Home તાજા સમાચાર gujrati કચ્છમાં 14 વર્ષની દીકરીએ પિતા સામે બળાત્કારની ફરિયાદ નોંધાવી, જાતીય હુમલામાં મદદ...

કચ્છમાં 14 વર્ષની દીકરીએ પિતા સામે બળાત્કારની ફરિયાદ નોંધાવી, જાતીય હુમલામાં મદદ કરનાર માતાની પણ ધરપકડ, શું છે આખો મામલો?

2
0

Source : BBC NEWS

બીબીસી ગુજરાતી

કચ્છ જિલ્લામાં એક પરપ્રાંતીય મજૂર પરિવારની સગીર વયની દીકરીએ તેના સગા પિતા સામે બળાત્કારની ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપીની ધરપકડ કરી લીધી છે.

પોલીસ અધિકારીઓ કહે છે કે આરોપી તેની સગી દીકરી પર બળાત્કાર ગુજારતો હતો ત્યારે તેની માતા તેના ફોટા પડતી હતી અને તે રીતે ગુનામાં મદદ કરવા બદલ સગીરાની માતાની પણ ધરપકડ કરાવામાં આવી છે.

બળાત્કારના આરોપસર માતા-પિતા જેલ હવાલે થતાં સગીર રેપ સર્વાઇવર અને તેની ત્રણ નાની બહેનોને તેમની ફોઈને સોંપવામાં આવી છે.

પરંતુ આ ઘટનાથી જાણકાર અધિકારીઓ કહે છે કે માતા-પિતાની ધરપકડ થતાં રેપ સર્વાઇવર અને તેની ત્રણ બહેનો પર એક પ્રકારે બીજી આફત આવી પડી છે કારણ કે મજૂર પરિવારની આ દીકરીઓની કાળજી અને સંભાળ કોણ રાખશે તે બાબતે ચિંતાજનક સ્થિતિ સર્જાઈ છે.

પિતાએ કયા બહાના હેઠળ દીકરી પર બળાત્કાર કર્યો?

બીબીસી

પૂર્વ કચ્છ પોલીસના અધિકારીઓએ બીબીસીને જણાવ્યું કે આ ઘટના કચ્છ જિલ્લાના પૂર્વ ભાગમાં એક મોટી ફૅક્ટરી ધરાવતા એક ગામમાં બની છે.

પૂર્વ કચ્છ પોલીસના પોલીસ સુપ્રિન્ટેન્ડન્ટ સાગર બાગમારે બીબીસીને કહ્યું કે રેપ સર્વાઇવરે તેની ફરિયાદમાં જણાવ્યું કે પિતાએ દીકરી પર 14 સપ્ટેમ્બરથી શરૂ કરીને લગભગ 1 ઑક્ટોબર સુધી પાંચ વાર તેમના ઘરમાં જ બળાત્કાર કર્યો.

આ કેસની તપાસ સાથે સંકળાયેલા એક પોલીસ અધિકારીએ બીબીસીને આ ઘટના વિષે માહિતી આપતા કહ્યું કે, 14 સપ્ટેમ્બરના રોજ બપોરે ફરિયાદી દીકરી ઉત્તર પ્રદેશના આગ્રામાં રહેતા તેના મિત્ર સાથે ફોન પર વાત કરી રહી હતી તે તેની માતા જોઈ ગઈ હતી. તેથી માતાએ તેની પાસેથી ફોન લઈ લીધો અને બપોરે જ્યારે પિતા ઘરે જમવા આવ્યા ત્યારે માતાએ તેને આ વાત કરી અને કહ્યું કે તેમની દીકરીને આગ્રાની કોઈ વ્યક્તિ સાથે પ્રેમસંબંધ છે.

પોલીસે આપેલી માહિતી અનુસાર રેપ સર્વાઇવર આઠમા ધોરણમાં ભણે છે.

