Home તાજા સમાચાર gujrati કરાચીનો મોહટ્ટા પૅલેસ: હિંદુ વેપારીનું ઘર, જ્યાં છેવટે મહમદ અલી ઝીણાનાં બહેન...

કરાચીનો મોહટ્ટા પૅલેસ: હિંદુ વેપારીનું ઘર, જ્યાં છેવટે મહમદ અલી ઝીણાનાં બહેન રહ્યાં હતાં

3
0

Source : BBC NEWS

કરાચીનો મોહટ્ટા પેલેસ: હિંદુ વેપારીનું ઘર, જેને જોઈને નજર થંભી જાય છે

પાકિસ્તાનમાં કરાચીના લોકો ક્લિફ્ટનના દરિયાકિનારા તરફ જાય, ત્યારે રસ્તામાં તેમને ગુલાબી અને પીળા પથ્થરોની બનેલી એક જૂની ઇમારત જોવા મળે છે. આ ઇમારત પરથી નજર હટાવ્યા વિના ત્યાંથી પસાર થવું મુશ્કેલ છે.

કરાચીની આ ઇમારતનું નામ મોહટ્ટા પૅલેસ છે. તેને જોઈને માણસ એ જમાનામાં પહોંચી જાય છે, જ્યારે દરિયાનાં મોજાં ઘૂઘવાટ કરતાં ક્લિફ્ટનના કિનારે અથડાતાં હતાં.

એ જ અરસામાં એક હિંદુ મારવાડી વેપારીના મનમાં દરિયાની સાવ નજીક આ ઇમારત બંધાવવાનો વિચાર આવ્યો હતો. એ વેપારીનું નામ શિવરતન ચંદ્રરતન મોહટ્ટા હતું. તેમણે પોતાની પત્ની માટે આ મહેલ બંધાવ્યો હતો.

આ મહેલના બાંધકામમાં ખાસ કરીને જોધપુરના ગુલાબી પથ્થરોનો ઉપયોગ કરવામાં આવ્યો છે.

રેલવેના પાટા પણ બિછાવડાવ્યા

કરાચી પર સંશોધન કરનારા દિવંગત પત્રકાર અખ્તર બલોચ, સંશોધક ઇકબાલ એ. રહેમાન માંડવિયા અને ઇતિહાસકાર ઉસ્માન દમૂહીએ પોતાના લેખોમાં મોહટ્ટા પૅલેસનો વિગતવાર ઉલ્લેખ કર્યો છે.

ઇકબાલ એ. રહેમાન માંડવિયાએ પોતાના પુસ્તકમાં લખ્યું છે, “શિવરતન મોહટ્ટાએ કરાચીમાં લોખંડનું કારખાનું સ્થાપ્યું હતું. આ ઉપરાંત, તેમણે સિંધમાં ખદરો પાસે એક ખાંડની મિલ પણ સ્થાપી હતી.

ખાંડને નજીકના રેલવે સ્ટેશન સુધી સરળતાથી પહોંચાડી શકાય એ માટે તેમણે રેલવેના પાટા પણ બિછાવડાવ્યા હતા. આ વાત 1939ની છે.”

શિવરતન મોહટ્ટાના નાના ભાઈ ગોપાલ ગોરધનદાસ મોહટ્ટાએ કરાચીમાં હિંદુ જિમખાના બંધાવ્યું હતું.

આ રીતે કરાચીની બે મહત્ત્વપૂર્ણ જૂની ઇમારતો સાથે મોહટ્ટા પરિવારનું નામ હંમેશાં યાદ રાખવામાં આવે છે.

પ્રેમની નિશાની, પ્રેમની કહાણી

કરાચીનો મોહટ્ટા પેલેસ: હિંદુ વેપારીનું ઘર, જેને જોઈને નજર થંભી જાય છે

મોહટ્ટા પૅલેસ બંધાવવા પાછળ શિવરતન મોહટ્ટાનો કોઈ વ્યાવસાયિક હેતુ નહોતો.

