Home તાજા સમાચાર gujrati હિટલરના સૈન્ય અધિકારીઓને ગેરમાર્ગે દોરનાર અને યુદ્ધનાં રહસ્યો બહાર લાવનાર શાનદાર હવેલીની...

હિટલરના સૈન્ય અધિકારીઓને ગેરમાર્ગે દોરનાર અને યુદ્ધનાં રહસ્યો બહાર લાવનાર શાનદાર હવેલીની અંદર શું હતું?

7
0

Source : BBC NEWS

હિટલરના સૈન્ય અધિકારીઓને ગેરમાર્ગે દોરનાર અને યુદ્ધનાં રહસ્યો બહાર લાવનાર શાનદાર હવેલીની અંદર શું હતું?

બીજા વિશ્વયુદ્ધ દરમિયાન ઉત્તર લંડનમાં આવેલી ટ્રેન્ટ પાર્ક હવેલીના ઉપરના માળે નાઝી યુદ્ધકેદીઓ આરામ કરતા અને વાતો કરતા હતા.

એ જ સમયે, નીચેના માળે રહેલા “ગુપ્ત રીતે સાંભળનારા” તેમની વાતચીત સાંભળી રહ્યા હતા. તેમણે સાંભળેલી માહિતીથી બીજા વિશ્વયુદ્ધનો પ્રવાહ જ બદલાઈ ગયો.

ટ્રેન્ટ પાર્ક હવેલી રહસ્યોથી ભરેલી હતી.

ઉત્તર લંડનમાં આવેલી આ ભવ્ય હવેલીનો બાહ્ય ભાગ અને ભોંયતળિયાના ઓરડાઓ યુદ્ધ પહેલાં ભવ્ય પાર્ટીઓ યોજતા અને સૌંદર્યપ્રેમી એવા સર ફિલિપ સાસૂનની કલાત્મક રુચિની ઝલક આપે છે.

પરંતુ, આ હવેલીના ભોંયરામાં જનારને બીજા વિશ્વયુદ્ધ દરમિયાન હાથ ધરવામાં આવેલી જાસૂસીની કામગીરી અને રસપ્રદ ગુપ્ત પ્રવૃત્તિઓની બહુ ઓછી જાણીતી કથા જાણવા મળે છે.

ચેતવણી: આ લેખમાં કેટલાક વાચકોને અસ્વસ્થ કરી શકે તેવા નરસંહારને લગતા ઉલ્લેખો છે.

તાજેતરમાં ટ્રેન્ટ પાર્કને પહેલી વાર સંગ્રહાલય તરીકે જાહેર જનતા માટે ખોલવામાં આવ્યું છે. યુદ્ધકાળ દરમિયાન તેણે ભજવેલી મહત્ત્વની ભૂમિકાની સ્મૃતિને જાળવવા માટે આ સંગ્રહાલય બનાવવામાં આવ્યું છે.

અહીં જ “ગુપ્ત રીતે સાંભળનારા” લોકોની એક ટીમે આ ઇમારતમાં રાખવામાં આવેલા ઉચ્ચ હોદ્દેદાર જર્મન યુદ્ધકેદીઓની વાતચીત સાંભળી હતી. તેમાંથી ઘણાં જર્મનીના યહૂદી શરણાર્થી હતા.

આ નાઝી જર્મનીના લશ્કરી અધિકારીઓને ખબર નહોતી કે તેમનો બોલેલો એક એક શબ્દ સાંભળવામાં આવી રહ્યો હતો.

પોતે સલામત હોવાની ખોટી ધારણામાં તેમણે અજાણતાં જ યુદ્ધનો પ્રવાહ બદલી નાખે તેવી મહત્ત્વની ગુપ્ત માહિતી જાહેર કરી દીધી.

અતિશય વૈભવશાળી

હિટલરના સૈન્ય અધિકારીઓને ગેરમાર્ગે દોરનાર અને યુદ્ધનાં રહસ્યો બહાર લાવનાર શાનદાર હવેલીની અંદર શું હતું?

રાજકારણી અને કલાસંગ્રાહક સર ફિલિપ સાસૂને 1912માં ટ્રેન્ટ પાર્ક ખરીદી હતી.

