Home તાજા સમાચાર gujrati ગુજરાત : શિક્ષણ વિભાગે સ્કૂલોમાં મંજૂરી વગર પ્રવેશબંધીનો હુકમ કેમ બહાર પાડ્યો?

ગુજરાત : શિક્ષણ વિભાગે સ્કૂલોમાં મંજૂરી વગર પ્રવેશબંધીનો હુકમ કેમ બહાર પાડ્યો?

2
0

Source : BBC NEWS

બીબીસી ગુજરાતી ગુજરાત : શિક્ષણ વિભાગે સ્કૂલોમાં મંજૂરી વગર પ્રવેશબંધીનો હુકમ કેમ બહાર પાડ્યો?

  • વાંચવાનો સમય: 7 મિનિટ

ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા બુધવારે સાંજે ‘શાળા પરિસરમાં અવરજવર’ મુદ્દે બહાર પાડેલો પરિપત્ર હાલ ચર્ચાનો વિષય બન્યો છે.

‘શાળા પરિસરમાં બિનઅધિકૃત વ્યક્તિઓની અવરજવર પર પ્રતિબંધ લગાવવા બાબત’ એવા મથાળાવાળા આ પરિપત્રમાં રાજ્યમાં આવેલી શાળાઓમાં ‘પ્રવેશ, પ્રવેશ મેળવ્યા બાદની પ્રવૃત્તિઓ’ અંગે વિગતવાર સૂચનાઓ જાહેર કરવામાં આવી છે.

જે અંતર્ગત ‘કોઈ પણ બાહ્ય વ્યક્તિએ શાળા પરિસરમાં પ્રવેશવા માટે અને પ્રવેશ્યા બાદની પ્રવૃત્તિઓ માટે આચાર્યશ્રી/સંસ્થાના વડાની લેખિતમાં પૂર્વ મંજૂરી લેવાની’ જોગવાઈ કરાઈ છે.

હવે આ સૂચનાઓ અંગે કેટલાંક સંગઠનો, વિપક્ષ અને શિક્ષણની બાબતોના નિષ્ણાતો તરફથી અલગ અલગ પ્રતિક્રિયાઓ આવી રહી છે.

બીબીસી ગુજરાતીએ આ પરિપત્રનો અભ્યાસ કરી સમગ્ર મુદ્દો ટીકાકારો અને સરકારી દૃષ્ટિકોણથી સમજવાનો પ્રયાસ કર્યો હતો.

ગુજરાત શિક્ષણ વિભાગના આ પરિપત્રમાં શું છે?

બીબીસી ગુજરાતી ગુજરાત : શિક્ષણ વિભાગે સ્કૂલોમાં મંજૂરી વગર પ્રવેશબંધીનો હુકમ કેમ બહાર પાડ્યો?

પરિપત્રની જોગવાઈઓ કંઈક નીચે પ્રમાણે છે:

કોઈ પણ બાહ્ય વ્યક્તિએ શાળા પરિસરમાં પ્રવેશવા માટે આચાર્ય/સંસ્થાના વડાની લેખતિમાં પૂર્વમંજૂરી લેવાની રહેશે. માત્ર સત્તાવાર ફરજો ભજવવા માટે નિયમસર અધિકૃત કરાયેલા સરકારી અધિકારીઓ આમાં અપવાદરૂપ રહેશે.

દરેક મુલાકાતીએ શાળા પરિસરમાં પ્રવેશતા પહેલાં મુલાકાતી રજિસ્ટરમાં પોતાની વિગતો નોંધાવવાની રહેશે.

કોઈ પણ બાહ્ય વ્યક્તિએ વર્ગખંડ, પ્રયોગશાળા, પુસ્તકાલય, છાત્રાલય, રમતનું મેદાન, શૌચાલય અથવા વિદ્યાર્થીઓની કોઈ પણ પ્રવૃત્તિ ચાલતી હોય તેવા વિસ્તારમાં આચાર્ય, શાળાના શિક્ષક અથવા અધિકૃત શાળા અધિકારીની સાથે આચાર્ય/સંસ્થાના વડાની લેખિતમાં પૂર્વમંજૂરીથી જ પ્રવેશ કરવાનો રહેશે.

