Source : BBC NEWS
ઇમેજ સ્રોત, Elizabeth Frantz – Pool/Getty Image
વાંચવાનો સમય: 4 મિનિટ
ઈરાન અને અમેરિકા વચ્ચે સ્વિટ્ઝર્લૅન્ડમાં આજે વાતચીત થવાની છે, તેમાં મધ્યસ્થ તરીકે પાકિસ્તાનના વડા પ્રધાન શહબાઝ શરીફ અને ફીલ્ડ માર્શલ આસિમ મુનીર પણ આ બેઠકમાં ભાગ લેશે.
પાકિસ્તાનના વડા પ્રધાન કાર્યાલયે ઍક્સ પોસ્ટ પર લખ્યું કે વડા પ્રધાન ઉચ્ચ સ્તરીય પ્રતિનિધિમંડળ સાથે ઇસ્લામાબાદથી સ્વિટર્ઝર્લૅન્ડ જવા રવાના થઈ ગયા છે.
તો અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ જેડી વેન્સ પણ સ્વિટ્ઝર્લૅન્ડ માટે વૉશિંગ્ટનથી રવાના થયા છે.
શહબાઝ શરીફની ઑફિસે બીબીસીને જણાવ્યું કે પાકિસ્તાને આખા યુદ્ધ દરમિયાન મધ્યસ્થની ભૂમિકા નિભાવી છે અને પહેલાં પણ ઈરાન-અમેરિકાની વાતચીતની મેજબાની કરી હતી.
અગાઉ યુદ્ધ પર નિરીક્ષણ રાખનાર ઈરાનના ખાતમ અલ-અંબિયા મુખ્યાલયે જાહેરાત કરી હોર્મુઝ સામુદ્રધુની જહાજો માટે બંધ કરાઈ રહી છે. જોકે અમેરિકાએ ઈરાનનો આ દાવો ફગાવી દીધો છે.
ઈરાનની રિવૉલ્યુશનરી ગાર્ડ કૉર (આઇઆરજીસી) નૌસેનાએ કહ્યું કે હોર્મુઝ સામુદ્રધુની બધાં જહાજો માટે બંધ કરી દેવાઈ છે. નૌસેનાએ તેનું કારણ અમેરિકા અને ઇઝરાયલ પર યુદ્ધવિરામના ઉલ્લંઘનના આરોપોને ગણાવ્યા છે.
બીબીસી ફારસી સેવા અનુસાર, ખાતમ-અલ-અંબિયા મુખ્યાલયે શનિવારે આ જાહેરાત પાછળ અમેરિકા સાથે થયેલા યુદ્ધવિરામ કરારની શરતોનું ઉલ્લંઘનને ગણાવ્યું છે.
આ સિવાય દક્ષિણ લેબનોનમાં ઇઝરાયલ તરફથી સતત ‘યુદ્ધવિરામ ઉલ્લંઘન’ અને લેબનોનના ‘લોકોનો ક્રૂર જનસંહાર અને વિસ્થાપન’ને પણ આ જાહેરાત પાછળનું કારણ ગણાવ્યાં છે.
આ અઠવાડિયાની શરૂઆતમાં અમેરિકા અને ઈરાન વચ્ચે થયેલા એક કરારમાં યુદ્ધ સમાપ્ત કરવા માટે 14 મુદ્દાની એક રૂપરેખા નક્કી કરાઈ હતી.
હોર્મુઝ સામુદ્રધુની દુનિયાના સૌથી વ્યસ્ત ઑઇલ પરિવહન માર્ગોમાંથી એક છે. દુનિયાનો અંદાજે 20 ટકા ઑઇલ અને ગૅસ પુરવઠો આ મહત્ત્વના દરિયાઈ માર્ગથી પસાર થાય છે.
હોર્મુઝની નજીક ન આવો, નહીં તો…
ઇમેજ સ્રોત, Majid Saeedi/Getty Images
આઇઆરજીસીએ બધાં જહાજોને ચેતવણી આપીને કહ્યું કે “હોર્મુઝ સામુદ્રધુનીની નજીક ન આવો, નહીં તો તમારી સુરક્ષા જોખમમાં મુકાઈ જશે.”
