Source : BBC NEWS
ઇમેજ સ્રોત, Getty Images
(ચેતવણી: આ અહેવાલની કેટલીક વિગતો કેટલાક વાચકોને વિચલિત કરી શકે છે)
8મી જાન્યુઆરી, 1996ના રોજ મર્સિડ ગુઇમરેસ ડોસ એન્જોસ 1866માં બનાવવામાં આવેલા તેમના ઘરના વિસ્તરણના કામને ઉત્સુકતાથી જોઈ રહ્યાં હતાં. રિયો ડી જાનેરોના બંદર વિસ્તારમાં આવેલું આ ઘર તેમના જીવનમાં તેમણે ખરીદેલું પ્રથમ ઘર હતું. છ વર્ષની બચત પછી આખરે તેમનું સપનું સાકાર થયું હતું. રિનોવેશનનું કામ હજુ તો શરૂ જ થયું હતું, તેના ગણતરીના કલાકોમાં જ કંઈક એવું સામે આવ્યું, જેની કોઈને કલ્પના પણ નહોતી. ખોદકામ ચાલતું હતું, ત્યારે જમીનમાંથી માનવીનાં હાડકાં મળી આવ્યાં.
પહેલાં તો મજૂરોને લાગ્યું કે, તે હાડકાં કોઈ પ્રાણીનાં હશે, પણ મર્સિડને વિશ્વાસ ન આવ્યો. માટી તથા કાટમાળની તપાસ કરતાં તેમને એક પુખ્ત વ્યક્તિના મોંના દાંતનો સેટ મળી આવ્યો. “મેં બિલ્ડરને કહ્યું હતું, ‘આ કૂતરાનાં હાડકાં નથી, માનવીનાં છે.'” મર્સિડે બીબીસી ન્યૂઝ બ્રાઝિલને જણાવ્યું હતું, “બિલ્ડરે આ સાંભળીને તરત જ છાતી પર ક્રોસની સંજ્ઞા કરી.” થોડી જ વાર પછી મર્સિડને દાંતનો બીજો, નાનો સેટ મળ્યો. “મેં તેમને કહ્યું, ‘આ નાના છોકરાના છે.’ આ સાંભળીને તે રડવા માંડ્યા. ત્યાં હાજર દરેક વ્યક્તિ ક્ષણભર માટે ડઘાઈ ગઈ હતી.”
ઘરની નીચેથી મળેલા અવશેષો અને મૃતદેહોની અફવાઓ
ઇમેજ સ્રોત, IPN
તે પછી ઘર નીચેથી વધુને વધુ માનવ અવશેષો નીકળવા માંડ્યા (તેમાંના ઘણા અવશેષો તૂટેલા હતા). મર્સિડ તેમને અલગ કરીને બોક્સમાં મૂકવા માંડ્યા. આ દરમિયાન, આ બનાવ વિશે જાત-ભાતના તર્ક-વિતર્કો અને દલીલોએ વેગ પકડ્યો. “આ સમય દરમિયાન અમારા મનમાં અનેક વિચારો આવી રહ્યા હતા. અમે એમ પણ વિચાર્યું કે, આ ઘરના જૂના માલિકે લોકોની હત્યા કરીને તેમને અહીં દાટી દીધા હશે, કે પછી આ કોઈ સિરીયલ કિલરનું કૃત્ય હશે.”
આ તમામ પ્રશ્નોના જવાબ ટૂંક સમયમાં જ મળી ગયા. આ વિસ્તારના ઇતિહાસથી વાકેફ એક પાડોશી જૂનો નકશો લઈને ત્યાં જઈ પહોંચ્યા. “મારી સામે જોઈને તેમણે કહ્યું, ‘તમે જે ઘરમાં રહો છો, તે ઘર એક જૂના કબ્રસ્તાન ઉપર બનેલું છે. જે લોકો ગુલામો હતા, એમને અહીં દફનાવવામાં આવ્યા હતા.'” મર્સિડે અજાણતામાં જ ‘નવા અશ્વેતોનું કબ્રસ્તાન’ શોધી કાઢ્યું હતું, જે ઘણાં વર્ષોથી ગુમ થઈ ગયું હતું. 1770 અને 1830ની વચ્ચેના ગાળામાં આશરે 40,000 લોકોને અહીં દફનાવવામાં આવ્યા હતા.