પોલીસ અધિકારીએ કહ્યું, “આ વાત સાંભળીને પિતાએ તેની દીકરીને માર માર્યો, ઘરમાં પૂરી દીધી અને તે દિવસે ખાવાનું ન આપ્યું.”

“ત્યાર બાદ 15 સપ્ટેમ્બરે વહેલી સવારે 1 વાગ્યાના અરસામાં માતા-પિતાએ બળજબરીપૂર્વક તેનાં કપડાં ઉતારી નાખ્યાં અને પિતાએ તેની પર બળાત્કાર કર્યો.”

“પિતાએ કહ્યું કે તે જે છોકરા સાથે વાત કરે છે તે છોકરો તેના પર બળાત્કાર ગુજારે તેના કરતા તે પોતે જ એવું કૃત્ય કરશે.”

“આમ કહીને પિતાએ તેની પર 15, 16 અને 17 તારીખે ઘરમાં ગોંધી રાખી અને તેના પર બળાત્કાર ગુજાર્યો.”

પોલીસ અધિકારીએ કહ્યું કે માતાએ આ કૃત્યમાં આરોપીનો સાથ આપ્યો હતો તેથી તેને પણ આ કેસમાં આરોપી તરીકે ગણી તેની પણ ધરપકડ કરવામાં આવી છે.

તેમણે આગળ કહ્યું કે, “પિતાએ તેની દીકરી પર દુષ્કૃત્ય કર્યું તેના ફોટો માતાએ ફોનમાં પાડ્યા હતા. માતાને ખબર હતી કે શું ચાલી રહ્યું છે. તેથી, તે પણ આ કેસમાં ગુનેગાર છે અને તેની પણ ધરપકડ કરવામાં આવી છે.”

બાળકીએ અત્યાચારનો સંદેશ પોલીસ સુધી કેવી રીતે પહોંચાડ્યો?

બીબીસી

આ ઘટનાની તપાસ સાથે સંકળાયેલા પોલીસ અધિકારીએ ક્હ્યું કે રેપ સર્વાઇવરનો પરિવાર ઉત્તર પ્રદેશના દેવરિયા જિલ્લાનો વતની છે.

પોલીસે કહ્યું કે રોજગારીની શોધમાં આ પરિવાર કેટલાંક વર્ષો અગાઉ કચ્છ આવ્યો હતો. હાલ, 40 વસરના પિતા હાઇડ્રોલિક ક્રેઇન ઑપરેટર તરીકે નોકરી કરી પરિવારનું ગુજરાન ચલાવે છે.

પૂર્વ કચ્છના પોલીસ સુપ્રિન્ટેન્ડન્ટ સાગર બાગમારે ક્હ્યું કે રેપ સર્વાઇવરને મોકો મળતા તેણે ફોન કરીને પોલીસને તેની પર થઈ રહેલા અત્યાચારની જાણ કરી દીધી.

રેપ સર્વાઇવરે આપેલી ફરિયાદના આધારે પોલીસે બીજી ઑક્ટોબર, શુક્રવારના રોજ એક એફઆઈઆર નોંધી અને તેમાં તેના પિતા ઉપરાંત 35 વર્ષની માતાને પણ આરોપી તરીકે દર્શાવવામાં આવી છે. એફઆઈઆરમાં નોંધવામાં આવ્યું છે કે 30 તારીખે સવારે સાત વાગ્યે રેપ સર્વાઇવરના ઘરની બહાર નીકાળવામાંં સફળ રહી.

પોલીસ અધિકારીએ જણાવ્યું, “રેપ સર્વાઇવર તે જ સોસાયટીમાં રહેતા તેનાં ફોઈના ઘરે ગઈ અને 112 નંબર ડાયલ કરી પોલીસને જાણ કરી. પોલીસ તે વિસ્તારમાં ગઈ પરંતુ રેપ સર્વાઇવરે સરનામું આપી શકી ન હોવાથી તેમ જ તેના પિતાએ ફોન સ્વિચ ઑફ કરી નાખ્યો હોવાથી તે મળી નહીં.”

