Source : BBC NEWS
ઇમેજ સ્રોત, Getty Images/BBC
વ્હાઇટ હાઉસે કહ્યું કે અમેરિકા અને ઈરાન વચ્ચે યુદ્ધવિરામને આગળ વધારવા માટે કરાર પર હસ્તાક્ષર થઈ ગયા છે અને આ હવે લાગુ થઈ ગયો છે.
રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ફ્રાન્સના એવિયાં-લે-બૅમાં જી-7 શિખર સંમેલનમાં ભાગ લેતી વખતે આ કરાર પર ઔપચારિક રીતે હસ્તાક્ષર કર્યા છે.
આ કરાર હેઠળ રણનીતિક રીતે મહત્ત્વપૂર્ણ હોર્મુઝ સામુદ્રધુનીને ફરીથી ખોલવાની છે.
14 મુદ્દાવાળા આ કરારનો મેમોરેન્ડમ ઑફ અન્ડરસ્ટેન્ડિંગ (સહમતિમત્ર) કહેવાય છે. તેમાં કહેવાયું કે ઈરાન ક્યારેય પરમાણુ હથિયાર રાખશે નહીં.
તેમજ તેમાં ઈરાનના “પુનર્નિમાણ અને આર્થિક વિકાસ” માટે 300 અબજ ડૉલરની રકમની પણ જોગવાઈ છે. જોકે, તેમાં અમેરિકા માટે યોગદાન આપવું અનિવાર્ય નથી.
આ કરાર અમેરિકા, ઈરાન અને ઇઝરાયલ વચ્ચે સંઘર્ષ શરૂ થયાના ચાર મહિના બાદ આવ્યો છે.
નિષ્ણાતો અનુસાર, ત્રણ સૌથી મોટાં જોખમ છે, જે વાતચીતને પાટા પરથી ઉતારી શકે છે.

લેબનોનમાં ઇઝરાયલનું અભિયાન
ઇમેજ સ્રોત, Reuters
ભૂમિકા નિભાવતા મુખ્ય મધ્યસ્થોમાંથી એક પાકિસ્તાનના વડા પ્રધાન શહબાઝ શરીફે પ્રારંભિક કરારની જાહેરાત સમયે કહ્યું કે બંને પક્ષોએ “લેબનોન સમેત બધા મોરચે સૈન્ય અભિયાનોને તત્કાળ અને કાયમી ધોરણે સમાપ્ત કરવાની” જાહેરાત કરી છે.
મીડિયા સંસ્થાનોએ કરારના મુસદ્દાને જોયો છે, તેમાં લેબનોનને સ્પષ્ટ રીતે યુદ્ધવિરામના દાયરામાં સામેલ કર્યું છે.
જોકે ટ્રમ્પ તરફથી ફ્રાન્સમાં જી-7 સંમેલનમાં બેન્જામિન નેતન્યાહૂને લેબનોનના મામલામાં ‘વધુ જવાબદારથી વર્તવાનું’ કહ્યા બાદ પણ ઇઝરાયલે લેબનોન પર હુમલા ચાલુ રાખ્યા છે.
લેબનોનની સરકારી સમાચાર એજન્સી એનએનએ અનુસાર, બુધવારે ઇઝરાયલનાં લડાકુ વિમાનોએ નબાતિયેહ અલ-ફૌકા વિસ્તાર અને પડોશી કફર તેબનિતના બહારના વિસ્તારોને નિશાન બનાવ્યા છે.
આ સિવાય અમેરિકાના અધિકારીઓનું કહેવું છે કે જોકે લેબનોન યુદ્ધવિરામના માળખા હેઠળ આવે છે, પરંતુ લેબનોનના વિસ્તારમાંથી ઇઝરાયલની સેનાની વાપસી કરારની શરત નથી. તેમનું કહેવું છે કે ઇઝરાયલને આત્મરક્ષાનો અધિકાર છે.
જોકે ઈરાનનું કહેવું છે કે લેબનોનમાં યુદ્ધનો અંત એ ‘યુદ્ધ સમાપ્ત કરવાના કરારનો અભિન્ન હિસ્સો’ છે.
લેબનોનમાં ઈરાન સમર્થિક હથિયારબંધ ગ્રૂપ હિઝબુલ્લાહ પણ આ વલણનું સમર્થન કરે છે.
