Source : BBC NEWS
Getty Images
અમેરિકાના સંશોધકોનો દાવો છે કે, એક આર્ટિફિશયલ ઇન્ટેલિજન્સ (એઆઇ) ટૂલ દર્દીના ચહેરાની માત્ર એક તસવીર જોઈને ડૉક્ટરોને એ સમજવામાં મદદ કરી શકે છે કે જે-તે દર્દી કેટલો બીમાર છે.
વૈજ્ઞાનિકો પ્રમાણે, આ ટૂલને લાખો સ્વસ્થ ચહેરા અને કૅન્સરના દર્દીઓની 35 હજાર તસવીરો પર તાલીમ અપાઈ છે. એ આંખની આસપાસના ભાગોને બારીકાઈથી જોઈને અંદાજ લગાવી શકે છે કે દર્દી કેટલા સમય સુધી જીવિત રહી શકે છે.
સંશોધકોનું કહેવું છે કે હૉસ્પિટલોમાં ઉપયોગમાં લઈ શકાય એ લાયક બનવામાં આને હજુ લાંબો સમય લાગશે, પરંતુ તેનો હેતુ ડૉક્ટરો પોતાના દર્દી માટે યોગ્ય ઇલાજ પસંદ કરી શકે એ છે.
આ ટૂલ ચહેરાના કયા ભાગોને સૌથી વધુ મહત્ત્વ આપે છે?
Getty Images
આ એઆઇ ટૂલનું નામ ‘ફેસસર્વાઇવલ’ છે. આ ટૂલ કહે છે કે કોઈનું જીવન કેટલું બાકી છે, તેનો અંદાજ લગાવવા માટે ચહેરા પર સૌથી જરૂરી ભાગ આંખની નીચેની જગ્યા અને બંને આંખ વચ્ચે નાકનો ઉપરનો ભાગ છે.
અમુક દર્દીના કેટલા સમય સુધી જીવિત રહેવાની સંભાવના છે, તેનું અનુમાન લગાવતી વખતે આ ટૂલ ચહેરાના આ જ ભાગોને સૌથી વધુ મહત્ત્વ આપે છે.
સંશોધકોનું કહેવું છે કે આ માપદંડ ઘણાં પ્રકારનાં કૅન્સર પર યોગ્ય બેસે છે, ભલે એ હળવાં હોય કે ગંભીર. તેમાં એ મામલા પણ સામેલ હતા, જેમાં કૅન્સર દર્દીઓનાં હાડકાં કે મગજ સુધી ફેલાઈ ચૂક્યું હતું.
આ ટૂલને તૈયાર કરવા માટે કૅન્સરના જે દર્દીઓની તસવીરોનો ઉપયોગ કરાયો, તેમાં મોટા ભાગે કૅન્સરના દર્દી અમેરિકા અને નેધરલૅન્ડ્સના હતા અને તેમની ઉંમર 50થી 70 વર્ષ વચ્ચે હતી. પરંતુ કેટલાક દર્દી બાળક હતાં, તો કેટલાકની ઉંમર 90 વર્ષ કરતાં વધુ હતી.
જોકે, ડૉક્ટર પહેલાંથી જ દર્દીની તપાસ કરે છે અને ઘણા પ્રકારના ટેસ્ટ કરાવે છે, જેથી દર્દી કેટલા બીમાર છે અને આગળ તેની સ્થિતિ કેવી રહી શકે છે, એ અંગે ખબર પડી શકે.
આ એઆઇ ટૂલના પેટન્ટ માટે અરજી કરાઈ છે, જેને હજુ સુધી મંજૂરી મળવાનો ઇંતેજાર છે. તેને ડૉક્ટરોની મદદ માટે બનાવવામાં આવ્યું છે, તેમનું સ્થાન લેવા માટે નહીં.
બૉસ્ટનની માસ જનરલ બ્રિઘમ હૉસ્પિટલના મુખ્ય સંશોધક ડૉ. રેમંડ મેકે કહ્યું, “જેમ-જેમ લોકોની ઉંમર વધી રહી છે, ડૉક્ટરોને રેડિએશન, સર્જરી કે સિસ્ટેમિક થૅરપી જેવા ઇલાજમાં યોગ્ય સલાહની જરૂર હોય છે. આ તેમને એ વાતનું આંકલન કરવામાં મદદ કરે છે કે દર્દીના શરીરમાં કેટલી તાકત બચી છે અને એ કેટલો નબળો છે.”
“અમારો હેતુ એ છે કે ચહેરાની તસવીર વડે સ્વાસ્થ્યનું આંકલન વધુ નિશ્ચિત, એક સમાન અને મોટા પાયે થઈ શકે, જેથી એ દરેક દર્દી પ્રમાણે ઇલાજ નક્કી કરવામાં મદદ કરે, ના કે ડૉક્ટરના નિર્ણયનું સ્થાન લે.”
એઆઇ વડે પારખવામાં આવ્યું કે ચહેરો કેટલો યુવાન છે?
