Home તાજા સમાચાર gujrati ગુજરાત : નબળા વર્ષે પણ સપ્ટેમ્બર મહિનામાં કેટલો વરસાદ પડતો હોય છે?...

ગુજરાત : નબળા વર્ષે પણ સપ્ટેમ્બર મહિનામાં કેટલો વરસાદ પડતો હોય છે? આંકડાથી સમજો

3
0

Source : BBC NEWS

ગુજરાતમાં વરસાદ

ઇમેજ સ્રોત, Getty Images

ગુજરાતમાં છેલ્લા દોઢેક મહિનાથી વરસાદ નથી પડી રહ્યો. ઑગસ્ટ મહિનાના પ્રથમ અઠવાડિયા બાદ રાજ્યમાં વરસાદ નથી પડ્યો અને ત્યારથી ચાલુ થયેલું વાયરું સપ્ટેમ્બર મહિનાના 10 દિવસ વીતી જવા છતાં પણ ફૂંકાઈ રહ્યું છે.

ચિંતાજનક બાબત તો એ છે કે આ વાયરું એવા ચોમાસા દરમિયાન ફૂંકાઈ રહ્યું છે કે જેમાં વરસાદ પહેલાંથી જ ઓછો વરસ્યો છે. તેથી, ખાસ કરીને સૌરાષ્ટ્ર અને કચ્છના કેટલાય વિસ્તારોમાં ખેતીના પાક સુકાઈ રહ્યા છે અથવા તો સિંચાઈના પાણી ઝડપથી ઘટવા લાગતા ખેડૂતો મૂંઝાઈ રહ્યા છે.

ગુજરાત સરકારના સત્તાવાર આંકડા અનુસાર રાજ્યના 267 તાલુકામાંથી 10 તાલુકા તો એવા છે કે જ્યાં આ વર્ષે હજુ સુધી પાંચ ઇંચ પણ વરસાદ નથી પડ્યો. એક તરફ વાયરું ફૂંકાઈ રહ્યું છે અને બીજી તરફ ગુજરાતમાં નૈઋત્યનું ચોમાસું તેના અંતિમ તબક્કામાં છે. સામાન્ય રીતે 15 સપ્ટેમ્બર બાદ ચોમાસું ગુજરાતમાંથી વિદાય લેવાનું શરૂ કરી દેતું હોય છે.

હવામાન વિભાગે ગુરુવારે આગાહી કરી કે બંગાળની ખાડીમાં સર્જાયેલ હવાના હલકા દબાણવાળા વિસ્તાર અને દક્ષિણ ગુજરાત ઉપર સર્જાયેલ અપર ઍર સર્ક્યુલેશનના કારણે ગુજરાતમાં આગામી પાંચ દિવસ દરમિયાન ગાજવીજ સાથે હળવોથી મધ્યમ વરસાદ પડશે.

ભારતીય હવામાન ખાતાની વ્યાખ્યા અનુસાર 2.5 મિમીથી 7.4 મિમી (25 મિલી એટલે એક ઇંચ) વરસાદ પડે તો તેને હળવો વરસાદ કહેવાય અને 7.6 મિમીથી 35.5 મિમી વરસાદ થાય તો તેને મધ્યમ વરસાદ કહેવાય. તેથી, હવામાન વિભાગની આગાહી મુજબ જ વરસાદ વર્ષે તો ખેડૂતોને આંશિક રાહત મળી શકે છે, પરંતુ સિંચાઈના પાણીના સ્રોત કદાચ રિચાર્જ ન પણ થાય.

પરંતુ ગુજરાતમાં છેલ્લાં 11 વર્ષમાંથી એક વર્ષને બાદ કરતાં સપ્ટેમ્બર મહિનામાં ખૂબ સારા વરસાદ વરસ્યાના રેકૉર્ડ છે. આ વર્ષે હજુ સપ્ટેમ્બરના 20 દિવસ બાકી છે અને જો પાછલાં 11 વર્ષની વરસાદની પૅટર્ન જળવાઈ રહે તો હજુ પણ ચોમાસું સુધરી શકે તેમ છે.

11 વર્ષના ગુજરાતમાં વરસાદના આંકડા શું કહે છે?

