Home તાજા સમાચાર gujrati આઇઆઇટી બૉમ્બે : વિદ્યાર્થીના મોત મામલે પ્રોફેસરને ડીન પદેથી ખસેડ્યા, અત્યાર સુધીમાં...

આઇઆઇટી બૉમ્બે : વિદ્યાર્થીના મોત મામલે પ્રોફેસરને ડીન પદેથી ખસેડ્યા, અત્યાર સુધીમાં શું માહિતી સામે આવી?

2
0

Source : BBC NEWS

18 સપ્ટેમ્બરે, આઇઆઇટી મુંબઈના વિદ્યાર્થીઓએ બીજા વર્ષની અભ્યાસ કરતા એક વિદ્યાર્થીનો મૃતદેહ તેના રૂમમાં મળી આવ્યા બાદ વિરોધપ્રદર્શન થયું હતું

ઇમેજ સ્રોત, ANI

પ્રકાશિત

વાંચવાનો સમય: 6 મિનિટ

આઇઆઇટી મુંબઈએ વિદ્યાર્થી સાહિલ વાકોડેના મોતના મામલે પ્રોફેસર સૂર્યનારાયણ દુલ્લાને વહીવટી બાબતોના ડીન પદ પરથી હઠાવી દીધા છે. આઇઆઇટી મુંબઈના મીડિયા સંયોજકે મીડિયાને જણાવ્યું કે પ્રોફેસર દુલ્લાને સસ્પેન્ડ કરાયા નથી, પરંતુ તેમને પદ પરથી દૂર કરાયા છે.

18 સપ્ટેમ્બરે, આઇઆઇટી મુંબઈના વિદ્યાર્થીઓએ બીજા વર્ષની અભ્યાસ કરતા એક વિદ્યાર્થીનો મૃતદેહ તેના રૂમમાં મળી આવ્યા બાદ વિરોધપ્રદર્શન થયું હતું.

આઇઆઇટીએ પોતાની એક પ્રેસ યાદીમાં જણાવ્યું હતું કે પરીક્ષા દરમિયાન મોબાઇલ ફોનનો ઉપયોગ કરતાં પકડાયેલા એક વિદ્યાર્થીએ આત્મહત્યા કરી હતી. આ મામલે આઇઆઇટીએ માફી પણ માગી હતી.

આઇઆઇટી વહીવટીતંત્રે પોતાના નિવેદનમાં જણાવ્યું હતું કે પરીક્ષા દરમિયાન શિક્ષકે વિદ્યાર્થીને નકલ કરતા રોક્યા બાદ તેણે આ પગલું ભર્યું હતું. ત્યાર બાદ સંસ્થાએ 21 સપ્ટેમ્બરે માફી માગી હતી.

આ કેસમાં પ્રોફેસર તથા આઇઆઇટીના અધિકારીઓ સામે પોલીસમાં ફરિયાદ પણ નોંધાઈ છે. વિદ્યાર્થીનાં માતાપિતાએ પ્રોફેસર વિરુદ્ધ આત્મહત્યા માટે ઉશ્કેરવાનો અને જાતિવાચક અપશબ્દોનો ઉપયોગ કરવાનો આરોપ લગાવી ફરિયાદ નોંધાવી છે.

જોકે આઇઆઇટી બૉમ્બેએ જાતિ આધારિત ભેદભાવ અને દુર્વ્યવહારના આરોપોને નકારી કાઢ્યા છે.

મુંબઈ આઇઆઇટી ફેકલ્ટી ફોરમે વિદ્યાર્થીના મોત અંગે દુઃખ વ્યક્ત કરતાં સંબંધિત શિક્ષક પ્રત્યે સમર્થન પણ વ્યક્ત કર્યું છે.

આઇઆઇટી બૉમ્બેના ડાયરેક્ટર પ્રોફેસર શિરીષ કેદારે સ્પષ્ટતા કરી છે કે તેમણે રાજીનામું નથી આપ્યું.