હકીકતમાં, તેમની પત્ની જીવલેણ બીમારી સામે ઝઝૂમી રહ્યાં હતાં. ડૉક્ટરોએ શિવરતન મોહટ્ટાને કહ્યું હતું કે આ બીમારીનો ઇલાજ તાજી હવા છે. જો તેમની પત્ની આવા વાતાવરણમાં રહેશે, તો તેમની તબિયત સુધરશે.

શિવરતન મોહટ્ટા જાણતા હતા કે કરાચીના દરિયાકિનારાની તાજી હવા જ આ સમસ્યાનો સૌથી સારો ઉપાય છે.

એટલે તેમણે અહીં એક બંગલો બંધાવવાનો નિર્ણય કર્યો. જોકે, આ બંગલો હકીકતમાં કોઈ મહેલથી કમ નહોતો.

આજે પણ પ્રેમકથાઓની વાત કરતી વખતે કહેવામાં આવે છે કે મુઘલ બાદશાહ શાહજહાંએ પોતાની પત્ની મુમતાઝ મહેલના મૃત્યુ પછી તેમની યાદમાં તાજમહેલ બંધાવ્યો હતો.

પરંતુ શિવરતન મોહટ્ટાને પોતાની પત્નીનું જીવન વહાલું હતું. એટલે તેમણે પોતાની પત્ની હયાત હતાં ત્યારે જ આ મહેલ બંધાવી દીધો હતો.

મોહટ્ટા પૅલેસની રચના

કરાચીનો મોહટ્ટા પેલેસ: હિંદુ વેપારીનું ઘર, જેને જોઈને નજર થંભી જાય છે

આ ભવ્ય ઇમારત ભારતીય ઉપખંડના આરંભિક મુસ્લિમ સ્થાપત્યકારોમાંના એક અહમદ હુસૈન આગાની વ્યાવસાયિક કુશળતાનું પણ પરિણામ છે.

અહમદ હુસૈન આગાને આ ઇમારતનો નકશો તૈયાર કરવાની જવાબદારી સોંપવામાં આવી હતી. તેમને ખાસ જયપુરથી કરાચી બોલાવવામાં આવ્યા હતા.

તેમણે કરાચીમાં હિંદુ જિમખાના અને ચેમ્બર ઑફ કોમર્સ જેવી ઇમારતોના નકશા પણ તૈયાર કર્યા હતા. પરંતુ તેમની કારકિર્દીમાં મોહટ્ટા પૅલેસનું વિશેષ સ્થાન છે.

1927માં તૈયાર થયેલો મોહટ્ટા પૅલેસ મુઘલ સ્થાપત્યની સુંદર ઝલક દર્શાવે છે.

તેને જોઈને એવું લાગે છે, જાણે રાજસ્થાનના રાજાઓના એંગ્લો-મુઘલ મહેલોને ફરીથી બનાવવામાં આવ્યા હોય.

તેના બાંધકામમાં જોધપુરના ગુલાબી પથ્થરો અને ગિઝરીના સ્થાનિક પીળા પથ્થરોનો ઉપયોગ કરવામાં આવ્યો છે.

મોહટ્ટા પૅલેસને કોઈ પણ દિશાએથી જોવામાં આવે, તે લોકોનું ધ્યાન પોતાની તરફ ખેંચે છે.

તેના ગુંબજો તેની સુંદરતામાં વધારો કરે છે. તેની કમાનો, મિનારા અને ભાતભાતની ડિઝાઇનવાળી ટાઇલ્સ પણ જોવા જેવી છે.

આ ઇમારતમાં બર્મા ટીકનાં મજબૂત લાકડાંનો ઉપયોગ કરવામાં આવ્યો છે.

પથ્થરો પર મોર અને ફૂલોની ભાત પણ કંડારવામાં આવી છે. તેમાં ખાસ કરીને ગલગોટાનાં ફૂલો જોવા મળે છે.

એક સમયે તેની છત પર એક નાનું મંદિર પણ હતું.