ઇતિહાસકારોને જૂના ચર્ચના રેકોર્ડના આધારે કબ્રસ્તાનનું અસ્તિત્વ હોવાની જાણકારી હતી, પણ શહેર વિસ્તરવા સાથે તેનું ચોક્કસ સ્થાન ખોવાઈ ગયું હતું. તાજેતરમાં બ્રાઝિલમાં લાવવામાં આવેલા આફ્રિકન ગુલામો માટે ‘નવા અશ્વેત (ન્યૂ બ્લૅક્સ)’ શબ્દ વપરાતો હતો. તે સમયે તેમાંના ઘણા લોકો પોર્ટુગીઝ ભાષા બોલી શકતા નહોતા.
આફ્રિકન ગુલામોની તસ્કરી
ઇમેજ સ્રોત, Divulgação
મર્સિડ કહે છે, “મેં અહીં અશ્વેત લોકોની કત્લેઆમ જોઈ છે.” પોતાના ઘરના તળિયા નીચેથી માનવ અવશેષો મળી આવ્યાનો આઘાત હજુયે તેમને યાદ છે. તેમાંના કેટલાક અવશેષો બાળકોના પણ હતા, જેમને હજી સુધી પૂરા દાંત પણ આવ્યા નહોતા. “અમે આ વિશે કશું જાણતા નહોતા. અમને કદીપણ કોઈએ કહ્યું ન હતું કે, અહીં લોકોને વેચવામાં આવતા હતા અને અહીં દફનાવવામાં આવતા હતા. આ ઇતિહાસ ઘણાં વર્ષો સુધી છુપાવવામાં આવ્યો હતો.”
આ જગ્યાની નજીક ‘વાલોંગો વ્હાર્ફ’ (બંદર) આવેલું હતું. આફ્રિકામાંથી ગુલામ લોકોને લઈ આવનારાં જહાજો અહીં થોભતાં હતાં. યુનાઇટેડ નેશન્સ ઍજ્યુકેશનલ, સાયન્ટિફિક ઍન્ડ કલ્ચરલ ઑર્ગેનાઇઝેશન (યુનેસ્કો) પ્રમાણે, 18મી સદીના ઉત્તરાર્ધથી લઈને 1831માં બંદર બંધ થયું, ત્યાં સુધીના ગાળામાં લગભગ 9,00,000 આફ્રિકન લોકોની આ રૂટ મારફત બ્રાઝિલમાં તસ્કરી કરવામાં આવી હતી. બ્રાઝિલના બીજા કોઈપણ શહેર કરતાં રિયો ડી જાનેરોમાં સૌથી વધુ સંખ્યામાં આફ્રિકન ગુલામો રહેતા હતા.
અમેરિકાની હાર્વર્ડ યુનિવર્સિટીના ‘ટ્રાન્સ-એટલાન્ટિક સ્લેવ ટ્રેડ ડેટાબેઝ’ પ્રમાણે, 300 વર્ષ કરતાં વધુ સમય દરમિયાન લગભગ 48 લાખ આફ્રિકનોને બળજબરીપૂર્વક બ્રાઝિલ લઈ જવાયા હતા, જે અમેરિકા ખંડના કોઈપણ દેશ કરતાં ઊંચી સંખ્યા છે. અમેરિકાની એમોરી યુનિવર્સિટીના સંશોધન પ્રમાણે, બ્રાઝિલના કિનારા સુધી પહોંચતાં પહેલાં લગભગ 3,00,000 લોકોનાં મોત નીપજ્યાં હતાં. બ્રાઝિલમાં આવી પહોંચ્યા પછી ઘણા લોકો બીમારી, ભૂખમરા તથા થાકને લીધે મોતને ભેટ્યા હતા. તેમનું જ્યાં ગુલામો તરીકે વેચાણ કરવામાં આવતું હતું, તે વેરહાઉસમાં જ તેઓ મૃત્યુ પામ્યા હતા. તેમાંથી ઘણા લોકોને પછીથી (મર્સિડના ઘરની નીચે આવેલા) આ કબ્રસ્તાનમાં દફનાવવામાં આવ્યા હતા.
