Source : BBC NEWS
ઇમેજ સ્રોત, BNK/VK MO “Knyazhpogostsky”/BBC
કેટલાક લોકો માટે ઉત્તર રશિયાનું યેમ્વા સરોવર એક ‘અદ્ભુત સ્થળ’ છે. જ્યાં હંસોની અવરજવર રહેતી હોય એવું સુંદર તળાવ, જ્યાં ઉનાળાના ગરમ દિવસે પાણીમાં કૂદી પડવાની મજા આવે. પરંતુ કેટલાક લોકો તેને કબ્રસ્તાન કહે છે.
ઉત્તર રશિયાના કોમી પ્રજાસત્તાકમાં આવેલા આ કૃત્રિમ બીચના એક ફોટા નીચે સોશિયલ મીડિયા પર કોઈએ ટિપ્પણી કરી હતી, “આખા શહેરને ખબર છે કે ત્યાં હાડકાં જ હાડકાં છે.”
દાયકાઓથી સ્થાનિક લોકો આ સરોવરમાં તરતા આવ્યા છે. આ સરોવર એવી જમીન ખોદીને બનાવવામાં આવ્યું હતું, જ્યાં ક્યારેક સોવિયેત ગુલાગ પ્રણાલીના કેદીઓની સામૂહિક કબર હતી. સોવિયેત સંઘમાં કેદીઓ પાસે ફરજિયાતપણે કામ કરાવવામાં આવતી કુખ્યાત છાવણીઓની વિશાળ પ્રણાલી હતી, જે ગુલાગ તરીકે ઓળખાતી.
આજે પણ કિનારા પર લોકોને અવારનવાર માનવ હાડકાં મળી આવે છે.
મૃતકોની યાદમાં ત્યાં કોઈ સ્મારક કે તકતી નથી, જે આ સ્થળની હકીકત વિશે લોકોને ચેતવે. સત્તાવાળાઓએ કદી આ સ્થળે કોઈ નિશાની મૂકી નથી. તાજેતરમાં આ અવશેષોનું શું કરવું એ અંગે ચર્ચા થઈ ત્યારે પણ સત્તાવાળાઓએ આ હાડકાં ગુલાગના કેદીઓનાં છે કે નહીં, તેની પુષ્ટિ કરવાનો ઇનકાર કર્યો હતો.
1980ના દાયકામાં એક સ્થાનિક બાંધકામ કંપનીએ આ વિસ્તારમાં એક કૃત્રિમ સરોવર અને બીચ બનાવવાનું નક્કી કર્યું. ત્યાં છત્રીઓ અને કપડાં બદલવા માટેની વ્યવસ્થા પણ ઊભી કરવાની હતી. આ પ્રક્રિયા દરમિયાન ખોદકામ કરતાં મશીને માટીની સાથે સાથે માનવ અવશેષો અને શબપેટીનાં લાકડાંના ટુકડા પણ બહાર કાઢ્યા. આમ છતાં બાંધકામ અટક્યું નહીં. આ સ્થળ મોસ્કોથી એક હજાર કિલોમીટરથી પણ વધુ ઉત્તર-પૂર્વમાં આવેલું છે.
ઇમેજ સ્રોત, TASS/BBC
ભૂગર્ભ ઝરણાંનું પાણી આ ખાડામાં વાળવામાં આવ્યું અને આશરે 15 હજારની વસ્તી ધરાવતા યેમ્વાના લોકો ત્યારથી આ સરોવરમાં તરતા આવ્યા છે.
પરંતુ પાંચ વર્ષ પહેલાં આ વિસ્તારમાં લાગેલી આગ અને સંશોધકોની એક ટીમના આગમનથી આ હાડકાંનું શું કરવું એ અંગેની ચર્ચા ફરી શરૂ થઈ.
કેટલાક સ્થાનિકોએ કહ્યું કે આખા વિસ્તારનું ખોદકામ કરીને માનવ અવશેષોને ફરી દફનાવવા જોઈએ. કેટલાકે ત્યાં એક ક્રોસ ઊભો કરીને અહીં નિશાની મૂકવાની માગ કરી. તો કેટલાક લોકોએ કહ્યું કે આ મુદ્દાને આટલો બધો ચગાવવાની જરૂર નથી. તેમના મતે, ગુલાગ પ્રણાલીમાં લોકો એટલા ભયાનક નહોતા અને ત્યાં માત્ર ગુનેગારોને જ રાખવામાં આવતા હતા.