સમય જતાં આ વિસ્તારમાં ઊંચી ઇમારતો બનતી ગઈ. તેના કારણે હવે મોહટ્ટા પૅલેસની છત પરથી દરિયાનું દૃશ્ય પહેલાં જેટલું સુંદર દેખાતું નથી.

એક સમયે અહીંથી દરિયાનું અત્યંત સુંદર દૃશ્ય જોવા મળતું હતું.

એ સુરંગ ક્યાં ગઈ?

મોહટ્ટા પૅલેસની અંદર એક સુરંગ પણ હતી. આ સુરંગ નજીકના એક મંદિર સુધી જતી હતી.

મહેલમાં રહેતા લોકો આ જ સુરંગમાંથી મંદિરે જઈને પૂજાપાઠ કરતા હતા.

પરંતુ સમય જતાં આ વિસ્તારમાં બાંધકામ થતું ગયું. ત્યાર પછી સુરંગ બંધ કરી દેવામાં આવી. હવે તે માત્ર સ્મૃતિનો એક હિસ્સો છે.

પાકિસ્તાન બન્યા પછી શું થયું?

કરાચીનો મોહટ્ટા પેલેસ: હિંદુ વેપારીનું ઘર, જેને જોઈને નજર થંભી જાય છે

પાકિસ્તાનના એક રાજકારણી કુંવર ખાલિદ યુનુસે ‘ડૉન’ અખબારને એક પત્ર લખ્યો હતો.

આ પત્રમાં તેમણે વર્ષ 2004માં ભારતની મુલાકાત દરમિયાન એક વૃદ્ધ સાથે થયેલી મુલાકાતનો ઉલ્લેખ કર્યો હતો.

એ વૃદ્ધે તેમને જણાવ્યું હતું કે એક પ્રભાવશાળી રાજકીય વ્યક્તિએ શેઠ શિવરતન મોહટ્ટાને મહેલ ખાલી કરવા કહ્યું હતું. તેમને કહેવામાં આવ્યું હતું કે અહીં સરકારી કચેરીઓ બનાવવાની છે.

કુંવર ખાલિદ યુનુસના જણાવ્યા મુજબ, આ પછી શિવરતન મોહટ્ટાએ પાકિસ્તાન છોડીને જવાનો નિર્ણય કર્યો.

તેમણે મહેલની ચાવીઓ પોતાના મૅનેજરને સોંપી દીધી. સાથે એક નોંધ લખીને કહ્યું કે તે પેલી રાજકીય વ્યક્તિને આપી દેવામાં આવે.

એ નોંધમાં લખ્યું હતું કે પોતાને માત્ર વિનંતી કરવામાં આવી હોત, તો તેઓ આ મહેલ ભેટમાં જ આપી દેત. તેને બદલે તેમને મહેલ ખાલી કરવાનો આદેશ આપવામાં આવ્યો હતો.

હકીકતમાં, પાકિસ્તાન બન્યા પછી શિવરતન મોહટ્ટા કરાચીમાં જ રહેવા માગતા હતા. પરંતુ તેમના માટે એવા સંજોગો ઊભા કરવામાં આવ્યા કે તેમણે મુંબઈ જવાનો નિર્ણય કરી લીધો.

આ અંગે પાકિસ્તાનના વરિષ્ઠ અમલદાર સૈયદ હાશિમ રઝાએ પોતાના પુસ્તક ‘હમારી મંઝિલ’નાં પાનાં 96 અને 97 પર એક બીજી મહત્ત્વપૂર્ણ વાત લખી છે.

તેઓ લખે છે, “શિવરતન મોહટ્ટા ખૂબ જ ધનવાન લોકોમાંના એક હતા. કરાચીમાં તેમનાં અનેક ઘર હતાં, પરંતુ તેમને મોહટ્ટા પૅલેસમાં રહેવું ગમતું હતું.”

“આ ઇમારતને વિદેશ મંત્રાલયની કચેરી બનાવવા માટે પસંદ કરવામાં આવી હતી.”