આચાર્યની લેખિતમાં પૂર્વમંજૂરી વિના વિદ્યાર્થીઓ, શિક્ષકો અથવા શાળાની પ્રવૃત્તિઓની ફોટોગ્રાફી, વીડિયોગ્રાફી, ઇન્ટરવ્યૂ, ઑડિયો રેકૉર્ડિંગ અથવા લાઇવ સ્ટ્રીમિંગ કરવામાં આવશે નહીં. આવી પ્રવૃત્તિ માત્ર કાયદેસર હેતુસર જ મંજૂર કરી શકાશે.

શાળા સત્તાધિકારીઓએ સુનિશ્ચિત કરવું કે, વિદ્યાર્થીઓના ફોટો, વીડિયો અને અથવા વ્યક્તિગત માહિતીનો એવો સંગ્રહ, પ્રકાશન અથવા પ્રસાર ન થાય. જેના કારણે તેમની ગોપનીયતા, ગૌરવ અને સુરક્ષાને અસર થાય.

જો કોઈ વ્યક્તિ મંજૂરી વિના શાળામાં પ્રવેશે, શાળા પરિસર છોડવાનો ઇન્કાર કરે, અનઅધિકૃત ફોટોગ્રાફી/વીડિયોગ્રાફી કરવાનો પ્રયાસ કે અથવા શાળાની કામગીરીમાં અવરોધ ઊભો કરે, તો આચાર્યે તાત્કાલિક સ્થાનિક પોલીસ તથા જિલ્લા શિક્ષણાધિકારી/જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી/શાસનાધિકારી/તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારીને જાણ કરવી અને લાગુ પડતા કાયદા હેઠળ જરૂરી કાર્યવાહી કરવી.

આચાર્ય એવા કોઈ પણ મુલાકાતીને શાળા પરિસરમાં પ્રવેશ આપવાનો ઇન્કાર કરી શકે છે, જેના કારણે શાળાની ગોપનીયતા, શિસ્ત અથવા શૈક્ષણિક વાતાવરણ પર અસર થવાની સંભાવના હોય.

જો એ પ્રવૃત્તિ બાળકના શ્રેષ્ઠ હિતમાં ન હોય અને તેનાથી તેની સુરક્ષા, ગોપનીયતા, શિસ્ત અને શૈક્ષણિક વાતાવરણ પર અસર થવાની સંભાવના હોય તો આચાર્યની લેખિતમાં પૂર્વમંજૂરી વિના કોઈ પણ મુલાકાતી વ્યક્તિગત બાળક/બાળકીની માહિતી એકત્રિત કરી શકશે નહીં કે તેની ઓળખ અથવા તસવીરોનું પ્રકાશન કરી શકશે નહીં.

તમામ નિરીક્ષણ અધિકારીઓએ ઉપરોક્ત સૂચનાઓનું કડકાઈથી પાલન થાય એ સુનિશ્ચિત કરવાનું રહેશે. આચાર્ય/સંસ્થાના વડા જરૂરિયાત મુજબ કોઈ પણ બાહ્ય વ્યક્તિને શાળા પરિસર છોડવાનો આદેશ આપી શકે છે. જરૂરી જણાય ત્યારે સ્થાનિક પોલીસની મદદ મેળવી શકે છે તથા કેસનાં તથ્યો અને પરિસ્થિતિ અનુસાર ભારતીય ન્યાય સંહિતા, 2023, બાળકોને જાતીય ગુનાઓથી રક્ષણ અધિનિયમ, 2012 (POCSO), કિશોર ન્યાય (બાળકોની સંભાળ અને સંરક્ષણ) અધિનિયમ, 2015, ઇન્ફર્મેશન ટૅક્નૉલૉજી ઍક્ટ, 2003 તથા અન્ય પ્રવર્તમાન કાયદાઓ હેઠળ કાર્યવાહી શરૂ કરી શકાશે.

રાજ્ય સરકારે પરિપત્રની શરૂઆતમાં જ આ પ્રકારનો પરિપત્ર જાહેર કરવા પાછળનો પોતાનો હેતુ જણાવ્યો હતો.

