Home તાજા સમાચાર gujrati ગર્ભવતી હોવાનો ઢોંગ કર્યો અને નવજાત બાળકીનું અપહરણ કર્યું, એ પછી શું...

ગર્ભવતી હોવાનો ઢોંગ કર્યો અને નવજાત બાળકીનું અપહરણ કર્યું, એ પછી શું થયું?

3
0

Source : BBC NEWS

બીબીસી ગુજરાતી, ગુજરાત. બીબીસી, અમદાવાદ

ઇમેજ સ્રોત, Netflix

વાસ્તવિક ઘટનાઓ પર આધારિત અને ચિલીનાં દિગ્દર્શક માઈતે અલ્બેરડી દ્વારા દિગ્દર્શિત નવી ડોક્યુડ્રામા ફિલ્મ “અ ચાઈલ્ડ ઑફ વન્‍સ ઓન”માં એક યુવાન મેક્સિકન મહિલાના ઊચ્ચ કક્ષાના કેસની વાત કરવામાં આવી છે. એ મહિલાએ માતા બનવાનું પોતાનું સપનું પૂરું કરવા માટે આત્યંતિક પગલાં ભર્યાં હતાં.

મેક્સિકો સિટીની હૉસ્પિટલમાંથી, 17 જૂન, 2009ના રોજ, 26 વર્ષની એક મહિલા એક ગિફ્ટ બૅગ લઈને બહાર નીકળી. એ બૅગમાં એક નવજાત બાળકી હતી.

એલેઓનોર અલેહાન્દ્રા મારિન મેન્ડોઝા નામની એ મહિલા તેની માતા નહોતી.

ચેતવણી: આ લેખમાં વારંવાર કસુવાવડના ઉલ્લેખો છે અને ફિલ્મના કથાનકના કેટલાક ભાગો દર્શાવવામાં આવ્યા છે.

થોડા કલાકો પછી, તેની અને તેનો પતિ આર્તુરોની એક મોટેલમાંથી ધરપકડ કરવામાં આવી બાળકી કાત્યા વેલેન્ટિનાને કોઈ ઈજા પહોંચ્યા વિના તેના માતા-પિતાને પરત સોંપવામાં આવી.

મારિન મેન્ડોઝાને અપહરણના ગુના બદલ 13 વર્ષની કેદની સજા ફટકારવામાં આવી.

તેના કેસે મેક્સિકામાં મીડિયાનું ભારે ધ્યાન ખેંચ્યું હતું. કારણ કે તેણે પૂર્ણ સમયની ગર્ભાવસ્થા હોવાનો ઢોંગ કર્યો હતો અને પોતાના પતિ, પરિવારજનો તથા ડૉક્ટરોને પણ છેતર્યા હતા.

માતા બનવા માટે તેણે અનુભવેલા સામાજિક અને માનસિક દબાણને નવી ફિલ્મ “અ ચાઈલ્ડ ઑફ વન્‍સ ઓન”માં વિગતવાર રજૂ કરવામાં આવ્યું છે, જે આ ગુરુવારે નેટફ્લિક્સ પર રજૂ થઈ રહી છે.

આ ચોંકાવનારી વાર્તાને પરંપરાગત વાસ્તવદર્શી અપરાધકથાની શૈલીમાં નહીં, પણ દસ્તાવેજી શૈલીની નાટ્યાત્મક કથા તરીકે રજૂ કરવામાં આવી છે.

ફિલ્મનો પહેલો હિસ્સો મારિન મેન્ડોઝાએ વર્ણવેલી ઘટનાઓના અત્યંત શૈલીબદ્ધ પુનઃસર્જન પર આધારિત છે.

પછી, અમે ‘આલે’ તરીકે ઓળખાતી, વાસ્તવિક એલેઓનોર અલેહાન્દ્રા મારિનને જેલમાં મળ્યાં. આ કેસ સાથે સંકળાયેલાં અન્ય લોકોને પણ મળ્યાં અને તે સમયના આર્કાઇવલ ફૂટેજ પણ જોયાં.

