Home તાજા સમાચાર gujrati ગુજરાતના માછીમારનું પાકિસ્તાનની જેલમાં મૃત્યુ, સાથે રહેલા દીકરાને પાકિસ્તાને અંતિમ સંસ્કાર માટે...

ગુજરાતના માછીમારનું પાકિસ્તાનની જેલમાં મૃત્યુ, સાથે રહેલા દીકરાને પાકિસ્તાને અંતિમ સંસ્કાર માટે પણ ન છોડ્યો, પરિવારે શું માંગણી કરી?

3
0

Source : BBC NEWS

પાકિસ્તાન, ભારતીય માછીમાર, બીબીસી ગુજરાતી, Indian fishermen, pakistan, gujarat

ઇમેજ સ્રોત, Bhaliya family album

  • પ્રકાશિત

  • વાંચવાનો સમય: 5 મિનિટ

માછીમારોના કલ્યાણ અને ભારત-પાકિસ્તાન વચ્ચેના સંબંધો મૈત્રીપૂર્ણ રહે તેના માટે પ્રયાસ કરતા કર્મશીલો કહે છે કે ભારત અને પાકિસ્તાન વચ્ચે અરબી સમુદ્રમાં આંતરરાષ્ટ્રીય જળ સીમા બાબતનો વિવાદ માછીમારોના જીવનમાં કરુણાંતિકાઓ સર્જે છે અને આ વિવાદનો કાયમી ઉકેલ ઝડપથી શોધવો જોઈએ.

પરંતુ તે મડાગાંઠ હજુ સુધી વણઉકેલ રહી છે અને તેના કારણે ગુજરાતના વધુ એક માછીમાર પરિવારમાં કરુણાંતિકા સર્જાઈ છે.

ગીર સોમનાથ જિલ્લાના ઉના તાલુકાના કોબ ગામના માછીમાર બીજલભાઈ ભાલિયા માછીમારી કરતા હતા ત્યારે પાકિસ્તાન મરીન સિક્યૉરિટી એજન્સીએ બીજલભાઈ, તેમના દીકરા અશ્વિન અને અન્ય ચાર માછીમારોને પકડી લીધા અને જેલમાં પૂર્યા.

જેલમાં બીજલભાઈ બીમાર પડ્યા. પિતા સાથે તે જ જેલમાં રહેતા તેમના 26 વર્ષના દીકરા અશ્વિને બીમાર પિતાની શક્ય તેટલી સારવાર કરાવી પરંતુ તે સફળ ન નીવડી. અંતે આશરે 50 વર્ષના બીજલભાઈ મૃત્યુ પામ્યા.

પાકિસ્તાને ત્રણ અઠવાડિયાં બાદ બીજલભાઈનો પાર્થિવ દેહ તેમના વતન મોકલી આપ્યો. પરંતુ અશ્વિનની કેદની સજા ચાર વર્ષ પહેલાં પૂરી થઈ ગઈ હોવા છતાં દીકરાને પિતાના અંતિમ સંસ્કાર કરવા માટે પણ જેલમાંથી ન છોડ્યો.

કર્મશીલોએ આ ઘટનાને સંવેદનહીનતાનું પ્રતીક ગણાવી માંગણી કરી છે કે સજા પૂરી થઈ ગઈ હોય તેવા બધા ભારતીય માછીમારોને પાકિસ્તાન વહેલામાં વહેલી તકે છોડી દે જેથી આવા કિસ્સાનું પુનરાવર્તન રોકી શકાય.

તો બીજી તરફ બીજલભાઈના પરિજનો ગીર સોમનાથમાં સ્થાનિક નેતાઓને મળીને તેમને વિનંતી કરી રહ્યા છે કે અશ્વિન હવે પિતાની ઉત્તરક્રિયામાં પહોંચી શકે તે માટે તેમને પાકિસ્તાનની જેલમાંથી છોડાવો.

બીબીસી ગુજરાતીએ પાકિસ્તાનની લાંડી જેલના સત્તાવાળાઓને આ અંગે પ્રશ્ન પૂછ્યા છે જેમના જવાબ હજુ સુધી મળ્યા નથી. તેમનો પક્ષ મળતાં જ આ અહેવાલમાં સામેલ કરવામાં આવશે.

પિતા-પુત્ર કેવી રીતે પાકિસ્તાન દ્વારા પકડાઈ ગયા?

બીજલભાઈ ભાલિયા

ઇમેજ સ્રોત, Bhaliya family

બીજલભાઈને ચાર દીકરા છે અને તેમાં અશ્વિનનો નંબર ત્રીજો છે. બીજલભાઈના સૌથી નાના દીકરા માનસિંગે બીબીસી સાથે બુધવારે વાત કરતા જણાવ્યું કે બીજલભાઈ પોરબંદરના વિજયાબહેન સોલંકીની માલિકીની નદીતા સાગર નામના ફિશિંગ ટ્રૉલર(માછીમારીની હોડી)ના ટંડેલ એટલે કે કૅપ્ટન હતા.

માનસિંગે જણાવ્યું કે અશ્વિન તેમના પિતા સાથે હોડીમાં માછીમારી કરવા જતા હતા.

