Source : BBC NEWS
ઇમેજ સ્રોત, Alamy
પ્રકાશિત
વાંચવાનો સમય: 7 મિનિટ
તાજેતરમાં અમદાવાદની આનંદ નિકેતન સ્કૂલમાં ભોજનમાં ‘કાચ નીકળ્યાનો મામલો’ સામે આવ્યા પછી ત્યાં કેટલાક વાલીઓ અને સંગઠનોએ શાળામાં મલાલા યુસુફઝાઈ અને ઍન ફ્રૅન્કનું પુસ્તક ભણાવાતું હોવાનો વિરોધ કર્યો હતો.
ત્યાર બાદ ગુજરાતમાં આ બે પુસ્તકો અંગે ચર્ચા છેડાઈ હતી.
એ પછી અમદાવાદમાં કેટલાક લોકોએ સાથે મળીને વસ્ત્રાપુરમાં આવેલા એક બગીચામાં ‘આઇ એમ મલાલા’ અને ઍન ફ્રૅન્કની ડાયરીનું સમૂહ વાંચન કરતો કાર્યક્રમ કર્યો હતો.
આ કાર્યક્રમમાં કથિતપણે બજરંગદળના લોકોએ પહોંચીને વિરોધ કર્યો હતો અને ગુજરાતમાં આવાં પુસ્તકો નહીં વાંચવા દેવાય એવું કહ્યું હતું.
એ પછી ત્યાં ઘર્ષણ પણ થયું હતું.
આ સાથે ‘આઇ એમ મલાલા’ અને ઍન ફ્રૅન્કની ડાયરી સતત ચર્ચામાં છે. આ અહેવાલમાં આપણે એ જાણવાની કોશિશ કરીશું કે ઍન ફ્રૅન્કની ડાયરીમાં ખરેખર શું લખેલું છે.
પિતાને તો આ ડાયરી વાંચવાનું પણ સ્વીકાર્ય ન હતું
ઇમેજ સ્રોત, Getty Images
1947ની 25 જૂને ઍન ફ્રૅન્કની ડાયરીનું પહેલી વાર પ્રકાશન કરાયું હતું અને એ સમગ્ર વિશ્વમાં સર્વપ્રિય પુસ્તક બની ગયું હતું.
ઍનના પિતા ઓટ્ટો ફ્રૅન્કને તેમનાં દીકરીની ડાયરી પ્રકાશિત કરવાનું તો દૂર, પણ વાંચવાનું સુધ્ધાં પણ સ્વીકાર્ય ન હતું. દીકરીની ડાયરીના પ્રકાશનનો નિર્ણય શા માટે કર્યો તે જણાવવા માટે ઓટ્ટો 1976માં બીબીસીના બ્લુ પીટર સ્ટુડિયોમાં આવ્યા હતા.
પોતાની પ્રિય દિવંગત દીકરીનાં અંગત લખાણો બ્લુ પીટરના લેસ્લી જડને દેખાડતાં ઓટ્ટોએ કબૂલ્યું હતું કે, “હું તેને ખરેખર માત્ર તેની ડાયરી દ્વારા જ જાણી શક્યો.”
વાસ્તવમાં ઓટ્ટોએ તેમની તેજસ્વી, મળતાવડી દીકરીને 1942ની 12, જૂને તેના તેરમા જન્મદિનની ભેટ તરીકે એક ઓટોગ્રાફ બૂક આપી હતી, પરંતુ એને તેનો ડાયરી તરીકે ઉપયોગ કરવાનું નક્કી કર્યું હતું.
તેમાં પોતાના અત્યંત અંગત વિચારો, જાણે કે તે નજીકના મિત્રને રહસ્ય જણાવતી હોય તેમ જ નોંધવાનું શરૂ કર્યું હતું.
બાળકોના ટીવી કાર્યક્રમ વિશેની ઍનની ડાયરીના પહેલા પાના પરની નોંધને વાંચતા ઓટ્ટોએ કહ્યું હતું, “હું બીજા કોઈનો વિશ્વાસ કરી શકી નથી, પરંતુ આશા છે કે તમારો સંપૂર્ણ વિશ્વાસ કરી શકીશ. મને એવી પણ આશા છે કે તમે મારા માટે મોટો આધાર અને સધિયારો બનશો.”
ઍન ફ્રૅન્કની ડાયરીમાં શું લખેલું છે?
ઇમેજ સ્રોત, Getty Images
જર્મન ફેડરલ ચૂંટણીમાં નાઝી પાર્ટીની સફળતા અને ઍડોલ્ફ હિટલરની રીકના ચાન્સેલર તરીકે નિમણૂક બાદ ઓટ્ટો તેમના પરિવાર સાથે 1933માં ફ્રેન્કફર્ટથી ભાગીને ઍમ્સ્ટરડમ ગયા હતા. ત્યાં ઍનનો જન્મ થયો હતો.