પરિપત્રમાં લખાયું છે કે, “રાજ્ય સરકાર “In Loco Parentis” (વાલી સમાન જવાબદારી)ના સિદ્ધાંત હેઠળ રાજકીય/સરકારી શાળાઓમાં અભ્યાસ કરતાં તમામ બાળકોની સુરક્ષા, ગરિમા, ગોપનીયતા અને કલ્યાણની વિશેષ જવાબદારી ભજવે છે. ભારતના બંધારણની કલમ 21 બાળકને જીવન, ગરિમા અને ગોપનીયતાઓનો અધિકાર પ્રદાન કરે છે. તેમજ માનનીય સર્વોચ્ચ ન્યાયાલયે કે. એસ. પુટ્ટુસ્વામી (નિવૃત્ત) વિરુદ્ધ ભારત સંઘના ચુકાદામાં ગોપનીયતાના અધિકારને બંધારણની કલમ -21 હેઠળના મૂળભૂત અધિકારી તરીકે માન્યતા આપી છે. તદુપરતાં રાષ્ટ્રીય બાળ અધિકાર સંરક્ષણ આયોગ (એનસીપીસીઆર)ની શાળા સુરક્ષા નીતિ તથા માર્ગદર્શિકાઓમાં ભાર મૂકવામાં આવ્યો છે કે દરેક શાળાએ બાળકો માટે સુરક્ષિત, સંરક્ષિત અને બાળમૈત્રીપૂર્ણ વાતાવરણ પૂરું પાડવું તથા તેમને શોષણ અને ગોપનીયતાના ભંગ સામે રક્ષણ આપવું.”

શું કહે છે નિષ્ણાતો?

બીબીસી ગુજરાતી ગુજરાત : શિક્ષણ વિભાગે સ્કૂલોમાં મંજૂરી વગર પ્રવેશબંધીનો હુકમ કેમ બહાર પાડ્યો?

પાલનપુર વિકાસ સમિતિના સહકન્વીનર અને એક ખાનગી સ્કૂલમાં પ્રિન્સિપાલ તરીકે ફરજ બજાવતા નિખિલ મૅથ્યૂ કહે છે કે, “તાજેતરમાં કૉક્રોચ જનતા પાર્ટી દ્વારા બીજાં રાજ્યોમાં જે રીતે શાળાની સ્થિતિ તરફ ધ્યાન દોરવા માટે સોશિયલ મીડિયા પર મુલાકાત દરમિયાનની સ્થિતિના વીડિયો મૂકવાની કાર્યવાહી કરવામાં આવી છે, તેની પ્રતિક્રિયાના ભાગરૂપે આ પરિપત્ર લાવવામાં આવ્યો છે.”

“જ્યારે શાળામાં અનઅધિકૃત પ્રવેશની વાત કરવામાં આવે છે ત્યારે આવી વ્યક્તિને સ્કૂલના દ્વાર પર જ પરવાનગી લેવા માટેની પ્રક્રિયા જણાવવી જોઈએ.”

“મને લાગે છે કે શાળામાં આવતી વ્યક્તિની ઓળખ અને મુલાકાતનું કારણ નોંધવું જોઈએ. તેમજ જો આવી વ્યક્તિ શાળાને લગતી કોઈ બાબત તરફ ધ્યાન દોરવા માગતી હોય તો પ્રિન્સિપાલને મળીને એ માટે યોગ્ય સમય મેળવી શકે તેવી વ્યવસ્થા હોવી જોઈએ. અહીં જો આવી વ્યક્તિ ક્લાસની મુલાકાત લેવા માગતી હોય તો ક્લાસનો શિષ્ટાચાર જળવાય એ સુનિશ્ચિત કરવામાં સરકાર યોગ્ય છે, પરંતુ જો આવી મુલાકાત શાળાની કોઈ અન્ય સવલત કે મર્યાદા તરફ ધ્યાન દોરવા માટેની હોય, જેમકે, પરિસરમાં સ્વચ્છતા ન જળવાતી હોય કે અન્ય કોઈ મર્યાદા હોય, અને તેમને એવું લાગે કે બાળકની સુરક્ષા માટે અહીં પૂરતાં પગલાં નથી લેવાયાં તો આવા કિસ્સામાં બાળકોને કનડગત કર્યા વિના આવી મર્યાદા તરફ ધ્યાન દોરે તો એ ઠીક છે, તેમાં પણ સ્કૂલ મૅનેજમેન્ટ કમિટીના સભ્યો,ગ્રામજનો કે અન્ય હિતધારકો આવું કરી શકે, પરંતુ અહીં હિતધારકો કોણ છે એ નક્કી કરવું મુશ્કેલ છે.”

