Home તાજા સમાચાર gujrati અઝરબૈજાનનું અગ્નિ મંદિર, જ્યાં દેવનાગરીમાં લખાયેલું છે ‘શ્રી ગણેશાય નમઃ’, જાણો તેનો...

અઝરબૈજાનનું અગ્નિ મંદિર, જ્યાં દેવનાગરીમાં લખાયેલું છે ‘શ્રી ગણેશાય નમઃ’, જાણો તેનો ઇતિહાસ

2
0

Source : BBC NEWS

શુક્રવારે એસ. જયશંકરે અઝરબૈજાનની રાજધાની બાકુમાં આવેલા અતેશગાહ અગ્નિ મંદિરની મુલાકાત લીધી હતી અઝરબૈજાનનું અગ્નિ મંદિર, જ્યાં દેવનાગરીમાં લખાયેલું છે 'શ્રી ગણેશાય નમઃ', જાણો તેનો ઇતિહાસ

વાંચવાનો સમય: 5 મિનિટ

ભારતના વિદેશમંત્રી એસ. જયશંકર અઝરબૈજાનની મુલાકાતે છે. શુક્રવારે એસ. જયશંકરે અઝરબૈજાનની રાજધાની બાકુમાં આવેલા અતેશગાહ અગ્નિ મંદિરની મુલાકાત લીધી હતી.

આ મુલાકાતની તસવીરો શૅર કરતાં ભારતીય વિદેશમંત્રીએ લખ્યું હતું, “બાકુસ્થિત ઐતિહાસિક અતેશગાહ અગ્નિ મંદિરની મુલાકાત લીધી. આ બંને દેશોના લોકો વચ્ચેના ઐતિહાસિક અને સાંસ્કૃતિક સંબંધોનું પ્રતીક છે.”

અઝરબૈજાન કૅસ્પિયન સમુદ્રના કિનારે આવેલો નાનો અને મુસ્લિમ બહુમતી ધરાવતો દેશ છે. તે અગાઉ સોવિયત સંઘનો ભાગ હતો, પરંતુ સુરાખાની નજીક આવેલા અતેશગાહ અગ્નિ મંદિરમાં દેવનાગરી લિપિમાં ‘શ્રી ગણેશાય નમઃ’ લખેલું છે.

દેવનાગરી લિપિમાં તેની અન્ય પાંચ પંક્તિ પણ છે, જેમાં હિંદુ અગ્નિ દેવી જ્વાળાજી સહિત અન્ય દેવી-દેવતાઓનું આહ્વાન કરવામાં આવ્યું છે.

બાકુસ્થિત ભારતીય દૂતાવાસના જણાવ્યા મુજબ, અતેશગાહમાં દેવનાગરી લિપિમાં કુલ 18 અભિલેખો છે. તેમાંના મોટા ભાગના અભિલેખોની શરૂઆત ભગવાન ગણેશની વંદનાથી થાય છે, જ્યારે જ્વાળાજીનો ઉલ્લેખ ડઝનથી વધુ વખત કરાયો છે.

  • મોટા ભાગના અભિલેખોની શરૂઆત ‘ઓમ શ્રી ગણેશાય નમઃ’થી થાય છે
  • દેવી જ્વાળાજીનો ઉલ્લેખ એક ડઝનથી વધુ વખત કરવામાં આવ્યો છે
  • છ અભિલેખોમાં હિન્દુ ધર્મનું પવિત્ર સ્વસ્તિક ચિહ્ન પણ જોવા મળે છે

અગ્નિ વેદી અને ભારતીય અભિલેખો માટે જાણીતું આ મંદિર અબશેરોન દ્વીપકલ્પની અગ્નિ-પૂજા પરંપરા તેમજ ભારતીય ઉપખંડમાંથી આવતા વેપારીઓ અને તીર્થયાત્રીઓ વચ્ચેના ઐતિહાસિક સંબંધોને ઉજાગર કરે છે.

યુનેસ્કોના જણાવ્યા મુજબ, અહીં આવેલી ઇમારતો 17મીથી 19મી સદીની વચ્ચેની છે.

આ મંદિરનો ઇતિહાસ શું છે?