અંતે સ્થાનિક સત્તાવાળાઓએ કંઈ જ કર્યું નહીં.
આ નિષ્ક્રિયતા રશિયામાં જોવા મળતા એક વ્યાપક વલણનું પ્રતિબિંબ છે. આ સમયગાળાની સામૂહિક કબરોને ભાગ્યે જ કોઈ નિશાનીથી અંકિત કરવામાં આવે છે. આ સ્થળોની તપાસ કરવાનો અથવા મૃતકોને શ્રદ્ધાંજલિ આપવાનો પ્રયાસ કરનારા લોકો સામે કાર્યવાહી કરવામાં આવી છે. ગુલાગની પ્રણાલી અંગે ચર્ચા કરવાનું પણ દિવસે ને દિવસે વધુ સંવેદનશીલ અને મુશ્કેલ બનતું ગયું છે.
10 લાખથી વધુ કેદીઓને છાવણીમાં રખાતા
ઇમેજ સ્રોત, NA Komi /USTR/BBC
મોસ્કોના ગુલાગ હિસ્ટ્રી મ્યુઝિયમના અંદાજ મુજબ, 1930થી 1956 દરમિયાન લગભગ બે કરોડ લોકો સોવિયેત સંઘની છાવણીઓ, કેદીઓ માટેની વસાહતો અને જેલોમાં કેદ રહ્યા હતા.
આ મ્યુઝિયમને સત્તાવાળાઓએ આ વર્ષે બંધ કરવાની ફરજ પાડી હતી.
તેમાંથી આશરે 40 લાખ લોકોને રાજકીય કારણસર સજા કરવામાં આવી હતી.
જોસેફ સ્ટાલિનના શાસન દરમિયાન અને તેમના શાસનના અંત પછીના થોડા સમય સુધી ચાલેલા આ દમનના સમયગાળામાં રાજ્યની જેલોમાં 20 લાખથી વધુ લોકોનાં મોત થયાં હતાં. ઉપરાંત, 60 લાખ લોકોને સોવિયેત સંઘના દૂરના વિસ્તારોમાં બળજબરીથી વસાવવામાં આવ્યા હતા.
કોમી ભાષામાં યેમ્વાનો અર્થ ‘સ્વચ્છ પાણી’ થાય છે. આ શહેર 1928માં સ્થાપવામાં આવેલી એક મજૂર છાવણીમાંથી વિકસ્યું હતું.
આજે યેમ્વામાં રહેતા મોટા ભાગના લોકો ગુલાગના કેદીઓ અથવા રક્ષકોના વંશજ છે.
કોમીના સમગ્ર વિસ્તારમાં પણ આમ જ જોવા મળે છે. યેમ્વામાં આજે પણ મજૂરો માટેની એક કેદી વસાહત છે.
ઉત્તર તરફ આવેલી આ છાવણીઓની આસપાસ સબઆર્ક્ટિક વિસ્તારનાં સદાબહાર જંગલો હતાં. કેદીઓ માટે રહેવાની વ્યવસ્થા ખૂબ જ ખરાબ હતી. શિયાળામાં તાપમાન ઘટીને માઇનસ 50 અંશ સેલ્સિયસ સુધી પહોંચી જતું ત્યારે પણ ઘણા કેદીઓ તંબુમાં રહેતા હતા.
સવારથી રાત સુધી તેઓ વૃક્ષોને કાપીને તેમાંથી પસાર થતી રેલવે બાંધવાનું કામ કરતા હતા. તેમને રોજ 400 ગ્રામ બ્રેડ અને એક વાટકી સૂપ મળતા હતા.
ઇતિહાસકારોના અંદાજ મુજબ, રાજકીય અને અન્ય ગુનાઓમાં સજા પામેલા 10 લાખથી વધુ કેદીઓ કોમીની છાવણીઓમાં કેદ રહ્યા હતા. જોકે, તેમાંથી કેટલાં લોકોનાં ત્યાં મોત થયાં હતાં, તેનો ચોક્કસ આંકડો ઉપલબ્ધ નથી.