તેઓ આગળ કહે છે કે, “જે-તે વ્યક્તિને સ્કૂલની અંદર દાખલ થવા માટે અને અંદર કરવાની પ્રવૃત્તિની પરવાનગી મેળવવા માટેની એક સ્થાપિત પ્રક્રિયા હોવી જોઈએ, જે આ જોગવાઈઓમાં દેખાતી નથી. આ સિવાય શાળાનાં બાળકોના હિત માટે આવી કોઈ વ્યક્તિ દ્વારા કરાયેલી પ્રવૃત્તિ માટે પરવાનગી આપનાર સરકારી શાળાના શિક્ષક પર પણ કાર્યવાહીની બીક છે. જો કોઈ વ્યક્તિ શુભ ઇરાદા સાથે શાળાની મુલાકાત લેવા ઇચ્છે તો તેને પરવાનગી આપવાની સત્તા જિલ્લા શિક્ષણાધિકારી કે પ્રાથમિક શિક્ષણાધિકારી પાસે હોવી જોઈએ, તેના માટે અપીલ સત્તામંડળ પણ હોવું જોઈએ, આ પરિપત્રમાં એવી કોઈ જોગવાઈ દેખાતી નથી, જવાબદારી સ્કૂલના પ્રિન્સિપાલ પર છે.”

તેઓ કહે છે કે, “પરિપત્રમાં કરેલી જોગવાઈઓ અને તેને લાગુ કરવા માટેની પ્રક્રિયાઓ અંગે યોગ્ય સ્પષ્ટતાનો અભાવ જોવા મળે છે. તેમજ પરિપત્રમાં પોલીસની મદદ લેવાની અને જરૂર પડ્યે પોલીસને શાળાના પરિસરમાં બોલાવવાની વાત કરાઈ છે, જો આવું થાય તો આવા દૃશ્યની બાળમાનસ પર કેવી અસર પડશે? આ પણ એક ચિંતાનો વિષય છે.”

પ્રિન્સિપાલ નિખિલ મૅથ્યૂ કહે છે, “આ પરિપત્રનો હેતુ સરકારી શાળાને લગતી કોઈ પણ મર્યાદા કે ચિંતા બહાર જ ન આવી શકે, એવો દેખાય છે. આ સમજવું ખૂબ સરળ છે.”

બાળશિક્ષણના નિષ્ણાત સુખદેવ પટેલ ગુજરાત સરકારના આ પરિપત્ર અંગે વાત કરતાં કહે છે કે, “બાળકોની સલામતી જે કંઈ પણ કરવામાં આવે તેને અમે આવકારીએ છીએ. આવું કરવામાં અનઅધિકૃત લોકોનો પ્રવેશ રોકાય તો મને વાંધો નથી. જોકે, શાળામાં ભણતાં બાળકનાં માતાપિતાને, સ્કૂલ મૅનેજમેન્ટ કમિટી (એસએમસી) ના સભ્યોને અને ગ્રામ પંચાયતના સભ્યોને કાયદામાં અનઅધિકૃત ગણવામાં આવતાં નથી.”

“પરંતુ આવા અધિકૃત વ્યક્તિઓ સિવાયની કોઈ વ્યક્તિ સ્કૂલમાં જાય અને ત્યાં જઈને કનડગત ઊભી કરે તો આવા કિસ્સામાં હું સરકારના આ પગલાને આવકારું છું, કારણકે વિદ્યાર્થીઓને સ્કૂલમાં કોઈપણ પ્રકારની કનડગત થવી જોઈએ નહીં.”