(આત્મહત્યા એક ગંભીર માનસિક અને સામાજિક સમસ્યા છે. જો તમે પણ તણાવનો સામનો કરી રહ્યા હો, તો તમે ભારત સરકારની જીવન સાથી હેલ્પલાઇન 18002333330 દ્વારા મદદ મેળવી શકો છો. તમારે તમારા મિત્રો અને સંબંધીઓ સાથે પણ આ વિશે વાત કરવી જોઈએ.)

વિદ્યાર્થીના મોત સંબંધિત માહિતી જાહેર કરવા બદલ આઇઆઇટીએ માફી માગી

આઇઆઇટી બૉમ્બેએ વિદ્યાર્થી સાહિલ વાકોડેના મોત બાદ જાહેર કરાયેલા પોતાના નિવેદન માટે માફી માગી છે.

આઇઆઇટી બૉમ્બેએ 21 સપ્ટેમ્બરે તેના સત્તાવાર ઍક્સ એકાઉન્ટ પર પોસ્ટ કરીને જણાવ્યું હતું, “સાહિલના દુર્ભાગ્યપૂર્ણ અવસાન સાથે સંબંધિત પરિસ્થિતિઓ અંગે જે નિવેદન આપવામાં આવ્યું હતું, તેના માટે અમે માફી માગીએ છીએ.”

આ પહેલાં આઇઆઇટીએ સાહિલના મૃત્યુ પહેલાં બનેલી ઘટનાઓ અંગે કેટલીક વિગતવાર માહિતી જાહેર કરી હતી.

તે બાબતે માફી માગતા સંસ્થાએ જણાવ્યું હતું, “સાહિલના મોત પહેલાં બનેલી ઘટનાઓ અને તે સમયની પરિસ્થિતિઓ હાલમાં તપાસ હેઠળ છે અને તે સંબંધિત સત્તાધિકારીઓ દ્વારા તપાસ કરાઈ રહી છે.”

આઇઆઇટીએ વધુમાં જણાવ્યું હતું કે તપાસ ચાલુ હોવાથી તેમના મૃત્યુનાં ચોક્કસ કારણો અંગે પૂરી તપાસ થયા પહેલાં કોઈ વિવરણ આપવું યોગ્ય નહીં ગણાય.

સંસ્થાના જણાવ્યા મુજબ, મૃત્યુનાં કારણો અંગેની કોઈ પણ અંતિમ માહિતી સંપૂર્ણ તપાસ પૂર્ણ થયા પછી જ સ્પષ્ટ થઈ શકશે.

ફરિયાદમાં શું કહેવાયું છે?

બીબીસી ગુજરાતી આઇઆઇટી બૉમ્બે વિદ્યાર્થી મૃત્યુ ડીન સૂર્યનારાયણ દુલ્લા પ્રોફેસર

આઇઆઇટી બૉમ્બેના ઍનર્જી સાયન્સ ઍન્ડ એન્જિનિયરિંગ વિભાગના બીજા વર્ષના એક વિદ્યાર્થીનો મૃતદેહ 18 સપ્ટેમ્બરની સાંજે તેના રૂમમાં મળ્યો હતો.

આ ઘટના બાદ વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થિનીઓએ શિક્ષણ પ્રક્રિયામાં પારદર્શિતા અને સુરક્ષાના મુદ્દાને ઉઠાવતા આઇઆઇટી બૉમ્બેના કૅમ્પસમાં વિરોધપ્રદર્શન કર્યું.

મૃત વિદ્યાર્થીનાં માતાપિતાએ ફેકલ્ટી ટીચર સહિત સંસ્થાના વરિષ્ઠ અધિકારીઓ વિરુદ્ધ પવઈ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. આ ફરિયાદના આધારે પોલીસે એસસી, એસટી અત્યાચાર નિવારણ કાયદા હેઠળ કેસ દાખલ કર્યો છે. સાથે સાથે આ મામલે તપાસ શરૂ કરવાની વાત કરી છે.

