Source : BBC NEWS

તબીબી શિક્ષણના રાજ્યકક્ષાના મંત્રી પ્રફુલ પાનસેરિયા

ઇમેજ સ્રોત, @prafulpbjp

પ્રકાશિત

વાંચવાનો સમય: 3 મિનિટ

કૉંગોથી ગુજરાત આવેલા ઇબોલા વાઇરસના શંકાસ્પદ દર્દીનો રિપોર્ટ નૅગેટિવ આવ્યો છે.

રાજ્યના આરોગ્ય, પરિવાર કલ્યાણ અને તબીબી શિક્ષણના રાજ્યકક્ષાના મંત્રી પ્રફુલ પાનસેરિયાએ ઍક્સ પર આ વાતની પુષ્ટિ કરી છે.

તેમણે વધુમાં લખ્યું કે નાગરિકોને વિનંતી છે કે કોઈ પણ પ્રકારનો ભય અને ગભરાટ રાખવાની જરૂર નથી. તેમજ અફવાથી દૂર કરીને આરોગ્ય વિભાગ દ્વારા આપેલી સત્તાવાર માહિતી પર જ વિશ્વાસ રાખે.

ઉલ્લેખનીય છે કે ગુજરાતમાં પણ ઇબોલાનો એક શંકાસ્પદ કેસ નોંધાયો હતો. મંત્રી પ્રફુલ પાનસેરિયાએ મીડિયાને જણાવ્યું હતું કે “કૉંગોથી મુંબઈ થઈ વડોદરા આવેલા એક વેપારીને તાવ આવ્યો હતો, તેથી તેમને વડોદરાની બૅન્કર હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. તેમનાં લક્ષણો શંકાસ્પદ ઇબોલાનાં જણાતાં તેમને અમદાવાદ ખાતેની સિવિલ હૉસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. જ્યાં તેમના બ્લડનાં સૅમ્પલો લઈને વિવિધ ચકાસણી માટે મોકલવામાં આવ્યાં છે.”

કૉંગોથી ગુજરાત આવેલા ઇબોલા વાઇરસના શંકાસ્પદ દર્દીનો રિપોર્ટ નૅગેટિવ આવ્યો છે

ઇમેજ સ્રોત, @prafulpbjp

તો સુરતની નવી સિવિલ હૉસ્પિટલ ખાતે 10 બૅડના એક આઇસોલેશન વૉર્ડને તૈયાર કરવામાં આવ્યો છે જેમાં ઇબોલા વાઇરસનો ચેપ લાગ્યો હોય તેવા શંકાસ્પદ લોકોને સારવાર આપવામાં આવશે.

ગુજરાતમાં સુરત ઉપરાંત અમદાવાદની સિવિલ હૉસ્પિટલમાં પણ આવો અલાયદો વૉર્ડ તૈયાર કરવામાં આવ્યો છે.

નેતન્યાહૂએ ગાઝાના 70 ટકા ભાગ પર કબજો કરવાનો નિર્દેશ આપ્યો

ઇઝરાયલના વડા પ્રધાન બિન્જામિન નેતન્યાહૂએ ગુરુવારે કહ્યું કે તેમણે સેનાને ગાઝાના વધુ ભાગો પર કબજો કરવાના નિર્દેશ આપ્યો છે

ઇમેજ સ્રોત, Reuters

ઇઝરાયલના વડા પ્રધાન બિન્જામિન નેતન્યાહૂએ ગુરુવારે કહ્યું કે તેમણે સેનાને ગાઝાના વધુ ભાગો પર કબજો કરવાના નિર્દેશ આપ્યો છે.

સમાચાર એજન્સી રૉયટર્સે સમાચાર આપ્યા કે નેતન્યાહૂએ કહ્યું કે શરૂઆતનું લક્ષ્ય પેલેસ્ટાઇન ક્ષેત્રના 70 ટકા ભાગ પર નિયંત્રણ હાંસલ કરવાનું છે.

