Home તાજા સમાચાર gujrati ગુજરાત આવી રહેલી ટ્રકમાં હતો કરોડોનો દારૂ, રોકનાર ઇન્સ્પેક્ટર પર ચલાવી દેવાઈ...

ગુજરાત આવી રહેલી ટ્રકમાં હતો કરોડોનો દારૂ, રોકનાર ઇન્સ્પેક્ટર પર ચલાવી દેવાઈ ટ્રક, શું છે સમગ્ર ઘટના?

3
0

Source : BBC NEWS

ખાતેગાંવ પોલીસ સ્ટેશનના પ્રભારી દિલીપ પુરી

મધ્ય પ્રદેશના દેવાસ જિલ્લામાં ગેરકાયદે દારૂની હેરાફેરી કરતા ટ્રકને રોકવાનો પ્રયાસ કરતી વખતે ખાતેગાંવ પોલીસ સ્ટેશનના પ્રભારી દિલીપ પુરીનું મોત થયું છે. પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે આ ટ્રક ગુજરાત જઈ રહી હતી.

સોમવારે વહેલી સવારે ઇન્દોર-બૈતુલ હાઇવે પર આ ઘટના ઘટી હતી. પોલીસના જણાવ્યા અનુસાર, ગેરકાયદે દારૂની હેરાફેરી અંગે માહિતી મળ્યા બાદ અનેક ટીમોને કાર્યવાહી માટે મોકલવામાં આવી હતી. આમાંની એક ટીમનું નેતૃત્વ સ્ટેશન ઇન્ચાર્જ દિલીપ પુરી કરી રહ્યા હતા.

દેવાસના પોલીસ અધિક્ષક આદિત્ય મિશ્રાએ બીબીસ સંવાદદાતા વિષ્ણુકાંત તિવારીને જણાવ્યું કે, “રવિવારે રાત્રે લગભગ દોઢ વાગ્યે પોલીસ ટીમને હાઇવે પર શંકાસ્પદ ટ્રક મળી હતી. પોલીસે ટ્રક નંબર MP 43 H 4786ના ચાલકને બહાર આવવા કહ્યું, પરંતુ તેણે વાહન ઝડપી ગતિએ ભગાડવાનો પ્રયાસ કર્યો.”

તેમણે જણાવ્યું કે, “આ દરમિયાન ટ્રકનું પાછળનું પૈડું દિલીપ પુરી ઉપર ફરી વળ્યું, જેના કારણે તેઓ ગંભીર રીતે ઘાયલ થયા. તેમને તાત્કાલિક હૉસ્પિટલમાં ખસેડવામાં આવ્યા, પરંતુ લગભગ બે કલાક સુધી સારવાર અને CPR આપવામાં આવ્યાં છતાં તેમનો જીવ બચાવી શકાયો નહોતો.”

પોલીસ અધિક્ષક આદિત્ય મિશ્રાએ જણાવ્યું કે ઘટનાની તપાસ માટે SIT રચવામાં આવી છે. પોલીસે ટ્રક જપ્ત કરી લીધી છે અને તેના ચાલકની શોધખોળ ચાલુ છે.

મુખ્ય મંત્રી મોહન યાદવ દ્વારા તપાસની દેખરેખ માટે નિયુક્ત ખાસ પોલીસ મહાનિર્દેશક (ડી.જી.) ઉપેન્દ્ર જૈને મીડિયાને જણાવ્યું હતું કે, “આ ઘટનામાં સંડોવાયેલા તમામ લોકોની ઓળખ કરી લેવામાં આવી છે. અમારી ટીમો પુરાવા એકત્ર કરી રહી છે અને કેસમાં સતત ધરપકડ કરવામાં આવી રહી છે.”

યાદવે પોલીસ અધિકારીના નિધન પર શોક વ્યક્ત કરતાં પુરીના પરિવારને ₹1 કરોડની આર્થિક સહાય અને કરુણાત્મક આધારે (અનુકંપા ધોરણે) તેમનાં પત્નીને સબ-ઇન્સ્પેક્ટરના પદ પર નોકરી આપવાની જાહેરાત કરી છે.

તેમણે X પર લખ્યું હતું કે, “આ મુશ્કેલ સમયમાં મારી ઊંડી સંવેદના શોકગ્રસ્ત પરિવારજનો સાથે છે. રાજ્ય સરકાર પીડિત પરિવાર સાથે મજબૂતપણે ઊભી છે. ઘટનાની તપાસ માટે વિશેષ ડી.જી. ઉપેન્દ્ર જૈનને તાત્કાલિક ઘટનાસ્થળે મોકલવામાં આવ્યા છે. આ મામલે નિષ્પક્ષ તપાસ અને કડક કાર્યવાહી માટે સૂચનાઓ આપવામાં આવી છે.”

તપાસમાં શું બહાર આવ્યું?

પોલીસ મહાનિર્દેશક (ડીજી) ઉપેન્દ્ર જૈને ઘટનાસ્થળની મુલાકાત લીધી હતી અને અધિકારીઓ પાસેથી માહિતી મેળવી હતી

આ મામલે ખાતેગાંવ પોલીસ સ્ટેશનમાં આબકારી અધિનિયમ હેઠળ FIR નોંધવામાં આવી છે. પોલીસે આ ઘટનામાં ભારતીય ન્યાય સંહિતા (BNS)ની કલમ 103(1), 109(1), 121(2), 3(5) તેમજ આબકારી અધિનિયમની કલમ 34(2) હેઠળ કેસ દાખલ કર્યો છે.