‘ઈતિહાસ ઉજાગર કરતો ખજાનો’
ઇમેજ સ્રોત, Júlia Dias Carneiro
‘ઇતિહાસ ઉજાગર કરતો ખજાનો’
ઉલ્લેખનીય છે કે, પશ્ચિમી દુનિયામાં 1888માં ગુલામીપ્રથા નાબૂદ કરનારો બ્રાઝિલ છેલ્લો દેશ હતો. પરંતુ, આ પ્રદેશનો કાળો ઇતિહાસ વર્ષો સુધી કોઈના ધ્યાન પર આવ્યો નહોતો. 1990ના દાયકામાં જ્યારે મર્સિડે આ શોધ કરી, તે સમયે પણ ગુલામી સાથેનું આ પ્રદેશનું જોડાણ ખાસ જાણીતું નહોતું અને મોટાભાગે તે ઇતિહાસનો અભ્યાસ કરનારા લોકો પૂરતું જ સીમિત હતું.
2011માં પરિસ્થિતિ બદલાવા લાગી. ઑલિમ્પિક્સની તૈયારી માટે હાથ ધરાયેલા પુનઃવિકાસ દરમિયાન વાલોંગો વ્હાર્ફની પુનઃ શોધ થઈ હતી. તે પછી આ જગ્યાને યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સાઇટનો દરજ્જો આપવામાં આવતાં આ પ્રદેશના ઇતિહાસ તરફ વિશ્વનું ધ્યાન ખેંચાયું હતું. મર્સિડ જાણતાં હતાં કે, તેમના ઘરમાં “ઇતિહાસનો કિંમતી ટુકડો” મોજૂદ છે, પણ તેઓ એ નહોતાં જાણતાં કે તેનું શું કરવું.
શરૂઆતમાં મર્સિડે તેમનું ઘર ફક્ત ‘બ્લૅક કોન્શિયસનેસ ડે’ તથા ‘એબોલિશન ડે’ જેવા ખાસ દિવસો માટે જ જાહેર જનતા માટે ખુલ્લું મૂક્યું હતું. મર્સિડ કહે છે, “તે ઘણું મુશ્કેલ હતું. મને નવાઈ લાગતી કે, આ કબ્રસ્તાન જોવા કોણ આવશે.” ધીમે-ધીમે આ સ્થળ વિશેની લોકોની ઉત્સુકતા વધવા લાગી. સામાજિક કાર્યકરોએ પણ તેમને આ સ્થળની સાચવણી કરવા માટે પ્રોત્સાહિત કર્યાં.
2005માં મર્સિડ અને તેમનાં સહકર્મીઓએ ઇન્સ્ટિટ્યૂટ ફૉર રિસર્ચ ઍન્ડ મેમરી ઑફ પ્રેટોસ નોવોસ (આઇપીએન)ની સ્થાપના કરી. આ સ્થળ ધીમે-ધીમે વિકાસ પામ્યું છે. ઘરના ગેરેજને કાયમી પ્રદર્શન સાથેના સ્મારકમાં ફેરવી દેવાયું છે. ઘરના પાછળના ભાગમાં, જ્યાં એક સમયે તેમણે સ્વિમિંગ પૂલ બનાવવાની યોજના કરી હતી, ત્યાં હવે કાફે, એક નાની દુકાન અને એટલાન્ટિક ગુલામ વેપાર અને આફ્રિકન મૂળના લોકોના ઇતિહાસને સમર્પિત એક કાયમી પુસ્તકાલય આવેલાં છે.
એક સમયનું કબ્રસ્તાન આજે સ્મૃતિ અને સંસ્કૃતિનું કેન્દ્ર
ઇમેજ સ્રોત, IPN
મર્સિડના જણાવ્યા પ્રમાણે, આ જગ્યાને કેવળ કબ્રસ્તાન કહેવી ઉચિત નથી.
તેઓ કહે છે, “તે મૃતદેહોને ફેંકવા માટેના ખાડા હતા. કેટલાક મૃતદેહોને સળગાવી દેવામાં આવતા હતા, કારણ કે, તેમાંથી દુર્ગંધ આવવા માંડતી હતી. ઘણી વખત, મૃતદેહોને એકમેકની ઉપર જ ફેંકી દેવામાં આવતા. તેના કારણે નીચેના મૃતદેહો કચડાઈ જતા.”
