Source : BBC NEWS

(આ અહેવાલમાં હિંસાને લગતી ગંભીર વિગતો સામેલ છે. આ વિગતો સંવેદનશીલ વાચકોને વિચલિત કરી શકે છે.)
તેના પરિવાર અને મિત્રોએ તેમને અટકાવ્યાં ન હોત તો તેમણે એવી વ્યક્તિ સાથે લગ્ન કરી લીધા હોત, જેણે તેમના પર સતત શારીરિક અને માનસિક ત્રાસ ગુજાર્યો હતો.
તેમને હજુ પણ બીક છે કે તેમનાં લગ્ન થઈ ગયાં હોત તો તે માણસે તેમનો જીવ લઈ લીધો હોત.
ક્રિસ્ટોફર માલ્કમ એક સીરિયલ રેપિસ્ટ છે, જેને તાજેતરમાં જ પોતાના ગુનાઓ બદલ જેલમાં ધકેલવામાં આવ્યો છે. તેણે પોતાની ભૂતપૂર્વ મંગેતરને એવી ગંભીર ઈજાઓ પહોંચાડી હતી, જેને તેઓ ક્યારેય નહીં ભૂલી શકે.
તેમણે કહ્યું કે તેઓ પોતાના પિતાને મળવા જઈ રહ્યાં હતાં, પરંતુ તે અગાઉ માલ્કમે તેમને એટલો માર માર્યો કે તેમના ચહેરાનો રંગ ‘કાળો અને વાદળી’ થઈ ગયો હતો.
એમી નામનાં મહિલા (નામ બદલ્યું છે)એ બીબીસીને જણાવ્યું કે ઘણી વખત રિલેશનશિપ ટકાવી રાખવાનો અર્થ એ હતો કે હિંસાને સહન કરવી અને પોતાનો જીવ બચાવવો.
તેમણે પોલીસને એમ પણ કહ્યું કે માલ્કમ આઝાદીથી ફરતો હતો, ત્યાં સુધી તેમનામાં તેની સામે પોલીસ ફરિયાદ દાખલ કરવાની હિંમત ન હતી.
બીજી તરફ તેમનાં નજીકના મિત્રો અને પરિવારજનોની ચિંતા સતત વધતી જતી હતી.
એમીની સુરક્ષાને લઈને તેમણે સ્કૉટલૅન્ડ પોલીસના ઘરેલુ હિંસા એકમ (જેને ઇંગ્લૅન્ડ અને વૅલ્સમાં ક્લેયર કાનૂન તરીકે ઓળખવામાં આવે છે)માં કેટલીય ફરિયાદો દાખલ કરાવી અને પોલીસને મૅસેજ તથા ઈજાનાં નિશાનની તસવીરો જેવા પુરાવા પણ આપ્યા.
જેને કારણે આખરે માલ્કમની ધરપકડ કરવા માટે પોલીસે મજબૂત કેસ બનાવ્યો અને સપ્ટેમ્બર 2024માં તેને કસ્ટડીમાં લેવામાં આવ્યો. ત્યાર પછી તરત એમીએ પોતાના પરના રૅપ, હુમલા અને દુર્વ્યવહાર વિશે વિગતો આપી. મહત્ત્વની વાત એ છે કે તેઓ આ ધરપકડનાં માત્ર ચાર અઠવાડિયાં પછી તેમના માલ્કમ સાથે લગ્ન થવાનાં હતાં.
એમી અને માલ્કમની મુલાકાત ઑગસ્ટ 2023 અગાઉ ડેટિંગ ઍપ ટિન્ડર પર થઈ હતી.

તેઓ બંને કૉફી પીવા અને વૉક પર જતાં (માલ્કમ શરાબ પીતો ન હતો). તેઓ કહે છે કે તે “બહુ પ્રેમાળ અને રમૂજી” હતો. પરંતુ તેમની ધારણા કરતાં ઓછા સમયમાં આ સંબંધો આગળ વધ્યાં.
