Home તાજા સમાચાર gujrati ગુજરાતમાં ઠેરઠેર ખેડૂત આંદોલનો: મોરબીથી દ્વારકા સુધી ખેડૂતોની સરકાર સામે શું છે...

ગુજરાતમાં ઠેરઠેર ખેડૂત આંદોલનો: મોરબીથી દ્વારકા સુધી ખેડૂતોની સરકાર સામે શું છે મોટી માગો?

3
0

Source : BBC NEWS

બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, Getty Images

ગુજરાતમાં પાછલા ઘણા સમયથી ખેડૂત વિવિધ મુદ્દે આંદોલન કરી રહ્યા છે.

આદિવાસી વિસ્તારોથી સૌરાષ્ટ્ર સુધી ફેલાયેલાં આ પ્રદર્શનો હવે મુખ્ય પ્રવાહનાં સમાચાર માધ્યમોનું ધ્યાન પણ ખેંચવા લાગ્યાં છે.

બીબીસી ગુજરાતીએ રૂબરૂ સ્થળ મુલાકાત લઈ પાછલા કેટલાક સમયથી ગુજરાતમાં ચાલી રહેલાં આ ખેડૂત આંદોલનોમાં ખેડૂતોના મુદ્દા અને તેમની સમસ્યાઓ જાણવાનો પ્રયાસ કર્યો હતો.

ખેડૂતોએ પોતાની માગો, રજૂઆતો અને સમસ્યાઓ અંગે બીબીસી સાથે મન મૂકીને વાત કરી હતી.

ખેતરમાં વીજથાંભલા મુદ્દે જેતપરના ખેડૂતો મેદાને

બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, Tejas Vaidya/BBC

પાછલા જૂન માસથી મોરબીના જેતપર ખાતે ખેડૂતો ખેતરમાં વીજથાંભલા નાખવાના વિરોધમાં આંદોલન ચલાવી રહ્યા છે.

આ મામલે થોડા દિવસ પહેલાં રાજ્ય સરકારે વર્તમાન જમીનના બજાર ભાવના બમણા ભાવ ચૂકવવાની તેમજ આખું વળતર એકસામટું ચૂકવવાની જાહેરાત કરી હતી.

જોકે, સરકારની આ જાહેરાત બાદ હજુ પણ ખેડૂત આંદોલન યથાવત્ છે.

બીબીસી ગુજરાતીના સંવાદદાતા તેજસ વૈદ્યે તાજેતરમાં આંદોલન ચલાવી રહેલા ખેડૂતો સાથે મુલાકાત કરીને તેમના પ્રશ્નો અને સમસ્યાઓ જાણવાનો પ્રયાસ કર્યો હતો.

તેઓ જણાવે છે, “હજુ પણ જેતપરના બસ સ્ટેન્ડ ચોક ખાતે આંદોલનની છાવણી કાર્યરત છે. જ્યાં ખેડૂત બહેનો-ભાઈઓ દરરોજ એકઠા થઈ રહ્યા છે. અમને ત્યાંથી જાણવા મળ્યું કે વીજથાંભલા મામલે આંદોલન શરૂ કર્યા બાદથી રાજ્ય સરકારે આ મામલાનો નીવેડો લાવવા માટે કાઢેલો રસ્તો આ આંદોલન કરી રહેલા ખેડૂતોને મંજૂર નથી.”

જેતપર ખેડૂત આંદોલનમાં મુખ્ય ભૂમિકામાં રહેલા નેહુલ અમૃતિયાએ બીબીસી ગુજરાતી સાથેની વાતચીતમાં આંદોલનની માગો વિશે કહેલું કે, “સરકારે આંદોલનનો નીવેડો લાવવા માટે કરેલ પરિપત્ર અમને મંજૂર નથી. અમારી માગ છે કે આ મુદ્દે સરકાર અમારી સાથે મસલત કરે, અમને વિશ્વાસમાં લે અને અમારી માગો મુજબ પરિપત્ર કરે. આવું નહીં થાય ત્યાં સુધી આંદોલન ચાલુ રહેશે.”

