Home તાજા સમાચાર gujrati જંતર-મંતર 2.0 : આંદોલનનો એજન્ડા કોણ નક્કી કરી રહ્યું છે અને સીજેપી...

જંતર-મંતર 2.0 : આંદોલનનો એજન્ડા કોણ નક્કી કરી રહ્યું છે અને સીજેપી શું ચૂક કરી રહી છે?

2
0

Source : BBC NEWS

બીબીસી ગુજરાતી

પ્રકાશિત

વાંચવાનો સમય: 8 મિનિટ

ગત એક અઠવાડિયું દિલ્હી માટે ખૂબ જ ઊથલપાથલભર્યું રહ્યું અને દિલ્હીની આ સ્થિતિની અસર દેશના અન્ય ભાગોમાં પણ અનુભવાઈ. વિરોધપ્રદર્શનો વચ્ચે દેશના પાટનગરમાં એવી સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી જેને અભૂતપૂર્વ ગણાવવામાં આવી.

સુરક્ષાનાં અનેક સ્તરો વચ્ચે અંદાજે 30 હજાર પોલીસ અને અર્ધસૈનિક દળના જવાનો તહેનાત કરવામાં આવ્યા.

તસવીરો અને વીડિયોમાં પોલીસકર્મી પ્રદર્શનકારીઓને બળજબરીપૂર્વક ખેંચતા અને બસોમાં ધકેલતા જોવા મળ્યા.

આ પ્રદર્શનોનાં કેન્દ્રમાં હતી કૉકરોચ જનતા પાર્ટી (સીજેપી). તેની સાથે વિરોધ પક્ષનાં દળો પણ મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશકુમારના રાજીનામાની માંગ કરી રહ્યાં હતાં. આ પક્ષોનો આરોપ છે કે એસઆઇઆર પ્રક્રિયાનો લાભ ભારતીય જનતા પાર્ટી અને તેના સહયોગી પક્ષોને મળી રહ્યો છે.

આ આંદોલનને આકાર આપતી ત્રણ મુખ્ય શક્તિઓ દેખાય છે – કૉકરોચ જનતા પાર્ટી, કૉગ્રેસના નેતૃત્વવાળું ઇન્ડિયા ગઠબંધન અને ડાબેરી સંગઠનો. આ પ્રદર્શનોએ સરકાર માટે પડકાર ઊભો કર્યો છે અને સમગ્ર ઘટનાક્રમે અનેક પ્રશ્નો ઊભા કર્યા છે.

બીબીસી ગુજરાતી

સીજેપીનું આ આંદોલન અગાઉ થયેલાં પ્રદર્શનોથી કેવી રીતે અલગ છે? આ વખતે મુદ્દો માત્ર કોઈ એક નિર્ણય અથવા વ્યક્તિના વિરોધનો નથી, પરંતુ ચૂંટણીવ્યવસ્થા સાથે જોડાયેલો છે.

પરંતુ શું એ મુદ્દો સામાન્ય લોકોને જોડવામાં સફળ થઈ રહ્યો છે? આ સમગ્ર ઘટનામાં સીજેપી, કૉંગ્રેસના નેતૃત્વવાળા ઇન્ડિયા ગઠબંધન અને ડાબેરી વિદ્યાર્થી સંગઠનોની શું ભૂમિકા છે?

પરંતુ સૌથી મહત્ત્વપૂર્ણ પ્રશ્ન કદાચ એ છે કે આ વિરોધનું આગળ શું થશે? શું તેના કારણે એસઆઇઆર પ્રક્રિયા અંગે કોઈ સંસ્થાગત પુનર્વિચાર થશે? અથવા પ્રદર્શન, અટકાયત અને રાજકીય ટકરાવ છતાં આ માંગણીઓનું કોઈ અસરકારક પરિણામ નહીં આવે?

આ પ્રશ્નોના જવાબો શોધવા માટે કલેક્ટિવ ન્યૂઝરૂમના ડિરેક્ટર ઑફ જર્નલિઝમ મુકેશકુમારે બીબીસી સંવાદદાતા જુગલ પુરોહિત, વરિષ્ઠ પત્રકાર શ્રીનિવાસન જૈન અને ધ હિંદુનાં રાજકીય સંપાદક નિસ્તુલા હેબ્બાર સાથે વાતચીત કરી હતી.