પહેલા જ મહિનામાં એમી માલ્કમનાં માતાપિતાને મળ્યાં અને થોડા જ મહિનાઓમાં ક્રિસમસ સુધીમાં તેમની સગાઈ થઈ ગઈ.
તેઓ કહે છે, “જ્યારે અમે બંને ખુશ હતાં, ત્યારે તે મને મારા સૌથી સારા મિત્ર જેવો લાગતો હતો.”
“છેલ્લે તો તે મારા અધુરા વાક્યો પૂરા કરી દેતો. તેને ખબર હતી કે હું શું વિચારું છું. તે બહુ સારી અને સાથે સાથે ડરામણી વાત હતી.”
થોડા જ સમયમાં માલ્કમ એમીના જીવન પર ધાક જમાવવા લાગ્યો. તેણે એમીને પોતાના સોશિયલ મીડિયાની વિગતો ડિલિટ કરવા દબાણ કર્યું જેથી તેમના સંબંધો માત્ર તેઓ “બંને વચ્ચે જ રહે”.
તેઓ કહે છે કે તેમના પરિવારના ફોન આવે તો ફોન ઉપાડવા પણ દેતો ન હતો, કારણ કે માલ્કમ કહેતો કે તેને તેમનાં ઉચ્ચારણો પસંદ નથી. તે એમીનો ફોન છુપાવી દેતો અથવા છીનવી લેતો હતો.
ઘણી વખત તે એમી જ્યાં કામ કરતા ત્યાં આવી જતો અને વહેલાં નીકળી જવાની માંગણી કરતો. નહીંતર તમાશો કરવાની ધમકી આપતો. તેમણે કહ્યું કે તેઓ જાણતા હતા કે તેઓ તેની વાત ન માને તો રાતે તેઓ ઘરે જાય ત્યારે તે “ભયંકર રાત” સાબિત થવાની હતી.
એમી કહે છે, તેનાથી હું ઘણી અપસેટ થઈ ગઈ. હું એવા ઉદ્યોગમાં હતી જેમાં પ્રવેશવા મેં ઘણી મહેનત કરી હતી અને હું મારી જૉબને બહુ પસંદ કરતી હતી. મને લાગ્યું કે મારું કામ ગુમાવીને હું મારી જાતને ખોઈ રહી છું.
“મને એવું લાગવા માંડ્યું કે મારા સહકર્મચારીઓએ મને સન્માન આપવાનું બંધ કરી દીધું. કારણ કે કોઈ વ્યક્તિ આવીને મારે ક્યારે ઑફિસ છોડવી તેના આદેશ આપતો હતો. મને ખબર નહીં કે જે થઈ રહ્યું હતું તેનાથી તેઓ પણ વાકેફ હતા.”
‘ત્રણ દિવસ સતત માર માર્યો’
ઇમેજ સ્રોત, Police Scotland
ધીમે-ધીમે આ સંબંધોમાં મારપીટ શરૂ થઈ. એમીએ જણાવ્યું કે આ મારઝૂડ શરૂઆતમાં ક્યારેક જ થતી હતી, પરંતુ પછી લગભગ દર સપ્તાહના અંતમાં થવા લાગી
આવી જ એક ઘટનાને યાદ કરતા તેમણે કહ્યું કે માલ્કમ સતત ત્રણ દિવસ સુધી આમતેમ ભાગતો રહ્યો. તેણે ઘરના સોફાને ચાકુથી બહુ ખરાબ રીતે ચીરી નાખ્યા હતા અને પોતાને મારી નાખવાની ધમકી પણ આપી હતી.
એમીને એક પ્રસંગ યાદ છે જેમાં માલ્કમ તેમની છાતી પર ચઢી બેઠો અને તેમનું ગળું ઘોંટવા લાગ્યો. આવા હુમલા વખતે તે તેમની મજાક ઉડાવતો અને જીવથી મારી નાખવાની ધમકી આપતો હતો.