1920ના દાયકામાં તેમણે તે સમયની લોકપ્રિય નિયો-જ્યૉર્જિયન સ્થાપત્યશૈલીમાં તેના બાહ્ય અને આંતરિક ભાગનું સંપૂર્ણ નવીનીકરણ કરાવવાનું શરૂ કર્યું.

આ ભવ્ય ઓરડાઓમાં નાઝી સૈન્ય અધિકારીઓની વાતચીત ગુપ્ત રીતે સાંભળવામાં આવતી હતી, જ્યારે તેમને પોતે સલામત હોવાનો ભરોસો હતો. (ફોટો: જેમ્સ ઓ. ડેવિસ)

ટ્રેન્ટ પાર્કના વરિષ્ઠ સલાહકાર સિમોન થર્લીએ બીબીસીને કહ્યું, “તેમણે ખૂબ જ ભવ્ય, સૌમ્ય અને સરળ સ્થાપત્યશૈલી ઊભી કરી હતી. અંદરના ભાગમાં પણ એવું જ હતું.”

“જગ્યા ખૂબ વિશાળ હતી, વધારે પડતી વસ્તુઓથી ભરેલી નહોતી અને અદ્‍ભુત સુંદરતા તથા મૂલ્યવાન પ્રાચીન વસ્તુઓની સંખ્યા પણ ઘણી ઓછી હતી.”

ફિલિપ દ લાઝ્લો અને જ્હૉન સિંગર સારજન્ટનાં પરિવારનાં ચિત્રો અને નાજુક ચાઇનીઝ વૉલપેપર દીવાલોને શોભાવે છે.

આ ભવ્ય ઇમારતના ભોંયતળિયાના આંતરિક ભાગને હવે ખૂબ કાળજીપૂર્વક ફરી એ જ રીતે તૈયાર કરવામાં આવ્યો છે.

સંગ્રહાલયના નિયામક જ્યુસેપ્પે અલ્બાનો કહે છે, “ભોંયતળિયે પહોંચ્યા પછી લોકોને સાસૂનની દુનિયામાં ફરી પ્રવેશ્યા હોય એવું લાગશે. પરંતુ પછી તેઓ નીચે જાય છે.”

અવાજ સાંભળવા માટે કેવી વ્યવસ્થા કરવામાં આવી હતી

નીચે જતાં જ પરિસ્થિતિ સાવ જુદી હતી.

સર ફિલિપનું જૂન 1939માં અવસાન થયું. સપ્ટેમ્બરમાં યુદ્ધ શરૂ થયું ત્યારે બ્રિટિશ સરકારે આ ઇમારતનો કબજો લઈ લીધો.

બ્રિટિશ સિક્રેટ ઇન્ટેલિજન્સ સર્વિસના વરિષ્ઠ ગુપ્તચર અધિકારીઓમાંના એક થૉમસ કેન્ડ્રિકે આ સ્થળને એક વ્યાપક અને સંકલિત ગુપ્તચર તપાસ કેન્દ્ર ઊભું કરવા માટે ખાસ યોગ્ય ગણ્યું હતું.

મકાનની અદભુત કલાકૃતિઓમાંની એક જ્હોન સિંગર સારજન્ટે દોરેલું સોલમોન્ટેલીની માર્ક્વિઝનું ચિત્ર છે. તેઓ મકાનમાલિકનાં બહેન હતાં. (ફોટો: જેમ્સ ઓ. ડેવિસ)

કેન્ડ્રિકે અગાઉ ટાવર ઑફ લંડનમાં યુદ્ધકેદીઓની વાતચીત ગુપ્ત રીતે સાંભળવાનો પ્રયાસ કર્યો હતો.

પરંતુ તેઓ સમજતા હતા કે સંયુક્ત સેવાઓનાં વિશાળ પૂછપરછ કેન્દ્રો એવાં સ્થળોએ હોવાં જોઈએ, જે સહેલાઈથી નજરે ન ચડે અને મધ્ય લંડનથી પૂરતાં દૂર હોય, જેથી બૉમ્બમારાનો ભય ટાળી શકાય.

ટ્રેન્ટ પાર્ક તથા તેની બાજુમાં આવેલાં લેટિમર હાઉસ અને વિલ્ટન પાર્કે કેન્ડ્રિકને પોતાની કામગીરી વિસ્તારવા માટે જરૂરી જગ્યા પૂરી પાડી. આ કામગીરીનો હેતુ યુદ્ધકેદીઓની અંગત વાતચીતમાંથી તેમને જોઈતી પ્રકારની ગુપ્ત માહિતી મેળવવાનો હતો.