“ત્યાર બાદ બીજી ઑક્ટોબરના રોજ સવારે 10 વાગ્યે રેપ સર્વાઇવર ફરી એક વાર તેનાં ફોઈના ઘરે ગઈ અને તેનાં ફોઇના ફોનમાંથી 112 અને 181 અભયમ્ નામની મહિલા હેલ્પલાઇન પર ફોન કર્યો અને તેનું સરનામું આપ્યું. તેથી, અમારી ટીમ તાત્કાલિક તે સરનામે પહોંચી ગઈ અને બાળકીને પોલીસ સ્ટેશન લઈ આવી.”

પિતાએ પોલીસ સમક્ષ શું બચાવ કર્યો?

સાગર બાગમારે કહ્યું કે રેપ સર્વાઇવરની ફરિયાદના આધારે પોલીસે તેના માતા-પિતા સામે એફઆઈઆર નોંધી અને કલાકોની અંદર તેના પિતાની ધરપકડ કરી લીધી હતી. ત્યાર બાદ ત્રીજી ઑક્ટોબરના રોજ પોલીસે માતાની પણ ધરપકડ કરી લીધી હતી.

“આ કેસની તપાસ માટે અમે આરોપીનો ફોન જપ્ત કર્યો છે. તેમાં રેપ સર્વાઇવરના ફોટા સહિતના પુરાવા મળી આવ્યા છે.”

“તપાસ અર્થે ફોનને ફૉરેન્સિક સાયન્સ લેબોરેટરીમાં મોકલી આપવામાં આવ્યો છે. બંને આરોપીઓની ધરપકડ બાદ હાલ રિમાન્ડની જરૂર ન જણાતા તેમને સ્થાનિક અદાલતમાં રજૂ કરવામાં આવ્યા હતા અને અદાલતે તેમને 13 દિવસ સુધી ન્યાયિક કસ્ટડીમાં મોકલી આપવાનો હુકમ કરતા પોલીસે પતિ-પત્નીને જેલમાં સોંપ્યા છે.”

તપાસ સાથે સંકળાયેલા પોલિસ અઘિકારીએ કહ્યું, “આરોપી પિતાની ઘરપકડ બાદ પોલીસે તેની પૂછપરછ કરી હતી.”

“પૂછપરછમાં આરોપી પિતાએ દાવો કર્યો કે તેણે દારૂ પીને નશાની હાલતમાં તેની દીકરી પર બળાત્કાર કર્યો હતો. તે કહે છે કે તેને તેના કૃત્યનો પસ્તાવો છે.”

માતા-પિતાની ધરપકડ થતાં બીજી સમસ્યા ઊભી થઈ

આ કેસની તપાસ સાથે સંકળાયેલા પોલીસ અધિકારીએ કહ્યું કે ફરિયાદ નોંધાયા બાદ રેપ સર્વાઇવરને તેનાં ફોઈને સોંપવામાં આવી છે.

તેમણે કહ્યું કે, “તેની સાથે જ તેની ત્રણ અન્ય બહેનોને પણ તેનાં ફોઈને સોંપવામાં આવી છે. ચાર બહેનોમાં સૌથી નાની બહેનની ઉંમર માત્ર પાંચ વર્ષ છે.”

તેમણે કહ્યું કે, “ઉત્તર પ્રદેશથી આવેલા આ ગરીબ અને અશિક્ષિત પરિવારની આર્થિક સ્થિતિ સારી નથી. તેથી આ દીકરીઓને કોણ સાચવશે તે બાબતે પણ ચિંતા ઊભી થઈ છે.”

સાગર બાગમારે ક્હ્યું કે પોલીસ રેપ સર્વાઇવરને જરૂરી સહાય પૂરી પાડશે અને તેના કલ્યાણનો ખ્યાલ રાખશે.

બીબીસી માટે કલેક્ટીવ ન્યૂઝરૂમનું પ્રકાશન

SOURCE : BBC NEWS