આ મારઝૂડથી એમીના શરીર પર ઈજાનાં કાયમી નિશાન રહી ગયાં છે. એક વખત માલ્કમે એમીના કાંડામાં ફ્રૅક્ચર કર્યું અને તેને હૉસ્પિટલે જતાં પણ અટકાવ્યાં. તેના કારણે આજે તેઓ એક હાથે પુસ્તક પણ ઉઠાવી શકતાં નથી. એમીએ કહ્યું કે આવું એક દલીલબાજી વખતે થયું જ્યારે માલ્કમે કહ્યું કે, “સ્ત્રીઓ હંમેશાં મારા જીવનને નિયંત્રિત કરવા પ્રયાસ કરે છે.”
તેણે એમી પર એક કરતા વધુ વખત બળાત્કાર કર્યો હતો. એક વખત તો તેમના ઘરમાં એક બાળક હતું ત્યારે આવું થયું હતું. એમીને બાળકની સામે બેસવાની અને બાળકને ડરાવવા બદલ માફી માગવાની ફરજ પાડવામાં આવી.
કેટલીક ઘટનાઓનો ઉલ્લેખ કરતા તેમણે કહ્યું કે તેનો વ્યવહાર અચાનક બદલાઈ જતો, જાણે કોઈએ સ્વિચ દબાવી દીધી હોય. ક્યારેક તે પહેલેથી કહી દેતો કે આગળ શું થવાનું છે.
તેઓ કહે છે, “જે દિવસે તે ક્રૂરતા આચરવાનો હોય, તે દિવસે બરાબર સવારે 6 વાગ્યે તે ઊંચા અવાજે હેવી મૅટલ મ્યુઝિક વગાડવાનું ચાલુ કરી દેતો હતો.”
મેં તેને જણાવ્યું કે તે કઈ રીતે મારું જીવન બરબાદ કરી રહ્યો છે અને મને કેટલી પીડા આપી રહ્યો છે. આ એક પ્રકારની માનસિક યાતના હતી જે એક પ્રકારની ચેતવણી હતી કે ‘આજે જે થવાનું છે તેના માટે તૈયાર રહો.’

આ મારઝૂડ પછી એમી માલ્કમને સમજાવવાનો પ્રયાસ કરતાં રહ્યાં. તેઓ તેને સમજાવતાં કે મારી સાથે આવો વર્તાવ કરવો ઠીક નથી. પરંતુ તે તરત પોતાની વાત બદલી નાખતો અને પોતાની તકલીફો વિશે વાત કરવા લાગતો. તેનાથી તેમના મનમાં એવો નિરાશાનો ભાવ પેદા થતો કે “આપણે કંઈ કરી શકતા નથી.”
એમીએ કહ્યું કે, “તમને જ્યારે અહેસાસ થાય કે તમારા હાથમાં કંઈ રહ્યું નથી, તો તમારું મગજ ધીમે ધીમે આ પ્રકારની પીડા પ્રત્યે સંપૂર્ણ સુન્ન થઈ જાય છે.”
“હંમેશાં એવું લાગે છે કે આપણે ક્યાંક ફસાઈ ગયાં છીએ. કારણ કે આપણે જાણીએ છીએ કે આપણે કોઈની સામે ખુલીને વાત કરીશું, તો તેઓ એટલું જ કહેશે, ‘તેને એકલો છોડી દો’ પરંતુ તે વખતે આપણી પાસે એવી તાકાત કે સ્થિતિ નથી હોતી કે આપણે સંબંધ તોડીને દૂર જતા રહીએ.”
એમી સાવ અલગ નહોતાં પડી ગયાં તેનું એક કારણ એ હતું કે તેમના મિત્રો અને પરિવારજનોએ તેમની તકલીફો વિશે “બહુ સીધી રીતે, પરંતુ દબાણ વગર” વાત ચાલુ રાખી હતી.
તેમણે બિલકુલ સ્પષ્ટ કરી દીધું હતું કે તેઓ તેમને બહુ પ્રેમ કરે છે અને તેઓ માત્ર એટલું ઇચ્છે છે કે તેઓ સુરક્ષિત રહે.