ખાતમ અલ-અંબિયા મુખ્યાલયે દક્ષિણ લેબનોનથી ઇઝરાયલની સેનાની ‘વાપસી કરાવવામાં નિષ્ફળતા’નો પણ ઉલ્લેખ કર્યો છે.
મુખ્યાલયે પોતાની આ કાર્યવાહીને ‘દુશ્મન તરફથી કરાયેલા વાયદાના ઉલ્લંઘનના જવાબ આપવાની દિશામાં એક પગલું’ ગણાવી છે.
ગત દિવસોમાં ઈરાન અને અમેરિકા વચ્ચે એક ‘મેમોરેન્ડમ ઑફ અન્ડરસ્ટેન્ડિંગ’ પર હસ્તાક્ષર થયા હતા.
14 મુદ્દાના આ એમઓયુમાં હોર્મુઝ સામુદ્રધુનીને ખોલવી, લેબનોન સમેત બધા મોરચે યુદ્ધવિરામ અને પરમાણુ કાર્યક્રમ પર વાતચીત જેવી બાબતો સામેલ હતી.
ઈરાન-અમેરિકા કરારના પ્રથમ પૅરાગ્રાફમાં કહેવાયું કે અમેરિકા, ઈરાન અને તેના સહયોગી લેબનોન સહિત ‘બધા મોરચે’ સૈન્ય અભિયાનો ‘તત્કાળ અને કાયમી’ રીતે રોકશે.
અમેરિકાએ ઈરાનના દાવાનું ખંડન કર્યું
ઇમેજ સ્રોત, Getty Images
અમેરિકાના રાષ્ટ્રપતિ જેડી વેન્સે ફૉક્સ ન્યૂઝને કહ્યું કે હોર્મુઝ સંપૂર્ણ ખૂલી છે.
વેન્સે કહ્યું, “અમને એવા કોઈ પુરાવા નથી મળ્યા કે ઈરાનીઓએ હાલમાં હોર્મુઝ સામુદ્રધુનીને બંધ રાખી હોય.”
તેમણે કહ્યું કે “કાલે જ હોર્મુઝ સામુદ્રધુનીમાંથી 1 કરોડ 60 લાખ બૅરલ ઑઇલની અવરજવર થઈ છે. માટે તમે જોઈ શકો છો કે જહાજ સતત પસાર થઈ રહ્યાં છે.”
અમેરિકન સેન્ટ્રલ કમાન્ડ (સેન્ટકૉમ)એ કહ્યું કે “20 જૂને હોર્મુઝ સામુદ્રધુનીમાં કથિત કૉમર્શિયલ જહાજોની અવરજવર વધી છે, જ્યારે દરિયાઈ પરિવહનની સ્વતંત્રતાને સમર્થન આપવા માટે અમેરિકા દળે આખા વિસ્તારમાં પોતાની ગતિવિધિઓ ચાલુ રાખી છે.”
નિવેદન અનુસાર, આંતરરાષ્ટ્રીય જળમાર્ગથી સુરક્ષિત અવરજવર આજે પણ ચાલુ છે અને 55 વેપારી જહાજ અહીંથી પસાર થયાં છે, જેણે મોટી માત્રામાં માલ અને 1 કરોડ 70 લાખથી વધુ બૅરલ ઑઇલ વૈશ્વિક બજારોમાં પહોંચાડ્યું છે.
સેન્ટકૉમે કહ્યું, “જૉઇન્ટ મેરીટાઇમ ઇન્ફૉર્મેશન સેન્ટરે આ અઠવાડિયે એક સૂચન આપીને બધાં જહાજો માટે નક્કી માર્ગ પર સુરક્ષિત અવરજવરની પુષ્ટિ કરી છે, જે કોઈ પણ મનમાની શરત કે અવરોધથી મુક્ત છે.”