યુનેસ્કોને અઝરબૈજાન દ્વારા સોંપવામાં આવેલા દસ્તાવેજોમાં તેને મુલતાનના શ્રદ્ધાળુઓ માટે તીર્થસ્થાન અને દાર્શનિક કેન્દ્ર તરીકે વર્ણવવામાં આવ્યું છે.

યુનેસ્કોના રિપોર્ટ મુજબ, મંદિરનો ભૌગોલિક પરિવેશ તેના ઇતિહાસમાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે.

અબશેરોન દ્વીપકલ્પમાં જમીનની અંદરથી કુદરતી ગૅસ નીકળતો હોવાથી અહીં આગની જ્વાળા આપમેળે પ્રગટતી હતી, જેના કારણે આ સ્થળને ધાર્મિક મહત્ત્વ મળ્યું.

તેના પ્રારંભિક ઇતિહાસને પારસી (જરથોસ્તી) ધર્મ સાથે જોડવામાં આવે છે, પરંતુ હાલમાં જે મંદિર પરિસર અસ્તિત્વમાં છે તેનું નિર્માણ ઘણા પછીના સમયમાં થયું હોવાનું માનવામાં આવે છે.

આથી, આ સ્થળ સાથે સંકળાયેલી પ્રાચીન ધાર્મિક માન્યતા અને અહીં આવેલી ઇમારતોના વાસ્તવિક સમય વચ્ચેનો તફાવત સમજવો જરૂરી છે.

17મી સદી દરમિયાન અહીં ફરીથી યાત્રાળુની અવરજવર વધવા લાગી હતી. સત્તાવાર વિવરણ અનુસાર, 1683માં અહીં આવેલા જર્મન પ્રવાસી ઍંગેલબર્ટ કેમ્ફરે નોંધ્યું હતું કે યાત્રાળુઓએ તે જ સદીના મધ્ય સમયગાળામાં મંદિરના પુનર્નિર્માણનું કાર્ય શરૂ કર્યું હતું.

નિર્માણકાર્ય સતત આગળ વધતું રહ્યું અને 19મી સદીની શરૂઆત સુધીમાં આ પરિસરને તેનું વર્તમાન સ્વરૂપ મળી ગયું.

અતેશગાહનું ભારતીય જોડાણ તેની સૌથી મહત્ત્વપૂર્ણ વિશેષતામાંનું એક છે. યુનેસ્કોને અઝરબૈજાન દ્વારા સોંપવામાં આવેલા દસ્તાવેજોમાં તેને મુલતાનના શ્રદ્ધાળુઓ માટે તીર્થસ્થાન અને દાર્શનિક કેન્દ્ર તરીકે વર્ણવવામાં આવ્યું છે.

આ શ્રદ્ધાળુઓ કૅસ્પિયન વિસ્તાર સાથે વેપાર પણ કરતા હતા.

મુલતાન હાલમાં પાકિસ્તાનમાં આવેલું છે, પરંતુ તે વ્યાપક ભારતીય ઉપખંડના વેપારી અને ધાર્મિક નેટવર્કનો મહત્ત્વનો ભાગ હતું.

ભારતીય વેપારીઓ અને તીર્થયાત્રીઓએ આ મંદિર પરિસરના નિર્માણ અને જાળવણી માટે આર્થિક સહાય પૂરી પાડી હતી તેમજ તેનો ઉપયોગ પણ કર્યો હતો.

સિલ્ક રૂટ અને ભારતીય યાત્રાળુઓનું મહત્ત્વનું ઠેકાણું

યુનેસ્કોના જણાવ્યા મુજબ, અહીં આવેલી ઇમારતો 17મીથી 19મી સદીની વચ્ચેની છે.

અહીંના અભિલેખોમાં હિંદુ અને શીખ પરંપરા સાથે જોડાયેલા સંસ્કૃત તેમજ પંજાબી ભાષાના લેખો જોવા મળે છે. હિંદુ પ્રાર્થનામાં ગણેશ અને શિવ સહિત વિવિધ દેવી-દેવતાઓનો ઉલ્લેખ મળે છે, જ્યારે પવિત્ર અગ્નિની ઉપાસના જ્વાલાજી સાથે જોડાયેલી હતી.

‘ધ શ્રાઇન ઑફ ડેથ’ પુસ્તકનાં લેખિકા દિવ્યાકુમારે 2018માં આ મંદિર અંગે અંગ્રેજી અખબાર ‘ધ હિંદુ’માં એક અહેવાલ લખ્યો હતો.