તપાસ દરમિયાન સામે આવ્યું કે સમગ્ર નેટવર્કનો મુખ્ય સૂત્રધાર રાહુલ જયસ્વાલ છે. હરદા જિલ્લાના ટિમરણીમાં રહેતા રાહુલ પર પોતાના વિસ્તારમાં આવેલા ત્રણ લાયસન્સ લીકર શોપમાંથી ગેરકાયદે દારૂના સપ્લાય નેટવર્કનું સંચાલન કરવાનો આરોપ છે.

પોલીસ અનુસાર દારૂના ઠેકાનું લાયસન્સ પાટેન્દ્ર જયસવાલ (બડવાણી)ના નામે છે. ધંધામાં રાહુલ જયસવાલ, મનીષ જયસવાલ અને મોહિન જયસવાલની 30-30 ટકા ભાગીદારી છે, જ્યારે પાટેન્દ્રની 10 ટકા ભાગીદારી છે.

પોલીસે રાહુલની સાથેસાથે ઇન્દોરમાં રહેતા વિજય રાવની પણ ધરપકડ કરી છે. તપાસમાં સામે આવ્યું છે કે રાહુલ ગુજરાતમાં ગેરકાયદે દારૂના સપ્લાયનું નેટવર્ક ચલાવતો હતો. પોલીસ હાલ તેમના સમગ્ર નેટવર્ક અંગે પૂછપરછ કરવામાં કરી રહી છે.

જે ટ્રકના અડફેટે આવવાથી ઇન્સપેક્ટર પુરીનું મૃત્યુ થયું તેની પોલીસે કબજે લઈ લીધો છે.

પોલીસે દારૂ ભરેલું વાહન ઝડપી પાડ્યું છે અને ટ્રકચાલક ગજેન્દ્ર ઉર્ફે અક્કુ રાવતની ધરપકડ કરી છે. તપાસમાં સામે આવ્યું છે કે વાહન કેરમસિંહ ચાંગોડની માલિકીનું છે. પોલીસે કેરમસિંહની પણ ધરપકડ કરી છે. તપાસમાં સામે આવ્યું છે કે, જ્યારે આ ઘટના બની ત્યારે ટ્રકમાં જે દારૂ હતો, એ ટિમરણીથી ગુજરાત લઈ જવામાં આવી રહ્યો હતો.

આ ઘટના બાદ આબકારી ખાતાએ કાર્યવાહી કરતાં હરદા જિલ્લાના ટિમરણી સર્કલમાં ફરજ બજાવતા સહાયક જિલ્લા આબકારી અધિકારી અમરસિંહ બઘેલને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરી દીધા છે.

આબકારી ખાતાએ એક પ્રેસનોટમાં જણાવ્યું કે, ફરજ પ્રત્યે બેદરકારી અને દેખરેખમાં ઢીલાશ જણાતાં આ કાર્યવાહી કરવામાં આવી છે. આબકારી કમિશનરે વિભાગના અન્ય 2 અધિકારીઓ અરુણ કુમરે અને કૃષ્ણપાલસિંહ ડોડિયારને પણ સસ્પેન્ડ કર્યા છે.

આ મામલે હરદાના કલેક્ટરે જે 3 દુકાનોમાંથી દારૂનો સ્ટોક લેવામાં આવ્યો હતો, તેનાં લાઇસન્સ સસ્પેન્ડ કરી દીધાં છે. આ ત્રણેય દુકાનો પાટેન્દ્ર જયસવાલની માલિકીની છે.

મૃતક અધિકારીએ ક્યારે પોલીસ ખાતું જોઇન કર્યું હતું?

મૃતક પોલીસ અધિકારી દિલીપ પુરી મૂળ મધ્યપ્રદેશના ધાર જિલ્લાના સરદારપુર તાલુકાના બરમંડલ ગામના રહેવાસી હતા. તેમના પરિવારમાં પત્ની કવિતા પુરી, 1 પુત્ર અને 1 પુત્રી છે. તેમના પિતા ઓમપ્રકાશ પુરી વ્યવસાયે ખેડૂત છે.

વર્ષ 2007માં દિલીપ પુરી મધ્યપ્રદેશ પોલીસમાં સબ-ઇન્સ્પેક્ટર તરીકે જોડાયા હતા. પોલીસ સેવામાં સામેલ થયા તે પહેલાં તેઓ શિક્ષક તરીકે નોકરી કરતા હતા.

ફેબ્રુઆરી 2023માં તેમને ઇન્દોરના હીરાનગર પોલીસ સ્ટેશનના પ્રભારી બનાવવામાં આવ્યા હતા. સ્થાનિક મીડિયા અહેવાલો મુજબ, તેમના અંતિમ સંસ્કાર તેમના વતન બરમંડલ ગામમાં રાજકીય સન્માન સાથે કરવામાં આવ્યા હતા.

મીડિયા સાથે વાત કરતાં દિલીપ પુરીના પિતા ઓમપ્રકાશ પુરીએ દોષીઓ સામે કડક કાર્યવાહી કરવાની માગ કરી હતી. તેમણે કહ્યું કે, તેમના પુત્રની નિર્મમ રીતે હત્યા કરવામાં આવી છે અને જે લોકો આમાં સામેલ છે તેમને ફાંસી થવી જોઈએ. તેમણે સમગ્ર મામલામાં સીબીઆઈ તપાસની માગ પણ કરી છે.

બીબીસી સંવાદદાતા વિષ્ણુકાંત તિવારીના ઇનપુટ્સ સાથે

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

SOURCE : BBC NEWS