Source : BBC NEWS
ઇમેજ સ્રોત, rbkomar / SCIEPRO/SCIENCE PHOTO LIBRARY via Getty Images
ખગોળવિજ્ઞાનીઓ મોટાં-મોટાં વચનો આપી રહ્યા છે. ગત મે માસમાં નાસાએ 20 અબજ ડૉલરના ખર્ચે પરમાણુ અને સૌર ઊર્જા દ્વારા સંચાલિત એક કાયમી મૂન બેઝ ઊભો કરવાના કાર્યક્રમની વિસ્તૃત વિગતો રજૂ કરી હતી.
અવકાશ સંસ્થા ઇચ્છે છે કે, 2032 સુધીમાં માણસો ચંદ્ર પર “સેમી-પર્મેનન્ટ” (અર્ધકાયમી) ઘરોમાં રહી શકે.
સાથે જ તે લોકોને પ્રથમ વખત મંગળ ગ્રહ પર મોકલવાની યોજના પણ ઘડી રહી છે. તેના મતે, આ પ્રવાસ ખેડતાં આશરે સાતથી દસ મહિનાનો સમય લાગશે.
પણ જો આપણે પૃથ્વીથી લાંબા સમય સુધી દૂર રહીને જીવવું હોય, તો આપણે ત્યાં પ્રજનન પણ કરવું પડશે – અર્થાત્ કેટલીક અપરિચિત સ્થિતિનો સામનો કરવાના રસ્તા શોધવા પડશે.
પૃથ્વી ચુંબકીય ક્ષેત્ર અને વાતાવરણના જાડા સ્તરથી સુરક્ષિત છે, પણ તેનાથી અલગ, ચંદ્ર અને મંગળ જેવાં સ્થળોની સપાટી પર અવકાશના ઊંચા સ્તરના રેડિયેશનનો અવિરત મારો થતો રહે છે. વળી, તે બંને કદમાં પૃથ્વી કરતાં નાના હોવાથી ત્યાં આપણને ઘણા નબળા ગુરુત્વાકર્ષણનો અનુભવ થશે.
આ ઉપરાંત, ત્યાં પહોંચવાની પ્રક્રિયામાંથી પસાર થવું, એ પણ પડકારરૂપ છે – લાંબા અંતરની અવકાશયાત્રા માનવ શરીર પર અને તેના લીધે પ્રજનનની ક્ષમતા પર એવી અસર ઉપજાવી શકે છે, જે આપણે હજી સંપૂર્ણપણે સમજી શક્યા નથી.
બીજા ગ્રહ પર કે અવકાશમાં ગર્ભવતી થવું કોઈ સાયન્સ ફિક્શન જેવું લાગી શકે છે, પણ વિજ્ઞાનીઓનો એક સમુદાય હવે આ વિષય પર ઝીણવટપૂર્વક સંશોધન કરી રહ્યો છે.
અંતરિક્ષમાં ગર્ભવતી થવા અંગે સંશોધનમાં શું જાણવા મળ્યું
ઇમેજ સ્રોત, NASA
ડૉક્ટર નિકોલ મેકફર્સન ઑસ્ટ્રેલિયાની ઍડિલેડ યુનિવર્સિટીનાં વરિષ્ઠ વ્યાખ્યાતા છે અને ફ્રીમેસન્સ સેન્ટર ફૉર મેલ હેલ્થ ઍન્ડ વેલબીઇંગમાં સ્પર્મ ઍન્ડ ઍમ્બ્રિયો બાયોલૉજી ગ્રૂપ ચલાવે છે.
તેમણે તેમના પતિ સાથે અવકાશ પરની એક ડૉક્યુમેન્ટ્રી જોયા પછી અવકાશમાં પ્રજનનના વિચાર પર અભ્યાસ કરવાનું શરૂ કર્યું હતું.