વરસાદના આંકડા

ગુજરાત સરકારના રાહત કમિશનરની વેબસાઇટ વર્ષ 2015થી 2026 સુધીના વરસાદના આંકડા ઉપલબ્ધ છે. તે આંકડા અનુસાર 2015થી 2025નાં 11 વર્ષના સમયગાળામાં સાત વર્ષ એવાં હતાં કે તેના સપ્ટેમ્બર મહિનામાં પાંચ ઇંચ કે તેનાથી વધારે વરસાદ નોંધાયો હતો. બાકીનાં ત્રણ વર્ષ દરમિયાન ચાર ઇંચ કે તેનાથી થોડો વધારે વરસાદ નોંધાયો હતો.

માત્ર 2017ના વર્ષમાં સપ્ટેમ્બર મહિનામાં 56 મિલીમીટર એટલે કે બે ઇંચ જેટલો વરસાદ નોંધાયો હતો જે આ 11 વર્ષમાં સપ્ટેમ્બર મહિનાનો સૌથી ઓછો વરસાદ હતો (જુઓ ટેબલ).

આંકડામાં નોંધપાત્ર બાબત એ છે કે આ 11 વર્ષમાંથી સાત વર્ષ એવાં હતાં કે સપ્ટેમ્બર મહિનાની શરૂઆતમાં વરસાદની 8 ટકાથી 54 ટકા સુધીની ઘટ હતી. પરંતુ સપ્ટેમ્બર મહિનામાં સારો વરસાદ પડતા સાતમાંથી છ વરસમાં ચોમાસું 100 ટકા થઈ ગયું હતું. માત્ર 2018નું વર્ષ અપવાદ હતું.

2018માં સપ્ટેમ્બર મહિનાની શરૂઆતમાં પાછલાં 30 વર્ષમાં નોંધાયેલા સરેરાશ વરસાદની સરખામણીએ 72 ટકા વરસાદ વરસી ગયો હતો. સપ્ટેમ્બર દરમિયાન રાજ્યમાં સરેરાશ 2.5 ઇંચ વરસાદ નોંધાયો. પરિણામે સરેરાશ વરસાદ વધીને માત્ર 76.63 ટકા થયો અને કચ્છમાં તે વર્ષે સરકારે સત્તાવાર રીતે દુષ્કાળ જાહેર કરવો પડ્યો હતો. પાછલાં 11 વર્ષમાં સપ્ટેમ્બરમાં નોંધાયેલ તે સૌથી ઓછો વરસાદ હતો.

આ વર્ષે શું સ્થિતિ છે?

ગુજરાતમાં સપ્ટેમ્બરમાં વરસાદના આંકડા

ભારતીય હવામાન ખાતાએ આ વર્ષે ચોમાસાની શરૂઆતમાં જ આગાહી કરી હતી કે એક પ્રબળ અલ નીનોની વિપરીત અસર ભારતના નૈૠત્યના ચોમાસા પર દેખાશે.

મે 29, 2026ના રોજ એક અખબારી યાદીમાં હવામાન ખાતાએ જણાવ્યું હતું કે આ વર્ષે લાંબા ગાળાની સરેશના 90 ટકા વરસાદ પડે તેવી સંભાવના છે અને તેમાં ચાર ટકાની વધઘટ થઈ શકે છે એટલે કે વરસાદ 86 ટકાથી 94 ટકા રહી શકે છે.

ભારતમાં 1971થી 2020 વચ્ચેનાં 40 વર્ષના ગાળામાં ચોમાસા દરમિયાન સરેરાશ 87 સેન્ટિમીટર એટલે કે 34.25 ઇંચ (2.54 સેન્ટિમીટર=1 ઇંચ) વરસાદ નોંધાયો હતો. તે મુજબ આ વર્ષે 29.45 ઇંચથી 31.51 ઇંચ વરસાદ પડે તેવી સંભાવના છે.

ગુજરાતમાં 1996થી 2025નાં 30 વર્ષના સમયગાળા દરમિયાન સરેરાશ 36 ઇંચ વરસાદ નોંધાયો છે. આ વર્ષે 31 ઑગસ્ટ સુધીમાં 27.5 ઇંચ એટલે કે 30 વર્ષની સરેરાશના 75.34 ટકા જેટલો વરસાદ નોંધાયો હતો. પાછલાં 11 વર્ષમાં માત્ર 2015 (66.44 ટકા), 2016 (69 ટકા), 2018 (72 ટકા) અને 2021 (45.85 ટકા) તેના કરતાં ઓછો વરસાદ નોંધાયો હતો.