Getty Images
મૅક અને તેમના સાથી અને એઆઇ ટૂલને પારખી રહ્યા છે, જે વ્યક્તિની બાયૉલૉજિકલ ઉંમરનો અંદાજ લગાવે છે. એટલે કે કોઈ વ્યક્તિ કેટલી વૃદ્ધ દેખાય છે, ના કે જન્મતારીખના હિસાબે તેની ઉંમર કેટલી છે.
આ ટૂલનું નામ છે ‘ફેસએજ.’
તેના પ્રમાણે, નાકની નીચે અને મોંની આસપાસની ત્વચા એ વાતનો સારો સંકેત આપી શકે છે કે અમુક વ્યક્તિની ઉંમર કેટલી ઝડપથી વધી રહી છે.
તેમાં નાકથી હોઠના છેડા સુધી દેખાતી રેખાઓ અને મોંના છેડાથી ઠોડી તરફ જતી રેખાઓ સામેલ છે.
આ સિવાય માથા પરની કરચલીઓ, આંખના છેડે દેખાતી કરચલીઓ, કાનપટી અને ગાલની ઉંમર વધવાની ઝડપ અંગે પણ બતાવી શકે છે.
કેટલીક ટેવો ઉંમર વધવાની આ પ્રક્રિયાને ઝડપી બનાવી શકે છે. તેમાં ખૂબ વધારે દારુ પીવો, નશાકારક દવાઓનો ઉપયોગ અને ધૂમ્રપાન સામેલ છે.
ડૉક્ટર મૅકનું કહેવું છે કે, સામાન્ય જીવનમાં લેવાયેલી જુદા જુદા પ્રકારની તસવીરો પર પણ આ ટૂલનાં પરિણામ “આશ્ચર્યચકિત કરી મૂકે એ હદે એક જેવાં” રહ્યાં છે.
તસવીર લેવાની રીત, રોશની, ચહેરાના ભાવ અને મૅકઅપ અલગ હોવા છતાં તેનાં પરિણામોમાં ઝાઝો બદલાવ નથી આવ્યો.
જે પ્લાસ્ટિક સર્જરી પ્રક્રિયા પર તેની તપાસ કરાઈ, તેમાંથી મોટા ભાગના બાદ પણ પરિણામ લગભગ સ્થિર રહ્યાં. માત્ર નાકની સર્જરી એટલે કે રાઇનોપ્લાસ્ટી બાદ પરિણામોમાં થોડો બદલાવ જોવા મળ્યો.
‘હજુ માત્ર શરૂઆત, વધુ ડેટાની જરૂર પડશે’
આ બધું હોવા છતાં સંશોધકોએ ભારપૂર્વક કહ્યું છે કે, આ ટૂલના કારગત હોવાના યોગ્ય આંકલન માટે હજુ ખૂબ વધુ ડેટા અને ચહેરાની તસવીરોની જરૂર છે.
ખાસ કરીને અલગ અલગ વંશીય સમૂહોના લોકોની અને વધુ તસવીરોની જરૂર છે.
બંને ટૂલ હજુ સુધી સંપૂર્ણપણે તૈયાર નથી અને તેને વિકસિત કરવાનું કામ ચાલુ છે.
સંશોધન કરનારી ટીમ સામાન્ય લોકોને પણ આ અભ્યાસમાં ભાગ લેવા માટે આમંત્રિત કરી રહી છે.
લોકો સંશોધકોને પોતાના ચહેરાની તસવીરો મોકલીને પોતાની જૈવિક ઉંમરનો વ્યક્તિગત અનુમાન પ્રાપ્ત કરી શકે છે.
બ્રિટનની યુનિવર્સિટી ઑફ સરેમાં વીડિયો પ્રોસેસિંગ અને મશીન લર્નિંગના નિષ્ણાત પ્રોફેસર મિરોસ્લાવ બૉબર કહે છે કે, હાલ એવો દાવો કરવો ઉતાવળ કહેવાશે કે, આ ટૂલ સમય સાથે વધતી ઉંમર કે જીવનશૈલીમાં થનારા ફેરફારો પર નજર રાખી શકે છે.
તેઓ કહે છે, “પ્રારંભિક તબક્કે આ આશા પેદા કરનારો પ્રયોગ છે, પરંતુ હૉસ્પિટલોમાં ઉપયોગ માટે હાલ એ તૈયાર નથી.”
“હાલ આ ટૂલનાં પરિણામોની તુલના ડૉક્ટરોએ પોતાના આંકલન વડે કરવાની રહેશે. તેને અલગ-અલગ હૉસ્પિટલો અને દર્દીઓના અલગ અલગ સમૂહો પર પણ તપાસવું પડશે.”
તેમણે ચેતવતાં કહ્યું, “કોઈ પરિણામનું અનુમાન લગાડવું અને તેનું કારણ સમજવું, બંને એક વાત નથી.”
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન
SOURCE : BBC NEWS