“14 ઑગસ્ટની સાંજે લઘુમતી સમુદાયના અગ્રણી લોકોને ગવર્નર જનરલ હાઉસમાં બોલાવવામાં આવ્યા હતા. તેમાં શિવરતન મોહટ્ટા પણ સામેલ હતા.”

“તેઓ મહમદ અલી ઝીણા પાસે ગયા અને તેમને પાકિસ્તાનના ગવર્નર જનરલ બનવા બદલ અભિનંદન આપ્યાં. મહમદ અલી ઝીણાએ પણ ઉષ્માપૂર્વક તેમની સાથે હાથ મિલાવ્યો.”

“શિવરતન મોહટ્ટાને લાગ્યું કે સરકાર પાસેથી પોતાનું ઘર, મોહટ્ટા પૅલેસ, પાછું મેળવવાની વાત કરવા માટે આ સૌથી સારો મોકો છે.”

“તેમણે મને, એટલે કે હાશિમ રઝાને, કહ્યું કે મહમદ અલી ઝીણાને હું જણાવું કે કઈ રીતે મોહટ્ટા પૅલેસને સરકારી કચેરીઓ માટે પસંદ કરવામાં આવ્યો છે.”

“મેં મહમદ અલી ઝીણાને જણાવ્યું કે અમે માત્ર એ લોકોનાં ઘરો પસંદ કર્યાં છે, જેમની પાસે રહેવા માટે એક કરતાં વધુ મકાનો છે.”

“મેં તેમને કહ્યું કે મોહટ્ટા પાસે કરાચીમાં રહેવા માટે એક કરતાં વધુ ઘર છે અને તેઓ બીજા કોઈ ઘરમાં જઈ શકે છે.”

“મોહટ્ટાએ જવાબ આપ્યો કે આ તેમનું સૌથી પ્રિય ઘર છે.”

કરાચીનો મોહટ્ટા પેલેસ: હિંદુ વેપારીનું ઘર, જેને જોઈને નજર થંભી જાય છે

“તેમણે મહમદ અલી ઝીણાને વિનંતી કરી. પરંતુ ઝીણાએ એમ કહીને માફી માગી કે આ મામલે નિર્ણય લેવાનો અધિકાર તેમની પાસે નથી.”

“તેમણે કહ્યું કે તમારે આ અંગે નિર્ણય લેવાનો અધિકાર ધરાવતા લોકો સમક્ષ વિનંતી કરવી જોઈએ.”

“આ સાંભળીને શિવ રતન મોહટ્ટા આશ્ચર્યચકિત થઈ ગયા હતા.”

પાકિસ્તાન બન્યા પછી આગા હિલાલી ત્યાં મુખ્ય પ્રોટોકૉલ અધિકારી હતા.

તેમણે લખ્યું હતું કે મોહટ્ટા પૅલેસમાં વિદેશ મંત્રાલયની કચેરીઓ તો શરૂ કરવામાં આવી હતી, પરંતુ શહેરથી દૂર હોવાને કારણે કર્મચારીઓને ત્યાં આવવા-જવામાં મુશ્કેલી પડતી હતી.

આ સમસ્યાનો ઉકેલ લાવવા માટે સદરના એમ્પ્રેસ માર્કેટથી બસસેવા શરૂ કરવામાં આવી. આ બસ કર્મચારીઓને મોહટ્ટા પૅલેસ સુધી લઈ જતી અને પાછા લાવતી હતી.

એ એવો સમય હતો, જ્યારે ક્લિફ્ટનમાં બહુ ઓછી વસ્તી હતી. ત્યાં દરિયાનું પાણી અને રેતી જ દેખાતાં હતાં.

રાજધાની કરાચીથી ઇસ્લામાબાદ ખસેડવામાં આવ્યા પછી મોહટ્ટા પૅલેસ વેરાન થઈ ગયો.