તેમણે આ કામગીરીનો વ્યાપ ઘણો વધાર્યો.

‘ધ વૉલ્સ હેવ ઇઅર્સ’ પુસ્તકનાં લેખક અને ઇતિહાસકાર હેલન ફ્રાય બીબીસીને કહે છે, “ઘોડો રાખવામાં આવતો હતો એ જગ્યા સહિત હવેલીનો આખો વિસ્તાર અવાજ રેકૉર્ડ કરવા માટેના વાયરથી જોડવામાં આવ્યો હતો.”

છોડનાં કૂંડાં અને દીવાઓથી માંડીને બિલિયર્ડ ટેબલ સુધીની દરેક વસ્તુમાં માઇક્રોફોન છુપાવવામાં આવ્યા હતા. મકાનની આસપાસનાં વૃક્ષો પર પણ માઇક્રોફોન લગાવવામાં આવ્યા હતા.

લાકડાની પૅનલોની પાછળ અને ફર્શનાં પાટિયાંની નીચેથી પસાર થતા ગુપ્ત વાયર તેમને ભોંયરાના એવા ઓરડાઓ સાથે જોડતા હતા, જ્યાં માઇક્રોફોન લગાવવામાં આવ્યા હતા. તેમને “M” ઓરડા કહેવામાં આવતા હતા.

આ ઓરડાઓ હવે સંગ્રહાલયમાં ફરી એ જ રીતે તૈયાર કરવામાં આવ્યા છે.

આ ઓરડાઓમાં રહેલા “ગુપ્ત રીતે સાંભળનારા” લોકો શરૂઆતમાં જર્મન ભાષા જાણતા બ્રિટિશ નાગરિકો હતા. તેઓ દિવસરાત યુદ્ધકેદીઓની વાતચીત સાંભળતા હતા.

હવેલીના ભોંયતળિયે લગાવવામાં આવેલાં રેકોર્ડિંગ ઉપકરણો અધિકારીઓની અંગત વાતચીત રેકોર્ડ કરતા હતા.

ટ્રેન્ટ પાર્ક ઉચ્ચ હોદ્દેદાર જર્મન સૈન્ય અધિકારીઓ માટેનું એક મોટું અટકાયત કેન્દ્ર બની ગયું હતું. તેમાંના ઘણા ઉચ્ચ વર્ગ અથવા ઉમરાવ પરિવારોમાંથી આવતા હતા.

પોતાને મળતા અધિકારોને સ્વાભાવિક માનવાની તેમની માનસિકતાને કારણે તેઓ કેન્ડ્રિકની યોજનાઓ માટે અનપેક્ષિત રીતે સરળ નિશાન બની ગયા હોવાનું જણાય છે.

સાસૂનની કિંમતી પ્રાચીન વસ્તુઓ કદાચ તેમના સંબંધીઓ લઈ ગયા હતા અને તેમની જગ્યાએ સરકારે આપેલું ફર્નિચર મૂકવામાં આવ્યું હતું.

પરંતુ આ મકાન એક અત્યંત વૈભવી જેલ બની રહ્યું. કેદીઓ પોતાની સલામતી અંગે ખાસ સાવચેત ન રહે એ માટે આવી સગવડો ઊભી કરવામાં આવી હતી.

દરેક સૈન્ય અધિકારી સાથે તેમના પોતાના લશ્કરી દળમાંથી એક અંગત સહાયક પણ હતો, જેની ધરપકડ તેમની સાથે જ કરવામાં આવી હતી.

ત્યાં એક પુસ્તકાલય પણ હતું. બ્રિટિશ અધિકારીઓ અંગ્રેજીના વર્ગો લેતા હતા અને કેદીઓને સમયાંતરે શહેરમાં જવાની પણ મંજૂરી આપવામાં આવતી હતી.

એક બનાવટી રાજકુમાર

તેમના માટે એક અલગ કલ્યાણ અધિકારી પણ હતો.

એક યુવાન ડિટેક્ટિવ લૉર્ડ એબરફેલ્ડી નામના કાલ્પનિક સ્કૉટિશ ઉમરાવની ભૂમિકા ભજવતો હતો.

