Home તાજા સમાચાર gujrati અમદાવાદ : યુવતીને બાઇકથી ટક્કર મારી મોત નિપજાવવાના કેસમાં આરોપી કઈ રીતે...

અમદાવાદ : યુવતીને બાઇકથી ટક્કર મારી મોત નિપજાવવાના કેસમાં આરોપી કઈ રીતે ઝડપાયો?

2
0

Source : BBC NEWS

બીબીસી ગુજરાતી અમદાવાદ શીલજ અકસ્માત નિશી પટેલ દંપતી બાઈક સવાર પોલીસ રાજસ્થાન ગુજરાત સમાચાર ન્યૂઝ બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, Bhargav Parikh

અમદાવાદમાં ગયા અઠવાડિયે માર્ગ અકસ્માતની એવી ઘટના બની જેણે રોડ સૅફ્ટી અને ડ્રાઇવિંગની શિસ્ત અંગે સવાલ ઉઠાવ્યા છે.

આ ઘટનામાં રાતે ગરબા ક્લાસથી ઘરે પરત જઈ રહેલાં દંપતીને શીલજ કૅનાલ રોડ પર એક બાઈકચાલકે ટક્કર મારી હતી જેમાં ટુ-વ્હીલર પર સવાર યુવતીનું મોત નિપજ્યું હતું. આ ઘટનાનાં સીસીટીવી ફૂટેજ જાહેર થયાં પછી રસ્તા પર બેફામ ડ્રાઇવિંગ અને માર્ગ સુરક્ષાની સ્થિતિ અંગે ચર્ચા શરૂ થઈ છે.

ઘટનાનો ભોગ બનનાર દંપતીનાં લગ્ન હજુ બે મહિના અગાઉ જ થયાં હતાં. મૃતક યુવતીના પતિએ રાતના સમયે તેમને ટક્કર મારનાર બાઇકસવારને પકડવા માટે સોશિયલ મીડિયા પર લોકોની મદદ માંગી હતી. જેના કારણે આ કેસ ચર્ચાસ્પદ બન્યો હતો. નંબર પ્લેટના આધારે આ મોટરસાઇકલ રાજસ્થાનની હતી તે જણાતું હતું. ત્યાર પછી આરોપી યુવાનને રાજસ્થાનના ડુંગરપુરથી પકડવામાં આવ્યો છે.

અકસ્માતની આખી ઘટના શું હતી?

બીબીસી ગુજરાતી અમદાવાદ શીલજ અકસ્માત નિશી પટેલ દંપતી બાઈક સવાર પોલીસ રાજસ્થાન

ઇમેજ સ્રોત, UGC

અમદાવાદના વસ્ત્રાપુર વિસ્તારમાં રહેતાં અને એકાઉન્ટન્ટ તરીકે નોકરી કરતાં નિશી પટેલનાં લગ્ન બે મહિના અગાઉ જ હાર્દિક દરજી સાથે થયાં હતાં. 11 સપ્ટેમ્બરે નિશી પોતાના સાસરિયે ગણેશ સ્થાપના કરવા માંગતાં હતાં. તેઓ આ માટેનો સામાનની ખરીદી કરી આવ્યાં હતાં. તે રાતે પિતાના ઘરે ભોજન બાદ મોડું થયું હતું. તેથી તેઓ રાતે પોતાના પતિ હાર્દિકના ગરબા ક્લાસ પૂરા થાય ત્યાર પછી તેમની સાથે સાસરે જવાનું નક્કી કર્યું હતું.

પોલીસ ફરિયાદ પ્રમાણે મોડી રાતે પતિપત્ની અલગ અલગ ટુ-વ્હીલર પર જઈ રહ્યાં હતાં, ત્યારે અચાનક તેમના ઘરથી થોડે દૂર સામેની બાજુથી પૂરપાટ ઝડપે આવતા એક મોટરસાઇકલે નિશીને ટક્કર મારતા તેનું ઘટનાસ્થળે મોત થયું હતું. સીસીટીવીમાં જોવા મળે છે કે અકસ્માત સમયે સામેથી આવનાર બાઇકની ઝડપ ઘણી વધારે હતી. બાઇકની ટક્કર લાગતા જ નિશી ઉછળ્યાં અને રસ્તાની એક બાજુએ પટકાયાં હતાં. આ જોઈને તેમના પતિ પોતાનું ટુ-વ્હીલર નીચે મૂકીને તરત નિશીને મદદ કરવા માટે દોડ્યા હતા.

અકસ્માત કરનારા આરોપી યુવાનનું નામ સુનીલ પરમાર હોવાનું જાણવા મળ્યું છે. અકસ્માત પછી તેઓ પોતે ઈજાગ્રસ્ત હોવાથી તેમણે જાતે ઍમ્બ્યુલન્સ બોલાવીને સિવિલ હૉસ્પિટલે ગયા હતા. ત્યાં તેને ખબર પડી કે અકસ્માતગ્રસ્ત યુવતીનું મોત થયું છે, તેથી પોલીસ ધરપકડની બીકે તે ડૉક્ટરોને જાણ કર્યા વગર મિત્રની મદદથી સારવાર અધૂરી છોડીને ભાગી ગયો હતો.

