Source : BBC NEWS
ઇમેજ સ્રોત, Getty Images
ગુજરાતમાં વરસાદના લાંબા વિરામ બાદ હવે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર-કચ્છમાં છૂટાંછવાયાં સ્થળોએ વરસાદ નોંધાયો છે.
છેલ્લા 24 કલાકમાં રાજ્યના કેટલાક વિસ્તારોમાં ખાસ કરીને સૌરાષ્ટ્રમાં સારો વરસાદ નોંધાયો છે.
જેમાં જામનગરના ધ્રોલ તાલુકામાં સૌથી વધુ 2.13 ઇંચ વરસાદ નોંધાયો છે.
જો કે ઉત્તર ગુજરાતમાં હવામાન સૂકું રહ્યું હતું. જો કે આ સ્થિતિમાં આવનારા દિવસોમાં બદલાવ આવશે અને હળવાથી મધ્યમ વરસાદ પડી શકે છે તેવી હવામાન વિભાગે આગાહી કરી છે.
તેમજ આગામી દિવસોની સ્થિતિને ધ્યાને રાખીને કેટલાક જિલ્લાઓમાં હવામાન વિભાગે ઑરેન્જ ઍલર્ટની પણ જાહેરાત કરી છે.
દક્ષિણ ગુજરાતમાં રચાઇ સિસ્ટમ?
ઇમેજ સ્રોત, Getty Images
હવામાન વિભાગ અનુસાર, ભારતમાં બંગાળની ખાડી અને તેની આસપાસના વિસ્તારમાં લો-પ્રેશર એરિયા યથાવત્ છે સાથે તેની સાથે જોડાયેલ સાયક્લોનિક સર્ક્યુલેશન પણ યથાવત્ છે.
બીજી તરફ, મોનસૂન ટ્રફ હવે જમ્મુ, દેહરાદૂન, બરેલી, લખનૌ, અંબિકાપુર, ઝારસુગુડાથી થઈને બંગાળની ખાડી સુધી પસાર થાય છે.
હવામાન વિભાગ અનુસાર, દક્ષિણ ગુજરાત અને તેની આસપાસના વિસ્તારમાં એક અપર ઍર સાયક્લોનિક સર્ક્યુલેશન યથાવત્ છે.
ગુજરાતમાં હવામાન વિભાગે શું કરી છે આગાહી?
ઇમેજ સ્રોત, imd
આજે 11 સપ્ટેમ્બરની સ્થિતિને લઈને હવામાન વિભાગે આગાહી કરી છે કે દાહોદ, મહીસાગર, છોટા ઉદેપુર, નર્મદા, ડાંગ, તાપી, નવસારી, વલસાડ તેમજ દમણ, દાદરા અને નગર હવેલીનાં કેટલાંક સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદ પડવાની સંભાવના છે.
તેમજ આજે વડોદરા, ભરૂચ અને સુરતમાં છૂટાંછવાયાં સ્થળોએ વરસાદ પડી શકે છે. ઉત્તર ગુજરાતમાં બનાસકાંઠા, વાવ-થરાદ, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, અમદાવાદ, આણંદ અને પંચમહાલમાં છૂટાંછવાયાં સ્થળોએ વરસાદની શક્યતા છે.
અને સૌરાષ્ટ્ર-કચ્છમાં રાજકોટ, જામનગર, પોરબંદર, જૂનાગઢ, દ્વારકા અને કચ્છમાં થોડી જગ્યાએ હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે.
12 સપ્ટેમ્બરની સ્થિતિને લઈને હવામાન વિભાગે આગાહી કરી છે કે દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લાઓમાં વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ તેમજ દમણ, દાદરા અને નગર હવેલીમાં છૂટાંછવાયાં સ્થળોએ ભારે વરસાદ શક્યતા વધારે છે.