મેકફર્સન કહે છે, “એક સંભવિત નાના અને મનોરંજક સાઇ-ફાઇ (સાયન્સ ફિક્શન) પ્રોજેક્ટ તરીકે થયેલી શરૂઆત હવે મહત્ત્વના સંશોધન ક્ષેત્રમાં પરિણમી છે.”
સંશોધકોની ટીમની સાથે તેમણે અવકાશમાં માઇક્રોગ્રેવિટી (સૂક્ષ્મ ગુરુત્વાકર્ષણ)ના અનુભવની સ્થિતિમાં પ્રજનન માર્ગની નકલ કરવા માટે તૈયાર કરવામાં આવેલી એક ભૂલભૂલામણીમાં આગળ વધવાની શુક્રાણુઓની ક્ષમતાનું માપન કર્યું હતું.
તેમને જાણવા મળ્યું હતું કે, અમુક શુક્રાણુઓ મુખ્યત્વે ભટકી ગયા હતા અને સામાન્ય ગુરુત્વાકર્ષણ ધરાવતા નિયંત્રણ જૂથની તુલનામાં 50 ટકા ઓછા શુક્રાણુ ભૂલભૂલામણીના છેડા સુધી પહોંચી શક્યા હતા.
મેકફર્સનના મતે, આ અભ્યાસ મંગળ જેવા ચોક્કસ ગ્રહો પર ગુરુત્વાકર્ષણની સ્થિતિની નકલ કરતો નહોતો, બલ્કે તેણે શુક્રાણુની સામાન્ય વર્તણૂકમાં પૃથ્વીનું ગુરુત્વાકર્ષણ જે ભૂમિકા ભજવે છે, તે દર્શાવ્યું હતું.
તેઓ જણાવે છે, “તેના પરથી એ ઉજાગર થાય છે કે, શુક્રાણુઓ કુદરતી ગર્ભાધાનમાં એક મૂળભૂત ગુરુત્વાકર્ષણના ખેંચાણનો ઉપયોગ કરે છે.”
ગુરુત્વાકર્ષણના પડકારો એકલા ગર્ભાધાન પૂરતા મર્યાદિત નથી. સંશોધકોએ ઉંદરમાં ભ્રૂણના વિકાસના પ્રથમ 24 કલાક પર માઇક્રોગ્રેવિટી (સૂક્ષ્મ ગુરુત્વાકર્ષણ)ની અસરનો પણ અભ્યાસ કર્યો હતો.
મેકફર્સન જણાવે છે, “અમે નકારાત્મક પરિણામો જોયાં હતાં – ભ્રૂણનો સાવ નબળો વિકાસ અને તે પછી તે પ્રારંભિક ભ્રૂણની લાક્ષણિકતાઓ પણ નબળી રહી હતી.”
નાસા ખાતેના વરિષ્ઠ સંશોધન વિજ્ઞાની ડૉક્ટર ફાથી કારુઇયા કહે છે, “(માઇક્રોગ્રેવિટી) કોષો કેવી રીતે વિભાજિત થાય છે, સ્વયંને કેવી રીતે ગોઠવે છે અને કેવી રીતે સંચાર (કમ્યુનિકેશન) કરે છે તેના પર અસર ઉપજાવે છે – ગર્ભધારણ અને ભ્રૂણના વિકાસ માટેની આ તમામ અગત્યની પ્રક્રિયાઓ છે.”
અંડાશય પર રેડિયેશન (કિરણોત્સર્ગ) સાથેના સંપર્કની કેવી અસર થાય?
ઇમેજ સ્રોત, DrPixel via Getty Images
અવકાશમાં બીજો મોટો પડકાર રેડિયેશનનો છે.
પુરુષોના શુક્રાણુઓ અને મહિલાઓના અંડકોષમાં વિકાસ પામતા વિશિષ્ટ કોષો એવા જર્મ સેલ્સ (પ્રજનન કોષો) માટે આ કિરણોત્સર્ગ હાનિકારક હોવાનું સર્વવિદિત છે.
પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર અવકાશમાં રહેલા સૌથી ખરાબ રેડિયેશન સામે આપણું રક્ષણ કરે છે, પણ તેની બહાર મંગળ સહિતનાં સ્થળોએ આખી અલગ જ સ્થિતિ છે.
તુર્કીની યુનિવર્સિટી ઑફ હેલ્થ સાયન્સિઝ ખાતે ઍરસ્પેસ મેડિસિન સ્પેશ્યાલિસ્ટ ડૉક્ટર અબ્દુર્રહમાન એન્ગિન જણાવે છે કે, ગેલેક્ટિક કૉસ્મિક રેડિયેશન (જીસીઆર) સુપરનોવા તરીકે ઓળખાતા તારાઓના વિસ્ફોટ જેવી બ્રહ્માંડીય ઘટનાઓ દ્વારા ઉદ્ભવે છે.
અને આ વિસ્ફોટોમાં એવા કણો રહેલા હોય છે, જે અવકાશયાનના કવચને પાર કરીને માનવીની પેશીઓમાં ઊંડે સુધી પ્રવેશી શકે છે અને તે પૃથ્વી પરના વિકિરણો કરતાં ઘણા વધારે હોય છે.
તેમણે એક સરળ પ્રશ્નનો જવાબ મેળવવા માટે એક અભ્યાસ હાથ ધર્યો હતો – ભવિષ્યના મંગળ મિશન પર જો કોઈ અનુમાનિત ગર્ભાવસ્થા થાય, તો શું જીસીઆરની માત્રા પૃથ્વી પર ગર્ભાવસ્થા માટે સલામત ગણાતી રેડિયેશનની માત્રા કરતાં વધી જશે?
તેઓ કહે છે, “કમનસીબે, જવાબ “હા” હોય, એવું પ્રતીત થઈ રહ્યું છે.”
પૃથ્વીથી મંગળ સુધીના અંદાજે છ મહિનાના પ્રવાસ દરમિયાન, ગર્ભવતી અવકાશયાત્રી 90 અને 300ની વચ્ચેના મિલિસિવર્ટ્સ જેટલા કુલ રેડિયેશનના સંપર્કમાં આવી શકે છે.
આ પ્રમાણ યુએસ નૅશનલ કાઉન્સિલ ઑન રેડિયેશન પ્રોટેક્શન ઍન્ડ મેઝરમેન્ટ દ્વારા નક્કી કરવામાં આવેલી ગર્ભાવસ્થા દરમિયાન વ્યાવસાયિક સંપર્કની પાંચ મિલિસિવર્ટની મર્યાદા કરતાં ઘણું જ વધારે છે.
રેડિયેશનનો આટલો ઊંચો સંપર્ક વિકાસના પ્રારંભિક તબક્કામાં ભ્રૂણ માટે નોંધપાત્ર જોખમ ઊભું કરી શકે છે અને સંભવતઃ તેના ડીએનએને પણ નુકસાન પહોંચાડે છે.
એન્ગિન જણાવે છે, “પ્રારંભિક વિકાસ દરમિયાન કોષોના ઝડપી વિભાજન તથા અંગોની રચનાની પ્રક્રિયા થઈ રહી હોવાથી ડીએનએની સંરચના, ડીએનએની મરામત કે કોષોના વિકાસમાં જરા અમથો વિક્ષેપ પડવાથી પણ જીવનભરનાં પરિણામો ભોગવવાં પડી શકે છે.”
તે જોખમોમાં કસુવાવડ, વિકાસ રૂંધાઈ જવો, જન્મજાત ખોડખાંપણ, ન્યૂરોલૉજિકલ ખામીઓ અને બાળકને આજીવન કૅન્સરના જોખમનો સમાવેશ થાય છે.