તેમણે એમીને ખુલ્લી રીતે એમ પણ કહ્યું હતું કે માલ્કમ સારો માણસ નથી. સાથે સાથે એ પણ સ્પષ્ટ કર્યું કે અંતે તેઓ જે નિર્ણય લેવા માંગતા હોય, તે તેમનો પોતાનો હોવો જોઈએ.
તેમનાં બહેને તેમને એક ભાવુક પત્ર લખીને લગ્નમાં ન આવવાનું કારણ જણાવ્યું. પત્રમાં તેમણે પોતાનાં ભયાનક સ્વપ્નો અને પોતાની બહેનને હંમેશાં માટે ખોઈ દેવાના ડરનો ઉલ્લેખ કર્યો હતો.
પત્રમાં તેમણે લખ્યું કે, “બસ એટલું યાદ રાખજે, તમે છેલ્લી ઘડીએ પણ આ સંબંધ તોડવાનો નિર્ણય લો, તો કંઈ પણ વિચાર્યા વગર ગાડીમાં બેસો અને નીકળી જાવ. મન કરે તો સીધી મારી પાસે આવી જા. મારા ઘરનાં દરવાજા તારા માટે હંમેશાં ખુલ્લાં છે.”
એમીને જણાવ્યા વગર ચાર લોકોએ અલગ-અલગ પોલીસની સામે તેમની સુરક્ષાને લઈને ચિંતા વ્યક્ત કરી. પહેલી ફરિયાદ પછી માલ્કમની ધરપકડ કરવામાં આવી, પરંતુ તે જામીન પર છૂટી ગયો. જોકે, તેની વિરુદ્ધ પુરાવા વધતા ગયા અને પોલીસે એમીને પોતાનું નિવેદન આપવા આગ્રહ કર્યો.
તેઓ કહે છે, “તેમણે મને એકદમ સ્પષ્ટ શબ્દોમાં કહ્યું હતું કે જો તમે નિવેદન નહીં આપો, તો એક દિવસ તમે અમને રસ્તાની બાજુના ખાડામાંથી મૃત મળી આવશો.”
“મને યાદ છે કે તે વાતની મારા પર ઊંડી અસર થઈ હતી, કારણ કે આટલી સ્પષ્ટતાથી કોઈએ મારી સાથે ક્યારેય વાત કરી નહોતી. હું સારી રીતે જાણતી હતી કે જો હું તેની સાથે આવી રીતે રહીશ તો ભવિષ્યમાં આવો દિવસ આવી શકે છે.”

એમી હાલમાં 30 વર્ષનાં છે. તેમણે બીબીસીનો સંપર્ક કરીને પોતાની કહાણી જણાવી. કારણ કે તેઓ માને છે કે તેમના પરિવાર, મિત્રો અને કેસમાં સંકળાયેલા પોલીસ અધિકારીઓએ તેમનો જીવ બચાવ્યો છે.
તેમણે કહ્યું કે તેમના કેસમાં સિસ્ટમે કામ કર્યું છે.
પોલીસ સ્કૉટલૅન્ડે જણાવ્યું કે અત્યાચારનો ભોગ બનનાર વ્યક્તિ ફરિયાદ નોંધાવતા ખચકાતા હોય, ત્યારે પોલીસ માત્ર તેના પર આધાર રાખવાના બદલે બીજા પુરાવા એકઠા કરે છે.
તેમાં પોલીસના બૉડી કૅમેરા રેકૉર્ડિંગ, મોબાઇલ ફોન ડૅટા, હુમલાની તસવીરો, ડૉક્ટરના મેડિકલ રિપોર્ટ અને અગાઉની હિંસક ઘટનાઓનો ઇતિહાસ અથવા ભૂતકાળના પાર્ટનર પાસેથી મળેલા પુરાવા સામેલ છે.
જો અદાલતમાં આરોપીને દોષી સાબિત કરવા માટે પુરતા પુરાવા હોય તો તેના આધારે કેસ આગળ વધારી શકાય છે.