આવતીકાલે ઉત્તર ગુજરાતના મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ અને મહીસાગરનાં છૂટાંછવાયાં સ્થળોએ વાવાઝોડા સાથે હળવાથી મધ્યમ વરસાદની સંભાવના છે અને દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લાઓમાં તેમજ સૌરાષ્ટ્રમાં સુરેન્દ્રનગર, અમરેલી, ભાવનગર અને બોટાદમાં પણ આ સ્થિતિ જ રહી શકે છે.
આ દિવસોમાં આ જિલ્લાઓમાં ઑરેન્જ ઍલર્ટ
ઇમેજ સ્રોત, Getty Images
13 સપ્ટેમ્બરને લઈને હવામાન વિભાગે કેટલાક જિલ્લોમાં અતિભારે વરસાદની આગાહી સાથે ઑરેન્જ ઍલર્ટ જાહેર કર્યું છે.
આ દિવસે હવામાન વિભાગ અનુસાર, દક્ષિણ ગુજરાતના ડાંગ, નવસારી, વલસાડ અને દમણ, દાદરા અને નગર હવેલીમાં છૂટાંછવાયાં સ્થળોએ અતિ ભારે વરસાદ પડવાની પૂરી શક્યતા છે.
આ દિવસે આ ઉપરાંત અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ, વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, તાપી અને સૌરાષ્ટ્રના રાજકોટ, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, બોટાદ અને દીવમાં છૂટાંછવાયાં સ્થળોએ ભારે વરસાદ પડવાની શક્યતા છે.
ઉપરાંત ઉત્તર ગુજરાતના તમામ જિલ્લાઓમાં દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લાઓમાં; અને સૌરાષ્ટ્ર-કચ્છના તમામ જિલ્લાઓમાં છૂટાંછવાયાં સ્થળોએ વીજળી સાથે હળવું વાવાઝોડું, 30-40 કિમી પ્રતિ કલાકના પવનો અને હળવાથી મધ્યમ વરસાદની સંભાવના છે.
14 સપ્ટેમ્બરની સ્થિતિને લઈને હવામાન વિભાગે આગાહી કરી છે કે ડાંગ, નવસારી, વલસાડ અને દમણ, દાદરા અને નગર હવેલી તેમજ અમરેલી અને ભાવનગરમાં છૂટાંછવાયાં સ્થળોએ અતિ ભારે વરસાદ પડવાની પૂરી સંભાવના છે.
તે ઉપરાંત આ દિવસે અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ, વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, તાપી અને રાજકોટ, જામનગર, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, મોરબી, દ્વારકા, ગીર સોમનાથ, બોટાદ અને દીવમાં છૂટાંછવાયાં સ્થળોએ ભારે વરસાદ પડી શકે છે.
આ સિવાય ઉત્તર ગુજરાત, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર-કચ્છના તમામ જિલ્લાઓમાં છૂટાંછવાયાં સ્થળોએ વીજળીના ચમકારા હળવું વાવાઝોડું અને હળવાથી મધ્યમ વરસાદની સંભાવના યથાવત્ છે.
સૌરાષ્ટ્રમાં નોંધાયો વરસાદ
ઇમેજ સ્રોત, Rupesh Sonawane
ગાંધીનગર સ્થિત રાજ્ય ઇમર્જન્સી ઑપરેશન સેન્ટરના આંકડા મુજબ, છેલ્લા 24 કલાકમાં રાજ્યના કેટલાક વિસ્તારોમાં ખાસ કરીને સૌરાષ્ટ્રમાં સારો વરસાદ નોંધાયો છે.
જેમાં જામનગરના ધ્રોલ તાલુકામાં સૌથી વધુ 2.13 ઇંચ વરસાદ પડ્યો છે.
આ ઉપરાંત, ભાવનગરના મહુવામાં 0.94 ઇંચ, કચ્છના અબડાસામાં 0.63 ઇંચ, ભાવનગરના જેસરમાં 0.43 ઇંચ અને અમરેલીના જાફરાબાદમાં 0.24 ઇંચ વરસાદ નોંધાયો છે.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન
SOURCE : BBC NEWS