જેતપરના કલેક્ટર સ્વપ્નીલ ખરેએ આ મામલે રાજ્ય સરકારે લીધેલા પગલા અંગે વાત કરતાં કહ્યું, “રાજ્ય સરકાર દ્વારા વીજલાઇનમાં ખેડૂતોને વળતર મળે એ માટે ગત 4 જુલાઈના રોજ એક પરિપત્ર જાહેર કરવામાં આવ્યો હતો.”

“જેમાં માર્કેટ રેટ કમિટીની રચના કરાઈ હતી. તેમજ આ પરિપત્રમાં કેવી રીતે જમીનના ભાવ નક્કી કરવા એ માટેની વિગતવાર માર્ગદર્શિકા આપવામાં આવી હતી.”

“આના અનુસંધાને મોરબી જિલ્લામાં પાછલાં ચાર-પાંચ અઠવાડિયાંથી માર્કેટ રેટ કમિટીની વિવિધ મિટિંગોનું આયોજન કરાયું હતું.”

તેઓ આગળ કહે છે કે, “14 ઑગસ્ટના રોજ યોજાયેલી આ મિટિંગમાં ખેડૂત પ્રતિનિધિ, કંપની પ્રતિનિધિ અને અમારા વૅલ્યૂઅર હાજર હતા અને પરિપત્રની માર્ગદર્શિકા પ્રમાણે અંતિમ ભાવ નક્કી કરવામાં આવ્યા.”

“નવી પદ્ધતિ અનુસાર નક્કી કરાયેલા ભાવની જૂની પદ્ધતિ પ્રમાણેના ભાવ સાથે સરખામણી કરતાં વળતરની રકમ ખેડૂતોની મૂળ માગણી અનુસાર જમીનના બજાર ભાવના ચાર ગણા જેટલી થાય છે.”

“આ મિટિંગના મિનિટ્સ પ્રસિદ્ધ થતાં જ શક્ય તેટલી ઝડપે ખેડૂતોનાં ખાતાંમાં વળતરની રકમ ચૂકવી દેવાની સૂચના પણ ટ્રાન્સમિશન કંપનીઓને આપી છે. એ બાદ જ તેમને આગળની કોઈ કાર્યવાહી કરવાની સૂચના અપાઈ છે.”

નર્મદા જિલ્લાના ખેડૂતો કેમ આંદોલન કરી રહ્યા છે?

બીબીસી ગુજરાતી

નર્મદા જિલ્લાના સાગબારા તાલુકાનાં 12 ગામના આદિવાસી ખેડૂતો પાછલા 12 દિવસથી ઉમરપાડાના ખૂપી ગામ ખાતે ધરણાં પર બેઠા છે.

બીબીસી ગુજરાતીના સંવાદદાતા શ્યામ બક્ષીએ ધરણાં કરી રહેલા આદિવાસી ખેડૂતો સાથે તેમની સમસ્યાઓ અને માગણીઓ અંગે વિગતવાર વાત કરી હતી.

તેઓ કહે છે, “સાગબારા તાલુકાના ખેડૂતો પાછલાં ઘણાં વર્ષોથી સુરતના ઉમરપાડા તાલુકાની હદમાં આવેલી જમીનો ખેડતા હતા, પરંતુ પાછલાં બે વર્ષથી ત્યાંના સ્થાનિક આદિવાસી ખેડૂતોએ કરેલી રજૂઆત બાદ સ્થાનિક વનવિભાગના અધિકારીઓએ સાગબારા તાલુકાના ખેડૂતોને ત્યાં ખેતી કરતા અટકાવી દીધા છે. ખેડૂતોનું કહેવું છે કે આના કારણે તેમની સામે પેટિયું રળવાના પડકાર ઊભા થયા છે.”