‘ગુલાગના કેદીઓની બિનસત્તાવાર સામૂહિક કબર’
ઇમેજ સ્રોત, T.me/Officially_vorkuta/BBC
2021માં આ સ્થળની નજીકનાં ઝાડી-ઝાંખરાંમાં લાગેલી આગને ઓલવવા માટે અગ્નિશામકો પહોંચ્યા ત્યારે તેમને ઓછામાં ઓછા ત્રણ લોકોનાં હાડકાં મળી આવ્યાં. આને પગલે સ્થાનિક સત્તાવાળાઓએ તપાસ શરૂ કરી.
તપાસકારો નક્કી કર્યું કે આ અવશેષો ઓછામાં ઓછા 15 વર્ષ જૂનાં હતાં અને તેના પર કોઈ ઈજાનાં નિશાન નહોતાં. તેમણે ‘કોઈ ગુનો થયો નથી’ એમ કહીને વધુ તપાસ પડતી મૂકી. તપાસના અહેવાલમાં જણાવાયું હતું કે જ્યાંથી હાડકાં મળ્યાં હતાં, તે જગ્યા 1930થી 1950 દરમિયાન ‘ગુલાગના કેદીઓની બિનસત્તાવાર સામૂહિક કબર’ તરીકે ઉપયોગમાં લેવાઈ હતી.
ગુલાગના ઇતિહાસ પર સંશોધન કરતા સંશોધકોની એક ટીમ છ મહિના પછી પ્રાદેશિક રાજધાની સિક્તિવકારથી ત્યાં ન આવી હોત, તો કદાચ આ મામલો ત્યાં જ પૂરો થઈ જાત.
સ્થાનિક લેખક અને ઇતિહાસકાર ગ્રિગોરી સ્પિચાકે બીબીસી ન્યૂઝ રશિયાને કહ્યું, “અમે ખાણમાં ગયા અને સાચું કહું તો અમારે કંઈ શોધવાની જરૂર જ પડી નહીં. હાડકાં તરત જ દેખાઈ આવ્યાં.”
તે સમયે તેમના સાથી સંશોધક ઇગોર સાઝિને કહ્યું હતું, “અમને પાંસળીઓ અને પેડુનાં હાડકાં મળ્યાં. આ હાડકાં પ્રાણીઓનાં હોઈ શકે જ નહીં.”
“આ હાડકાંને આવી જ હાલતમાં છોડી દેવાં એ અમાનવીય છે. યેમ્વા પોતાનું જીવન રાબેતા મુજબ જીવી રહ્યું છે, જાણે ભૂતકાળની આ ભયાનક યાદને સ્વીકારવા જ ન માગતું હોય.”
“કપડાં કે જૂતાં વિના દફનાવી દીધા”
ઇમેજ સ્રોત, TSGALI SPB/BBC
રશિયાના કાયદા મુજબ, સામૂહિક દમનનો ભોગ બનેલા લોકોની કબરો સહિત નવાં મળી આવેલાં દફનસ્થળોની સત્તાવાળાઓએ નોંધ કરવી અને ત્યાં નિશાની મૂકવી ફરજિયાત છે.
જરૂર પડે તો તેમણે ત્યાંથી મળેલા માનવ અવશેષોને બીજી જગ્યાએ ફરીથી દફનાવવાનાં હોય છે.
સાઝિને સરકારી વકીલની કચેરીનો સંપર્ક કર્યો, પરંતુ કોઈ કાર્યવાહી કરવામાં આવી નહીં.
લગભગ એક વર્ષ પછી તેમણે સ્થાનિક વહીવટીતંત્ર અને ચર્ચને સરોવરની પાસે ઓછામાં ઓછો એક ક્રોસ ઊભો કરવાની વિનંતી કરી.
પરંતુ પ્રાદેશિક જેલ વિભાગ, ગૃહ મંત્રાલય અને સ્થાનિક ઇતિહાસ સંગ્રહાલયનો સંપર્ક કર્યા પછી વહીવટીતંત્રે સરકારી વકીલની કચેરીને જણાવ્યું કે આ જગ્યા પર ગુલાગની સામૂહિક કબર હોવાના કોઈ પુરાવા મળ્યા નથી.