પોલીસ ફરિયાદમાં જણાવાયું છે કે “સંસ્થાના ડાયરેક્ટર અને ફેકલ્ટી ટીચરે જાતિવિષયક અપશબ્દો કહ્યા અને માનસિક ત્રાસ આપ્યો હતો. અમારા દીકરાને આત્મહત્યા કરવા મજબૂર કરાયો હતો.”

સાહિલના પિતાએ ફરિયાદમાં એ પણ જણાવ્યું હતું કે સાહિલે તેમને કહ્યું હતું કે છેલ્લા કેટલાક દિવસોથી તેને સતત હેરાન કરાઈ રહ્યો હતો.

ફરિયાદ અનુસાર, “છેલ્લા ત્રણ મહિનાથી શિક્ષક નિદેશકના સૂચન પર જાતિના આધારે બાળકને હેરાન કરી રહ્યા હતા. શિક્ષક મને ધમકી આપતા હતા કે મારી જાતિના કારણે તેઓ મને કોઈ પણ ખોટા કેસમાં ફસાવી શકે છે.”

ફરિયાદમાં વધુમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે આ અંગેની માહિતી સાહિલે ફોન પર પોતાના પિતાને આપી હતી.

આઇઆઇટી પ્રશાસને શું કહ્યું?

બીબીસી ગુજરાતી આઇઆઇટી બૉમ્બે વિદ્યાર્થી મૃત્યુ ડીન સૂર્યનારાયણ દુલ્લા પ્રોફેસર

ઇમેજ સ્રોત, IIT Bombay

આઇઆઇટી બૉમ્બેએ 19 સપ્ટેમ્બરની સાંજે એક પ્રેસ નિવેદન જાહેર કરીને જણાવ્યું હતું કે બીજા વર્ષમાં અભ્યાસ કરતા એક વિદ્યાર્થીએ સાંજે આત્મહત્યા કરી હતી.

વિદ્યાર્થીએ પરીક્ષા દરમિયાન પોતાના મોબાઇલ ફોનનો ઉપયોગ કરીને જવાબો લખવાનો પ્રયાસ કર્યો હતો. આઇઆઇટીએ નિવેદનમાં જણાવ્યું હતું કે વિદ્યાર્થીએ પ્રશ્નપત્રના પ્રશ્નોના જવાબ મેળવવા માટે તેને ચેટજીપીટી પર અપલોડ કર્યો હતો.

આઇઆઇટીએ પોતાના નિવેદનમાં કહ્યું હતું, “વિદ્યાર્થી વિરુદ્ધ કોઈ શિસ્તભંગની કાર્યવાહી કરાઈ નહોતી. ઘટના બાદ વિદ્યાર્થી અંગે શિક્ષક અને વિભાગના વડા સાથે ચર્ચા કરવામાં આવી હતી. વિભાગના વડાએ તેને સમજાવ્યું હતું અને ખાતરી આપી હતી કે આ ઘટનાની તેના ભવિષ્ય કે કારકિર્દી પર કોઈ નકારાત્મક અસર નહીં થાય.”

ત્યાર બાદ વિદ્યાર્થી પોતાના રૂમમાં ગયો હતો અને પછી તે મૃત હાલતમાં મળી આવ્યો હતો.

આઇઆઇટીએ વિદ્યાર્થીના મોત અંગે ઊંડું દુઃખ વ્યક્ત કર્યું હતું.

સંસ્થાએ જણાવ્યું હતું કે આઇઆઇટી મુંબઈનું વહીવટીતંત્ર તપાસમાં સંબંધિત સત્તાધિકારીઓને સંપૂર્ણ સહયોગ આપશે.

નિવેદનમાં મૃતકના પરિવારની ગોપનીયતા અને નિજતાનો આદર રાખવાની અપીલ પણ કરવામાં આવી હતી.

