Home તાજા સમાચાર gujrati ગુજરાત : દુષ્કાળ જાહેર થાય પછીની પ્રક્રિયા શું હોય અને સરકારે શું...

ગુજરાત : દુષ્કાળ જાહેર થાય પછીની પ્રક્રિયા શું હોય અને સરકારે શું કરવાનું હોય છે?

4
0

Source : BBC NEWS

પ્રતીકાત્મક તસવીર

ગુજરાત સરકારે 26 ઑક્ટોબરના રોજ દેવભૂમિ દ્વારકા, કચ્છ, જામનગર અને પોરબંદર- એમ ચાર જિલ્લામાં દુષ્કાળની જાહેરાત કરી છે.

ગુજરાત સરકારે કહ્યું છે કે દુષ્કાળ જાહેર થવાથી આ ચાર જિલ્લામાં ખેડૂતોને 8500 રૂપિયા પ્રતિ હૅક્ટર, બે હૅક્ટરની મર્યાદામાં ખેડૂતોને સહાય આપવામાં આવશે.

સરકારે જાહેરાત કરી છે કે પશુદીઠ રોજના 80 રૂપિયા આપવામાં આવશે અને તે બે મહિના સુધી ચૂકવવામાં આવશે. ત્યાર બાદ પણ ક્યાંય પશુ રહેશે તો રાજ્ય સરકાર તેનો ખર્ચ ઉપાડશે.

દુષ્કાળગ્રસ્ત તાલુકામાં ગ્રામીણ લોકોને રોજગારી મળી રહે તે માટે 150 માનવદિન રોજગારી વીબી જીરામજી યોજના હેઠળ આપવામાં આવશે. તેનો અમલ પહેલી નવેમ્બરથી કરવામાં આવશે.

મુખ્ય મંત્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું હતું કે, “ભારત સરકારની દુષ્કાળ નિર્ધારણ માર્ગદર્શિકા 2016 અનુસાર, જરૂરી ઉચ્ચસ્તરીય બેઠકો યોજીને રાજ્ય સરકારે ચાર જિલ્લામાં દુષ્કાળની જાહેરાત કરવાનું નક્કી કર્યું છે.”

પરંતુ સવાલ એ છે કે દુષ્કાળ જાહેર થવાથી બીજો શું ફર્ક પડે અને સરકારે શું કરવાનું હોય છે?

દુષ્કાળ જાહેર થવો એટલે શું?

દુષ્કાળ વ્યવસ્થાપન ગાઇડ

કેન્દ્ર સરકારના કૃષિ મંત્રાલયે 2016માં દુષ્કાળ જાહેર કરવા અંગેની માર્ગદર્શિકા બહાર પાડી હતી અને 2020માં તેને અપડેટ કરી હતી.

જોકે, અહીં એ નોંધવું જોઈએ કે આ માત્ર માર્ગદર્શિકા છે, કાયદાકીય રીતે પૂરી કરવી પડતી જરૂરિયાત નથી.

આ માર્ગદર્શિકા અનુસાર, દુષ્કાળની જાહેરાત કરતી વખતે રાજ્ય સરકારે એક નોટિફિકેશન બહાર પાડવાનું હોય છે જેમાં દુષ્કાળ હેઠળ આવતા ભૌગોલિક વિસ્તાર અને વ્યવસ્થાતંત્રોની માહિતી હોય.

તેમાં દુષ્કાળ માપસર છે કે પછી અતિ ગંભીર એ પણ નોંધવાનું હોય છે.

દુષ્કાળની જાહેરાત થયેથી આ નોટિફિકેશન છ મહિના સુધી વેલિડ રહે છે. ખરીફ પાક માટેનો દુષ્કાળ 31 ઑક્ટોબર પહેલાં અને રવી પાક માટેનો દુષ્કાળ 31 માર્ચ પહેલાં જાહેર કરી દેવાનો હોય છે.

દુષ્કાળ જાહેર થયે સરકારે શું કરવું જોઈએ?

પીવાનું પાણી ભરવા જતી બહેનો

કેન્દ્ર સરકારની આ દુષ્કાળ અંગેની માર્ગદર્શિકામાં દુષ્કાળ જાહેર થયેથી શું પગલાં લેવાનાં હોય તેની પણ વિગતવાર માહિતી આપવામાં આવી છે.