ઝીણાનાં બહેન અહીં રહ્યાં હતાં

કરાચીનો મોહટ્ટા પેલેસ: હિંદુ વેપારીનું ઘર, જેને જોઈને નજર થંભી જાય છે

“ક્લિફ્ટન જતી વખતે રસ્તામાં દેખાતા આ મહેલ વિશે પોતાના પિતાને પૂછતો હું એકલો જ બાળક નહોતો કે આ શું છે.”

“જવાબ મળતો હતો કે અહીં પાકિસ્તાનના સ્થાપક મહમદ અલી ઝીણાનાં બહેન ફાતિમા ઝીણા રહેતાં હતાં.”

આ એક સામાન્ય અને સીધોસાદો જવાબ હતો. મારા જેવા દરેક બાળકને ક્લિફ્ટન ફરવા જતી વખતે રસ્તામાં દેખાતી આ ઇમારત વિશે પૂછતાં આવો જ જવાબ મળતો હતો.

ફાતિમા ઝીણાએ પાકિસ્તાનના સ્થાપક મોહમ્મદ અલી ઝીણાના મુંબઈસ્થિત ઘરના બદલામાં મોહટ્ટા પૅલેસ પસંદ કર્યો હતો.

જોકે, શરૂઆતમાં તેમણે આ ઇમારતમાં કોઈ રસ દાખવ્યો નહોતો. પરંતુ પછીથી તેઓ અહીં રહેવા લાગ્યાં.

આ ઇમારત ફાતિમા ઝીણાને સોંપવામાં આવી ત્યારે તેની હાલત ખૂબ જ ખરાબ હતી.

ઇમારતની સફાઈ કરાવવામાં આવી. પક્ષીઓનાં માળા અને કરોળિયાનાં જાળાં દૂર કરવામાં આવ્યાં.

આ રીતે થોડા સમય માટે મોહટ્ટા પૅલેસ ‘કસ્ર-એ-ફાતિમા’ (ફાતિમાનો મહેલ) બની ગયો.

ફાતિમા ઝીણાનાં મિત્ર બેગમ શાઇસ્તા ઇકરામુલ્લાહે ‘ડૉન’ અખબારને આપેલી એક મુલાકાતમાં જૂની યાદો વાગોળી હતી.

બેગમ શાઇસ્તા ઇકરામુલ્લાહ મોરોક્કોમાં પાકિસ્તાનનાં રાજદૂત રહી ચૂક્યાં હતાં. તેમની દીકરી રાજકુમારી સરવતનું લગ્ન જોર્ડનના રાજકુમાર હસન બિન તલાલ સાથે થયું હતું.

બેગમ શાઇસ્તા ઇકરામુલ્લાહ લખે છે, “એક સાંજે ફાતિમા ઝીણા મને મોહટ્ટા પૅલેસની છત પર લઈ ગયાં હતાં. ત્યાંથી દરિયાનું દૃશ્ય ખૂબ જ સુંદર દેખાતું હતું.”

“ફાતિમા ઝીણા પહેલી વાર રહેવા માટે આ મહેલમાં આવ્યાં હતાં, ત્યારે મેં તેમને પૂછ્યું હતું કે શું આ જગ્યા બહુ મોટી નથી?”

“તેમણે જવાબ આપ્યો હતો, ના, મને આ જગ્યા ગમે છે.”

“એ ગુરુવારની સાંજ હતી. તેમણે મહેલમાં રાત્રિભોજન લીધું હતું.”

“લેડી હિદાયતુલ્લાહના જણાવ્યા મુજબ, એ રાત્રે અબ્દુલ્લા શાહ ગાઝીની દરગાહ પર કવ્વાલીનો કાર્યક્રમ હતો. તેઓ આખી રાત ત્યાં બેસીને કવ્વાલી સાંભળતાં રહ્યાં હતાં.”

અયૂબ ખાન સામેનું આંદોલન

ફાતિમા ઝીણા લશ્કરી શાસક અયૂબ ખાન સામે રાષ્ટ્રપતિની ચૂંટણી લડ્યાં હતાં.