ફ્રાય હસીને કહે છે, “તેમણે એ કાલ્પનિક ઉમરાવના નામ પરથી એક વ્હિસ્કી કંપનીનું નામ પણ રાખ્યું હતું.”

એમ કહેવાતું હતું કે એબરફેલ્ડીને હિટલર પ્રત્યે છૂપો આદર હતો.

તે કેદીઓ પાસે પણ જતો અને તેમનો વિશ્વાસ જીતીને તેમને ગુપ્ત માહિતી વિશે વાત કરવા પ્રેરતો.

તેઓ જે કંઈ કહેતા તે નીચે બેઠેલા ગુપ્ત રીતે સાંભળનારા લોકો સાંભળી લેતા.

નાઝી જનરલ હાન્સ-યુર્ગેન ફૉન આર્નિમ મે 1943માં ટ્રેન્ટ પાર્કની મુલાકાત લે છે. (ફોટો: હૉટન હૉલ)

તમામ જર્મન અધિકારીઓને ચેતવણી આપવામાં આવી હતી કે તેઓ પકડાઈ જાય તો તેમની વાતચીત ગુપ્ત રીતે સાંભળવામાં આવી શકે છે.

પરંતુ આશ્ચર્યજનક રીતે, સૈન્ય અધિકારીઓને એવું લાગતું હતું કે ટ્રેન્ટ પાર્કમાં તેમની વાતચીત ગુપ્ત રીતે સાંભળવામાં આવતી નથી.

થર્લી હસીને કહે છે, “બે સૈન્ય અધિકારીઓ વચ્ચે થયેલી વાતચીત અદ્‍ભુત રીતે રેકૉર્ડ થયેલી છે. તેઓ કહે છે, ‘અમને ચેતવણી આપવામાં આવી હતી. પરંતુ તેઓ અમારી વાત સાંભળે છે કે નહીં એ સ્પષ્ટ નથી. તેઓ સાંભળતા હોત, તો અમને ખબર પડી જાત.'”

ફ્રાય કહે છે, “તેમના અહંકાર અને પોતાની જાત વિશેના ગર્વને સંતોષો, તો તેઓ તાર્કિક રીતે વિચારતા નથી.”

ગુપ્તચર માહિતી સતત મળતી રહી. પરંતુ યુદ્ધ આગળ વધ્યું તેમ એક મુશ્કેલી સ્પષ્ટ થવા લાગી.

જર્મન ભાષાના કેટલાક ચોક્કસ શબ્દો અને બોલચાલના પ્રયોગો બ્રિટિશ કર્મચારીઓ માટે સમજવા મુશ્કેલ હતા, કારણ કે તેમને જર્મન ભાષાનું માત્ર શૈક્ષણિક જ્ઞાન હતું.

ત્યાર પછી જર્મની, ઑસ્ટ્રિયા અને ચેકોસ્લોવાકિયાના જર્મન ભાષા જાણતા યહૂદી શરણાર્થીઓની ભરતી કરવાનો નિર્ણય લેવાયો.

ગુપ્ત રીતે સાંભળનાર

આ રીતે ભરતી કરાયેલા લોકોમાંના એક અર્ન્સ્ટ લેડરર હતા, જે અભિનેત્રી હેલન લેડરરના દાદા હતા.

1939માં ચેકોસ્લોવાકિયાથી નીકળેલી છેલ્લી ટ્રેનોમાંની એકમાં બેસીને તેઓ નાસી છૂટ્યા હતા.

ગુપ્ત રીતે સાંભળનારા બીજા તમામ લોકોની જેમ તેમણે પણ ઑફિશિયલ સિક્રેટ્સ ઍક્ટ પર સહી કરી હતી. તેમણે યુદ્ધકાળ દરમિયાન કરેલા પોતાના કામનું રહસ્ય જીવનના અંત સુધી જાળવી રાખ્યું.

અર્ન્સ્ટ લેડરર “ગુપ્ત રીતે સાંભળનારા” એવા લોકોમાંના એક હતા, જેમણે મકાનના ભોંયરામાંથી મહત્ત્વની ગુપ્ત માહિતી મેળવી હતી. (ફોટો: હેલન લેડરર)

તેમનાં પૌત્રી હાલમાં ત્યાં બનેલી ઘટનાઓ પર ફિલ્મની પટકથા તૈયાર કરી રહ્યાં છે.