જોકે, કેટલાક લોકો આ વાતને લઈને વધુ ચોક્કસ છે.
સંશોધક ઓરેસ્ટ રોમાંકોએ સોશિયલ મીડિયા પર લખ્યું, “આ ગુલાગના ભોગ બનેલા લોકોનાં અવશેષો છે એમાં કોઈ શંકા નથી. તેમને કપડાં કે જૂતાં વિના દફનાવવામાં આવ્યા હતા અને તેમને એટલી જ ઊંડાઈએ દફનાયેલા હતા જેટલી ઊંડાઈ સુધી પાવડાનું પાનું પહોંચી શકે.”
રશિયામાં મોટા પાયે થયેલા દમનનો ઇતિહાસ રાજકીય રીતે સંવેદનશીલ મુદ્દો છે. સામૂહિક કબરો શોધવાનો પ્રયાસ કરનારા ઘણા લોકો સામે કાર્યવાહી કરવામાં આવી છે.
પશ્ચિમ રશિયામાં આવેલા ગુલાગ ઇતિહાસ સંગ્રહાલયના ડિરેક્ટર નિકોલાઈ અરાકચેયેવને “પરવાનગી વિના” એક ખોપરીને બહાર કાઢવા બદલ અદાલતે દંડ ફટકાર્યો હતો.
રોબર્ટ લાતિપોવ ‘મેમોરિયલ’ની એક શાખાના ડિરેક્ટર હતા. સોવિયેત સંઘમાં માનવ અધિકારોના ઉલ્લંઘનોનો અભ્યાસ કરવા માટે આ સંસ્થા સ્થાપવામાં આવી હતી. લાતિપોવ અને લિથુઆનિયાના પાંચ સ્વયંસેવકો એક જૂના કબ્રસ્તાનની સફાઈ કરવા ગયા હતા. આ કબ્રસ્તાન અગાઉ લોકોને બળજબરીથી વસાવવામાં આવેલા સ્થળની બાજુમાં હતું. તેમણે એક કબર પર ક્રોસ પણ મૂક્યો હતો. આ પછી તેમની સામે ફોજદારી તપાસ શરૂ કરવામાં આવી હતી.
2019માં રશિયાની માનવ અધિકાર પરિષદની બેઠકમાં વ્લાદિમીર પુતિનને આ અંગે જાણ કરવામાં આવી હતી. તેના બીજા જ દિવસે આ કેસ બંધ કરી દેવામાં આવ્યો.
પરંતુ એ જ બેઠકમાં રાષ્ટ્રપતિએ સોવિયેત સંઘના આર્કાઇવ્ઝમાં “કોઈ પણ પ્રકારના નિયંત્રણ વિના પ્રવેશ” આપવાનો વિરોધ કર્યો હતો.
પુતિને કહ્યું હતું, “1930ના દાયકામાં એન.કે.વી.ડી. [સોવિયેત ગુપ્ત પોલીસ] કેવી રીતે કામ કરતી હતી એ આપણે જાણીએ છીએ. પોતાના પૂર્વજોના દસ્તાવેજો ખોલવામાં આવે એ તેમના પરિવારજનો માટે હંમેશાં સુખદ ન પણ હોય.”
સરોવરમાં “તરવાની મનાઈ”
2025માં રશિયાના સરકારી આર્કાઇવ્ઝે રાજકીય દમનનો ભોગ બનેલા લોકો સાથે જોડાયેલી ફાઇલોને “માત્ર સત્તાવાર ઉપયોગ માટે”ની શ્રેણીમાં મૂકવાનું શરૂ કર્યું.
આ વર્ષે કોમીમાં આવેલા સ્વતંત્ર સાંસ્કૃતિક કેન્દ્ર ‘રિવોલ્ટ સેન્ટર’ને પણ ઉગ્રવાદી સંગઠન જાહેર કરવામાં આવ્યું. આ કેન્દ્ર રાજકીય દમન વિશેની માહિતી એકત્ર કરવાનું, તેનો અભ્યાસ કરવાનું અને લોકો સુધી પહોંચાડવાનું કામ કરતું હતું. ‘મેમોરિયલ’ને પણ ઉગ્રવાદી સંગઠન જાહેર કરવામાં આવ્યું હતું અને તેના પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો.