જો અતિ ગંભીર દુષ્કાળ હોય તો સરકારે નૅશનલ ડિઝાસ્ટર રિસ્પૉન્સ ફંડ હેઠળ એક અઠવાડિયામાં ‘મેમોરેન્ડમ ઑફ આસિસ્ટન્સ’ જાહેર કરવાનું હોય છે જેમાં દરેક ગામનો ફીલ્ડ-વેરિફિકેશન ડેટા પણ જોડવાનો હોય છે.

રાજ્ય સરકારોએ રાહતનાં પગલાં ભરતી વખતે સ્થળાંતર, ઘાસચારાની અછત, ખોરાક અને પાણીની તંગી, ભાવવધારો, લોકોમાં કુપોષણ વગેરે પણ ધ્યાનમાં રાખવાનું હોય છે.

રાજ્ય સરકારોએ એસડીઆરએફ અને એનડીઆરએફ હેઠળ ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર (સીધી પૈસાની મદદ) કરવાની હોય છે જેમાં તેઓ પાક નુકસાનીનું વળતર, ઢોર માટે નાના અને સીમાંત ખેડૂતો, પશુપાલકોને સહાય, માછીમારોને મદદ, હેન્ડીક્રાફ્ટ-હેન્ડલૂમ કારીગરોને મદદ, ખોરાક-પાણી માટે સીધી આર્થિક સહાય કરી શકે છે.

દુષ્કાળ જાહેર થયેથી દરેક રાજ્ય સરકાર માટે એ જરૂરી છે કે એ તરત જ રાહતકાર્યો હેઠળ રોજગારીના કાર્યક્રમો શરૂ કરે અને જે લોકોને જરૂર છે તેને રોજગારી આપે.

આ માર્ગદર્શિકામાં એ લખવામાં આવ્યું છે કે આ રોજગારીના કાર્યક્રમોથી લોકોને આવક મળવી જોઈએ જેથી કરીને કામદારો, ખેડૂતો, પશુપાલકો- અસરગ્રસ્તોની પ્રાથમિક જરૂરિયાતો સંતોષાય.

માર્ગદર્શિકામાં એવું પણ કહેવાયું છે કે દુષ્કાળની સ્થિતિનાં પ્રાથમિક તારણો મળવા લાગે ત્યારથી જ ક્રાઇસિસ મૅનેજમૅન્ટ પ્લાન અને આકસ્મિક પાક પ્રબંધનની તૈયારીઓ થવા લાગવી જોઈએ અને સરકારે અધિકૃત રીતે દુષ્કાળ જાહેર થાય તેની રાહ ન જોવી જોઈએ.

દુષ્કાળનાં નિયંત્રણ અને વ્યવસ્થાપનનાં પગલાં

દુષ્કાળ જાહેર થવાથી સત્તાવાર રીતે રાજ્ય સરકારે તેનાં વ્યવસ્થાપન અને લોકોને રાહત માટેનાં પગલાંનું સતત મૉનિટરિંગ કરવાનું હોય છે.

દુષ્કાળ માર્ગદર્શિકા પ્રમાણે રાજ્ય સરકારે હવામાનનો ડેટા- જેમ કે તાપમાન, પવનની ગતિ, ભેજ, લાંબા અને ટૂંકા ગાળાની હવામાન આગાહીનું મૉનિટરિંગ કરવાનું હોય છે.

આ સિવાય સરકારે જમીનનો ભેજ, વાવણીનો વિસ્તાર, પાકની સ્થિતિ, સેટેલાઇટ આધારિત વેજિટેશન ઇન્ડેક્સ, પાણીનાં તળની સ્થિતિ, પાણી છોડવું કે રોકવું, જળાશયોની સ્થિતિ અને પાણીનું સ્ટોરેજ તથા વ્યવસ્થાપન, ઢોરનું સ્થળાંતર, માણસોનું સ્થળાંતર, ઘાસચારાનો પુરવઠો, પીવાનું પાણી, પશુઓનું સ્વાસ્થ્ય તથા કૃષિક્ષેત્રમાં રોજગારી સહિતની પરિસ્થિતિઓનું સતત મૉનિટરિંગ કરવાનું હોય છે.

પીવાનાં પાણી અને જળાશયોની સ્થિતિનું રોજના ધોરણે મૉનિટરિંગ કરવાનું હોય છે.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

SOURCE : BBC NEWS