Source : BBC NEWS
ઇમેજ સ્રોત, Getty Images
આપણે માનવ શરીરના મહત્ત્વના અવયવો વિશે વાત કરીએ છીએ ત્યારે સામાન્ય રીતે હૃદય, મગજ, ફેફસાં અને લીવર જેવા અવયવો વિશે વાત કરતા હોઈએ છીએ, પરંતુ હવે વિજ્ઞાનીઓ આપણા શરીરના એક એવા ભાગ પર ધ્યાન આપી રહ્યા છે, જેની પહેલાં અવગણના કરવામાં આવતી હતી. તે ભાગ એટલે ગટ હેલ્થ અથવા આંતરડાનું સ્વાસ્થ્ય.
એક સમયે એવું માનવામાં આવતું હતું કે આંતરડાનું એકમાત્ર કાર્ય આપણે જે ખાઈએ છીએ તે ખોરાકને પચાવવાનું છે, પરંતુ આધુનિક સંશોધનોએ સાબિત કર્યું છે કે આપણી રોગપ્રતિકારક શક્તિ, માનસિક સ્વાસ્થ્ય, વજન, ડાયાબિટીસ, હૃદય રોગ અને કૅન્સર જેવી મહત્ત્વપૂર્ણ બાબતોમાં આંતરડાનો બહુ મોટો પ્રભાવ હોય છે.

આપણા પાચનતંત્રમાં અબજો સૂક્ષ્મજીવો રહે છે. તેમાં મુખ્યત્વે બેક્ટેરિયા, વાયરસ, ફૂગ અને અન્ય સુક્ષ્મજીવોનો સમાવેશ થાય છે. આ બધાના સમૂહને ‘ગટ માઇક્રોબાયોમ’ કહેવામાં આવે છે.
આ સૂક્ષ્મજીવો ખોરાકને પચાવવામાં, વિટામિન ઉત્પન્ન કરવામાં, રોગપ્રતિકારક શક્તિ વધારવામાં અને હાનિકારક સુક્ષ્મજીવોને નિયંત્રિત કરવામાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે.
આપણા આંતરડામાં સારા બૅક્ટેરિયાની સંખ્યા વધારે હોય અને હાનિકારક બૅક્ટેરિયા નિયંત્રણમાં હોય ત્યારે આંતરડાનું સ્વાસ્થ્ય ઉત્તમ કહેવાય છે.
ઇમેજ સ્રોત, Getty Images
વિજ્ઞાનીઓ આંતરડાનું વર્ણન ‘બીજા મગજ’ તરીકે કરે છે. તેનું કારણ એ છે કે આંતરડા અને મગજ વચ્ચે માહિતીનું આદાનપ્રદાન સતત થતું રહે છે, જેને ‘બ્રેઇન-ગટ ઍક્સિસ’ કહેવામાં આવે છે.
આપણા શરીરમાં આનંદનું નિર્માણ કરતા સેરોટોનિન હોર્મોન્સનો લગભગ 90 ટકા હિસ્સો આંતરડામાં ઉત્પન્ન થાય છે.
તેથી આંતરડાનું સ્વાસ્થ્ય બગડે તો ચિંતા, હતાશા, તણાવ અને અનિંદ્રા જેવી સમસ્યાઓ સર્જાવાની શક્યતા વધી જાય છે.

રોગપ્રતિકારક શક્તિનો મજબૂત આધાર – શરીરની રોગપ્રતિકારક શક્તિના લગભગ 70 ટકા હિસ્સાનો આધાર આપણા પેટ અથવા આંતરડા પર હોય છે. સ્વસ્થ આંતરડા શરીરને હાનિકારક સૂક્ષ્મજીવોથી બચાવવામાં મદદ કરે છે.
શરીરમાં પોષક તત્ત્વોનો પુરવઠો – આપણે જે ખોરાક ખાઈએ છીએ તેમાં રહેલા વિટામિન, પ્રોટીન, ચરબી અને ખનિજો શરીરમાં યોગ્ય રીતે શોષાય એ માટે આંતરડા સ્વસ્થ હોવા બહુ જરૂરી છે.
વજન નિયંત્રિત કરવા માટે – આંતરડામાંના સારા તથા ખરાબ બૅક્ટેરિયાના ગુણોત્તરની આપણા વજન પર સીધી અસર થાય છે. કેટલાંક સંશોધનો અનુસાર, આંતરડામાં ખરાબ બૅક્ટેરિયામાં વધારો થાય તો સ્થૂળતાનું જોખમ વધી શકે છે.
ડાયાબિટીસનું જોખમ – ઘણા અભ્યાસો દર્શાવે છે કે ટાઇપ-2 ડાયાબિટીસ અને ઇન્સ્યુલિન રેઝિસ્ટન્સ જેવી સમસ્યાઓને આંતરડાના સ્વાસ્થ્ય સાથે સીધો સંબંધ છે.
હૃદયનું સ્વાસ્થ્ય – આંતરડામાં રહેલા બૅક્ટેરિયા કોલેસ્ટ્રોલ ચયાપચયને અસર કરે છે. આ પ્રક્રિયામાં ઉત્પન્ન થતા કેટલાક હાનિકારક પદાર્થો હૃદય રોગનું જોખમ વધારી શકે છે.