ત્યાં સુધીમાં મોહટ્ટા પૅલેસ ‘કસ્ર-એ-ફાતિમા’ બની ગયો હતો. એ સમયે આ મહેલ ફાતિમા ઝીણાના ચૂંટણીપ્રચાર અને આંદોલનનું એક મહત્ત્વપૂર્ણ કેન્દ્ર હતો.

ફાતિમા ઝીણા લગભગ સાડા ત્રણ વર્ષ મોહટ્ટા પૅલેસમાં રહ્યાં હતાં. અહીં જ તેમનું અવસાન થયું હતું.

તેમના મૃત્યુ વિશે આજ સુધી એમ જ માનવામાં આવે છે કે તેમનું મૃત્યુ સ્વાભાવિક નહોતું.

ફાતિમા ઝીણા જીવિત હતાં ત્યાં સુધી પોતાના વહાલા ભાઈ મહમદ અલી ઝીણાની વરસીના કાર્યક્રમનું નિયમિત આયોજન કરતાં હતાં.

તેઓ બોહરા સમુદાયના એક ખાસ રસોઈયા પાસે બિરયાની બનાવડાવતાં અને લોકોને જમાડતાં હતાં.

મોહટ્ટા પૅલેસમાં ફાતિમા ઝીણાએ ઉપયોગમાં લીધેલી અનેક વસ્તુઓ અને બે કાર હવે ફ્લૅગ સ્ટાફ હાઉસના મ્યુઝિયમમાં રાખવામાં આવી છે.

માલિકીના હકનો વિવાદ

કરાચીનો મોહટ્ટા પેલેસ: હિંદુ વેપારીનું ઘર, જેને જોઈને નજર થંભી જાય છે

ફાતિમા ઝીણાના અવસાન પછી તેમનાં બહેન શિરીન ઝીણા મોહટ્ટા પૅલેસમાં રહેવા લાગ્યાં હતાં.

1980માં તેમના અવસાન સુધી તેઓ અહીં જ રહ્યાં હતાં. પરંતુ એ પહેલાં જ મોહટ્ટા પૅલેસની માલિકીના હકને લઈને વિવાદ શરૂ થઈ ગયો હતો અને મામલો અદાલત સુધી પહોંચ્યો હતો.

આ વિવાદનું પરિણામ એ આવ્યું કે અદાલતના આદેશથી મોહટ્ટા પૅલેસને સીલ કરી દેવામાં આવ્યો.

શિરીન ઝીણા ઇચ્છતાં હતાં કે મોહટ્ટા પૅલેસમાં છોકરીઓ માટે મેડિકલ અને ડેન્ટલ કૉલેજ શરૂ કરવામાં આવે.

આ માટે તેમણે એક ટ્રસ્ટ પણ બનાવ્યું હતું. પરંતુ તેમના સંબંધીઓ આ ઇમારત પર માલિકીનો હકદાવો કરવા લાગ્યા.

ઑક્ટોબર 2021માં સિંધ હાઈ કોર્ટેની એકલ ન્યાયાધીશની પીઠે પણ મોહટ્ટા પૅલેસમાં છોકરીઓ માટે મેડિકલ અને ડેન્ટલ કૉલેજ શરૂ કરવાનો આદેશ આપ્યો હતો.

પરંતુ કાનૂની મુશ્કેલીઓને કારણે આ આદેશનો અમલ શક્ય નહોતો.

1995માં બેનઝીર ભુટ્ટોએ પોતાના શાસનકાળ દરમિયાન સિંધ સરકારને મોટી રકમ આપી હતી, જેથી તે મોહટ્ટા પૅલેસ ખરીદી શકે.

ત્યાર પછી તેના સંચાલન માટે સામાજિક ક્ષેત્ર સાથે સંકળાયેલા લોકોનું એક ટ્રસ્ટી મંડળ બનાવવામાં આવ્યું.

આ મંડળ આજે પણ મોહટ્ટા પૅલેસને સાંસ્કૃતિક વારસા તરીકે સંચાલિત કરે છે.

