Home તાજા સમાચાર gujrati ગુજરાતમાં વરસાદની ઘટ, શું સપ્ટેમ્બરમાં પૂરતો વરસાદ પડશે કે નહીં?

ગુજરાતમાં વરસાદની ઘટ, શું સપ્ટેમ્બરમાં પૂરતો વરસાદ પડશે કે નહીં?

3
0

Source : BBC NEWS

ગુજરાતમાં વરસાદની ઘટ, શું સપ્ટેમ્બરમાં પૂરતો વરસાદ પડશે કે નહીં?

પ્રકાશિત

હવામાન વિભાગના પૂર્વાનુમાન અનુસાર સપ્ટેમ્બર મહિનામાં સમગ્ર દેશ સહિત ગુજરાતમાં સરેરાશ કરતાં ઓછો વરસાદ થવાની શક્યતા છે. ચોમાસાના આ છેલ્લા મહિનામાં સામાન્ય રીતે 17 સપ્ટેમ્બરની આસપાસથી રાજસ્થાન અને ગુજરાતમાંથી ચોમાસું પરત ફરવાની શરૂઆત થતી હોય છે.

જૂન અને ઑગસ્ટ મહિનામાં વરસાદની ઘટ રહ્યા બાદ સપ્ટેમ્બરમાં પણ 15 તારીખ સુધી કોઈ મોટી સિસ્ટમ સક્રિય થવાના સંકેત નથી.

કચ્છ, સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાત સહિત સમગ્ર રાજ્યમાં સરેરાશથી ઓછો વરસાદ રહેવાના કારણે વરસાદની ઘટમાં વધારો થઈ શકે છે અને દુષ્કાળ જેવી સ્થિતિ યથાવત રહેવાની સંભાવના છે.

ઉલ્લેખનીય છે કે દેશમાં આગામી મહિનામાં વરસાદનું પ્રમાણ ઓછું રહેશે એવું ભારતીય હવામાન વિભાગે અનુમાન કર્યું છે.

ભારતીય હવામાન વિભાગ અનુસાર, સપ્ટેમ્બર મહિના (2026) દરમિયાન સમગ્ર દેશમાં માસિક વરસાદ સામાન્ય કરતાં ઓછો રહેવાની સૌથી વધુ સંભાવના છે.

ભૌગોલિક રીતે જોવામાં આવે તો દેશના મોટા ભાગના વિસ્તારોમાં સામાન્ય કરતાં ઓછો વરસાદ થવાની શક્યતા છે. જોકે, ઉત્તર-પશ્ચિમ ભારત, ઉત્તર-પૂર્વ ભારત, પૂર્વ ભારત, પૂર્વ-મધ્ય ભારત અને દ્વીપકલ્પીય ભારતના કેટલાક દક્ષિણ-પૂર્વીય વિસ્તારોમાં સામાન્ય અથવા સામાન્ય કરતાં વધુ વરસાદ થવાની શક્યતા છે.

હવામાન વિભાગ અનુસાર, હાલમાં વિષુવવૃત્તીય પ્રશાંત મહાસાગરમાં મજબૂત અલ નીનોની સ્થિતિ યથાવત્ છે, જેમાં મધ્ય અને પૂર્વીય વિષુવવૃત્તીય પ્રશાંત વિસ્તારમાં સમુદ્રની સપાટીનું તાપમાન સામાન્ય કરતાં વધુ છે.

ઉલ્લેખનીય છે કે ગુજરાત અને દેશમાં ચોમાસાને નબળું પાડતાં પરિબળોમાં એક કારણ અલ નીનો પણ છે.

હાલના સમયમાં હિંદ મહાસાગરમાં તટસ્થ ઇન્ડિયન ઓશન ડાયપોલ (આઇઓડી)ની સ્થિતિ પ્રવર્તી રહી છે.

મૉન્સૂન મિશન કપલ્ડ ફૉરકાસ્ટ સિસ્ટમના અનુમાન મુજબ સપ્ટેમ્બર 2026 સુધી તટસ્થ આઇઓડીની સ્થિતિ યથાવત્ રહેવાની સંભાવના છે.

તો એવી જ રીતે ગુજરાતમાં પણ સપ્ટેમ્બર મહિનામાં વરસાદનું પ્રમાણ ઓછું રહેશે એવું અનુમાન છે.

ગુજરાતના જિલ્લાના વાત કરીએ તો સૌથી વધુ કચ્છ જિલ્લામાં 61 ટકા વરસાદની ઘટ છે. તેમજ જામનગરમાં 60 ટકા, દેવભૂમિ દ્વારકામાં 88 ટકા અને પોરબંદરમાં 73 ટકા વરસાદની ઘટ છે.

તો બનાસકાંઠામાં 26 ટકા, સાબરકાંઠામાં 43 ટકા, અરવલ્લીમાં 46 ટકા, દાહોદમાં 45 ટકા, છોટા ઉદેપુરમાં 30 અને વડોદરામાં 31 ટકા વરસાદની ઘટ છે.

સૌરાષ્ટ્રની વાત કરીએ તો રાજકોટમાં 33 ટકા, જૂનાગઢમાં 37 ટકા, ગીર સોમનાથમાં 39 ટકા વરસાદની ઘટ છે.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

SOURCE : BBC NEWS