પરંતુ આ વર્ષે ગુજરાતના વિવિધ પ્રાંતોમાં વરસાદની વહેંચણી ટકાવારીની દૃષ્ટિએ સમાન નથી. દક્ષિણ ગુજરાતમાં 56 ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે જે તે વિસ્તારની સરેરાશના 104 ટકા થાય છે. પૂર્વ-મધ્ય ગુજરાતમાં 24.5 ઇંચ એટલે કે સરેરાશના 75 ટકા જેટલો વરસાદ નોંધાયો છે. પરંતુ ઉત્તર ગુજરાતમાં 16.5 ઇંચ (સરેરાશના 56 ટકા) અને સૌરાષ્ટ્રમાં 17 ઇંચ (સરેરાશના 56 ટકા) વરસાદ જ નોંધાયો છે. કચ્છમાં સ્થિતિ વધારે ખરાબ છે. તે જિલ્લામાં માત્ર છ ઇંચ વરસાદ નોંધાયો છે જે ત્યાંની સરેરાશના 29 ટકા જ છે.

કચ્છના લખપત, અબડાસા, માંડવી અને અંજાર તાલુકામાં, સૌરાષ્ટ્રના દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળિયા, કલ્યાણપુર, દ્વારકા અને ભાણવડ તાલુકામાં તેમજ પોરબંદર જિલ્લાના પોરબંદર અને રાણાવાવ તાલુકામાં પાંચ ઇંચથી ઓછો વરસાદ પડ્યો છે.

તો આ મહિને કેટલો વરસાદ પડી શકે?

સપ્ટેમ્બરના રોજ ગુજરાતના પ્રાંતોમાં વરસાદની સ્થિતિ દર્શાવતો ચાર્ટ

ઇમેજ સ્રોત, Relief Commissiomner, Gjujarat

આ વર્ષે સપ્ટેમ્બર મહિનામાં કેટલો વરસાદ વરસશે તેની આગાહી હવામાન ખાતાએ 31 ઑગસ્ટે એક અખબારી યાદીના માધ્યમથી જણાવી હતી. અખબારી યાદીમાં હવામાન ખાતાએ જણાવ્યું હતું કે આ વર્ષે સપ્ટેમ્બરમાં પણ વરસાદ સામાન્ય કરતાં ઓછો એટલે કે 91 ટકા રહે તેવી સંભાવના છે. જો કોઈ વરસ કે સમયગાળા દરમિયાન 96 ટકાથી 104 ટકા વરસાદ થાય તો હવામાન વિભાગ તેને સામાન્ય વરસાદ કહે છે.

અગાઉ બીબીસી સાથે વાત કરતા આણંદ કૃષિ યુનિવર્સિટીના કૃષિ હવામાન સેલના વડા, પ્રોફેસર મનોજ લુણાગરિયા અને જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીના કૃષિ હવામાન સેલના વડા, પ્રોફેસર ધીમંત વઘાસિયાએ જણાવ્યું હતું કે અલ નીનોની અસરવાળા ચોમાસામાં શરૂઆતના મહિનાઓમાં સામાન્ય વરસાદ પડી શકે છે પરંતુ ચોમાસાના અંત ભાગ તરફ વાયરા ફૂંકાય તેવી શક્યતા રહે છે.

જોકે વડોદરાની મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી ઑફ બરોડાના ઇન્સ્ટિટ્યૂટ ઑફ ક્લાઇમેટ ચેન્જ રિસર્ચના ડાયરેક્ટર, પ્રોફેસર સંસ્કૃતિ મઝુમદારે અગાઉ બીબીસીને જણાવ્યું હતું કે ગુજરાતમાં છેલ્લાં કેટલાંક વરસોનાં અવલોકનો એવા સંકેત આપે છે કે ગુજરાતમાં ચોમાસું પાછું ઠેલાઈ રહ્યું હોય અને તેથી સપ્ટેમ્બરમાં તુલનાત્મક રીતે વધારે વરસાદ નોંધાઈ રહ્યો છે.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

SOURCE : BBC NEWS