આ પગલું ઑક્ટોબર 2025માં ઇઝરાયલ અને હમાસ વચ્ચે થયેલા યુદ્ધવિરામ કરારની શરતોથી વિપરીત માનવામાં આવે છે.

ગાઝાની વસ્તી પહેલેથી દરિયાકાંઠે એક સાવ નાના વિસ્તારમાં સીમિત થઈ ગઈ છે.

અનુમાન છે કે ઇઝરાયલે પહેલેથી ગાઝાપટ્ટીના અંદાજે 64 ટકા વિસ્તાર પર પોતાનું પ્રભાવક નિયંત્રણ મેળવી લીધું છે.

2023માં દક્ષિણ ઇઝરાયલ પર હમાસના હુમલા બાદ શરૂ થયેલા ઇઝરાયલના બે વર્ષ લાંબા સૈન્ય અભિયાનમાં આ નાના તટીય વિસ્તારનો મોટો ભાગ ખંડેર બની ચૂક્યો છે.

અમેરિકા-ઈરાન વચ્ચે યુદ્ધવિરામ 60 દિવસ લંબાવવા પર સહમતિના સમાચાર, જેડી વૅન્સે શું કહ્યું

અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ જે ડી વૅન્સે કહ્યું કે યુદ્ધ અંગે કોઈ સમજૂતી પર પહોંચતા પહેલાં અમેરિકા અને ઈરાનને અત્યારે કેટલાક લંબિત મુદ્દાઓનું સમાધાન લાવવું પડશે

ઇમેજ સ્રોત, Reuters

અમેરિકા અને ઈરાન વચ્ચે સમજૂતી પર સહમતિના સમાચાર છે.

મળતી જાણકારી અનુસાર આ સમજૂતીમાં યુદ્ધવિરામને 60 દિવસ માટે લંબાવવા અને ઈરાનના પરમાણુ કાર્યક્રમના ભવિષ્ય પર વાટાઘાટો શરૂ કરવાનું સામેલ છે.

જોકે અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ જે ડી વૅન્સે કહ્યું કે યુદ્ધ અંગે કોઈ સમજૂતી પર પહોંચતા પહેલાં અમેરિકા અને ઈરાનને અત્યારે કેટલાક લંબિત મુદ્દાઓનું સમાધાન લાવવું પડશે.

પરંતુ બીબીસી પર્શિયન અનુસાર ઈરાનની અર્ધસરકારી સમાચાર સંસ્થા તસ્નીમે સમાચાર આપ્યા છે કે સમજૂતી અત્યારે અંતિમ રૂપ નથી લઈ શકી અને તેની પુષ્ટિ પણ નથી થઈ.

બીબીસીએ પ્રશ્ન પૂછ્યો કે શું રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ સમજૂતી પર હસ્તાક્ષર કરવા નજીક છે. આની પર વૅન્સે કહ્યું કે આ ટિપ્પણી કરવી અત્યારે ઉતાવળ હશે કે બંને પક્ષ અંતિમ સમજૂતી સુધી”ક્યારે અથવા શું” પહોંચી શકશે.

આની પહેલાં ગુરુવારના અમેરિકાના અધિકારીઓએ બીબીસીને જણાવ્યું કે બંને દેશો વચ્ચે સમજૂતીના માળખા પર સહમતિ બની છે પણ આને ડોનાલ્ડ ટ્રમ્પ અને ઈરાની નેતૃત્વની મંજૂરી મળવાની બાકી છે.

આ દરમિયાન, અમેરિકાની સેનાએ ઈરાન પર નાજુક યુદ્ધવિરામના ઉલ્લંઘનનો આરોપ લગાવ્યો છે.

આ નિવેદન ત્યારે આવ્યું છે કે જ્યારે કુવૈતે જણાવ્યું કે તેની પર હુમલો કરાયો છે.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

SOURCE : BBC NEWS