ડૉક્ટર એન્ગિન જણાવે છે કે, અવકાશયાનને કવચથી સજ્જ કરવા જેવી અમુક ટેકનૉલૉજી કે સૌર ચક્રના ચોક્કસ તબક્કાઓ દરમિયાન મિશનનું આયોજન કરવાથી જોખમ ઓછું થઈ શકે છે, પણ જીસીઆરને સંપૂર્ણપણે નાબૂદ કરવું “અત્યંત મુશ્કેલ” છે.
કારુઈયાના જણાવ્યા મુજબ, રેડિયેશન અને સૂક્ષ્મ ગુરુત્વાકર્ષણ (માઇક્રોગ્રેવિટી) સાથે મળીને “મૂળભૂત સ્તરે જીવવિજ્ઞાનને પ્રભાવિત કરે છે”, પણ તે સિવાયના પડકારો પણ મોજૂદ છે.
તેઓ કહે છે, “સ્પેસફ્લાઇટ હોર્મોનના નિયમન, નિદ્રાની સાઇકલ અને સર્કેડિયન રિધમ (જૈવિક ઘડિયાળ)માં પણ વિક્ષેપ સર્જે છે – આ તમામ પરિબળો પ્રજનન આરોગ્ય સાથે નિકટતાથી જોડાયેલાં છે.”
તેઓ સમજાવે છે કે, જ્યારે આ પરિબળો ભેગાં થાય છે, ત્યારે તે અંડાશયની અંદર રહેલા શુક્રાણુ કે અંડકોષની ગુણવત્તાથી લઈને ગર્ભાવસ્થા દરમિયાન ભ્રૂણના વિકાસ માટેનાં જરૂરી હોર્મોન્સ સહિતની તમામ ચીજોમાં વિક્ષેપ સર્જી શકે છે.
જીવવિજ્ઞાનના પાઠ
ઇમેજ સ્રોત, DrPixel via Getty Images
પૃથ્વીની પેલે પાર જીવન ટકાવી રાખવા વિશે વિચાર કરતી વખતે માનવી અવકાશમાં પ્રજનન કરી શકે છે કે કેમ, તે સમજવું જરૂરી છે.
પણ આ બાબત અવકાશયાત્રીઓના રક્ષણ સાથે પણ જોડાયેલી છે, એમ સ્વિડન સ્થિત ઉપસલા યુનિવર્સિટી ખાતે મોલેક્યુલર અને સેલ્યુલર બાયોલૉજીના પ્રોફેસર જાન-બર્ન્ડ સ્ટુકેનબોર્ગ જણાવે છે.
તેઓ આગળ કહે છે કે, માનવીઓ ભલે હજી સુધી અવકાશમાં પ્રજનન ન કરી રહ્યા હોય, પણ અવકાશયાત્રીઓ અને તેમના જર્મ સેલ્સ અગાઉથી જ આ સ્થિતિનો સામનો કરી રહ્યા છે. વળી, જર્મ સેલ્સ પર રેડિયેશનની અસર અંગેનું સંશોધન તેમનું રક્ષણ કરવાના માર્ગો વિકસાવવામાં ઉપયોગી નીવડી શકે છે.
સ્ટુકેનબોર્ગ જણાવે છે, “જો અવકાશયાત્રાને પગલે ત્વચાના કોઈ કોષમાં કોઈ સમસ્યા સર્જાય, તો જ્યારે તમે મૃત્યુ પામશો, ત્યારે ત્વચાનો તે કોષ પણ તમારી સાથે જ મૃત્યુ પામશે.”
પણ જર્મ સેલ્સ (પ્રજનન કોષો)ને થતું નુકસાન આગામી પેઢીમાં પસાર થઈ શકે છે, પછી ભલે અવકાશયાત્રીઓ અવકાશમાં પ્રજનન કરવાનો પ્રયત્ન ન કરી રહ્યા હોય.
તેઓ જણાવે છે કે, “આથી જ, હું માનું છું કે, આ અભ્યાસો અતિશય મહત્ત્વના છે.”