આ ઉપરાંત, આઇઆઇટી બૉમ્બે પ્રશાસને અપીલ કરી હતી કે તપાસ પૂર્ણ ન થાય ત્યાં સુધી કોઈ પણ પ્રકારની અટકળો અથવા અનુમાન લગાડવામાં ન આવે.

આ મામલે આઇઆઇટીના શિક્ષકોએ પણ નિવેદન જાહેર કર્યું

આઇઆઇટી ફેકલ્ટી ફોરમે પ્રોફેસર સૂર્યનારાયણ દુલ્લાને સમર્થન આપતાં જણાવ્યું હતું કે તેમણે પરીક્ષા દરમિયાન એક વિદ્યાર્થીને ગેરરીતિ કરતાં અટકાવ્યો હતો.

આઇઆઇટી બૉમ્બેના ફેકલ્ટી ફોરમના નિવેદનમાં કહેવામાં આવ્યું હતું, “વિદ્યાર્થીના અવસાનથી અમે ખૂબ વ્યથિત છીએ અને તેમના પરિવારના દુઃખમાં અમે સાથે છીએ. અમે અમારા સહકર્મી પ્રોફેસર સૂર્યનારાયણ દુલ્લાની સાથે ઊભા છીએ. તેઓ સૅનેટ દ્વારા મંજૂર કરવામાં આવેલી શૈક્ષણિક નીતિઓ અનુસાર પોતાની ફરજો નિભાવી રહ્યા હતા.”

મધ્યસત્ર પરીક્ષા દરમિયાન સંબંધિત વિષયના શિક્ષક તરીકે પ્રોફેસર દુલ્લા પરીક્ષા દેખરેખની જવાબદારી સંભાળી રહ્યા હતા.

તે સમયે તેમણે જોયું કે એક વિદ્યાર્થી સ્માર્ટફોનનો ઉપયોગ કરી રહ્યો હતો. ત્યાર બાદ તેમણે પરીક્ષા દરમિયાન જ નિયમો અનુસાર કાર્યવાહી કરી હતી અને ઘટનાની જાણ સંસ્થાના સંબંધિત અધિકારીઓને કરી હતી.

આઇઆઇટી બૉમ્બે ફેકલ્ટી ફોરમે વધુમાં જણાવ્યું હતું કે “તેમની ફરજ બજાવતી વખતે બનેલી એક ઘટનાને આધારે તેમની પ્રતિષ્ઠાને નુકસાન પહોંચાડવાના પ્રયાસોથી અમને દુઃખ થયું છે.”

પોલીસે શું માહિતી આપી?

બીબીસી ગુજરાતી આઇઆઇટી બૉમ્બે વિદ્યાર્થી મૃત્યુ ડીન સૂર્યનારાયણ દુલ્લા પ્રોફેસર

આ ઘટનાના સંદર્ભમાં મીડિયા સાથે વાત કરતાં ડીસીપી દત્તાત્રેય નલવાડેએ 19 સપ્ટેમ્બરે જણાવ્યું હતું કે આઇઆઇટી પવઈમાં એક વિદ્યાર્થીએ આત્મહત્યા કરી હતી.

તેમણે કહ્યું, “આ ઘટના બાદ કેટલાક આઇઆઇટી વિદ્યાર્થીઓ એકત્ર થયા હતા અને પોતાની માગણીઓ સાથે વિરોધપ્રદર્શન શરૂ કર્યું હતું.”

તેમણે વધુમાં જણાવ્યું, “આઇઆઇટી પ્રશાસને વિદ્યાર્થીઓ સાથે ચર્ચા કરીને મામલાનો સૌહાર્દપૂર્ણ ઉકેલ લાવવાનો પ્રયાસ કર્યો હતો. પોલીસે પણ અહીં તમામ જરૂરી વ્યવસ્થાઓ કરી રાખી હતી. મૃતક વિદ્યાર્થી બી.ટેકના બીજા વર્ષનો વિદ્યાર્થી હતો. આ મામલે એડીઆર દાખલ કરી છે અને આગળની તપાસ ચાલુ છે.”