દિવ્યાકુમારે લખ્યું હતું, “અતેશગાહ ઇતિહાસ, વૈશ્વિકીકરણ અને ભારતીય ઉપખંડ તથા યુરોપ વચ્ચેના સાંસ્કૃતિક આદાન-પ્રદાનની એક રસપ્રદ ઐતિહાસિક ધરોહર છે, જેનો ઇતિહાસ 16મી સદી સુધી પહોંચે છે.”

દિવ્યાકુમારે લખ્યું છે, “અઝરબૈજાન સિલ્ક રૂટનો એક મહત્ત્વપૂર્ણ ભાગ હતું, જે એશિયા અને યુરોપને જોડતો વેપારી માર્ગ હતો. માનવામાં આવે છે કે ભારતીય ઉપખંડના વેપારીઓને અબશેરોન દ્વીપકલ્પની ‘સળગતી ધરતી’ અને ‘અનંત જ્વાળા’ વિશેની કથાઓની જાણ થઈ હતી.”

“આ દ્વીપકલ્પ તેની કુદરતી અગ્નિજ્વાળા માટે પ્રસિદ્ધ હતો. હકીકતમાં અઝરબૈજાનને ઘણી વાર ‘અગ્નિની ભૂમિ’ તરીકે પણ ઓળખવામાં આવે છે. ત્યાર બાદ 16મી સદીનાં અંતિમ વર્ષો અને 17મી સદીની શરૂઆતમાં ભારતીય પ્રવાસીઓ અને તીર્થયાત્રીઓ અહીં પહોંચ્યા હતા.”

“તેમણે અતેશગાહને તેનું વર્તમાન સ્વરૂપ આપ્યું અને ગણેશ તથા શિવ જેવા પોતાનાં દેવી-દેવતાઓની પૂજા કરવાની સાથે અહીંની પવિત્ર અગ્નિની પણ આરાધના કરી હતી.”

દિવ્યાકુમારે વધુમાં લખ્યું છે, “અમે જે દિવસે મંદિર જોવા પહોંચ્યાં હતાં, તે દિવસે ખૂબ જ તેજ પવન ફૂંકાઈ રહ્યો હતો અને ચારે તરફ ધૂળ ઊડી રહી હતી. આખરે અમે અઝરબૈજાનની રાજધાની બાકુથી 20 કિલોમીટરથી પણ ઓછા અંતરે હતાં.”

“સ્થાનિક અઝેરી ભાષામાં બાકુને અનૌપચારિક રીતે ‘પવનોનું શહેર’ કહેવામાં આવે છે. પરંતુ મંદિર પરિસરના મધ્યમાં આવેલા ઊંચા મુખ્ય અગ્નિકુંડમાં પવિત્ર જ્વાળા તેજ પવન વચ્ચે પણ સતત પ્રજ્વલિત રહી હતી.”

“મધ્યમાં સળગતી આ જ્વાળા અને તેની બાજુમાં આવેલા બે ગોળાકાર ચબૂતરા પરની ખુલ્લી આગને આજે બાકુની મુખ્ય ગૅસ પાઇપલાઇનમાંથી ગૅસ પૂરો પાડવામાં આવે છે. પરંતુ સેંકડો નહીં, સંભવતઃ હજારો વર્ષો સુધી આ જ્વાળાઓ કુદરતી રીતે સળગતી રહી હતી.”

“દેશના વિશાળ કુદરતી ગૅસ ભંડારમાંથી ગૅસ ખડકોની સપાટીમાં આવેલા છિદ્રોમાંથી બહાર નીકળતો હતો અને હવાના સંપર્કમાં આવતાં જ સળગી ઊઠતો હતો.”

પારસી ધર્મ સાથે જોડાયેલી ઉત્પત્તિ

ઐતિહાસિક અતેશગાહ અગ્નિ મંદિરમાં ગણેશની મૂર્તિ

દિવ્યાકુમાર લખે છે, “અઝરબૈજાનના ઇતિહાસમાં અગ્નિ-પૂજકોએ આ ‘અનંત જ્વાળા’ની પૂજા કરી છે. આ વિસ્તારમાં આવેલા પ્રવાસીઓનાં વર્ણનોમાં સાતમી સદી સુધી તેનો ઉલ્લેખ મળે છે.”