સુરતના આસિસ્ટન્ટ કન્ઝર્વેશનિસ્ટ ઑફ ફૉરેસ્ટ ગૌરવ લોઢાએ બીબીસી ગુજરાતી સાથેની વાતચીતમાં આ અંગે કહ્યું કે, “વન અધિકાર નિયમ 2006ના નિયમ અંતર્ગત આ ખેડૂતોને વનવિભાગ રોકી રહ્યો છે. આ ઍક્ટ મુજબ 13 ડિસેમ્બર 2005 પહેલાંથી જો કોઈ ખેડૂત આ જમીન પર ખેતી કરે છે તો વનવિભાગ અને રેવન્યૂ વિભાગ તેને વેરિફાય કરશે અને એ બાદ તેમને ખેતીની પરવાનગી આપવામાં આવશે, પણ આ કેસમાં મુદ્દો એ છે કે અહીં લોકો સાગબારા તાલુકાના છે, અને વનની જમીન સુરતના ઉમરપાડા જિલ્લામાં આવે છે.”

“ઍક્ટની જોગવાઈ પ્રમાણે જે-તે ગામની એટલે કે, જ્યાં આ જમીન આવેલી છે, ત્યાંની ગ્રામસભાનો ઠરાવ હોવો જોઈએ.”

“એ ગામની પરવાનગી હોવી જોઈએ. જો પરવાનગી હોય તો તેમને ખેડાણની પરવાનગી આપવામાં આવે છે.”

“આ કેસમાં આ જમીન જ્યાં આવેલી છે એવા ઉમરપાડા જિલ્લાનાં ગામડાંના ખેડૂતોની અરજી આવી છે કે તેમણે સાગબારા તાલુકાના ખેડૂતોને ખેતીની પરવાનગી આપતી કોઈ અરજીને મંજૂરી નથી આપી.”

ભરૂચમાં કયા મુદ્દે ખેડૂત આંદોલન?

બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, Sajid Patel

ભરૂચ જિલ્લાના ખેડૂતો પણ પાછલા કેટલાક દિવસથી ખેતરમાં વીજથાંભલા અને વળતર મુદ્દે સરકાર સામે મેદાને પડ્યા છે.

18 ઑગસ્ટના રોજ ભરૂચ જિલ્લાના ખેડૂતોએ તિરંગા યાત્રા સાથે ઉપરોક્ત મુદ્દે એક રેલીનું આયોજન કર્યું હતું. જોકે, એ રેલીમાં રહેલા ખેડૂત આગેવાનોએ પોલીસ પર પોતાની સાથે ઘર્ષણમાં ઊતરવાનો આરોપ કર્યો હતો.

સ્થાનિક ખેડૂત આગેવાન જયેશ દલાલે કહ્યું કે, “આજે અમે સમગ્ર ભરૂચમાં જે વીજ ટાવર લાઇન જઈ રહી છે, તેના માટે અમે કલેક્ટરને આવેદનપત્ર આપવા માટે તિરંગાયાત્રા સહિત રેલી લઈને નીકળ્યા હતા.”

“પરંતુ અહીં ખેડૂતો સાથે પોલીસ ઘર્ષણ કરી રહી છે. અમને રેલીની પરવાનગી અપાયેલી હતી.”

“આ સરકાર ખેડૂતના ભોગે ઉદ્યોગના વિકાસની વાત કરી રહી છે, જેનો અમે વિરોધ કરી રહ્યા છીએ.”

“અમારી મહામૂલી જમીન મીટરના 50-100 રૂપિયા ભાવે લઈ લેવાની વાત સરકાર કરી રહી છે, તેનો અમે વિરોધ કરી રહ્યા છીએ.”

“આવનારા દિવસોમાં જ્યાં સુધી અમને જમીનના બજાર ભાવના ચાર ગણું વળતર નહીં ચૂકવાય ત્યાં સુધી અમે આ વીજથાંભલા લાગવા નહીં દઈએ.”

આ સમગ્ર મામલે ભાજપના સ્થાનિક ધારાસભ્યો પાસેથી સરકારે આ અંગે લીધેલાં પગલાં અંગે જાણવાનો બીબીસી ગુજરાતીએ પ્રયાસ કર્યો હતો.