ઇમેજ સ્રોત, Getty Images
હિઝબુલ્લાહના મીડિયા કાર્યાલયે રૉયટર્સને કહ્યું કે ઈરાનને આશ્વાસન અપાયું છે કે આગામી તબક્કાની વાતચીતમાં લેબનોનથી ઇઝરાયલી સૈનિકોની સંપૂર્ણ વાપસીની માગ કરશે.
ઇઝરાયલે સ્પષ્ટ સંકેત આપ્યા છે કે તે પોતાને કરારની ઈરાની વ્યાખ્યાથી બંધાયેલું નથી માનતું.
સંરક્ષણ મંત્રી ઇઝરાયલ કાત્ઝે કહ્યું કે ઇઝરાયલી સેના લેબનોનમાં સુરક્ષા ક્ષેત્રોમાં ‘અનિશ્ચિતકાળ’ સુધી રહેશે અને ચેતવણી આપી છે કે જો લેબનોન મુદ્દે ઈરાન ઇઝરાયલ પર હુમલો કરશે તો તે તેનો ‘પૂરી તાકતથી જવાબ આપશે.’
બ્રિટનસ્થિત થિન્ક ટૅન્ક રૉયલ યુનાઇટેડ સર્વિસિઝ ઇન્સ્ટિટ્યૂટના રાજનીતિક વૈજ્ઞાનિક ડૉ. એચએ હેલિયરનું કહેવું છે કે શાંતિ પ્રયાસોમાં તેલ અવિવ ‘મુખ્ય અડચણ’ રહ્યું છે.
તેમનો તર્ક છે કે “ઇઝરાયલી સેનાનું દુસ્સાહસ, ભલે તે સીધું ઈરાન સામે હોય કે લેબનોનમાં જારી વિનાશના માધ્યમથી, કૂટનીતિક પ્રગતિ માટે સૌથી મોટું જોખમ છે.”
હેલિયર કહે છે કે જો તહેરાન સીધું સંઘર્ષમાં ખેંચાઈ જાય તો ‘પરમાણુ મુદ્દા પર ઠોસ વાતચીત શરૂ થતા પહેલાં જ’ આ પ્રક્રિયા ધ્વસ્ત થઈ શકે છે.
લેબનોના રાષ્ટ્રપતિ જૉસેફ ઑને પ્રારંભિક કરારનું સ્વાગત કર્યું છે અને કહ્યું કે તેમને આશા છે કે આ “એવાં વ્યાવહારિક પગલાંમાં બદલાશે, જેનાથી હિંસાના ચક્રને નિર્ણાયક રીતે સમાપ્ત કરી શકાશે.”
લેબનોન માટે આ યુદ્ધનું પરિણામ વિનાશક રહ્યું છે. 3,700થી વધુ લોકો માર્યા ગયા છે, અંદાજે 10 લાખ લોકો વિસ્થાપિત થયા છે અને દક્ષિણ વિસ્તારનો મોટો ભાગ વ્યાપક રીતે તબાહીનો શિકાર બન્યો છે.

ઈરાનનો પરમાણુ કાર્યક્રમ
ઇમેજ સ્રોત, Getty Images
દાયકા જૂના તણાવના કેન્દ્રમાં રહેલો ઈરાનનો પરમાણુ કાર્યક્રમ આજે પણ તણાવનું મુખ્ય કારણ બનેલો રહ્યો છે.
અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ જેડી વેન્સે કહ્યું કે એ સુનિશ્ચિત કરવું કે ઈરાન ક્યારેય પરમાણુ હથિયાર હાંસલ ન કરે, એ આ ‘કરારમાં સામેલ કરાયું છે’ અને તેના પાલનની પુષ્ટિ કરાઈ શકે છે.
તેમનું કહેવું છે કે જો ઈરાન ભવિષ્યમાં કરારનું પાલન કરે તો પ્રતિબંધોમાં રાહત અપાશે અને અમેરિકા ‘તેનું ફરીથી આંતરરાષ્ટ્રીય સમુદાયમાં સ્વાગત કરશે’, જોકે તેમણે આ અંગે વધુ માહિતી આપી નહોતી.
દરમિયાન ઈરાને કહ્યું કે કરાર હેઠળ 60 દિવસના વાતચીતના ગાળા દરમિયાન તેની ફ્રીઝ થયેલી પરિસંપત્તિઓમાંથી અબજો ડૉલર જારી કરાશે. વેન્સે આ દાવાને ફગાવી દીધો છે.