તેઓ બીબીસીને કહે છે, “તેમની પત્નીને લાગતું હતું કે તેઓ હોમગાર્ડમાં કામ કરતા હતા, પરંતુ હકીકતમાં તેઓ ટ્રેન્ટ પાર્કમાં કલાકો સુધી કામ કરતા હતા.”

તેઓ કહે છે, “જ્યારે મેં ચૅનલ 5ની ‘વૉર હીરો ઇન માય ફૅમિલી’ નામની ડૉક્યુમેન્ટરી બનાવી ત્યારે જ અમને ખબર પડી કે તેઓ શું કરતા હતા.”

આ શ્રેણીમાં જાણીતી હસ્તીઓએ પોતાનાં માતા-પિતા અને દાદા-દાદીના યુદ્ધકાળના ગુપ્ત રેકૉર્ડ શોધ્યા અને તેમના વિશે જાણકારી મેળવી.

ટ્રેન્ટ પાર્કમાં કામ કરતા કોઈ પણ ગુપ્ત રીતે સાંભળનારા લોકોને બ્લેચલી પાર્કના કોડ તોડવાના કેન્દ્ર વિશે ખબર નહોતી, પરંતુ તેમના અધિકારીઓને હતી. સમગ્ર યુદ્ધ દરમિયાન બંને સ્થળો વચ્ચે ગુપ્ત માહિતીની આપ-લે થતી રહી.

1941માં ટ્રેન્ટ પાર્કમાં “નિકેબાઇન” (વળેલો પગ) નામની માર્ગદર્શિત કિરણોની એક વ્યવસ્થા વિશેની વાતચીત સાંભળવામાં આવી હતી.

આ વ્યવસ્થાને કારણે રાત્રે ઊડતાં બૉમ્બર વિમાનો બ્રિટિશ શસ્ત્રસામગ્રીનાં કારખાનાંને ચોક્કસ રીતે નિશાન બનાવી શકતાં.

બ્લેચલી પાર્કના કોડ તોડનારાઓએ આ માહિતીની પુષ્ટિ કરી હતી.

તેમણે જરૂરી માહિતી આર.એ.એફ.ના ગુપ્તચર વિભાગને પૂરી પાડી અને સિગ્નલોને અવરોધવામાં મદદ કરી.

હવેલીના પરિસરમાં છોડની વચ્ચે અને વૃક્ષોની પાછળ રેકોર્ડિંગ ઉપકરણો છુપાવવામાં આવ્યાં હતાં. (ફોટો: હૉટન હૉલ)

ટ્રેન્ટ પાર્કમાંથી મળેલી સૌથી મહત્ત્વની ગુપ્ત માહિતી જર્મનીના ગુપ્ત વી-વેપન કાર્યક્રમ વિશે હતી.

આ કાર્યક્રમ હેઠળ લંડન જેવાં શહેરો સામે ઉપયોગ કરવા માટે અત્યંત શક્તિશાળી વર્ગેલ્ટુંગ્સવાફેન (બદલો લેવાનાં હથિયારો) વિકસાવવામાં આવી રહ્યાં હતાં.

15 કિલોમીટરની ઊંચાઈ સુધી પહોંચી શકે તેવા એક રૉકેટ વિશેની વાતચીત સાંભળવામાં આવી હતી. આ ઉપરાંત, દુનિયાની પ્રથમ લાંબા અંતરની બૅલેસ્ટિક મિસાઇલ V2 રૉકેટના અસ્તિત્વનો ખુલાસો કરતી બીજી વાતચીત પણ સાંભળવામાં આવી હતી.

V2 રૉકેટની કાર્યક્ષમ મારક ક્ષમતા 300 કિલોમીટર (186 માઇલ) હતી.

આના પરિણામે, બાલ્ટિક સમુદ્રના કિનારે આવેલા પીનેમ્યુન્ડે ખાતે જર્મનીનું રૉકેટ અને મિસાઇલ માટેનું મુખ્ય સંશોધન તથા પરીક્ષણ કેન્દ્ર ઑગસ્ટ 1943માં બૉમ્બમારાનું નિશાન બન્યું.