તેમણે ઉમેર્યું કે તેમના પિતા અને ભાઈ માછીમારી કરવા માટે 4 ફેબ્રુઆરી, 2022ના રોજ પોરબંદરથી બોટ લઈને નીકળ્યા હતા. પરંતુ તેઓ માછીમારી કરી રહ્યા હતા ત્યારે 7 ફેબ્રુઆરી, 2022ના રોજ પાકિસ્તાન મરિન સિક્યૉરિટી એજન્સીએ તેમને અને તે બોટ(હોડી)માં સવાર અન્ય ચાર ખલાસીઓને પકડી લીધા હતા અને તેમની બોટ જપ્ત કરી લીધી હતી.

“મારા પિતા તેમના પાંચ ભાઈઓમાં સૌથી મોટા હતા. નાનપણથી જ તેઓ માછીમારીની બોટમાં કામ કરવા લાગ્યા હતા.”

“તેમના પગલે અમે ચાર ભાઈઓ પણ માછીમાર બન્યા. જયારે અશ્વિન પકડાઈ ગયો ત્યારે તેમનાં પત્ની દક્ષાબહેન ગર્ભવતી હતાં.”

માનસિંગે કહ્યું કે, “ચારેક મહિના પછી તેમણે તેમના દીકરા હરપાલને જન્મ આપ્યો. હરપાલ હવે ચાર વર્ષનો થઈ ગયો છે પરંતુ તેણે કોઈ દિવસ તેના પિતાને નથી જોયા.”

“મારા પિતાને કોઈ રોગ ન હતો. પરંતુ જેલમાં તે બીમાર પડી ગયા. અમને પત્ર દ્વારા તેની માહિતી મળી હતી.”

માછીમારને યોગ્ય સારવાર ન મળી?

પાકિસ્તાન, ભારતીય માછીમાર, બીબીસી ગુજરાતી, Indian fishermen, pakistan, gujarat

ઇમેજ સ્રોત, Bhaliya family album

મુંબઈ સ્થિત પત્રકાર જતીન દેસાઈ ભારત અને પાકિસ્તાન વચ્ચેના સંબંધો મૈત્રીપૂર્ણ રહે તે માટે પ્રયત્ન કરતી પાકિસ્તાન-ઇન્ડિયા પીપલ્સ ફોરમ ફૉર પીસ ઍન્ડ ડેમોક્રેસી નામના એક બિન સરકારી સંગઠનના ભારત ચૅપ્ટરના જનરલ સેક્રેટરી રહ્યા છે.

તેઓ માછીમારોના કલ્યાણ માટે કામ કરતા એક કર્મશીલ પણ છે.

બીબીસી સાથે વાત કરતા તેમણે જણાવ્યું કે બીજલભાઈને પાકિસ્તાનના કરાચી નજીક આવેલી લાંડી જેલમાં રાખવામાં આવ્યા હતા.

“તેઓ બીમાર પડી જતા તેમને કરાંચીમાં આવેલા ઝીણા પોસ્ટ-ગ્રેજ્યુએટ મેડિકલ સેન્ટર (જપીએમસી)માં દાખલ કરવામાં આવ્યા હતા.”

જતીન દેસાઈએ કહ્યું કે, “ત્યાં તેમનું 27 ઑગસ્ટના રોજ મૃત્યુ થયું હતું. બીજલભાઈના મૃતદેહને પાકિસ્તાને ભારતને સોંપતા તેમનું શબ 18 સપ્ટેમ્બર અને 19 સપ્ટેમ્બરની રાત્રે તેમના ગામ પહોંચાડાયું હતું.”

માનસિંગે કહ્યું કે તેમના પિતાને ડાયાબિટીસ અને હાઈ બ્લડ પ્રેશરની બીમારી હતી.

“તેઓ જયારે પાકિસ્તાન દ્વારા પકડાયા ત્યારે તેમને કોઈ રોગ ન હતો. પરંતુ પાકિસ્તાને તેમને જેલમાં નાખ્યા બાદ તેમને ડાયાબિટીસ અને બીપીની બીમારી થઈ ગઈ.”

“અમને વાયા વાયા મળેલા સમાચારથી તેની ખબર પડી હતી. અશ્વિને અમારા પિતાની બનતી ચાકરી કરી.”

માનસિંગે કહ્યું કે, “પરંતુ તેમને સારી સારવાર ન મળી. જો યોગ્ય સારવાર મળી હોત તો તે આ રીતે મરી ન જાત.”

બીબીસી ગુજરાતી, ગુજરાત, ભારત પાકિસ્તાન, માછીમાર

ઇમેજ સ્રોત, Bhaliya family

જતીન દેસાઈએ ઉમેર્યું, “માછીમારી કરતા કરતા બીજલભાઈની જાણ બહાર તેમની બોટ પાકિસ્તાનની જળ સીમા તરફ સરકી ગઈ અને પાકિસ્તાન મરિન સિક્યૉરિટી એજન્સીએ તેમને પકડી લીધા હતા.”