પોલીસના એક પ્રવક્તાએ જણાવ્યું કે, એમીના પરિવાર અને મિત્રોએ આપેલી માહિતી માલ્કમના ગુના વિશે હકીકત જાણવામાં બહુ મદદગાર રહી.
56 લોકોની જુબાની સાથે આ કેસ ચાલ્યો, જેમાં લોથિયન અને મોરેમાં એમી સહિત ચાર મહિલાઓ પર અત્યાચાર ગુજારવાના ગુનામાં કોર્ટે 37 વર્ષીય માલ્કમને દોષિત જાહેર કર્યો. 2008માં માલ્કમ ટીનેજર હતો ત્યારથી તેણે આવા ગુના કર્યા હતા.
માલ્કમને 16 વર્ષની જેલની સજા સુનાવાઈ છે અને તેણે તેની સામે અપીલ કરી છે.
એમીને પૂરી ખાતરી છે કે માલ્કમ ક્યારેય સુધરી નહીં શકે, કારણ કે તેની અંદર ઊંડે સુધી સ્ત્રી વિરુદ્ધ નફરત ભરેલી છે. તેથી તેઓ માને છે કે તેની જામીન અથવા અપીલને ફગાવી દેવી જોઈએ.

તાજેતરમાં સ્ટૅસી હન્ટર અને વિક્કી સોલોમન જેવી મહિલાઓની તેમના પાર્ટનરોએ હત્યા કરી તેવા સમાચાર વાંચ્યા પછી એમીને ભવિષ્યમાં પોતાની સુરક્ષાની ચિંતા છે. કારણ કે સરકારની નવી દરખાસ્ત હેઠળ માલ્કમ આપોઆપ જેલમાંથી વહેલો મુક્ત થઈ શકે છે.
આ સપ્તાહે સ્કૉટલૅન્ડના સૌથી વરિષ્ઠ ન્યાયાધીશોએ આ દરખાસ્તોની ટીકા કરી છે. તેમણે ચેતવણી આપી છે કે હિંસક ગુનેગારો અને બળાત્કારીઓને સમાજમાં મુક્ત છોડવામાં આવશે તો જાહેર સુરક્ષા સામે જોખમ સર્જાશે.
હાલમાં એમી પોતાની નવી આશાઓનો આનંદ માણી રહ્યાં છે. તેમને ઘણા સંગઠનો તરફથી મદદ મળી છે અને કાઉન્સેલિંગ કરાવવામાં આવ્યું છે. તેમણે પોતાના માટે એક ઘર અને નવી કાર ખરીદી છે. હવે તેઓ પોતાનો નવો પરિવાર શરૂ કરવા સંપૂર્ણ રીતે તૈયાર છે.
મનની શાંતિ માટે તેમના પ્રયાસોના કારણે તેમણે પોતાની સાથે બનેલી ઘટનાઓની કડવાશને પાછળ રાખી દીધી છે. તેઓ એવા તમામ લોકોના આભારી છે જેમણે મુશ્કેલ સમયમાં તેમનો સાથ આપ્યો હતો.
એમી કહે છે, “દરેક પરિવાર અને મિત્રએ સમજવું જોઈએ કે તેઓ જ્યારે પોતાના પ્રિયજનને મુશ્કેલીમાં જુએ, ત્યારે તેની પડખે રહેવાથી તેમને કેટલું સમર્થન મળે છે.”
તેઓ કહે છે, “મારા નજીકના લોકોને એ વાતનો ડર હતો કે હું તેમનાથી નારાજ થઈ જઈશ અને પછી ક્યારેય વાત નહીં કરું. પરંતુ તેમણે જે સાહસ દેખાડ્યું, તેનાથી મને બહુ માનસિક રાહત મળી અને તેમના પ્રત્યે સન્માનની ભાવના પેદા થઈ છે.”
મને એ વાતનો બિલકુલ અંદેજ ન હતો કે આટલા બધા લોકો મારા માટે આટલી મહેનત કરી રહ્યા છે. હું જીવનભર તેમની ઋણી રહીશ.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન
SOURCE : BBC NEWS