ફ્રાય પોતાના પુસ્તકમાં નોંધે છે તેમ, આ હુમલાની અસરને ઓછી આંકી શકાય તેમ નથી.

તેના પરિણામે લંડન પર પ્રથમ V1 રૉકેટનું પ્રક્ષેપણ 13 જૂન 1944 સુધી મોકૂફ રહ્યું. આ ડી-ડે ઑપરેશન થયાના એક અઠવાડિયા પછીની વાત હતી.

તેમનું પ્રક્ષેપણ અગાઉ થઈ ગયું હોત, તો કદાચ ડી-ડે થયું જ ન હોત.

પ્રથમ V2 રૉકેટ 8 સપ્ટેમ્બર, 1944 સુધી લંડન પર પડ્યું નહોતું.

નાઝી અત્યાચારોની માહિતી પણ લંડનની આ હવેલીમાં એકઠી કરાઈ હતી

અલ્બાનો કહે છે, “ટ્રેન્ટ પાર્કની ટીમે હિટલરના અત્યાચારોના વ્યાપકતા વિશે પણ માહિતી એકઠી કરી હતી. એ માહિતી તે સમયે વ્યાપક રીતે જાણીતી નહોતી.”

એરિક માર્ક જેવા યહૂદી ગુપ્ત રીતે સાંભળનારા લોકો માટે આ માહિતી સાંભળવી અત્યંત પીડાદાયક રહી હશે. તેમનાં પોતાનાં માતા-પિતાને પણ 1943માં ટ્રેબ્લિન્કામાં ગૅસ ચેમ્બરમાં મારી નાખવામાં આવ્યાં હતાં.

2020માં અવસાન પામેલા માર્કે યાદ કરતાં કહ્યું હતું કે તેમણે જર્મનોને પોતે કરેલા અત્યાચારો વિશે બડાઈ હાંકતા સાંભળ્યા હતા.

તેઓ નોંધે છે, “તેઓ કહેતા, ‘મેં લગભગ 1,500 લોકોને મારી નાખ્યા.'”

આ સ્થળ હવે ‘ટ્રેન્ટ પાર્ક હાઉસ ઑફ સિક્રેટ્સ’ નામના સંગ્રહાલય તરીકે જાહેર જનતા માટે ખુલ્લું છે. (ફોટો: રુથ બોર્ડ)

પરંતુ યુદ્ધ અપરાધોની અદાલતોમાં તેનો ક્યારેય ઉપયોગ કરવામાં આવ્યો નહોતો, કારણ કે તેનાથી આ માહિતી કેવી રીતે મેળવવામાં આવી હતી તેનો ખુલાસો થયો હોત.

અલ્બાનો કહે છે, “તે સમયે બ્રિટિશ સરકાર આ કામગીરીની વ્યૂહરચના, ટેકનૉલૉજી અથવા તેની હિંમતભરી રીતને મોટા ભાગે ગુપ્ત રાખવા માગતી હતી. ખાસ કરીને રશિયા સાથે શીતયુદ્ધનો ખતરો ઊભો થઈ રહ્યો હતો ત્યારે આ બાબત મહત્ત્વની માનવામાં આવતી હતી.”

ખરેખર, અત્યાચારો કર્યાની લગભગ કબૂલાત કરનારા લોકો સજા વિના છટકી ગયા એ સ્વીકારવું ખૂબ જ કડવું છે.

ટ્રેન્ટ પાર્ક નવેમ્બર 1945 સુધી ગુપ્ત રીતે વાતચીત સાંભળવાના કેન્દ્ર તરીકે કાર્યરત રહ્યું.

ફ્રાય કહે છે, “ટ્રેન્ટ પાર્ક અને તેની સાથે જોડાયેલાં એ બે સ્થળોએ આપણને શીતયુદ્ધ માટે એવી રીતે તૈયાર કર્યા, જેના વિશે બીજા કોઈનું ધ્યાન નહોતું ગયું અથવા તે સમયે કોઈ તેને સંપૂર્ણપણે સમજી શક્યું નહોતું. તેની અસરનો વ્યાપ આંકી શકાય તેમ નથી. આપણે હવે જ તેને સમજવાની શરૂઆત કરી રહ્યા છીએ.”

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

SOURCE : BBC NEWS