Source : BBC NEWS
Shailesh Pandya
નોંધ: આ અહેવાલના અમુક અંશ વિચલિત કરી શકે છે.
“મારા પતિ કૌશલ અને દીકરી સાનિયા વાતો કરતાં હતાં, ત્યારે બાર વાગ્યે હું બીજા રૂમમાં સૂવા ગઈ હતી. રાત્રે ત્રણ વાગ્યે ઊંઘમાંથી ઊઠીને પાણી પીવા માટે રસોડામાં ગઈ, ત્યારે જોયું હતું કે બાપ-દીકરી વાતો કરી રહ્યાં હતાં.”
“સવારે ચાર વાગ્યે દીકરી સાનિયા રસોડામાં સૂતી હતી. મેં અંદર જવાનો પ્રયાસ કર્યો, પણ મારા પતિએ મને બહાર કાઢી મૂકી હતી. સવારે પાંચ વાગ્યે અમારાં સગાંસંબંધી આવ્યાં ત્યારે મને ખબર પડી કે દીકરી હવે આ દુનિયામાં નથી.”
આ શબ્દો છે વડોદરામાં રહેતાં ભાવિનીબહેન પટેલનાં.
પહેલાં તો ભાવિનીબહેનને જાણ થઈ કે દિવાળીની રાત્રે તેમની દીકરીએ આત્મહત્યા કરી લીધી છે, પછી માલૂમ પડ્યું કે તેમના પતિ ઉપર જ દીકરીની હત્યાનો આરોપ છે.
પોલીસનું કહેવું છે કે એક યુવક સાથે સાનિયાને પ્રેમસંબંધ હતો, જે કૌશલભાઈને પસંદ ન હતો, એટલે તેમણે આ ‘ગુનો આચર્યો’ હતો.
(આત્મહત્યા એક ગંભીર માનસિક અને સામાજિક સમસ્યા છે. જો તમે પણ તણાવનો સામનો કરી રહ્યા હો, તો તમે ભારત સરકારની જીવન સાથી હેલ્પલાઇન 18002333330 દ્વારા મદદ મેળવી શકો છો. તમારે તમારા મિત્રો અને સંબંધીઓ સાથે પણ આ વિશે વાત કરવી જોઈએ.)
દિવાળીની રાત્રે શું બન્યું હતું?
Shailesh Pandya
કૌશલ પટેલ મૂળ ખંભાતના મેતપુર ગામના છે. તેઓ વડોદરામાં વીંટી માટે હીરાના નંગનો છૂટક ધંધો કરે છે. સહજાનંદ ફળિયામાં રહેતા કૌશલભાઈની દીકરી સાનિયાએ (ઉં. વ. 21) બી. કૉમ. સુધીનો અભ્યાસ કર્યો હતો.
દિવાળી સમયે પટેલ પરિવાર વડોદરાથી પોતાના વતન મેતપુર આવ્યો હતો. ત્યારે પ્રેમસંબંધ પિતા-પુત્રી વચ્ચે વાતચીત થઈ હતી, જે ‘હત્યા’ સુધી પહોંચી હતી.
પોલીસનું કહેવું છે કે સાનિયાને ગામના એક યુવક સાથે પ્રેમસંબંધ હતો. એ યુવક અન્ય જ્ઞાતિનો હોવાથી કૌશલભાઈ નારાજ હતા.
ડૉક્ટરની સતર્કતા અને પોલીસની સક્રિયતા
Shailesh Pandya
ખંભાત પોલીસ સ્ટેશન ખાતે સબ ઇન્સ્પેક્ટર તરીકે ફરજ બજાવતા આર. બી. વાઘેલાએ પોસ્ટમૉર્ટમ રિપોર્ટ બાદ નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું છે કે, “કૌશલભાઈ પટેલ દિવાળી પછીના દિવસે ખંભાત જનરલ હૉસ્પિટલમાં પહોંચ્યા હતા. જ્યાં તેમણે દીકરીએ આત્મહત્યા કરી લીધી હોવાનું તથા તેનો મૃતદેહ રસોડામાં હોવાનું જણાવ્યું હતું.”