આંતરડાનું આરોગ્ય બગડવાથી વારંવાર પેટ ફૂલવું, કબજિયાત અથવા અતિસાર, ગેસની સમસ્યાઓ, અપચો, સતત થાક, ઊંઘની સમસ્યા, ત્વચાની વિકૃતિઓ અને વારંવાર ઇન્ફેક્શન થવા જેવાં લક્ષણો જોવા મળે છે.
આ લક્ષણો અન્ય રોગોને કારણે પણ જોવા મળી શકે છે. તેથી આવી કોઈ સમસ્યા લાંબા સમય સુધી યથાવત રહે તો ડૉક્ટરનો સંપર્ક કરવો સલાહભર્યું છે.
ઇમેજ સ્રોત, Getty Images

વધુ પડતો પ્રોસેસ્ડ ખોરાક – પૅકેજ્ડ ફૂડ, જંક ફૂડ અને વધુ ખાંડવાળા ખોરાકથી આંતરડામાં સારા બૅક્ટેરિયાનું પ્રમાણ ઘટે છે.
ઍન્ટિબાયોટિક્સનો વધુ પડતો ઉપયોગ – ઍન્ટિબાયોટિક્સ ખરાબ જંતુનો નાશ કરવાની સાથે પેટમાંના સારા તથા જરૂરી બૅક્ટેરિયાનો પણ નાશ કરે છે.
ઇમેજ સ્રોત, Getty Images
તણાવ – લાંબા ગાળાના માનસિક તણાવની આંતરડાના કાર્ય પર પ્રતિકૂળ અસર થતી હોય છે.
અપૂરતી ઊંઘ – યોગ્ય અને પૂરતી ઊંઘ ન મળવાથી પેટમાં બૅક્ટેરિયાનું સંતુલન ખોરવાય છે.
વ્યાયામનો અભાવ – શરીરની પૂરતી હિલચાલ કે વ્યાયામ ન કરવાથી પેટના સ્વાસ્થ્યને ખલેલ પહોંચે છે.