“ઇતિહાસકારોનું માનવું છે કે ભારતીય યાત્રાળુઓ અહીં પહોંચ્યા તે પહેલાં જ પારસી ધર્મના અનુયાયીઓએ આ અગ્નિ મંદિરનું એક પ્રાચીન સ્વરૂપ નિર્માણ કર્યું હતું.”

“1969માં મંદિરના જીર્ણોદ્ધાર દરમિયાન હાલની રચનાની નીચે એક જૂની ઇમારતના અવશેષો મળ્યા હતા. ‘અતેશગાહ’ નામ ફારસી ભાષામાંથી આવ્યું છે, જેનો અર્થ ‘અગ્નિનું ઘર’ થાય છે.”

“એવા સંકેતો પણ મળ્યા છે કે પ્રાચીન મંદિર હાલના પરિસરની સીમાથી પણ આગળ વિસ્તરેલું હોઈ શકે છે. જોકે, 19મી સદી દરમિયાન આસપાસના વિસ્તારમાં તેલ અને ગૅસની શોધખોળ શરૂ થતાં તેના બાકીના અવશેષો સંભવતઃ નષ્ટ થઈ ગયા હતા.”

યુનેસ્કોને સોંપવામાં આવેલા અઝરબૈજાનના દસ્તાવેજો અનુસાર, સુરાખાની વિસ્તારમાં પેટ્રોલિયમ ઉદ્યોગ સાથે જોડાયેલી પ્રવૃત્તિઓના વિસ્તરણ બાદ 1883માં મંદિરમાં પૂજા બંધ થઈ ગઈ હતી.

ત્યાર બાદ આ સ્થળને સંગ્રહાલયમાં રૂપાંતરિત કરાયું હતું. હાલમાં તેને ઐતિહાસિક અને સ્થાપત્ય વારસાના સંરક્ષિત સ્મારક તરીકે જાળવવામાં આવે છે.

દિવ્યાકુમારે લખ્યું છે, “સૌભાગ્યની વાત એ છે કે લગભગ 500 વર્ષ જૂનું આ મંદિર આજે પણ અડીખમ ઊભું છે અને તેના બહુસાંસ્કૃતિક ભૂતકાળનાં નિશાનોને સંભાળીને રાખ્યાં છે. મંદિરની મધ્યમાં આવેલી અગ્નિ વેદીની રચના સંપૂર્ણપણે હિંદુ શૈલીની નથી, પરંતુ તેમાં પરંપરાગત પારસી અગ્નિ વેદીઓ સાથે પણ ઘણી સમાનતા જોવા મળે છે. મંદિર પરિસરમાં એક અભિલેખ ફારસી ભાષામાં પણ જોવા મળે છે.”

“અઝરબૈજાનમાં પારસી ધર્મનો પ્રભાવ અત્યંત પ્રાચીન અને ઊંડો રહ્યો છે. તે તે સમયની વારસાગાથા છે, જ્યારે આ વિસ્તારમાં ઇસ્લામના આગમન પહેલાં ફારસી રાજવંશોનું શાસન હતું. આજે પણ નવરોઝ, એટલે કે પારસી નવવર્ષનો ઉત્સવ, અહીંના મુખ્ય તહેવારોમાંનો એક છે. ઇતિહાસનાં વિવરણો અનુસાર, 19મી સદીમાં અતેશગાહ મુંબઈથી આવતા પારસી સમુદાયના લોકો માટે પણ એક મહત્ત્વપૂર્ણ તીર્થસ્થળ બની ગયું હતું. તેઓ આ ભારતીય મંદિરના દર્શન કરવા આવતા હતા, જે ક્યારેક પારસી ધર્મના અનુયાયીઓનું પૂજાસ્થળ રહ્યું હતું.”

1969માં થયેલા જીર્ણોદ્ધાર બાદ 1975માં આ મંદિરને સત્તાવાર રીતે સંગ્રહાલયમાં ફેરવવામાં આવ્યું હતું. વર્ષ 1998માં તેને યુનેસ્કોની વિશ્વ ધરોહર સ્થળોની યાદીમાં સત્તાવાર રીતે સામેલ કરવામાં આવ્યું હતું.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

SOURCE : BBC NEWS