સ્વિટ્ઝર્લૅન્ડમાં વાતચીત થશે
આ દરમિયાન પાકિસ્તાનના વિદેશ મંત્રાલયે કહ્યું કે 21 જૂને સ્વિટ્ઝર્લૅન્ડમાં વાતચીત થશે, જેમાં અમેરિકા અને ઈરાનના પ્રતિનિધિઓ સામેલ થશે.
ઈરાન અને અમેરિકા બંનેએ આ વાતની પુષ્ટિ કરી છે.
બીબીસી ફારસી અનુસાર, ઈરાનના વિદેશમંત્રી અબ્બાસ અરાઘચીએ રવિવારે થનારી વાતચીતની પુષ્ટિ કરી છે.
ઈરાનના વિદેશ મંત્રાલયના પ્રવક્તા ઇસ્લાઇલ બકાઇએ કહ્યું કે સ્વિટ્ઝર્લૅન્ડમાં થનારી વાતચીતમાં ઈરાનની ઉપસ્થિતિનો હેતુ ‘અન્ય પક્ષોથી પોતાના વાયદા અને પ્રતિબદ્ધતાઓને પૂરી કરવાની માગ’નો હશે.
ઈરાની વિદેશ મંત્રાલયે ઍક્સ પર નિવેદનમાં કહ્યું કે પાકિસ્તાન અને કતારના મધ્યસ્થી પણ આ બેઠકમાં હાજર રહેશે. ઈરાની સેના તરફથી હોર્મુઝને બંધ કર્યાનું ઍલાન કર્યા બાદ એક આ નિવેદનમાં કહેવાયું કે પાકિસ્તાન આ પ્રક્રિયાને મધ્યસ્થી તરીકે આગળ વધારવામાં ભૂમિકા નિભાવી રહ્યું છે.
નિવેદનમાં કહેવાયું કે આ વાતચીતનો હેતુ 14-સૂત્રીય કરારમાં બનેલી સહમતિઓને આગળ વધારવાનો છે.
તો અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ જેડી વેન્સે કહ્યું કે ડોનાલ્ડ ટ્રમ્પના જમાઈ જેરેડ કુશનર અને વિદેશ દૂત સ્ટીવ વિટફૉક ઈરાન સાથે પ્રસ્તાવિત વાતચીત પહેલાં જ સ્વિટ્ઝર્લૅન્ડ પહોંચી ગયા છે.
વેન્સે કહ્યું કે બંને “આ વાતચીત સંબંધિત ટૅકનિકલ પાસાં પર કામ કરી રહ્યા છે.”
યુદ્ધવિરામ પછી પણ ઇઝરાયલ અને હિઝબુલ્લાહ વચ્ચે ગોળીબાર
ઇમેજ સ્રોત, Reuters
આ ઘટનાક્રમ ઇઝરાયલ અને હિઝબુલ્લાહ વચ્ચે નવા યુદ્ધવિરામની જાહેરાતના 24 કલાકથી પણ ઓછા સમયમાં થયો છે.
અમેરિકાના એક અધિકારીએ શુક્રવારે કહ્યું હતું કે ઇઝરાયલ અને હિઝબુલ્લાહ યુદ્ધવિરામ પર સહમત થઈ ગયા છે.
ઇઝરાયલી સેનાએ પુષ્ટિ કરી હતી કે યુદ્ધવિરામ લાગુ છે, પરંતુ બાદમાં એક પ્રવક્તાએ કહ્યું કે તેમની સેનાઓ “તત્કાળ જોખમોને ખતમ કરવાની કાર્યવાહી ચાલુ રાખશે.”
હિઝબુલ્લાહના એક અધિકારીએ બીબીસીને કહ્યું કે તેઓ શુક્રવારે બપોરે અમેરિકન અધિકારીઓ તરફથી ઘોષિત યુદ્ધવિરામને માન્યતા આપતું નથી અને લેબનોનમાં સ્વતંત્ર રીતે કાર્યવાહી કરવાના ઇઝરાયલના હેતુને ફગાવે છે.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન
SOURCE : BBC NEWS