ફાઇબરયુક્ત ખોરાક – ફળો, શાકભાજી, અનાજ, ઓટ્સ, આખું અનાજ અને કઠોળ જેવા રેસાવાળા આહારથી પેટમાંના સારા બૅક્ટેરિયાને પોષણ મળે છે.
દહીં – દહીંના પ્રોબાયોટિક બૅક્ટેરિયા આંતરડાના સ્વાસ્થ્ય માટે ખૂબ ફાયદાકારક છે.
આથાવાળો ખોરાક – દહીં, છાશ અને ઘરે બનાવેલો આથાવાળો અન્ય ખોરાક આંતરડામાંના સારા બૅક્ટેરિયાની સંખ્યા વધારવામાં મદદ કરે છે.
પાણી – પૂરતા પ્રમાણમાં પાણી પીવાથી પાચન સુધરે છે, પેટ સાફ થાય છે અને આંતરડા સ્વસ્થ રહે છે.
પ્રીબાયોટિક્સ – ડુંગળી, લસણ, કેળાં અને અનાજમાં આ પ્રકારના ફાઇબર હોય છે. તે પેટમાં સારા બૅક્ટેરિયાના વિકાસ માટે જરૂરી છે.
ઇમેજ સ્રોત, Getty Images
નવા સંશોધનના તારણ મુજબ, આંતરડામાં રહેલા સૂક્ષ્મજીવાણુઓ મગજના કાર્યને સીધી અસર કરી શકે છે. ચિંતા, ડિપ્રેશન, ઑટિઝમ અને અલ્ઝાઇમર જેવા રોગો પર પર આ માઇક્રોબાયોમનો પ્રભાવ હોઈ શકે છે, એવું પણ અભ્યાસોમાં જાણવા મળ્યું છે.
બાળકોના આંતરડાનું સ્વાસ્થ્ય તેમના આજીવન આરોગ્ય પર અસર કરે છે. તેથી તેમને માતાનું દૂધ આપવું અત્યંત આવશ્યક છે.
એ દૂધ પેટમાંના સારા સૂક્ષ્મજીવાણુઓના વિકાસમાં મદદ કરે છે. આપણે બાળકને જે ખોરાક આપીએ છીએ તે મુજબ તેમના પેટમાંના બૅક્ટેરિયામાં ફેરફાર થાય છે. તેથી બાળકોના આહારમાં પુષ્કળ પ્રમાણમાં ફાઇબરયુક્ત ખોરાક, ફળો અને લીલાં શાકભાજી હોવાં જરૂરી છે.
તેની સાથે સાથે બાળકોને વધુ પડતું જંક ફૂડ ન આપવું જોઈએ અને કારણ વિના ઍન્ટીબાયોટિક્સ આપવાનું સંપૂર્ણપણે ટાળવું જોઈએ.
ઇમેજ સ્રોત, Getty Images
આપણી વય વધવાની સાથે આપણા આંતરડામાંના વિવિધ પ્રકારના બૅક્ટેરિયાની સંખ્યામાં ઘટાડો થઈ શકે છે અને પરિણામે રોગપ્રતિકારક શક્તિ નબળી પડી શકે છે. તેથી જ વૃદ્ધ લોકોએ ફાઇબરથી ભરપૂર ખોરાક લેવો જોઈએ, કસરત કરવી જોઈએ અને પૂરતી ઊંઘ લેવી જોઈએ.
મોટા આંતરડામાં રહેલા બૅક્ટેરિયા અને કોલોન કૅન્સર વચ્ચેના સંબંધ વિશે હાલ સંશોધન ચાલી રહ્યું છે.
તમે તમારા આહારમાં ફાઇબરનું પ્રમાણ વધારો, લાલ માંસનું સેવન ઘટાડો અને ધૂમ્રપાનની આદત છોડી દો તો કોલોન કૅન્સરનું જોખમ મોટાભાગે ટાળી શકાય છે.

- દરરોજ પુષ્કળ શાકભાજી અને ફળો ખાઓ.
- પુષ્કળ ફાઇબરયુક્ત ખોરાક ખાઓ.
- શરીરની જરૂરિયાત અનુસાર પુષ્કળ પાણી પીઓ.
- રોજેરોજ વ્યાયામ કરો.
- માનસિક તણાવ ઘટાડો.
- દરરોજ રાતે સમયસર પૂરતી ઊંઘ લો.
- ધૂમ્રપાન બંધ કરો.
- દારૂ પીવાનું સંપૂર્ણપણે બંધ કરો.
- ઍન્ટીબાયોટિક્સનો ઉપયોગ ડૉક્ટરની સલાહ અનુસાર જ કરો.
- પ્રોસેસ્ડ ફૂડ અને જંક ફૂડ ઓછું ખાઓ.
ઇમેજ સ્રોત, Getty Images
આંતરડાનું સ્વાસ્થ્ય ફક્ત ખોરાક પચાવવા માટે જ નહીં, પરંતુ આપણા આખા શરીરને સ્વસ્થ રાખવા માટે મહત્ત્વપૂર્ણ છે. આપણી રોગપ્રતિકારક શક્તિ, માનસિક સ્વાસ્થ્ય, વજન અને હૃદયનું આરોગ્ય આ બધા સાથે આપણા આંતરડા સીધાં જોડાયેલાં છે.
આપણે સારો આહાર લઈ, દરરોજ કસરત કરી, પૂરતી ઊંઘ લઈ અને તણાવમુક્ત રહીને આંતરડાનું સ્વાસ્થ્ય સારું રાખી શકીએ છીએ.
પેટ સ્વચ્છ અને નિરોગી હશે તો જીવન પણ નિરોગી રહેશે.
(ખાસ નોંધઃ આ લેખ એક ડૉક્ટરે લખ્યો છે અને તેનો મુખ્ય હેતુ તબીબી બાબતો વિશે માહિતી પ્રદાન કરવાનો છે. સ્વાસ્થ્ય સંબંધી કોઈ પણ નિર્ણય લેતા પહેલાં કૃપા કરીને તમારા ડૉક્ટરની સલાહ લો.)
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન
SOURCE : BBC NEWS