મેકફર્સન કહે છે કે, આ વિષય પર વધુ સંશોધન આપણને માનવ જીવવિજ્ઞાન વિશેની અન્ય અને વધુ પાયાગત બાબતો સમજવામાં મદદરૂપ થઈ શકે છે.
ઉદાહરણ તરીકે, તેમના સંશોધનમાં માલૂમ પડ્યું હતું કે, પ્રયોગોમાં ભૂલભૂલામણીના છેડે પહોંચવામાં સફળ રહેલા શુક્રાણુઓમાં એવાં લક્ષણો જણાયાં હતાં, જે તેમને ગર્ભાધાન અને પ્રારંભિક વિકાસ દરમિયાન ફાયદો પહોંચાડતા હોય.
તેઓ આગળ કહે છે, “જો આપણે સમજી શકીએ કે, છેક છેડા સુધી પહોંચી શકતા શુક્રાણુઓ કઈ વિશેષતાઓ ધરાવે છે… તો પછી આપણે આઇવીએફમાં કે પછી એગ્રીકલ્ચર આઇવીએફમાં તેમની પસંદગી કરી શકીશું.”
પુરુષો કેન્દ્રિત પૂર્વગ્રહો
ઇમેજ સ્રોત, Soshi Yamada via Getty Images
હવે નિષ્ણાતો પણ કબૂલે છે કે, વધુને વધુ મહિલાઓ અવકાશમાં જઈ રહી છે, ત્યારે અવકાશમાં પ્રજનન અંગેના અભ્યાસોનો વ્યાપ વધારવો જરૂરી છે, જેથી તેમાં પુરુષ કેન્દ્રિત પૂર્વગ્રહ ન રહે.
સ્ટુકેનબોર્ગ દ્વારા ટાંકવામાં આવેલું સંશોધન સૂચવે છે કે, મહિલા અવકાશયાત્રીઓ લાંબા ગાળાના સ્પેસ મિશન દરમિયાન તેમનો માસિક ધર્મ રોકવા માટે મુખ્યત્વે ગર્ભનિરોધક ગોળીઓનો ઉપયોગ કરે છે.
મેકફર્સન જણાવે છે કે, માસિક ચક્ર પર અવકાશના વાતાવરણની થતી અસર જાણવા માટે વધુ સંશોધન થવું જરૂરી છે.
કારુઇયા કહે છે કે, રેડિયેશનને કારણે અંડાશયની કાર્યક્ષમતા પ્રભાવિત થતી હોવાના અને માઇક્રોગ્રેવિટી અંડકોષની વૃદ્ધિમાં વિક્ષેપ સર્જતી હોવાના પુરાવા મોજૂદ છે.
અને તેમના મતે, આ વિશે વધુ સમજૂતી મેળવવા આડેની સૌથી મોટી ખામી ગર્ભાવસ્થા પોતે જ છે.
તેઓ આગળ કહે છે, “સસ્તનવર્ગનાં પ્રાણીઓની સમગ્ર ગર્ભાવસ્થા અવકાશમાં કેવી રીતે આગળ વધશે, તે વિશે અને ખાસ કરીને ગર્ભના ગર્ભાશયમાં સ્થાપન, ગર્ભનાળના વિકાસ અને અંગોની રચના વિશે કોઈ આધુનિક ડેટા મોજૂદ નથી.”
લગભગ દરેક વ્યક્તિ આ બાબત સાથે સંમત થશે – આ ક્ષેત્રે અઢળક કામ કરવાનું બાકી છે અને તે કરવું અત્યંત આવશ્યક છે.
સ્ટુકેનબોર્ગ કહે છે, “તે વર્જિત વિષય ન હોવો જોઈએ… હવે આપણે તેના વિશે વિચારવું પડશે.”
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન
SOURCE : BBC NEWS