“મને લાગતું હતું કે હું જાણે કે કોઈ બીજી જ દુનિયામાં જીવી રહી છું. ઘણી વખત મને કહેવાનું મન થતું હતું, ‘આ હકીકત નથી’ અથવા ‘આમ થઈ રહ્યું નથી.’ પણ હું એવું કહી શકતી નહોતી,” મારિન મેન્ડોઝા અલ્બેરડીને કહે છે.

મારિન મેન્ડોઝા 2009માં યોજાયેલી તેના બેબી શાવરના દૃશ્ય વિશે ટિપ્પણી કરે છે, જેમાં મેક્સિકન અભિનેત્રી આના સેલેસ્ટે મોન્તાલ્વોએ તેની ભૂમિકા ભજવી છે. મિત્રો અને પરિવારજનો કથિત ગર્ભવતી આલે માટે બેબી શાવર યોજે છે. તેમાં કેક, ભેટો અને ફુગ્ગાઓ સાથે તેની ગર્ભાવસ્થાની ખુશી મનાવવામાં આવે છે.

તે સ્વીકારે છે કે આ એવી પરિસ્થિતિ હતી જેણે પોતાના મનમાં મિશ્ર લાગણીઓ પેદા કરી હતી.

એક તરફ, તે કહે છે, “મને લાગતું હતું કે હું ખૂબ જ ખાસ છું”; બીજી તરફ, “મને ઇચ્છા થતી હતી કે આ જૂઠાણાંના ફુગ્ગાને કોઈક ફોડી નાખે.”

એક ભ્રમયુક્ત કલ્પનાસૃષ્ટિ

બેસ્ટ ડૉક્યુમેન્ટરીની શ્રેણીમાં બે વખત ઓસ્કાર માટે નામાંકિત થયેલી અલ્બેરડી આ સમગ્ર ઘટનાક્રમને જાણે કે નાટ્યાત્મક પરીકથાની જેમ રજૂ કરે છે. શરૂઆત 2000માં આલે અને આર્તુરોના લગ્નથી થાય છે.

ફિલ્મમાં આછા પેસ્ટલ રંગો જોવા મળે છે: ગુલાબી, પીળા અને વાદળી. જ્યારે કૅમેરા ધૂંધળા ફોકસ સાથે આગળ વધે છે.

માતાને પોતાના બાળક સાથે દર્શાવતી એક ખુશનુમા તસવીર પ્રસૂતિ વિભાગના પ્રતીક્ષાખંડમાં લટકાવવામાં આવી છે. મારિન મેન્ડોઝા હંમેશાં ગુલાબી રંગનાં કપડાં પહેરે છે અને વાર્તાનો આ હિસ્સો તેના દૃષ્ટિકોણથી કહેવામાં આવે છે, જેમાં તેનો અવાજ વૉઇસઓવર તરીકે સાંભળવા મળે છે.

બીબીસીને સમજાવતાં અલ્બેરડી કહે છે, “મેં આ દૃશ્યોને પરીકથા જેવાં બનાવ્યાં છે, કારણ કે નાયિકા માતા બનવાના આ અનુભવને જે રીતે જીવવા માગતી હતી, તેનું આ સ્વપ્ન છે—અથવા તો, તે પોતાની જાતને આ સમગ્ર વાર્તા જે રીતે સમજાવે છે, તે છે.”

તે ઉમેરે છે: “વાસ્તવિકતા પ્રત્યેનો તેનો આ અંગત દૃષ્ટિકોણ છે. અમે આ ગુલાબી દુનિયાને અતિશયોક્તિની હદ સુધી લઈ ગયા છીએ, કારણ કે વાસ્તવિક જીવનમાં પણ તેની દુનિયા ખૂબ જ ગુલાબી છે. ફિલ્મમાં તમને જોવા મળશે તેમ, તેને એ રંગ ખૂબ ગમે છે. તેનો હેતુ લગ્ન અને બાળક અંગેના પોતાના સ્વપ્નને શક્ય તેટલી વફાદારીથી રજૂ કરવાનો છે.”

એક વાત સ્પષ્ટ છે કે નાની ઉંમરથી જ માતા બનવાની ઇચ્છાએ મારિન મેન્ડોઝા પર ભારે દબાણ પેદા કર્યું હતું.

