Home તાજા સમાચાર gujrati અમદાવાદ : અગાસી પર યુવતી સાથે દુષ્કર્મ આચરવાના આરોપમાં સિક્યૉરિટી ગાર્ડની ધરપકડ,...

અમદાવાદ : અગાસી પર યુવતી સાથે દુષ્કર્મ આચરવાના આરોપમાં સિક્યૉરિટી ગાર્ડની ધરપકડ, શું છે સમગ્ર મામલો?

3
0

Source : BBC NEWS

અમદાવાદમાં યુવતી પર દુષ્કર્મના કેસમાં કેવી રીતે ગણતરીની કલાકોમાં પોલીસે આરોપીને પકડી પાડ્યો? બીબીસી ગુજરાતી અમદાવાદ ગુજરાત ન્યૂઝ ગુજરાત સમાચાર ન્યૂઝ અપડેટ આનંદનગર રેપ બળાત્કાર

ઇમેજ સ્રોત, Getty Images

પ્રકાશિત

વાંચવાનો સમય: 2 મિનિટ

અમદાવાદના ચહલપહલ ધરાવતા રહેણાક વિસ્તાર આનંદનગરમાં યુવતી પર દુષ્કર્મની એક ગંભીર ઘટના પોલીસ સ્ટેશનના ચોપડે નોંધાઈ છે.

ગઈકાલે એટલે કે શનિવારે રાતે બનેલી ઘટનામાં અમદાવાદની એક સોસાયટીમાં ભાડે રહેતી એક યુવતી પર દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું. આ ઘટનામાં પોલીસે આરોપી તરીકે સોસાયટીના જ સિક્યૉરીટી ગાર્ડ – સુરક્ષાકર્મીની ધરપકડ કરી છે. અમદાવાદ સેક્ટર-1ના જોઇન્ટ કમિશનર ઑફ પોલીસ નીરજ બડગુજરે જણાવ્યું હતું કે, “આરોપીએ ગુનો કબૂલ કરી લીધો છે.”

તેમણે વધુમાં જણાવ્યું કે “યુવતી સોસયટીની અગાસી પર સાંજે ટહેલવા ગઈ ત્યારે સિક્યૉરીટી ગાર્ડ તેની પાછળ ગયો હતો. અગાસી પર જઈને તેણે દરવાજો બંધ કરીને યુવતીનું ગળું દબાવીને બળાત્કાર ગુજાર્યો હતો.”

પોલીસના જણાવવા પ્રમાણે આ ઘટના પછી આરોપી ભાગી ગયો હતો. પરંતુ પોલીસે તેને નવમી ઑગસ્ટે પકડી પાડ્યો હતો.

નીરજ બડગુજરે મીડિયાને જણાવ્યું હતું કે, “પોલીસે દસ જેટલી ટીમ બનાવીને આરોપીને આજે સવારે આઠેક વાગ્યે અમદાવાદની ભાગોળે હેબતપુર પાસેથી ઝડપી લીધો હતો.”

સિક્યૉરિટી એજન્સી સામે પણ સવાલો

પોલીસના જણાવ્યા પ્રમાણે જ્યારે આરોપી અગાસીનો દરવાજો બંધ કરીને ભાગી ગયો ત્યારે પીડિતાએ મદદ માટે બૂમો પાડી હતી. બૂમો સાંભળીને લોકો ભેગા થઈ ગયા હતા અને દરવાજો ખોલીને પીડિતાને બહાર કાઢી હતી.

ઘટનાની જાણ થતાની સાથે જ પોલીસ ત્યાં પહોંચી ગઈ હતી અને પીડિતાને મેડિકલ સારવાર આપવાની તજવીજ હાથ ધરી હતી.

બડગુજરે જણાવ્યું હતું કે, “આરોપી ઉત્તર પ્રદેશના હરદોઈનો નિવાસી છે અને ચાર વર્ષથી અમદાવાદ આવતો-જતો રહેતો હતો. અમદાવાદમાં તે અલગ અલગ સિક્યૉરિટી સર્વીસમાં ગાર્ડ તરીકે કામ કરી ચૂક્યો છે. હાલ તે જે કંપનીમાં કામ કરતો હતો તેમાં તે ચાર દિવસથી જ જોડાયો હતો. કંપનીએ તેના ઓળખપત્રની ચોકસાઈ કર્યા વગર તેને ગાર્ડ બનાવી દીધો હતો. અમે સિક્યૉરિટી કંપની સામે પણ પગલાં ભરીશું.”

જ્યાં આ ઘટના સામે આવી છે ત્યાંના ધારાસભ્ય અમીત ઠાકરે જણાવ્યું હતું કે, “આ ગંભીર ઘટનામાં પોલીસે ગણતરીના કલાકોમા આરોપીને પકડી લીધો છે. યુવતીને ન્યાય મળે તે માટે કોઈ કસર છોડવામાં નહીં આવે. આરોપીની સિક્યૉરિટી એજન્સીના માલીકને પણ પકડી લેવામાં આવ્યા છે. તેમણે જે લાપરવાહી રાખી છે તેની પણ તપાસ થશે.”

આરોપી લિફ્ટ દ્વારા અગાસી સુધી જાય છે તેના સીસીટીવી પુરાવા હાથ લાગ્યા છે એવું પોલીસે જણાવ્યું હતું. આરોપી અગાઉ પણ કોઈ ગુનામાં સામેલમાં હતો કે કેમ તેની પણ પોલીસ તપાસ કરી રહી છે.

પોલીસે દાવો કર્યો હતો કે આરોપીએ તેનો ગુનો કબૂલી દીધો છે. આરોપી તરફથી અમને જ્યારે તેમનો પક્ષ પ્રાપ્ત થશે ત્યારે અહીં અપડેટ કરવામાં આવશે. અમને આ અંગે સિક્યૉરિટી એજન્સીનું પણ નિવેદન પ્રાપ્ત થયું નથી, જ્યારે તેમનો પક્ષ જાણવા મળશે ત્યારે અહીં અપડેટ કરવામાં આવશે.

અમે આ કેસ સંવેદનશીલ હોવાને લઈને અમે પીડિતા અને આરોપીનું નામ જાહેર કર્યું નથી.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

SOURCE : BBC NEWS