મોહટ્ટા પૅલેસ સિંધ સરકારને મળ્યો ત્યારે તે ખંડેર જેવો થઈ ગયેલો.

ત્યાર પછી તેની મરામત અને સજાવટનું કામ શરૂ કરવામાં આવ્યું. અહીં એક મ્યુઝિયમ બનાવવાનો નિર્ણય લેવામાં આવ્યો, જેને 1999માં સામાન્ય લોકો માટે ખુલ્લું મૂકવામાં આવ્યું.

મોહટ્ટા પૅલેસ જેટલા સમય સુધી બંધ રહ્યો, એ દરમિયાન તેના વિશે જાતજાતની વાતો સાંભળવા મળતી રહી.

કહેવાતું હતું કે આ ભૂતિયો બંગલો છે અને અહીં જિન્નાત-ભૂત રહે છે. લોકો અહીંથી પસાર થતાં પણ ડરતા હતા.

મોહટ્ટા પૅલેસના મ્યુઝિયમમાં શું છે?

મોહટ્ટા પૅલેસમાં આવેલા મ્યુઝિયમની અંદર તસવીરો પાડવાની અને વીડિયો ઉતારવાની મંજૂરી નથી.

પરંતુ મ્યુઝિયમના સંચાલકોએ બીબીસી હિન્દીને તસવીરો પાડવાની ખાસ મંજૂરી આપી હતી.

આ મ્યુઝિયમ મહેલના ભોંયતળિયે અને પહેલા માળે આવેલું છે.

અહીં તસવીરો અને દુર્લભ વસ્તુઓના માધ્યમથી માત્ર સિંધ જ નહીં, પરંતુ આ સમગ્ર પ્રદેશની વિવિધ પ્રાચીન સંસ્કૃતિઓ વિશે પણ માહિતી આપવામાં આવી છે.

અહીં ઘરેણાં અને સિક્કા છે. કપડાં અને વિવિધ પ્રકારની હસ્તકલાની વસ્તુઓ પણ રાખવામાં આવી છે.

પાકિસ્તાનની શરૂઆતના સમયની ચલણી નોટો પણ આ મ્યુઝિયમમાં છે. કહેવાય છે કે આ નોટોનો ઉલ્લેખ સ્ટેટ બૅન્ક ઑફ પાકિસ્તાનના રેકૉર્ડમાં પણ નથી.

મોહટ્ટા પૅલેસમાં ધાતુ અને પથ્થરની મૂર્તિઓ પણ લોકોનું ધ્યાન ખેંચે છે. તેમાં મહારાણી વિક્ટોરિયાની મૂર્તિનો પણ સમાવેશ થાય છે.

પરંતુ હવે આ મૂર્તિઓને ઢાંકી દેવામાં આવી છે. ખાસ પ્રસંગોએ જ તેમને ખુલ્લી મૂકવામાં આવે છે.

આ મૂર્તિઓ અગાઉ શહેરનાં જુદાં જુદાં સ્થળોએ મૂકવામાં આવી હતી. હવે તેમને અહીં રાખવામાં આવી છે.

મોહટ્ટા પૅલેસમાં હવે નિયમિત રીતે ફાઇન આર્ટને લગતાં પ્રદર્શનો યોજાય છે અને મુશાયરાઓ પણ થાય છે.

આજે ક્લિફ્ટન વિસ્તારમાં અનેક દેશોનાં વાણિજ્ય દૂતાવાસો આવેલાં છે.

પાકિસ્તાનના ભૂતપૂર્વ વડા પ્રધાન ઝુલ્ફિકાર અલી ભુટ્ટોનું જાણીતું ઘર ’70 ક્લિફ્ટન’ પણ અહીં જ છે.

પરંતુ આટલો લાંબો સમય વીતી ગયા પછી પણ મોહટ્ટા પૅલેસમાં જે આકર્ષણ અને જાદુ રહેલાં છે, તેની બરાબરી બીજી કોઈ ઇમારત કરી શકે તેમ નથી.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

SOURCE : BBC NEWS