તે 17 વર્ષની ઉંમરે પરણી હતી અને ત્યારે પહેલેથી જ ગર્ભવતી હતી, પણ તેની કસુવાવડ થઈ ગઈ હતી. ત્યાર પછીની ગર્ભાવસ્થા પણ કસુવાવડમાં પરિણમી.

પતિ અને તેના પરિવારની પ્રતિક્રિયા કેવી હશે એના ડરથી તેણે ત્રીજી કસુવાવડની વાત છુપાવી રાખી હતી. ‘નેટફ્લિક્સ’ના જણાવ્યા મુજબ, ‘આલે’ તરીકે વધુ જાણીતી મારિન મેન્ડોઝા પોતાની 13 વર્ષની જેલની સજા પૂરી કર્યા બાદ ‘અ ચાઈલ્ડ ઑફ વન્‍સ ઓન’માં પોતે દેખા દે છે.

બીબીસી ગુજરાતી, ગુજરાત. બીબીસી, અમદાવાદ

ઇમેજ સ્રોત, Netflix

પોલીસને આપેલા નિવેદન અનુસાર, તેની મુલાકાત ત્યાર પછી પ્રસૂતિ વિભાગમાં માયરા નામની એક ગર્ભવતી મહિલા સાથે થઈ હતી, જે પોતે પોતાનું બાળક નહોતી ઇચ્છતી.

મારિન મેન્ડોઝાનો દાવો છે કે તેણે માયરાને ગર્ભાવસ્થા પૂર્ણ સમય સુધી જાળવી રાખવા અને બાળક તેને આપી દેવા માટે સમજાવી હતી.

દરમિયાન, ગર્ભાવસ્થા હોય એવું પેટ દેખાય એ માટે તે જંક ફૂડ ખાતી હતી.

તેનું વજન 54 કિલોથી વધીને 89 કિલો કરતાં વધુ થઈ ગયું હતું અને હૉસ્પિટલના પ્રસૂતિ તથા સ્ત્રીરોગ વિભાગમાં કામ કરતી હોવાથી તેણે પોતાના તબીબી રેકોર્ડમાં પણ છેડછાડ કરીને ફેરફાર કર્યો હતો.

મારિન મેન્ડોઝાના જણાવ્યા અનુસાર, બાળકને જન્મ આપ્યા પછી માયરા હૉસ્પિટલમાંથી જતી રહી અને પોતાની નવજાત બાળકીને ત્યાં જ છોડી ગઈ હતી. ગભરાઈ ગયેલી મારિન મેન્ડોઝાએ એ બાળકીને બૅગમાં મૂકી અને તેને પોતાના પતિ આર્તુરોને બતાવવા લઈ ગઈ. આર્તુરો હંમેશાં એમ જ કહેતો રહ્યો છે—અને મારિન મેન્ડોઝા પણ આ વાતને સમર્થન આપે છે—કે ગર્ભાવસ્થા ખોટી હોવાની તેને ત્યારે જ ખબર પડી જ્યારે તેણે ચોરેલી બાળકીને તેની સામે લાવી મૂકી.

અલ્બેરડી કહે છે કે તેની મુલાકાત મારિન મેન્ડોઝા સાથે એક મેક્સિકન જેલમાં થઈ હતી.

દર્શક પણ તેને પ્રથમ વખત ત્યાં જ મળે છે: ગુલાબી રંગની સજાવટવાળી એક કોટડીમાં, જ્યાં તે પોતાની 13 વર્ષની કેદના અંતિમ અઠવાડિયાં વીતાવી રહી છે.

આર્તુરો સાથે પણ દિગ્દર્શક વાત કરે છે. અપહરણની તપાસ દરમિયાન પોલીસે તેને બે વર્ષ સુધી કસ્ટડીમાં રાખ્યો હતો, પરંતુ અંતે આ કેસમાં તેની કોઈ સંડોવણી ન હોવાનું માનીને તેને નિર્દોષ છોડી દેવામાં આવ્યો હતો.

