Source : BBC NEWS
ઇમેજ સ્રોત, Getty Images
પ્રકાશિત
વાંચવાનો સમય: 3 મિનિટ
દેશમાંથી ચોમાસાની વિદાય હવે આગળ વધતી જાય છે જેના કારણે ગુજરાતમાં વરસાદ રોજેરોજ ઘટતો જાય છે.
હવામાન વિભાગના બુલેટિન પ્રમાણે છેલ્લા ચોવીસ કલાકમાં ગુજરાતમાં બહુ ઓછી જગ્યાએ વરસાદ પડ્યો છે. કોઈ તાલુકામાં નોંધપાત્ર વરસાદ પડ્યો નથી. સાઉથ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં કેટલીક જગ્યાએ છાંટા પડ્યા છે, જ્યારે ઉત્તર ગુજરાત અને કચ્છમાં હવામાન સૂકું રહ્યું છે.
હાલમાં ગુરદાસપુર, ચંદીગઢ, મુઝફ્ફરનગર, અલીગઢ, ધોલપુર, ઉદયપુર, ડીસા અને નલિયા પરથી ચોમાસાની વિદાયની લાઈન પસાર થાય છે.
દરમિયાન ઉત્તર આંધ્ર પ્રદેશ અને દક્ષિણ ઓડિશા પર એક ડીપ ડિપ્રેશન સર્જાયું હતું જે 10 કિમી પ્રતિ કલાકની ઝડપથી ઉત્તર-પશ્ચિમ દિશામાં આગળ વધ્યું છે અને ઓડિશાના રાયગઢથી 60 કિમી દૂર તથા આંધ્ર પ્રદેશના કલિંગાપટનમથી 90 કિમી દૂર સ્થિત છે. આગામી ચોવીસ કલાકમાં તે નબળું થઈને ઉત્તર પશ્ચિમ દિશામાં આગળ વધે તેવી શક્યતા છે.
ઇમેજ સ્રોત, IMD
ઇમેજ સ્રોત, IMD
ગુજરાતમાં હવે ક્યાંય ભારે અથવા મધ્યમ વરસાદ પણ પડવાની શક્યતા દેખાતી નથી. છતાં આજે અને આવતીકાલે કેટલીક જગ્યાએ છાંટા અથવા હળવા ઝાપટાં પડી શકે છે.
હવામાન વિભાગના બુલેટિન પ્રમાણે ગાંધીનગર, અરવલ્લી, ખેડા, અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ, મહીસાગરમાં અમુક જગ્યાએ છૂટોછવાયો વરસાદ પડી શકે છે.
આ ઉપરાંત વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, ભરુચ, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, તાપી, દમણ, દાદરા અને નગર હવેલી, રાજકોટ, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, બોટાદ અને દીવમાં કેટલીક જગ્યાએ વરસાદ પડવાની આગાહી છે.
સૌરાષ્ટ્ર અને કચ્છના મોટા ભાગના વિસ્તારોમાં હવામાન સૂકું રહેશે.
અમદાવાદ અને આસપાસના વિસ્તારોમાં દિવસ દરમિયાન આંશિક રીતે વાદળછાયું વાતાવરણ રહેવાની શક્યતા છે. અમુક જગ્યાએ છાંટા પડી શકે છે.
કયા જિલ્લામાં વરસાદની ઘટ છે?
ઇમેજ સ્રોત, GSDMA
23 સપ્ટેમ્બર સુધીના આંકડા પ્રમાણે ગુજરાતમાં અત્યાર સુધીમાં લગભગ 90 ટકા વરસાદ પડી ગયો છે. તેમાં સાઉથ ગુજરાતમાં સૌથી વધારે 114 ટકા વરસાદ પડ્યો છે જ્યારે બાકીના વિસ્તારોમાં વરસાદની ઘટ છે.
કચ્છમાં અત્યાર સુધીમાં સરેરાશ માત્ર 57.60 ટકા વરસાદ નોંધાયો છે, જ્યારે ઉત્તર ગુજરાતમાં 71 ટકા વરસાદ પડ્યો છે. પૂર્વ મધ્ય ગુજરાતમાં 90 ટકા વરસાદ પડી ગયો છે જ્યારે સૌરાષ્ટ્રમાં સરેરાશ 71 ટકા કરતા વધુ વરસાદ નોંધાયો છે.
દેવભૂમિ દ્વારકા, પોરબંદર અને જામનગર જિલ્લામાં સૌથી વધારે ચિંતાજનક સ્થિતિ છે. દેવભૂમિ દ્વારકા જિલ્લામાં માત્ર 16 ટકા વરસાદ પડ્યો છે, જ્યારે પોરબંદર જિલ્લામાં 30 ટકા અને જામનગરમાં 43 ટકા વરસાદ નોંધાયો છે. દેવભૂમિ દ્વારકાના કલ્યાણપૂર તાલુકામાં ફક્ત આઠ ટકા વરસાદ નોંધાયો છે.
દક્ષિણ ગુજરાતમાં સરેરાશ કરતા વધુ વરસાદ પડ્યો છે જેમાં નવસારી જિલ્લામાં લગભગ 130 ટકા, વલસાડમાં 124 ટકા, ડાંગમાં 112 ટકા, ભરુચમાં 115 ટકા અને સુરત જિલ્લામાં સરેરાશ 116 ટકા વરસાદ પડ્યો છે. દક્ષિણ ગુજરાતમાં નર્મદા (90 ટકા) અને તાપી (96 ટકા) એવા જિલ્લા છે જ્યાં 100 ટકા કરતા ઓછો વરસાદ નોંધાયો છે.
ગુજરાતમાં ડૅમની સ્થિતિ
ઇમેજ સ્રોત, IMD
ગુજરાતમાં આ વખતે સામાન્ય કરતા ઓછો વરસાદ પડ્યો છે જેના કારણે જ ડૅમમાં પાણીનો જથ્થો પણ ઘટ્યો છે. ઉત્તર ગુજરાતમાં 15 મોટા ડૅમમાંથી માત્ર બે ડૅમ છલકાયા છે અને સરેરાશ 46.68 ટકા પાણી છે.
મધ્ય ગુજરાતમાં 17માંથી માત્ર ત્રણ ડૅમ છલકાયા છે અને મધ્ય ગુજરાતનાં જળાશયોમાં 61 ટકા પાણી છે. સાઉથ ગુજરાતમાં 13માંથી આઠ ડૅમ છલકાયા છે અને અહીં 85 ટકા પાણી ઉપલબ્ધ છે.
કચ્છમાં વરસાદ ઓછો હોવાના કારણે 20માંથી માત્ર એક ડૅમ ભરાયો છે. જ્યારે સૌરાષ્ટ્રમાં 141 ડૅમમાંથી માત્ર 18 ડૅમ સંપૂર્ણ ભરાયા છે. ગુજરાતનો સૌથી મોટો સરદાર સરોવર ડૅમ પણ હજુ ભરાયો નથી. ગુજરાતના 207 ડૅમમાંથી 32 ડૅમ ભરાયા છે અને તેમાં હાલમાં કુલ 82 ટકા પાણી છે.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન
SOURCE : BBC NEWS