ભાજપના વાગરાના ધારાસભ્ય અરુણસિંહ રાણાએ ફોન નહોતો ઉપાડ્યો તેમજ ભાજપના જ ભરૂચ વિધાનસભા બેઠકના ધારાસભ્ય રમેશ મિસ્ત્રીએ ફોન ઉપાડ્યા બાદ ફોન મૂકી દીધો હતો અને ફરી પ્રયાસ કરતા ફોન નહોતો ઉપાડ્યો.

દેવભૂમિ દ્વારકાના ખેડૂતોની માગ

બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, sachin pithva

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં અડધું ચોમાસું વીતી જવા છતાં વરસાદની ભારે ઘટ વચ્ચે હવે ખેડૂતોની ચિંતા વધી ગઈ છે.

સિંચાઈ અને પીવાના પાણીની સમસ્યા ગંભીર બનતાં ખંભાળિયા અને કલ્યાણપુર તાલુકાના 20થી વધુ ગામોના ખેડૂતો, માલધારીઓ અને સરપંચોએ મોવાણ ગામે બેઠક યોજી સરકાર પાસે ‘સૌની’ યોજના મારફતે નર્મદાનું પાણી તાત્કાલિક છોડવાની માંગણી કરી છે.

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં વરસાદની અછતને પગલે હવે જિલ્લાને દુષ્કાળગ્રસ્ત જાહેર કરવાની માંગણી છે.

ખેડૂતો અને પશુપાલકોની મુશ્કેલીઓ વધતી હોવાનો ઉલ્લેખ કરી સરકાર સમક્ષ વિવિધ માંગણીઓ કરવામાં આવી છે.

ખેડૂત આગેવાન પાલ આંબલિયા જણાવે છે કે, “દ્વારકા જિલ્લામાં ખૂબ જ ઓછો વરસાદ નોંધાયો છે, ત્યારે રાજ્ય સરકારની પોતાની ‘મુખ્ય મંત્રી કિસાન સહાય યોજના’ ની માર્ગદર્શિકા મુજબ જો કોઈ જિલ્લામાં સતત 28 દિવસ વરસાદ ન થાય તો તે જિલ્લાને દુષ્કાળગ્રસ્ત જાહેર કરવામાં આવે છે; તે મુજબ દ્વારકાને દુષ્કાળગ્રસ્ત જાહેર કરવામાં આવે.”

બીબીસી ગુજરાતીને દ્વારકા મુલાકાત દરમિયાન એક ખેડૂત કરશનભાઈએ પોતાની મુશ્કેલી અંગે વાત કરતાં કહેલું, “મેં મારી 10 વીઘા જમીનમાં મગફળી વાવવાની તૈયારી કરી લીધી હતી અને રૂપિયા 2700 પ્રતિ મણના ભાવે 20 મણ બિયારણ લઈ લીધું હતું.”

“પરંતુ જેઠ મહિનામાં વરસાદ ન આવ્યો, તેથી વાવણી થઈ ન શકી. અષાઢના 15 દિવસ ગયા તો પણ વરસાદ ન આવ્યો. તેથી, મગફળીના વાવેતરનો સમય પૂરો થઈ ગયો.”

“એટલે મેં મગફળીનું બિયારણ 1800ના ભાવે એક વેપારીને તેલ કાઢવા માટે વેચી દીધું. જો હવે વરસાદ આવે તો જુવાર, બાજરી કે તલ વાવીશ.”

“પણ જમીનમાં ક્યાંક ક્યાંક નિંદામણના તણખલાં ઊગી નીકળ્યાં છે. વરસાદ થાય તો વાવણીમાં તે નિંદામણ ન નડે એટલે હું રાંપ હાંકી તેમને કાઢી રહ્યો છું.”

અગાઉ બીબીસી ગુજરાતીએ આ બાબતે દેવભૂમિ દ્વારકા જિલ્લાના કલેક્ટર રાજેશ તન્નાનો સંપર્ક કરતાં તેમણે જણાવ્યું કે સ્થિતિને પહોંચી વળવા માટે જિલ્લા વહીવટી તંત્રએ આગોતરું આયોજન કરી લીધું છે.