કથાનો બીજો પક્ષ જાણવા માટે અલ્બેરડી અપહરણ કરાયેલી બાળકીની માતા, માયરા નાવારો વેગાનો ઇન્ટરવ્યૂ લે છે. મારિન મેન્ડોઝા દ્વારા જણાવાયેલા ઘટનાક્રમને માયરા સખત રીતે નકારી કાઢે છે.

કોર્ટમાં આપેલા નિવેદનમાં માયરાએ જણાવ્યું હતું કે પોતે હૉસ્પિટલની બાથરૂમમાં ગઈ હતી અને પાછી ફરતાં તેને ખબર પડી કે તેની બાળકીને ઉઠાવી જવામાં આવી હતી.

એવો કોઈ ‘સોદો’ થયો હોવાનો તે ઇનકાર કરે છે અને જણાવે છે કે પોતે પ્રસૂતિ વિભાગના બીજા એક વોર્ડમાં ગઈ હતી અને મારિન મેન્ડોઝાને પહેલાં કદી તે મળી નહોતી. એક સામાજિક કાર્યકર તરીકે મારિન મેન્ડોઝા તેના રૂમમાં આવી ત્યારે જ તેણે તેને પહેલવહેલી વખત જોઈ હતી.

ફિલ્મમાં મેન્ડોઝા વિશે માયરા મારિન કહે છે, “મને તેના માટે કશી સહાનુભૂતિ નથી. તેણે મારી બાળકીને ચોરી ત્યારે તેને પણ કોઈ સહાનુભૂતિ નહોતી.”

ફિલ્મ અંગેના મોટા સવાલો

બીબીસી ગુજરાતી, ગુજરાત. બીબીસી, અમદાવાદ

ઇમેજ સ્રોત, Netflix

અલ્બેરડી કહે છે કે આ કેસની તપાસ કરતી વખતે પોતે માતૃત્વ ફરતે રહેલા વ્યાપક સામાજિક દબાણને સમજવા માગતાં હતાં.

“કોઈ વ્યક્તિને ગર્ભાવસ્થા હોવાનો ઢોંગ કરવાની જરૂર શા માટે પડે?” તેઓ પૂછે છે.

“અલબત્ત, અલેહાન્દ્રાએ ગુનો કર્યો હતો; તેને જેલમાં જવું પડ્યું. સાથોસાથ, તે પ્રણાલિનો પણ ભોગ બનેલી છે. તે પોતાના પરિવારનો પણ ભોગ બનેલી છે. મારા માટે એ સ્પષ્ટ છે કે આ સમગ્ર પરિસ્થિતિમાં તેની પર દબાણ વર્ષોથી હતું.”

મારિન મેન્ડોઝાએ રજૂ કરેલા ઘટનાક્રમના વર્ણન અનુસાર, તેનાં સાસરિયાં અને પતિ તેની કસુવાવડ માટે તેને જ જવાબદાર ઠેરવતાં હતાં. તેમનું કહેવું હતું કે ગર્ભાવસ્થા દરમિયાન પણ તે કામ કરતી રહી હતી, જેને તેઓ ‘દરકારનો અભાવ’ ગણાવતા હતા.

એ સ્પષ્ટ છે કે તેના પતિને માત્ર બાળક જ નહીં, પુત્રસંતાન જોઈતું હતું,

આ કેસના ન્યાયાધીશે અલ્બેરડી સાથેની વાતચીતમાં મારિન મેન્ડોઝાના નિવેદનનો ઉલ્લેખ કર્યો હતો. તેમાં તેણે જણાવ્યું હતું કે તેના સાસરિયાં તેને કહેતાં, “તું બાળકો પેદા ન કરી શકે તો સ્ત્રી તરીકે નકામી છે.”

ફિલ્મમાં મારિન મેન્ડોઝા કહે છે, “તેના પરિવારને ખુશ કરવાનું દબાણ મને અનુભવાતું હતું.”