ચર્ચના રેકોર્ડ્ઝ પરથી સ્પષ્ટ થાય છે કે, આ બધું ગુપ્ત રાહે નહોતું થતું. ઘણા લોકો ગુમનામ રીતે મૃત્યુ પામ્યા હતા, પણ તેમના મોતની સત્તાવાર નોંધણી થતી હતી. જોકે, તેમની ઓળખની પુષ્ટિ તેમના મૃત્યુની તારીખ, તેઓ જે જહાજમાંથી આવ્યા હતા તે અને તેમના મૂળ પ્રદેશના આધારે જ થતી હતી. જો રેકોર્ડ્ઝમાં કોઈ નામ મળી પણ આવતું, તો તે નામ સામાન્યપણે ગુલામના માલિકનું જ રહેતું હતું.
“આજે, આ કબ્રસ્તાન ઉપર ચાર ઘરો ઊભેલાં છે. અંગોલા, કોંગો અને મોઝામ્બિકમાંથી લાવવામાં આવેલાં બાળકો, શિશુઓ, યુવાન લોકો અને ગર્ભવતી મહિલાઓને અહીં દફનાવવામાં આવ્યાં હતાં,” એમ મર્સિડ કહે છે.
અત્યારે 69 વર્ષની વયનાં મર્સિડ હજુ પણ સ્મારક કેન્દ્રની બાજુમાં આવેલા એ જ ઘરમાં રહે છે.
તેઓ કહે છે, “જો તમે અહીં જમીન ખોદશો, તો હજુયે તમને હાડકાં મળી શકે છે.”
ઇમેજ સ્રોત, IPN
એક અંદાજ પ્રમાણે, અત્યાર સુધીમાં લગભગ ત્રણ લાખ લોકો આ વિસ્તારની મુલાકાત લઈ ચૂક્યા છે. વધુમાં, હજ્જારો પ્રવાસીઓ ઐતિહાસિક આફ્રિકન હેરિટેજ સર્કિટની ગાઇડેડ ટૂર કરે છે. સંગઠનની સ્થાપનાના 12 વર્ષ પૂર્ણ થવા નિમિત્તે આ સ્થળની નજીક એક નવું સાંસ્કૃતિક કેન્દ્ર પણ ખોલવામાં આવ્યું છે.
મર્સિડના જણાવ્યા મુજબ, આ કેન્દ્રમાં કવિ સંમેલનો, સામ્બા ડાન્સ પર્ફોર્મન્સ, કળા પ્રદર્શનો, કાર્યશિબિરો, પુસ્તક વિમોચન અને બાળકો માટે રીડિંગ ક્લબનું આયોજન થશે. આમાંની અમુક પ્રવૃત્તિઓ અત્યારે શાળાના કલાકો દરમિયાન થતી હોય છે, પણ આઇપીએન ખાતે પૂરતી જગ્યા ઉપલબ્ધ નથી. અત્યારે તેઓ બિલ્ડિંગના બીજા માળનું પુનઃનિર્માણ કરવા માટે ભંડોળ એકત્રિત કરી રહ્યાં છે અને તેમણે મદદ માટે સૌને અપીલ કરી છે.
પરંતુ, તેમનું કાર્ય હજુ પૂરું નથી થયું. મર્સિડ જણાવે છે, “આ એક અત્યંત સંવેદનશીલ મુદ્દો છે. જો તમે તેના વિશે વાત કરવાનું બંધ કરી દેશો, તો તે ધીમે-ધીમે લોકોની સ્મૃતિમાંથી ભૂંસાઈ જશે.” તેમના જણાવ્યા પ્રમાણે, આ કોઈ સાધારણ સ્થળ નથી. આ ઐતિહાસિક અને ભાવનાત્મક મહત્ત્વ ધરાવતું સ્થળ છે. મર્સિડ લાગણીશીલ થતાં કહે છે, “મને ઘણી વખત એવું લાગે છે કે, આફ્રિકાથી અહીં લાવવામાં આવેલા લોકોના અવાજો જાણે મને કહી રહ્યા હોય, ‘અમને ભૂલી જતાં નહીં.'”
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન
SOURCE : BBC NEWS