“ત્યાર બાદ પાકિસ્તાનની એક કોર્ટે બીજલભાઈને ગેરકાયેસર રીતે પાકિસ્તાનની જળસીમામાં પ્રવેશવાના દોષિત ઠેરવી અમુક અઠવાડિયાની સજા ફટકારી હતી. તે સજા 16 માર્ચ 2022ના રોજ પૂરી થઈ ગઈ હતી.”

“સજા પૂરી થઈ ગયા બાદ પાકિસ્તાને બીજલભાઈને જેલમાંથી તરત મુક્ત કરી ભારત પરત મોકલી દેવા જોઈતા હતા. જો તેમને તેમના વતન મોકલી દેવાયા હોત તો બીજલભાઈ આજે કદાચ જીવિત હોત.”

પાકિસ્તાનની જેલમાં આ વર્ષે મૃત્યુ પામનાર બીજલભાઈ બીજા ભારતીય માછીમાર છે.

આ વર્ષે 16 જાન્યુઆરીના રોજ ભગાભાઈ બાંમભણીયા નામના ભારતીય માછીમારનું પાકિસ્તાનની જેલમાં મૃત્યુ થયું હતું. 37 વર્ષના ભગાભાઈ ઉના તાલુકાના ચીખલી ગામના વાતની હતા.

પરિવારની શું માંગણી છે?

બીબીસી ગુજરાતી, ભારત, પાકિસ્તાન, માછીમાર, ગુજરાતી

ઇમેજ સ્રોત, Bhaliya family

જતીન દેસાઈએ બીબીસી સાથે વાત કરતા કહ્યું કે આ કેસમાં પાકિસ્તાને સંવેદના દાખવી બીજલભાઈના મોત બાદ તેમનો પાર્થિવ દેહ ભારત મોકલાયો તે સાથે તેમના દીકરા અશ્વિનને પણ જેલમાંથી મુક્ત કરી ભારત મોકલી શક્યું હોત.

બીબીસી ગુજરાતી, ભારત, પાકિસ્તાન, માછીમાર, ગુજરાતી

ઇમેજ સ્રોત, Bhaliya family

જતીન દેસાઈએ કહ્યં, “અશ્વિનની પણ જેલની સજા ક્યારનીય પૂરી થઈ છે તેમ છતાં પાકિસ્તાને તેમને જેલમાં રાખ્યા છે. બીજલભાઈ અને તેમના દીકરા અશ્વિનને એક જ જેલમાં રાખવામાં આવ્યા હતા.”

“તેથી, એ સ્વાભાવિક છે કે અશ્વિનને તેના પિતાના મૃત્યુની ખબર હોય. બીજલભાઈના પરિવારને તેમના મૃત્યુના આઘાત વચ્ચે એવી આશા હતી કે તેમના શબને ભારત મોકલવાની સાથે સાથે અશ્વિનને પણ મુક્ત કરી ભારત મોકલી દેવામાં આવશે.”

“આવા પ્રસંગે સંવેદના અને માનવતા દાખવી પાકિસ્તાન અશ્વિનને મુક્ત કરી ભારત મોકલી શક્યું હોત જેથી દીકરો તેના પિતાના અંતિમ સંસ્કાર કરી શકે. પરંતુ તેમ ન કરીને પાકિસ્તાને સંવેદનહીનતા દર્શાવી છે તે ટીકાને પાત્ર છે.”

ગુજરાત, ભારત, પાકિસ્તાન, માછીમારી, બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, Bhaliya family

માનસિંગે પણ કહ્યું કે પિતાની અંતિમ વિધિ સમયે અશ્વિનની ગેરહાજરીથી પરિવારના સભ્યો માટે આઘાત બમણો થયો છે.

તેમણે કહ્યું, “અમે સ્થાનિક આગેવાનોને મળ્યા છીએ અને તેમની મદદ માંગી છે. અમે તેમને વિનંતી કરી છે કે અશ્વિનને પાકિસ્તાનમાંથી છોડાવો જેથી કરીને 30 સપ્ટેમ્બરના રોજ અમારા પિતાનું બારમું (ઉત્તરક્રિયા)રાખ્યું છે તેમાં તે હાજરી આપી શકે.”

જતીન દેસાઈએ કહ્યું કે હાલ પાકિસ્તાનની જેલમાં 197 માછીમારો છે.

જતીન દેસાઈ કહે છે કે, “તેમાંથી 177 એવા માછીમારો છે જેમની જેલની સજા પૂરી થઈ ગઈ છે અને તેમની રાષ્ટ્રીયતાની ચકાસણી કરવાની પ્રક્રિયા પણ પૂરી થઈ ગઈ છે.”

“આ બે બાબતો સંતોષાઈ ગયા બાદ માછીમારોને એક દિવસ માટે પણ જેલમાં રાખવા ન જોઈએ. તે ગેરકાયદેસર ગણાય.”

“તેથી, અમે પાકિસ્તાન સરકારને અપીલ કરીએ છીએ કે આ બધા ભારતીય માછીમારોને જેલમાંથી તાત્કાલિક છોડી મૂકી ભારત પરત મોકલી દેવામાં આવે.”

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

SOURCE : BBC NEWS