બીબીસીને જાણવા મળ્યા મુજબ સુનીલ દિવસના સમયે ઘરઘાટી તરીકે કામ કરતા હતા અને રાતે એક મિત્રનું મોટરસાઈકલ લઈને બહાર નીકળ્યા હતા. આ દરમિયાન તેમણે યુવતીને ટક્કર મારી હતી. હૉસ્પિટલમાંથી ભાગ્યા પછી સુનિલ રાજસ્થાન જતા રહ્યા હતા, જ્યાંથી પોલીસે તેમને પકડી લીધા છે.

આરોપી યુવાન કઈ રીતે પકડાયો?

બીબીસી ગુજરાતી અમદાવાદ શીલજ અકસ્માત નિશી પટેલ દંપતી બાઈક સવાર પોલીસ રાજસ્થાન

ઇમેજ સ્રોત, Bhargav Parikh

11 સપ્ટેમ્બરે અમદાવાદમાં આ અકસ્માત થયા પછી પોલીસે અલગ અલગ સીસીટીવી ફૂટેજ ચેક કરીને રાજસ્થાનના ડુંગરપુરથી આરોપીની ધરપકડ કરી છે.

આ ઘટના વિશે અમદાવાદ ગ્રામ્યના DySP તપનસિંહ ડોડિયાએ બીબીસીને જણાવ્યું કે, “અકસ્માત થયા પછી અમે મોટર સાઇકલના રજિસ્ટ્રેશન નંબરના આધારે તેની શોધખોળ કરી હતી, જેમાં તપાસનો દોર રાજસ્થાન સુધી પહોંચ્યો હતો. અમને જાણવા મળ્યું કે અમદાવાદના થલતેજમાં ત્રણ વર્ષથી ઘરઘાટી તરીકે કામ કરતા સુનીલ પરમાર મોડી રાતે પોતાનું કામ પતાવીને મિત્રનું બાઈક લઈને સિગરેટ પીવા નીકળ્યા હતા.”

તેમણે કહ્યું કે “સુનીલ પૂરઝડપે બાઇક ચલાવીને જઈ રહ્યા હતા ત્યારે નિશીના ટુ-વ્હીલર સાથે ટક્કર થઈ હતી. સુનીલને પણ માથા અને પગમાં ઈજા થઈ હતી. તેમણે જાતે 108 ઍમ્બ્યુલન્સ બોલાવીને સિવિલ હૉસ્પિટલ ગયા હતા અને ત્યાં સારવાર લીધી હતી. પોલીસ પંચનામું કરતી હતી ત્યારે સુનીલને જાણ થઈ કે અકસ્માતમાં યુવતીનું મોત થયું છે. તેથી ડૉક્ટર જ્યારે બીજા દર્દીને જોવા ગયા તે દરમિયાન સુનીલ નાસી ગયા હતા. અમે રાજસ્થાનની નંબર પ્લેટના આધારે એક ટીમ રાજસ્થાન મોકલી હતી. ત્યાં ડુંગરપુરમાં સુનીલ પોતાના મિત્રને ત્યાં છુપાયો હતો જ્યાંથી અમે તેને પકડીને અમદાવાદ લાવ્યા છીએ.”

આ ઘટનાની તપાસ કરતા બોપલ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર એન. એસ. ચૌહાણે બીબીસી ગુજરાતીને જણાવ્યું કે, “ઘટનાની રાતે અમે સ્થળ પર પંચનામુ કરીને ફૂટેજ એકત્ર કરી રહ્યાં હતાં, ત્યારે હૉસ્પિટલથી મૅસેજ આવ્યો કે શીલજ નજીક અકસ્માતમાં ઈજા પામનાર સુનીલ પરમાર નામની વ્યક્તિ સારવાર લઈ રહી છે. અમે સાક્ષીઓનાં નિવેદન લઈને હૉસ્પિટલે પહોંચ્યા તો સુનીલ ત્યાંથી ભાગી ગયા હતા. હૉસ્પિટલનાં ફૂટેજમાં જોવા મળ્યું કે મોટરસાઇકલ પર તેની સાથે જિતેન્દ્ર મીણા નામનો મિત્ર પણ હતા. અમે મીણાને અટકમાં લીધા. વીડિયો ફૂટેજ મુજબ મોટરસાઇકલનું રજિસ્ટ્રેશન રાજસ્થાનનું નંબર હતું. અમે રાજસ્થાન આરટીઓમાં તપાસ કરી તો તે નંબર ડુંગરપુરના સાલુમ્બર આરટીઓ ઑફિસમાં નોંધાયેલો હતો.