નાઝીઓના ભયની સરખામણીએ ઍમ્સ્ટરડમમાં તેમને જે સલામતી લાગતી હતી તે ઓટ્ટોના પરિવાર માટે અસ્થાયી રાહત સાબિત થઈ હતી.
હિટલરે 1940માં સત્તા કબજે કરીને પોતાને સર્વોચ્ચ નેતા જાહેર કર્યા પછી નેધરલૅન્ડ્સ પર પણ આક્રમણ કર્યું હતું.
અહીં જર્મનોના કબજા સાથે યહૂદી વિરોધી અનેક પગલાં લેવામાં આવ્યાં હતાં. યહૂદીઓના બિઝનેસ કરવા પર પ્રતિબંધ લાદવામાં આવ્યો હતો. તેમને ઓળખ માટે યલો સ્ટાર્સ પહેરવાની ફરજ પાડવામાં આવી હતી અને તેમણે કર્ફ્યૂનો સામનો કરવો પડ્યો હતો.
અનેક યહૂદીઓની માફક ઓટ્ટો પણ 1938થી અમેરિકામાં સ્થળાંતર કરી જવાના પ્રયાસ કરતા હતા, પરંતુ આશ્રય આપવાની કોઈ નીતિ એ સમયે ન હતી અને વિઝા મેળવવાની પ્રક્રિયા બહુ લાંબી હતી.
તેનો અર્થ એ હતો કે નાઝીઓએ જર્મનીના કબજા હેઠળના તમામ પ્રદેશોમાંની અમેરિકાની કૉન્સ્યુલર કચેરીઓ બંધ કરી દીધી તે પહેલાં તેઓ સ્થળાંતર ન કરી શક્યા.
1942માં ઍનના જન્મદિવસના એક મહિના પહેલાં જ ઓટ્ટોનાં મોટાં દીકરાં માર્ગોટને જર્મન લેબર કૅમ્પમાં રિપોર્ટ કરવાની કૉલ-અપ નોટિસ મળી હતી.
સત્તાવાળાઓથી બચવા માટે આખો ઓટ્ટો પરિવાર એક ગુપ્ત જગ્યાએ ચાલ્યો ગયો હતો. તે સ્થળ ઍમ્સ્ટરડમમાં ઓટ્ટો જ્યાં વેપાર કરતા હતા તેની ઉપર જ હતું.
પછીનાં બે વર્ષ સુધી ફ્રૅન્ક પરિવાર એક અન્ય દોસ્ત તથા દોસ્તના પરિવાર સાથે એ સ્થળે સંતાયેલો રહ્યો હતો. ગૂંગળામણભરી પરિસ્થિતિમાં ત્યાં રહેતા દરેકને દિવસ દરમિયાન મૌન રહેવાની ફરજ પાડવામાં આવી હતી.
રાતે ઑફિસ ખાલી ન થઈ જાય ત્યાં સુધી તેઓ દિવસ દરમિયાન ટૉઇલેટનો ઉપયોગ કરી શકતા ન હતા. કેટલાક વિશ્વસનીય લોકોના ગ્રૂપે તેમને ખોરાક અને અન્ય સામગ્રી પૂરી પાડી હતી.
ઇમેજ સ્રોત, STAN HONDA/AFP via Getty Images
જ્યારે પરિવાર આ રીતે છુપાઈને રહેતો હતો એ સમય દરમિયાન ઍન પોતાના વિચારો ડાયરીમાં ગુપ્ત રીતે લખતાં રહ્યાં હતાં. ઍન પોતાની વયના દોસ્તો ઝંખતાં હતાં. તેથી તેમણે લખવા માટે કિટ્ટી જેવાં કાલ્પનિક પાત્રોની શોધ કરી હતી.
પોતાની ચિંતા, આકાંક્ષા, અન્ય લોકો સાથે નાની જગ્યામાં સાંકડમૂકડ રહેવાના અનુભવો ઉપરાંત રોજિંદી હતાશા બાબતે તેમણે પોતાની ડાયરીમાં વિગતવાર નોંધ કરી હતી.
આ ડાયરીમાં છેલ્લી ઍન્ટ્રી 1944ની પહેલી ઑગસ્ટની છે. જર્મન પોલીસે આ છુપા સ્થળની તપાસ કરી અને અહીં રહેતા તમામ લોકોની ધરપકડ કરવામાં આવી હતી. પોલીસ આ લોકો સુધી કેવી રીતે પહોંચી એ હજુ પણ રહસ્ય છે.
ઓટ્ટો ફ્રૅન્કના પરિવારને ઓશવિટ્ઝ-બિર્કેનાઉના કૉન્સન્ટ્રેશન કૅમ્પમાં લઈ જવામાં આવ્યો હતો. ત્યાં ઓટ્ટોને તેમનાં પત્ની એડિથ અને દીકરીઓ માર્ગોટ તથા ઍનથી અલગ કરી દેવામાં આવ્યા હતા.
