ઉઠાવી શકાય અને આ વિષય પર ચર્ચા છેડી શકાય, એ માટે તેમણે આવું કર્યું.

તેમણે પડદા પરના એક સેક્સ ઑબ્જેક્ટને બદલે વાસ્તવિક સ્વરૂપમાં મહિલાને જનતા સમક્ષ રજૂ કરી.

1970ના દાયકામાં નારીવાદી કલાકારો મહિલાઓના અધિકારો અને શારીરિક સ્વાયત્તતા પર સવાલ ઉઠાવવા માટે પોતાની રચનાઓમાં મહિલા જનનાંગોની તસવીરોનો સ્પષ્ટપણે ઉપયોગ કરવા લાગ્યા.

જુડી શિકાગો જેવા કલાકારોએ આ ચળવળમાં મહત્ત્વની ભૂમિકા ભજવી હતી.

કળા વિવેચક સિન્ડી નેમસેરે પણ આંદોલનને સમર્થન આપ્યું.

સમય વીતવા સાથે આ વિષય માત્ર કળા પૂરતો સીમિત ન રહ્યો.

2019માં કલાકાર ડેબોરાહ ડી રોબર્ટિસે સત્તાના હોદ્દાઓમાં મહિલાઓના પ્રતિનિધિત્વની ગેરહાજરી સામે વિરોધ નોંધાવવા માટે યુરોપિયન સંસદની સામે નિર્વસ્ત્ર થઈને પ્રદર્શન કર્યું.

તે જ સમયે શરીરના ભાગો અંગેની શરમને જ્ઞાનમાં પરિવર્તિત કરવા માટે પ્રોજેક્ટ્સ શરૂ થયા.

પુરુષોની માફક જ મહિલાઓમાં પણ આ અંગોનાં આકાર અને કદમાં ઘણા તફાવતો હોય છે

2011માં કલાકાર જૅમી મૅકકાર્ટનીએ સ્ત્રીના શરીરનું વૈવિધ્ય દર્શાવવા માટે 400 મહિલાઓનાં ગુપ્તાંગોના શિલ્પ – ‘ધ ગ્રેટ વજાઇના વોલ’ની રચના કરી.

2016માં ‘ધ વુલ્વા ગેલેરી’ નામનો એક ઑનલાઇન પ્રોજેક્ટ શરૂ થયો, જેમાં સ્ત્રીના જનનાંગનાં વિવિધ સ્વરૂપો દર્શાવાયાં હતાં.

વળી, 2019માં લંડનમાં “વજાઇના મ્યુઝિયમ” શરૂ કરવામાં આવ્યું. આ મ્યુઝિયમ જનતાને મહિલાઓની શારીરિક રચના, આરોગ્ય અને મહિલાઓના શરીર પ્રત્યે સમાજના દૃષ્ટિકોણ વિશે શિક્ષણ પૂરું પાડે છે.

હવે, ફરી એક વખત સ્ત્રીના જનનાંગો વિશે મુક્તપણે ચર્ચા થઈ રહી છે, પણ આ વખતે કારણ જુદું છે. તે સ્વતંત્રતાની માગણી કરવા માટેનું એક પ્રદર્શન બની ગયું છે.

તે સમાજમાં પ્રવર્તમાન શરમ દૂર કરવાની કોશિશ કરી રહ્યું છે.

દરેક વ્યક્તિ તેના શરીર પર પૂરેપૂરો અધિકાર ધરાવે છે અને આ એક શક્તિ છે, એ દર્શાવવા માટે વિવિધ કળા સ્વરૂપોમાં તેનો ઉપયોગ થઈ રહ્યો છે.

હવે સવાલ એ નથી કે, “યોનિનો બાહ્ય દેખાવ કેવો હોવો જોઈએ?”

તે વિવિધ સ્વરૂપો અને આકાર ધરાવે છે. તેનો એ દેખાવ જ કુદરતી છે.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

SOURCE : BBC NEWS