“જોકે, ફરજ પર હાજર તબીબ અર્થ પરીખે મૃતદેહના નાકમાંથી લોહી નીકળતું જોયું હતું. આ સિવાય હથેળી અને મોઢું વાદળી થઈ ગયાં હતાં. આથી, તેમણે ખંભાતના એક્ઝિક્યુટિવ મૅજિસ્ટ્રેટને જાણ કરી હતી કે યુવતીના પિતા અને સગાંવહાલાં મૃત્યુ વિશેનું જે કોઈ કારણ જણાવે, પરંતુ મૃતકની હાલત શંકાસ્પદ જણાય છે. એટલે તેનું ફોરેન્સિક પોસ્ટમૉર્ટમ થવું જોઈએ.”
પીએસઆઇ વાઘેલાએ જણાવ્યું હતું કે, “બીજી તરફ પોલીસ સ્ટેશનમાં યુવતીએ આત્મહત્યા કરી હોવાનું જણાવવામાં આવ્યું હતું અને હું તેની તપાસ કરી રહ્યો હતો. એટલે અમે મૃતદેહનું પંચનામું કરીને તેને તાત્કાલિક કરમસદ શ્રીકૃષ્ણ હૉસ્પિટલ ખાતે પોસ્ટમૉર્ટમ માટે લઈ ગયા હતા.”
રિપોર્ટમાં યુવતીનું મૃત્યુ શ્વાસ રૂંધાવાથી થયું હોવાનું બહાર આવ્યું હતું, એટલે પોલીસે એ દિશામાં તપાસનો આગળ વધારી હતી.
ખંભાતના પોલીસ ઇન્સ્પેક્ટર પી. જે. બાંટવાએ બીબીસી ગુજરાતી સાથેની વાતચીતમાં જણાવ્યું હતું, “ખંભાતના ડૉક્ટરે પોસ્ટમૉર્ટમની સલાહ આપી હતી, કરમસદની હૉસ્પિટલના રિપોર્ટ બાદ હત્યા થઈ હોવાનું સ્પષ્ટ થયું હતું.”
“પરંતુ મૃતકના પિતાએ આત્મહત્યા કરી હોવાનું ચિત્ર ઊભું કરવાનો પ્રયાસ કર્યો હતો. પોસ્ટમૉર્ટમ થઈ ગયા બાદ અમે તેમનાં સગાંવહાલાંને અંતિમ સંસ્કાર માટે મૃતદેહ સોંપ્યો હતો.”
“એ પછી પોલીસે મૃતક સાનિયાના પિતા કૌશલભાઈની ઊલટતપાસ શરૂ કરી હતી. તેના વિશે પીઆઈ બાંટવા જણાવે છે, “કૌશલભાઈએ દિવાળીની રાત્રે જમ્યા પછી ગામમાં જ રહેતાં બહેન-બનેવી તથા અન્ય સગાંની સાથે મોડી રાત સુધી વાતો કરી હતી.”
“સગાંસંબંધીઓના ગયા પછી કૌશલભાઈ તેમની દીકરી સાનિયા સાથે રસોડામાં બેસીને વાતો કરી રહ્યા હતા. કૌશલભાઈનાં પત્ની ભાવિનીબહેન બીજા રૂમમાં સૂવા ગયાં હતાં. અમારી તપાસ દરમિયાન કૌશલભાઈએ રાતનો ઘટનાક્રમ વર્ણવીને હત્યા કરી હોવાનું સ્વીકાર્યું છે.”
શું કહે છે પરિવાર?
તમારું ડિવાઇસ મીડિયા પ્લેબૅક સપોર્ટ નથી કરતું

SOURCE : BBC NEWS