પત્ની અને દીકરીઓ સાથે ફરી તેમની મુલાકાત ક્યારેય થવાની ન હતી. એ ત્રણેયની જિંદગી કૅમ્પમાં જ ખતમ થવાની હતી. ઍનને તેમનાં બહેન માર્ગોટ સાથે બર્ગન-બેલ્સન કૅમ્પમાં સ્થળાંતરિત કરવામાં આવ્યાં હતાં. આ કૅમ્પને લિબરેટ કરવામાં આવ્યો તેના થોડા સપ્તાહ પહેલાં માર્ચ, 1945માં ટાઇફસને કારણે ઍન મૃત્યુ પામ્યાં હતાં.
અસાધારણ હિંમતની કહાણી
ઇમેજ સ્રોત, Getty Images
પેલા ગુપ્ત સ્થળે સાથે રહેતા લોકોમાંથી એકમાત્ર ઓટ્ટો બચ્યા હતા. યુદ્ધ પછી તેઓ તેમના પરિવારને શોધવા ઍમ્સ્ટરડમ પાછા ફર્યા હતા અને પરિવારજનોની હકીકત જાણી ત્યારે તેમનું સર્વસ્વ લૂંટાઈ ગયું હતું.
તેમના દોસ્તો મિએપ ગીસ અને બેપ વોસ્કુઇજીલે ખેદાનમેદાન કરી નાખવામાં આવેલા ગુપ્ત આશ્રયસ્થળમાંથી ઍનની ડાયરી અને પત્રો બચાવી લીધાં હતાં.
તેમણે એ બધું ઓટ્ટોને પાછું આપ્યું હતું. અત્યંત દુઃખી ઓટ્ટો એ બધા પર નજર પણ કરી શકે તેમ ન હતા.
તેમણે સ્વિટ્ઝર્લૅન્ડમાં તેમનાં માતાને 1945ની 22 ઑગસ્ટે પાઠવેલા પત્રમાં લખ્યું હતું, “મારી પાસે તેને વાંચવાની તાકાત સુધ્ધાં નથી.”
આખરે ઓટ્ટોએ ડાયરીનાં પાનાં ખોલવાની હિંમત કરી ત્યારે ડાયરીમાંનું લખાણ તેમના માટે સાક્ષાત્કાર જેવું હતું. અત્યંત ભયાનક સંજોગોમાં કિશોરાવસ્થાની જટિલતાઓને પાર કરતી તેમની હોશિયાર, સંવેદનશીલ અને અભિવ્યક્તિ-સક્ષમ દીકરીના મનમાં ડોકિયું કરવાની તક તેમને સાંપડી હતી.
ઍને તેમનાં માતા સાથેના ઝઘડા, બહેન પ્રત્યેની નારાજગી, પોતાની પ્રતિષ્ઠા અને બદલાતા શરીર વિશેની ચિંતાનું વિગતવાર વર્ણન તેમાં કર્યું હતું. આ કેદ અને ગુપ્ત સ્થળમાંનું મૌન પોતાને કેટલું દમનકારી લાગતું હતું અને પોતે જેમની સાથે રહેતાં હતાં તે લોકો પ્રત્યેની ચીડની વાત તેમાં લખી હતી.
એકલતા તથા કોઈ શોધી કાઢશે તેના સતત ભયનો અનુભવ કેવો હતો તેના વિશે લખ્યું હતું. ઍનને એવું લાગતું હતું કે “તે એક ગીત ગાતું પંખી છે, જેની પાંખો કાપી નાખવામાં આવી છે, જે ઘોર અંધકારમાં એક પાંજરાના સળિયા સાથે ટકરાઈ રહ્યું છે.”
‘માનવજાત માટે મોટો દસ્તાવેજ’
ઇમેજ સ્રોત, Getty Images
જોકે, ઓટ્ટોને દીકરી ઍનની ખુશીની નાની-નાની પળની માહિતી પણ મળી હતી. ઍન બારીમાંથી પ્રકૃતિને નિહાળતાં હતાં અને તેમની સાથે રહેતા પીટર વેન ડેન નામના છોકરા સાથે તેમનો રોમાન્સ આકાર પામતો હતો, એ પણ જાણવા મળ્યું હતું.
ઍને સ્વિટ્ઝર્લૅન્ડમાં સ્કેટિંગના પોતાના સપના વિશે અને પોતાના પુસ્તકના પ્રકાશનની મહત્ત્વાકાંક્ષા વિશે લખ્યું હતું. પોતાની ઓળખ વિશેના વિચારો અને વાસ્તવિક તથા કાલ્પનિક એમ બન્ને પ્રકારના દોસ્તો સાથેના સંબંધ વિશે લખ્યું હતું.