તન્નાએ કહ્યું, “પાછલાં ત્રણ-ચાર વર્ષની સરખામણીએ જોઈએ તો આ વર્ષે ચોક્કસપણે આપણે ત્યાં વરસાદ ઓછો થયો છે.”

“પાછલાં ચાર-પાંચ વર્ષ દરમિયાન આબોહવા પરિવર્તનને કારણે દેવભૂમિ દ્વારકામાં ખૂબ વરસાદ પડ્યો હતો.”

“પરંતુ તે સમયને બાદ કરીએ તો આપણે ત્યાં વાર્ષિક સરેરાશ 15થી 20 ઇંચ વરસાદ પડે છે. વળી, આ વિસ્તારમાં પાછોતરો એટલે કે ઑગસ્ટ-સપ્ટેમ્બરમાં વરસાદ થતો હોય છે…”

“વરસાદ ઓછો થયો છે પરંતુ ‘સૌની’ યોજનાના કારણે નર્મદાનાં પાણીથી ડેમ ભરાયા છે. તેથી, હાલ પીવાના પાણીની કોઈ સમસ્યા નથી.”

આઠેક ગામમાં ટૅન્કરોના ફેરા ચાલે છે કારણ કે તે ગામો પાઇપલાઇનના છેડે આવેલાં છે. “સરકાર પાસે ફૉરેસ્ટના ગોડાઉનમાં ઘાસનો પૂરતો જથ્થો છે.

ઘાસકાર્ડ કાઢી આપવા માટે મામલતદારોને સૂચના આપી દેવાઈ છે… આ બાબતે અમે આગોતરું આયોજન કરી લીધું છે.”

માંગરોળ તાલુકાના ખેડૂતોએ ઉઠાવ્યો ‘સરકારી સર્વે’નો મુદ્દો

મંગળવારે જૂનાગઢના માંગરોળ તાલુકાના ખેડૂતોએ સ્થાનિક મામલતદારને તેમનાં ખેતરની જમીન પર કેન્દ્ર સરકારના ખાણ-ખનીજ વિભાગ દ્વારા ‘અમુક પ્રોજેક્ટ’ માટે કરાયેલ સર્વે સામે આવેદનપત્ર આપ્યું હતું.

માનખેત્રા ગામના ખેડૂત આગેવાન દેવરાજભાઈ કરમટાએ બીબીસી ગુજરાતી સાથેની વાતચીતમાં કહ્યું કે, “આજથી થોડા દિવસ પહેલાં અમારાં ખેતરોમાં કેન્દ્ર સરકાર વતી કેટલાક કર્મચારી સર્વેની કામગીરી હાથ ધરવા આવ્યા હતા.”

“આ અંગે અમને કોઈ જાણ નહોતી કરાઈ. અમને જાણવા મળ્યું છે કે કેન્દ્ર સરકારના કોઈ પ્રોજેક્ટ માટે આ કામ હાથ ધરાયું હતું.”

“કર્મચારીઓએ પોતાના અધિકારીનો નંબર આપતાં તેમણે કહ્યું હતું કે કેન્દ્ર સરકાર આ સમગ્ર બ્લૉકમાં અમુક પ્રોજેક્ટનું આયોજન કરવાની છે.”

“જેમાં અમને શંકા છે કે અમારું આખું ગામ અને આસપાસનાં કેટલાંક ગામોને અસર થવાની છે. આ મામલે અમે મામલતદારને આવેદનપત્ર આપ્યું છે.”

માંગરોળના મામલતદાર એમએન છોટીયારાએ બીબીસી ગુજરાતી સાથેની વાતચીતમાં કહ્યું કે, “ખેડૂતોએ આપેલું આવેદનપત્ર કલેક્ટરને મોકલી દેવાયું છે. હાલ પૂરતું સર્વેનું કામ મોકૂફ રખાયું છે. ઉપરથી સૂચના આવ્યા પ્રમાણે આગળની કાર્યવાહી કરાશે.”

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

SOURCE : BBC NEWS