કૅમ્પસમાં વિદ્યાર્થીઓનું વિરોધપ્રદર્શન

આ ઘટના બાદ વિદ્યાર્થીઓમાં ભારે રોષ જોવા મળ્યો હતો. પોતાની વિવિધ માગણીઓ સાથે વિદ્યાર્થીઓએ વિરોધપ્રદર્શન કર્યું હતું.

સમાચાર એજન્સી એએનઆઈ સાથે વાત કરતાં વિરોધપ્રદર્શનમાં સામેલ એક વિદ્યાર્થીઓએ કૅમ્પસમાં વિદ્યાર્થીઓની સુરક્ષા અને શિક્ષણ પ્રણાલીની પારદર્શિતાને લઈને સવાલો ઉઠાવ્યા હતા.

તેમણે કહ્યું, “હું આઇઆઇટી બૉમ્બેમાં ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગના ત્રીજા વર્ષમાં અભ્યાસ કરું છું. આજે અમે વિરોધપ્રદર્શન કરી રહ્યા છીએ, કારણ કે અમારી કૉલેજના એક વિદ્યાર્થીએ આત્મહત્યા કરી છે. અમે આ મામલે પ્રશાસન પાસેથી જવાબદારી અને પારદર્શિતાની માગ સાથે વિરોધ કરી રહ્યા છીએ.”

તેમણે આગળ જણાવ્યું, “આ પ્રકારની આ પહેલી ઘટના નથી. આ વર્ષે આવી ચાર ઘટના બની ચૂકી છે, જેમાંથી બે છેલ્લા બે મહિનામાં બની છે. આવું શા માટે થઈ રહ્યું છે અથવા તેનાં કારણો શું છે તે અંગે અમને સંપૂર્ણપણે અજાણ રાખવામાં આવ્યા છે.”

વિરોધ કરી રહેલા વિદ્યાર્થીઓએ માગ કરી કે “અમારી એકમાત્ર માગ એ છે કે ડીન, નિદેશક અને પ્રશાસન એક અહેવાલ રજૂ કરે. તેમાં તેઓએ સમગ્ર મામલે તપાસ કરવી જોઈએ, જવાબદારી અને પારદર્શિતા સુનિશ્ચિત કરવી જોઈએ અને તેમના કાર્યકાળ દરમિયાન આવી ઘટનાઓ ફરી નહીં બને તેની ખાતરી આપવી જોઈએ.”

આ વિરોધપ્રદર્શન બાદ ડૉ. સૂર્યનારાયણ દુલ્લાને ડીનના પદ પરથી હઠાવી દેવાયા છે.

મહત્ત્વની સૂચના:

માનસિક બીમારીઓનો ઉપચાર દવાઓ અને થેરાપી દ્વારા શક્ય છે. તેના માટે તમારે મનોચિકિત્સકની મદદ લેવી જોઈએ. જો તમે અથવા તમારા કોઈ ઓળખીતાને આવી માનસિક બીમારીના લક્ષણોનો અનુભવ થઈ રહ્યો હોય, તો સહાય મેળવવા માટે તમે આ હેલ્પલાઇન નંબર પર સંપર્ક કરી શકો છો.

સામાજિક ન્યાય અને અધિકારિતા મંત્રાલય – 1800-599-0019 (13 ભાષાઓમાં ઉપલબ્ધ)

માનવ વર્તન અને સંલગ્ન વિજ્ઞાન સંસ્થાન – 9868396824, 9868396841, 011-22574820

રાષ્ટ્રીય માનસિક આરોગ્ય અને ન્યુરો વિજ્ઞાન સંસ્થાન – 080-26995000

વિદ્યાસાગર ઇન્સ્ટિટ્યૂટ ઑફ મેન્ટલ હેલ્થ ઍન્ડ એલાઇડ સાયન્સેસ, 24×7 હેલ્પલાઇન – 011 2980 2980

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

SOURCE : BBC NEWS