ઓટ્ટોને ઍનના બદલાઈ રહેલા અને પરિપક્વ થઈ રહેલા જટિલ તથા કલ્પનાશીલ દિમાગ વિશે સમજાવા લાગ્યું હતું.
પોતાની પાછલી ડાયરીની એક ઍન્ટ્રીમાં ઍને લખ્યું હતું, “હવે હું એ રીતે લખાણ લખી શકીશ નહીં. હું દોઢ વર્ષ પછી મારી ડાયરી ફરી વાંચી રહી છું ત્યારે મને મારી બાળસહજ નિર્દોષતાથી આશ્ચર્ય થાય છે. હું ગમે તેટલું ઇચ્છું તો પણ એવી નિર્દોષ ક્યારેય થઈ શકીશ નહીં, તેની મને પાક્કી ખબર છે.”
ઍનની પ્રકૃતિદત્ત લખાણની આવડત અને અવિરત આતંકનો સામનો તેમણે જે અસાધારણ હિંમત તથા માનવતા સાથે કર્યો હતો, તેના સૌથી વધુ વખાણ ઓટ્ટોએ કર્યાં હતાં.
તેમણે 1976માં બીબીસીના જુડને કહ્યું હતું, “મેં ડાયરી વાંચી પછી તેની કૉપી કરાવી હતી અને એક કૉપી મારા પરિચિત દોસ્તોને આપી હતી. એ પૈકીનો એક દોસ્ત પ્રકાશન સંસ્થામાં નોકરી કરતો હતો. તેણે મને કહ્યું હતું કે તમને આ ડાયરીને ખાનગી મિલકત તરીકે રાખવાનો અધિકાર નથી. આ માનવજાત માટેનો દસ્તાવેજ છે અને તમારે તેનું પ્રકાશન અવશ્ય કરવું જોઈએ. તેથી મેં ઍનની ડાયરીનું પ્રકાશન કર્યું.”
ઍનની ડાયરી ઍન્ટ્રીઝ અને લખાણોના સંકલિત ‘ધ સિક્રેટ એનેક્સ’ પુસ્તકનું પ્રકાશન 1947ની 25 જૂને કરવામાં આવ્યું હતું. ઓટ્ટોએ ઍનની કેટલીક ભાષાકીય ભૂલોને સુધારી હતી અને મમ્મી-પપ્પાનાં લગ્ન વિશેની ઍનની કેટલીક ગેરસમજ વિશેના, પોતાની જાતીયતા વિશેના ઍનના કેટલાક ફકરા અને જાણીતા લોકો વિશેના ઍનના ક્રૂર લખાણને સંપાદિત કર્યું હતું.
આ પુસ્તકને તત્કાળ સફળતા મળી હતી. એક એકલી છોકરીએ નાઝીઓના નરસંહારની લગભગ અગમ્ય ભયાનકતા અને પરિમાણને શબ્દદેહ આપ્યો હતો.
આ પુસ્તક 1952માં ‘ઍન ફ્રૅન્કઃ ધ ડાયરી ઑફ અ યંગ ગર્લ’ શીર્ષક હેઠળ અંગ્રેજીમાં પ્રકાશિત કરવામાં આવ્યું હતું. આ પુસ્તકના આધારે 1956માં પુલિત્ઝર પુરસ્કાર વિજેતા નાટક બનાવવામાં આવ્યું હતું અને ત્રણ વર્ષ પછી તેના આધારે એક ફિલ્મ બનાવાઈ હતી.
ઍનનું આયુષ્ય તો ટૂંકું હતું, પરંતુ તેના શબ્દો અમર થઈ ગયા. આ પુસ્તકનો 70થી વધુ ભાષામાં અનુવાદ થયો છે અને એ આજે પણ વિશ્વભરના વાચકોમાં પડઘાતું રહે છે.
તમને તમારી દીકરીના અત્યંત અંગત વિચારો પ્રકાશિત કરવા અને જાહેર કરવા માટે સહમત થવામાં કોઈ વાંધો હતો, એવો સવાલ બ્લુ પીટરના જુડે પૂછ્યો ત્યારે ઓટ્ટો ફ્રૅન્કે કહ્યું હતું, “હું મારા મૃત્યુ પછી પણ જીવંત રહેવા ઇચ્છું છું અને ઍન એક ચોક્કસ રીતે તેની ડાયરી દ્વારા ઘણા લોકોના હૃદયમાં જીવંત છે.”
નોંધ: આ અહેવાલ મૂળરૂપે બીબીસી કલ્ચરના સંવાદદાતા માયલસ બુર્કેનો છે. જેને તમે અહીં ક્લિક કરીને વાંચી શકો છો.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન
SOURCE : BBC NEWS