અને અંતે તે કહે છે: “માતા બનવાની ઇચ્છા એટલી તીવ્ર હતી કે હું એવી સમસ્યાઓમાં ફસાતી ગઈ, જે સતત વધતી જતી હતી. પછી મેં વધુ ને વધુ જટિલ નિર્ણયો લેવા અને વધુ ને વધુ જટિલ પગલાં ભરવા માંડ્યાં. એ હદે કે કશો રસ્તો જ ન રહ્યો અને પાછા ફરવાની કોઈ શક્યતા પણ ન રહી.”

નવાઈ લાગે એવું છે કે, ફિલ્મમાં હૉસ્પિટલના એક ડૉક્ટર બાળકના ધબકારા સાંભળ્યા પછી તેને પ્રસૂતિ રજા મંજૂર કરતા બતાવવામાં આવ્યા છે—અને વાસ્તવમાં પણ આમ જ બન્યું હતું.

ફિલ્મમાં આ ઘટનાથી વ્યથિત મારિન મેન્ડોઝા વિચારવા લાગે છે, “શું હું ફરીથી ગર્ભવતી થઈ ગઈ છું?”

અલ્બેરડી કહે છે, “મને ખરેખર લાગે છે કે અલેહાન્દ્રા એક જૂઠાણામાં ફસાઈ ગઈ હતી, પણ તેણે કદી વિચાર્યું નહોતું કે આ જૂઠાણું તેને કેટલે દૂર જશે.”

“મને લાગે છે કે તે વિચારતી હશે, ‘ઠીક છે, ક્યારેક હું કહી દઈશ કે મારી કસુવાવડ થઈ ગઈ હતી,’ અથવા ‘રજા મંજૂર કરનાર ડૉક્ટરને આ વાતની ખબર પડી જશે અને બધું અટકી જશે.'”

“પણ કેસનાં ન્યાયાધીશે પોતે જ કહ્યું હતું કે ‘તંત્ર તેને મદદ કરવામાં નિષ્ફળ ગયું.’ તેની ત્રણ વખત કસુવાવડ થઈ હતી અને તેના માનસિક સ્વાસ્થ્ય માટે તેને કોઈ મદદ મળી નહોતી. તેણે જેલમાં રહીને સમાજ પ્રત્યેનું પોતાનું ઋણ અદા કર્યું છે અને તેને સમજાયું છે કે તેનું ત્યાં હોવું જરૂરી હતું,” તેઓ કહે છે.

અને તેઓ પૂછે છે, “મારા માટે સવાલ એ છે: શું સમાજે પણ તેની પ્રત્યેની પોતાની જવાબદારી નિભાવી? શું આ પ્રણાલિએ ખરેખર આ મહિલાના માનસિક સ્વાસ્થ્યને સમજવા અને તેને જરૂરી મદદ પૂરી પાડવા માટે કંઈ કર્યું? ન્યાયવ્યવસ્થા કરતાં પણ વધુ, મને લાગે છે કે સમાજે જ આ મુદ્દા તરફ આંખ આડા કાન કર્યા છે.”

મારિન મેન્ડોઝાની ધરપકડ પછી તેનું મૂલ્યાંકન કરનાર ફોરેન્સિક મનોવૈજ્ઞાનિક ડૉ. નોર્મા રોમેરો સાન્ચેઝનો પણ ડોક્યુમેન્ટરીમાં ઇન્ટરવ્યૂ લેવામાં આવ્યો છે.

તેઓ તારણ આપે છે કે બાળક પેદા કરવાનું દબાણ નાયિકાની આ કલ્પનાને વધુ વેગ આપનારું પરિબળ બન્યું હતું.

તેમણે બીબીસીને કહ્યું, “મને લાગતું હતું કે એક સ્ત્રી તરીકે જીવનમાં પરિપૂર્ણતા અનુભવવા માટે મારે માતા બનવું જરૂરી છે.”

બીબીસી ગુજરાતી, ગુજરાત. બીબીસી, અમદાવાદ

ઇમેજ સ્રોત, Getty Images

“માનસિક રીતે જોઈએ તો મેક્સિકો અને લેટિન અમેરિકામાં મહિલાઓ પર માતા બનવા માટે ભારે દબાણ હોય છે. આ ઉપરાંત, તેને એવી શારીરિક સમસ્યા હતી જેના કારણે વારંવાર કસુવાવડ થતી હતી, પણ તેનું કારણ સમજાવવા માટે તેની કોઈ નિષ્ણાત તબીબી તપાસ કરવામાં આવી નહોતી. અત્યંત પીડાદાયક વાસ્તવિકતાથી બચવાના એક રક્ષણાત્મક ઉપાય તરીકે તે એક કલ્પનાની દુનિયામાં જીવી રહી હતી,” તેઓ દલીલ કરે છે.