તેઓ પરિપત્ર અંગે વાત કરતાં કહે છે કે, “અત્યાર સુધી આવું કરવાની જરૂર ન દેખાઈ, તો અત્યારે કેમ આ પગલું લેવાયું છે, આ સવાલ મનમાં શંકા જન્માવે એવો છે. શંકા એવી કે સરકારે આ પગલા વડે કોઈ રાજકીય મુદ્દો ઊભો થયો છે તેનો વહીવટી રીતે જવાબ આપવાનો પ્રયાસ કર્યો છે. હું માનું છું કે સરકારે પોતે રાજકીય મુદ્દાનો કાળજીપૂર્વક રાજકીય રીતે જવાબ વાળવો જોઈએ. તેમ છતાં, જો બાળકોની સલામતી માટે આવું કરાયું હોય, તો હું આ પગલાને આવકારું છું.”

આ ઉપરાંત તેઓ વિપક્ષ અને અન્ય લોકો દ્વારા શાળામાં શિક્ષણ અને સવલતો સંબંધિત મર્યાદાઓ તરફ ધ્યાન દોરવા માટે ઉપયોગમાં લેવાતા રસ્તાનો વિકલ્પ સૂચવતા કહે છે કે, “શિક્ષણના અધિકારના કાયદાના આર્ટિકલ 32 અંતર્ગત નિશાળની કોઈ પણ પ્રકારની ફરિયાદ હોય તો જે-તે સ્થાનિક સત્તામંડળમાં રજૂઆત કરવી જોઈએ. જે કોઈ પણ વ્યક્તિ કરી શકે. રજૂઆત બાદ, યોગ્ય સમયમર્યાદામાં જો તેનો નિવેડો ન આવે તો એના માટે નૅશનલ કમિશન ફૉર પ્રોટેક્શન ઑફ ચાઇલ્ડ રાઇટ્સ અને સ્ટેટ કમિશન ફૉર પ્રોટેક્શન ઑફ ચાઇલ્ડ રાઇટ્સને તમે રજૂઆત કરી શકો છે, આ બંને સંસ્થાને શિક્ષણના અધિકારના કાયદામાં ન્યાયિક સત્તા આપવામાં આવી છે. આ બંને પંચો મૂળભૂત અધિકારના ભંગ માટે રાજ્ય પર પગલાં લેશે, કારણકે આ બંને બાળકોના અધિકાર મામલે સ્વાયત્ત સંસ્થા છે, પરંતુ આ મિકૅનિઝમનો કેમ કોઈ ઉપયોગ નથી કરતું?”

શું કહે છે રાજકીય પક્ષો?

બીબીસી ગુજરાતી ગુજરાત : શિક્ષણ વિભાગે સ્કૂલોમાં મંજૂરી વગર પ્રવેશબંધીનો હુકમ કેમ બહાર પાડ્યો?

ગુજરાત ભાજપના મુખ્ય પ્રવક્તા ડૉ. અનિલ પટેલે આ પરિપત્રની ટીકાઓ અંગે જવાબ આપતાં કહ્યું હતું કે, “સરકારની કોઈ પણ સુચારુ કામગીરીમાં અવરોધ ઊભો કરવો, અને વિવોદ ઊભા કરવા એ કૉંગ્રેસની વ્યૂહરચના છે. વાસ્તવમાં કેટલાક લોકો સસ્તા રાજકારણ માટે શાળાઓમાં ઓંચિતા ટોળાં લઈને પ્રવેશ કરીને એક પ્રકારનું ભયનું વાતાવરણ ઊભું કરવાની કોશિશ કરી રહ્યા છે. શાળામાં અભ્યાસ કરતાં બાળકોની ગરિમા, સલામતી, શાંતિ અને તેની ગોપનીયતા એ સત્તામંડળની જવાબદારી છે. સરકાર એ જવાબદારી સમજે છે. બંધારણની કલમ 21 હેઠળ પણ સત્તાની જવાબદારી છે કે બાળકોને એ પ્રકારનું ઉષ્માભર્યું વાતાવરણ પૂરું પાડવામાં આવે. કેટલાક લોકો માટે અસ્થિરતા અને અરાજકતા ઊભી કરવી એ એમની કામગીરીનું મંત્ર છે. કોઈ પણ પ્રકારની સ્કૂલમાં ગેરકાયદેસર રીતે પ્રવેશ કરવો એ ગુનો છે. સ્કૂલમાં પ્રવેશીને બાળકોમાં ભયનું વાતાવરણ ઊભું કરવું, ઇન્ટરવ્યૂ લેવાં, વીડિયોગ્રાફી, ફોટોગ્રાફી કરવી, લાઇવ કરવું મંજૂરી વિના કર્યું હોય તો એ ગેરકાયદેસર છે. વિપક્ષના મિત્રો અને અન્ય લોકો તેમજ અરાજકતા ફેલાવનારા અને રીલ બનાવનારા લોકોએ બનાવેલા કન્ટેન્ટ બાદ આવેલા ફીડબૅક પ્રમાણે બાળકોમાં ડરનો માહોલ ઊભો થયો હોવાની વાત જાણવા મળી છે, એ ન થાય એ માટે આ પરિપત્ર કરાયો છે.”