બીબીસી ગુજરાતી અમદાવાદ શીલજ અકસ્માત નિશી પટેલ દંપતી બાઈક સવાર પોલીસ રાજસ્થાન

ઇમેજ સ્રોત, Bhargav Parikh

એન. એસ. ચૌહાણે જણાવ્યું કે “સુનીલ પરમારનો ફોન બંધ આવતો હતો, તેથી ટૅક્નિકલ ઍનાલિસિસથી શોધવો મુશ્કેલ હતો. અમે તરત જિતેન્દ્ર મીણાના નંબર પર આવેલા ફોન ટ્રેસ કર્યા અને એક ટીમ રાજસ્થાન મોકલી. રાજસ્થાનમાં જાણવા મળ્યું કે બાઇકનો મૂળ માલિક ડુંગરપુર જિલ્લાના હતા અને અમદાવાદમાં રહેતા હતા. અમે જિતેન્દ્ર મીણા અને સુનીલ પરમારના ફોનના કૉમન નંબર પર નજર રાખી કારણ કે સુનીલને ઈજા થઈ હતી અને ડૉક્ટર તથા દવાઓની જરૂર હતી.”

પોલીસે એ તપાસ પણ કરી કે તે વિસ્તારમાં દવાની દુકાનો પર પાટાપિંડીનો સામાન અને પેઇનકિલર લેવા કોઈ આવે છે કે નહીં, તથા ખાનગી ડૉક્ટર પાસે કોણ સારવાર લેવા માટે આવે છે.

તેમના જણાવ્યા પ્રમાણે,”ત્યાંથી અમને જાણવા મળ્યું કે આસપુર અને સગવરા વચ્ચે કોઈ નિયમિત દેવા લેતું હતું. અમે હ્યુમન ઇન્ટેલિજન્સની મદદ લીધી. તેમાં દવાની દુકાનમાંથી સામાન ખરીદતી વ્યક્તિ પર વૉચ રાખી. તેના આધારે ડુંગરપુરનાં ગામડાંમાં એક અવાવરુ ખેતરની ઓરડીમાંથી સુનીલને પકડી લીધો.”

પોલીસ હવે સુનીલને અમદાવાદ લાવી છે.

નિશી પટેલના ટુ વ્હીલર સાથે બાઇક ટકરાઈ ત્યારે તેની ઝડપ બહુ વધારે હોય તેવું લાગે છે. ડીવાય એસપી ડોડિયાના માનવા મુજબ બાઇકની ઝડપ કદાચ 100 કિમી પ્રતિ કલાકથી વધુ હશે. તેમણે કહ્યું કે અમે એફએસએલમાં તપાસ માટે સીસીટીવી ફૂટેજ મોકલ્યાં છે. તેના પરથી બાઈકની ઝડપ કેટલી હતી તે જાણી શકાશે.

નિશી પટેલના પરિવારજનોએ શું કહ્યું?

બીબીસી ગુજરાતી અમદાવાદ શીલજ અકસ્માત નિશી પટેલ દંપતી બાઈક સવાર પોલીસ રાજસ્થાન

ઇમેજ સ્રોત, Bhargav Parikh

નિશી પટેલના આ રીતે આકસ્મિક મૃત્યુથી તેમનો પરિવાર ભાંગી પડ્યો છે. નિશીના પિતા રાકેશ પટેલે બીબીસી ગુજરાતીને જણાવ્યું કે, “ડૉક્ટરોએ અમારી દીકરીને મૃત જાહેર કરી પછી પોલીસે આરોપીની શોધખોળ શરૂ કરી હતી. આ દરમિયાન અમારો દીકરો પ્રતીક ન્યૂઝીલૅન્ડથી આવ્યો પછી બીજા દિવસે અમે નિશીની અંતિમવિધિ કરી હતી. પોલીસે આરોપીને રાજસ્થાનથી પકડ્યો છે. હવે અમને આશા છે કે અમારી દીકરીને ન્યાય મળશે.”

નિશીના મોત પછી તેમનાં પતિ હાર્દિક દરજીએ આરોપી બાઇકસવારને પકડવામાં લોકોની મદદ માગી હતી અને સોશિયલ મીડિયા પર અભિયાન ચલાવ્યું હતું. તેમણે બીબીસીને જણાવ્યું કે, “પત્નીના મોત પછી મને ભારે આઘાત લાગ્યો હતો. મેં સોશિયલ મીડિયા પર ન્યાય માટે વિનંતી કરી અને લોકોએ મને સમર્થન આપ્યું. તેના પછી આરોપી પકડાઈ ગયો છે. મને હવે ઝડપી ન્યાયની આશા છે.”

સુનીલના પિતા ગણેશ પરમાર રાજસ્થાનમાં છૂટક મજૂરી કરતા હોવાનું જાણવા મળ્યું છે. બીબીસીએ તેમનો સંપર્ક કરવા પ્રયાસ કર્યો, પરંતુ તેમણે આ વિશે કંઈ પણ કહેવાનો ઇન્કાર કર્યો હતો.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

SOURCE : BBC NEWS