જો કે, રોમેરો સાન્ચેઝ ઉમેરે છે કે મારિન મેન્ડોઝાની વિશિષ્ટ માનસિક સ્થિતિએ પણ આ છેતરપિંડીને આટલી હદ સુધી પહોંચાડવામાં ભૂમિકા ભજવી હતી.

તેઓ કહે છે, “સંઘર્ષપૂર્ણ પરિસ્થિતિઓનો સામનો કરવા માટે તેની પાસે બહુ ઓછાં માનસિક સંસાધનો હતાં. તેનું એક કારણ તેની ઉંમર અને વ્યક્તિત્વનાં લક્ષણો હતાં, જેના કારણે તે પોતાનો બચાવ કરી શકતી નહોતી.”

અને તેઓ તારણ આપતાં કહે છે કે આ મહિલા “માત્ર વાસ્તવિકતાથી જ નહીં, પરંતુ પોતાની ઓળખથી પણ પોતાને અલાયદી કરી દેવાની વૃત્તિ ધરાવતી હતી. ડૉક્યુમેન્ટરીમાં ડૉક્ટર કહે છે કે તેને બાળકના ધબકારા સંભળાયા છે, ત્યારે આ વાત સ્પષ્ટ થાય છે: ત્યાર પછી તે એટલી હદે મૂંઝાઈ જાય છે કે પોતે ખરેખર ગર્ભવતી છે કે નહીં, એ અંગે પણ સવાલ કરવા લાગે છે.”

રોમેરો સાન્ચેઝ માને છે કે મારિન મેન્ડોઝાને વધુ સારી વ્યાવસાયિક આરોગ્યસેવા અને માનસિક સહાય મળી હોત, તો પરિસ્થિતિ અલગ હોત. જો કે, તેઓ માને છે કે સમાજની સાંસ્કૃતિક માન્યતાઓ અને અપેક્ષાઓમાં બદલાવ લાવવો પણ એટલો જ જરૂરી છે.

તેઓ કહે છે, “મને લાગે છે કે ઘણી બધી વધુ સહાયની જરૂર છે, ખાસ કરીને માતૃત્વ અને સ્ત્રી હોવા અંગેની જડ માન્યતાઓને તોડવા માટે.”

“મહિલાઓને પૂછવામાં આવે છે કે તેમને બાળકો છે કે નહીં, કેટલાં બાળકો છે અથવા હજુ સુધી બાળકો કેમ નથી. આ લિંગ આધારિત કલંકને ખતમ કરવા માટે આપણને શિક્ષણની જરૂર છે,” તેઓ ઉમેરે છે.

2023માં જેલમાંથી છૂટ્યા બાદ, મારિન મેન્ડોઝા હવે પોતાની ઓળખને અલગ રીતે જોતી થઈ છે, એ સ્પષ્ટ જણાય છે.

કૅમેરા સામે તેઓ કહે છે કે જેલમાં વર્ષો વિતાવીને તે “માતા ન બનવાની વાસ્તવિકતા સ્વીકારવાનું શીખી.”

તે કહે છે, “માતા બનવાની મારી ઇચ્છા કરતાં અન્ય લોકોને ખુશ કરવાની ઇચ્છા વધુ હતી.”

“પહેલાં હું વિચારતી હતી: માતા બનવા સિવાય જીવનમાં બીજું છે શું? પણ અંતે મને સમજાયું કે જીવવા માટે ઘણું બધું છે.”

“અ ચાઈલ્ડ ઑફ વન્સ ઓન” 13 ઑગસ્ટ, 2026ના રોજ, આ ગુરુવારે, નેટફ્લિક્સ પર રજૂઆત પામશે.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

SOURCE : BBC NEWS