કરારના મુસદ્દો સંભવિત રીતે મહત્ત્વપૂર્ણ આર્થિક પ્રોત્સાહનો તરફ સંકેત આપે છે.
તેમાં અમેરિકાની છૂટ સામેલ છે, જેનાથી ઈરાન ફરીથી ઑઇલ અને પેટ્રોકેમિકલ ઉત્પાદકોની નિકાસ શરૂ કરી શકશે, ફ્રીઝ થયેલી પરિસંપત્તિઓની જારી કરાશે અને 300 અબજ ડૉલર સુધીના દીર્ઘકાલીન વિકાસમાળખા પર ચર્ચા થશે.
વધુ એક વિવાદ મુદ્દો છે ઈરાનનું સંવર્ધિત યુરેનિયમ. જોકે ટ્રમ્પ કહી ચૂક્યા છે કે તેને કબજે કરવાની કોઈ ઉતાવળ નથી.
ઈરાન વારંવાર કહેતું આવ્યું છે કે તેનો કાર્યક્રમ શાંતિપૂર્ણ છે અને તે પરમાણુ હથિયાર બનાવવાનો પ્રયત્ન નથી કરી રહ્યું.
તેનું એ પણ કહેવું છે કે 60 દિવસના ગાળાનો ઉપયોગ એ વાત પર સહમતિ સધાવા પર કરાશે કે મોજૂદ પરમાણુ સામગ્રીને કેવી રીતે ઓછી કરાય કે હઠાવી શકાય.
કરારના મુસદ્દાથી સંકેત મળે છે કે તહેરાને ફરી કહ્યું કે તે ક્યારેય પરમાણુ હથિયાર નહીં બનાવે, પરંતુ મહત્ત્વના મુદ્દામાં ઈરાન પાસે પહેલેથી મોજૂદ સંવર્ધિત યુરેનિયમનો ભંડાર પણ સામેલ છે. અંતિમ કરાર વાતચીત માટે છોડી દીધો છે.
મુસદ્દામાં લિખિત શરતો અનુસાર, 60 દિવસની વાતચીત અવધિ દરમિયાન બંને પક્ષો યથાસ્થિતિ જાળવી રાખશે. ઈરાન પોતાની પરમાણુ ગતિવિધિઓનો વિસ્તાર નહીં કરે, જ્યારે અમેરિકા નવા પ્રતિબંધ નહીં લાદે.
આંતરરાષ્ટ્રીય પરમાણુ ઊર્જા એજન્સી (આઇએઇએ) અનુસાર, ગત વર્ષ સુધી ઈરાને અંદાજે 400 કિલોગ્રામ એવું યુરેનિયમ જમા કરી લીધું હતું, જેને 60 ટકા સુધી સંવર્ધિત કરાયું હતું. પરમાણુ હથિયાર માટે સંવર્ધનનું સ્તર અંદાજે 90 ટકા હોય છે.
રાષ્ટ્રપતિ ઓમાબાના કાળમાં થયેલા 2015ના પરમાણુ કરાર હેઠળ તહેરાને સંવર્ધનને 3.67 ટકા સુધી સીમિત કરી દીધો હતો.
વર્ષ 2018માં ટ્રમ્પના પ્રથમ કાર્યકાળ દરમિયાન અમેરિકાના કરારથી ખસી ગયા બાદ ઈરાને પોતાના પરમાણુ કાર્યક્રમને ઘણી વિસ્તાર્યો છે.
અમેરિકાના સંરક્ષણમંત્રી પીટ હેગસેટના પૂર્વ નાયબ ચીફ ઑફ સ્ટાફ ડૅરિન સેલ્નિકે બીબીસી રેડિયો-4ના ટુડે કાર્યક્રમમાં કહ્યું કે જો રાષ્ટ્રપતિને લાગે કે ઈરાન ફરીથી હથિયાર બનાવવા યોગ્ય યુરેનિયમનું સંવર્ધન કરે છે તો તેઓ ફરીથી ‘સૈન્ય અભિયાન શરૂ’ કરી શકે છે.
તમારું ડિવાઇસ મીડિયા પ્લેબૅક સપોર્ટ નથી કરતું

SOURCE : BBC NEWS