મોસ્કોના સત્તાવાળાઓએ ગુલાગ મ્યુઝિયમની જગ્યાએ ‘મેમોરિયલ મ્યુઝિયમ’ બનાવ્યું છે. ગુલાગ મ્યુઝિયમને અગ્નિસુરક્ષાના નિયમોના ઉલ્લંઘનના બહાને બે વર્ષ પહેલાં બંધ કરવામાં આવ્યું હતું. નવા મ્યુઝિયમમાં નાઝીઓના આક્રમણ દરમિયાન સોવિયેત સંઘમાં જીવ ગુમાવનારા લોકોની સ્મૃતિઓને જાળવવામાં આવી છે.
2022ના ઉનાળામાં સરકારી વકીલની કચેરીએ યેમ્વા સરોવરમાં તરવા પર પ્રતિબંધ મૂક્યો હતો. સ્થાનિક અદાલતે સત્તાવાળાઓને આ વિસ્તારની તપાસ કરીને વર્ષ પૂરું થાય તે પહેલાં માનવ અવશેષોને બીજી જગ્યાએ દફનાવવાનો આદેશ આપ્યો હતો.
પરંતુ કોમીની સર્વોચ્ચ અદાલતે આ આદેશ રદ કરી દીધો. અદાલતે કહ્યું કે પહેલાં એ તપાસવું જરૂરી છે કે આ જગ્યા ખરેખર “સામૂહિક દમનનો ભોગ બનેલા લોકોની દફનભૂમિ” હતી કે નહીં.
ઇમેજ સ્રોત, Getty Images/BBC
ગયા વર્ષના અંતમાં ખાણમાંથી મળી આવેલા માનવ અવશેષોની તપાસ કરવા માટે સત્તાવાળાઓને ફરજ પાડવા કાર્યવાહી શરૂ કરવામાં આવી હતી. પરંતુ તે કાર્યવાહી તરત જ અટકાવી દેવામાં આવી.
બીબીસી ન્યૂઝ રશિયાએ સરકારી વકીલની જનરલ કચેરી, સ્થાનિક વહીવટીતંત્ર અને ન્યાય વિભાગનો સંપર્ક કર્યો હતો, પરંતુ કોઈ જવાબ મળ્યો નહોતો.
સ્વતંત્ર પ્રાદેશિક અખબાર ‘કોમી ડેઇલી’નાં તંત્રી લાના પિલાયેવાએ બીબીસી ન્યૂઝ રશિયાને કહ્યું કે સ્ટાલિનના સમયનું દમન હજુ પણ એવો વિષય છે, જેના વિશે લોકો ખુલ્લેઆમ વાત કરવાનું ટાળે છે.
તેમણે કહ્યું, “આ એવો વિષય છે, જે લોકોમાં ઘણી શરમની લાગણી પેદા કરે છે.”
તેમણે વધુમાં કહ્યું, “દમનનો ભોગ બનેલા લોકોના વંશજોમાં પણ કદાચ આવું જ જોવા મળે છે. તેમના પૂર્વજોને ‘જનતાના દુશ્મન’ તરીકે ઓળખાવવામાં આવ્યા હતા, તેની શરમની લાગણી આજે પણ તેમના મનમાં છે. બીજી તરફ, દમન કરનાર લોકોના વંશજો પણ આ વિશે વધુ જાણવામાં ખાસ રસ ધરાવતા નથી.”
આ ઉનાળામાં સત્તાવાળાઓએ સરોવરના કિનારે ‘તરવાની મનાઈ’નું પાટિયું લગાવ્યું હતું.
પરંતુ સ્થાનિક લોકોના જણાવ્યા મુજબ, લોકો હજુ પણ ત્યાં તરવા જાય છે.
પિલાયેવાએ બીબીસી ન્યૂઝ રશિયાને કહ્યું, “સૌથી આશ્ચર્યની વાત એ છે કે હાડકાંની વચ્ચે તરવામાં લોકોને જરાય સંકોચ થતો નથી.”
વિશેષ માહિતી: ઓલ્ગા ઇવશિના
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન
SOURCE : BBC NEWS