ગુજરાત પ્રદેશ કૉંગ્રેસ કમિટીના પ્રવક્તા અને મીડિયા કૉર્ડિનેટર હેમાંગ રાવળ કહે છે કે, “હાલમાં દેશમાં અને ગુજરાતમાં અઘોષિત કટોકટી તો ચાલી જ રહી છે, પણ હવે શિક્ષણની અંદર કટોકટીથી ઉપર સરમુખત્યારશાહી તરફ આગળ વધી રહ્યા હોય એવો આ ફતવો જાહેર કરવામાં આવ્યો છે. શિક્ષણમાં પારદર્શિતા હોવી જોઈએ, શિક્ષણ સંસ્થાઓએ લોકો માટે સામેથી પોતાના દરવાજા ખોલી દેવા જોઈએ. આ પરિપત્ર વાલીઓ, સાચી માહિતી મેળવવા માગતા પત્રકારો અને સામાન્ય જનતા માટે આ એક પ્રકારનું માનવાધિકારોનું ઉલ્લંઘન પણ ખરું. ભૂતકાળમાં પણ ગુજરાત સરકાર દ્વારા આવા તઘલકી પરિપત્રો થયેલા છે. આ પરિપત્ર સ્કૂલોમાં ખોટું કરનારા માટે પોતાના કરેલાં શિક્ષણવિરોધી કૃત્યો અથવા ભ્રષ્ટાચારને છાવરવા માટે એક શસ્ત્ર બની જવાનું છે.”

હેમાંગ રાવળે ચીમકી ઉચ્ચારી છે કે “ભારતના નાગરિક તરીકે કોઈ પણ શાળાની મુલાકાત લેવાનો મને અધિકાર છે, જો આ પરિપત્ર બરકરાર રાખવામાં આવશે તો હું વ્યક્તિગતપણે શાળાની મુલાકાત લઈને ‘સવિનય કાનૂનભંગ’ કરીશ.”

ગુજરાતમાં આમ આદમી પાર્ટી (આપ)ના જનરલ સેક્રેટરી મનોજ સોરઠિયાએ બીબીસી ગુજરાતી સાથેની વાતચીતમાં આ પરિપત્ર અંગે વાત કરતાં કહ્યું હતું કે, “જો આપણે સારું ઘર કે ઑફિસ બનાવીએ ત્યારે સામાન્ય રીતે લોકોને એ બતાવવા બોલાવતા હોઈએ છીએ, પણ અહીં સ્કૂલે જતા રોકવામાં આવી રહ્યા છે. સ્કૂલમાંની અસુવિધાઓને છતી થતી રોકવાનું કારણ એ છે કે દાળમાં કંઈક કાળું છે. ગુજરાતમાં સ્કૂલની અંદર સુવિધાઓ નથી. વારવાર આમ આદમી પાર્ટી અને જાગૃત નાગરિકોએ સરકારી સ્કૂલમાંની ગેરરીતિઓને સામે લાવવાનું કામ કર્યું છે, તેને લઈને ભારતીય જનતા પાર્ટીની નિયત ખરાબ છે, તે સ્થિતિ બદલવા નથી માગતો, સ્થિતિ સુધરે એવી મંશા એમની નથી. તેથી લોકોને અંદર જતા અટકાવવાની કોશિશ કરાઈ રહી છે. આવી ગંભીર બાબતે લોકો સામે એફઆઇઆર કરવાની ધમકી આપવી એ આ અંગ્રેજો કરતાં પણ ખતરનાક માણસો હોવાનું જણાવે છે.”

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

SOURCE : BBC NEWS