દિલ્હી પોલીસ સામે સવાલ

બીબીસી ગુજરાતી

આ વખતનાં પ્રદર્શનો દરમિયાન પોલીસની તૈયારી અને તેની કાર્યવાહી અગાઉ યોજાયેલા જંતર-મંતરના પ્રદર્શનની સરખામણીએ ઘણી વધુ વ્યાપક અને ઝડપી હતી.

આ પ્રદર્શનોને કવર કરી રહેલા બીબીસીના સંવાદદાતા જુગલ પુરોહિત કહે છે કે તેમનો સૌથી મોટો હેતુ એ હતો કે કંઈ થવા જ ન દો.

તેઓ જણાવે છે, “10 તારીખની બપોરે મંડી હાઉસ ખાતે બધું શાંત હતું. અચાનક ક્યાંકથી બે મહિલાઓ આવી, જેમના હાથમાં નાનું પ્લેકાર્ડ હતું, જેને અમે વાંચી પણ શક્યા નહોતા. તેઓ મુશ્કેલીથી પાંચ કે દસ પગલાં જ ચાલી હશે ત્યાં જ આરએએફના લગભગ ડઝનેક જવાનો ત્યાં આવી પહોંચ્યા. તરત જ બસ પણ આવી ગઈ અને તેમને ત્યાંથી લઈ જવામાં આવ્યાં. આ સમગ્ર ઘટનાક્રમ ત્રણ-ચાર મિનિટમાં, વધુમાં વધુ પાંચ મિનિટમાં પૂરો થઈ ગયો.”

વર્તમાન સરકાર પર નજીકથી નજર રાખનારાં ધ હિંદુનાં રાજકીય સંપાદક નિસ્તુલા હેબ્બારને પણ લાગે છે કે આ વખતે પોલીસની તૈયારી વધુ હતી.

તેઓ કહે છે: “મને લાગે છે કે તેઓ એ વાત માટે સંપૂર્ણપણે તૈયાર હતા કે પ્રદર્શનકારીઓને ક્યાંય બેસીને એકઠા થવા દેવાના નથી. તેઓ અગાઉની જેમ આંદોલનને પ્રસરતું અટકાવવા માગતા હતા. તમે જોયું હશે કે ઇન્ડિયા બ્લોકના પ્રદર્શનમાં કોઈની સાથે ઝાઝી મારઝૂડ થઈ નહોતી. ત્યાં બાબતોને સરળ બનાવવામાં આવી હતી કે તમે અહીં જાઓ અને ત્યાંથી નીકળી જાઓ. રસ્તા પર પોલીસનો ભારે બંદોબસ્ત હતો, પરંતુ તે સિવાય ખાસ કંઈ બન્યું નહોતું.”

બીબીસી ગુજરાતી

વરિષ્ઠ પત્રકાર શ્રીનિવાસન જૈન કહે છે: “સરકાર પર જે આરોપ લાગી રહ્યો છે કે તે એક તાનાશાહની જેમ વર્તી રહી છે, આ વાત પોતે જ એક મુદ્દો બની ગઈ છે. તેની આસપાસ બેરોજગારી, મોંઘવારી અને મહિલાઓની સુરક્ષા જેવા મુદ્દાના અવાજો પણ સાંભળવા મળી રહ્યા છે અને આ અસામાન્ય નથી. અનેક પ્રદર્શનોમાં એવું બને છે કે એક મુખ્ય મુદ્દો હોય છે અને તેની આસપાસ અન્ય લોકો અને અન્ય પ્રશ્નો પણ જોડાતા જાય છે.”

જુગલ પુરોહિત કહે છે કે એક સંસ્થા તરીકે દિલ્હી પોલીસ પર અનેક પ્રશ્નો ઊઠ્યા છે. અગાઉના પ્રદર્શન દરમિયાન ઘણા લોકો સાદાં કપડાંમાં કામ કરતા હતા, પોતાનો ચહેરો ઢાંકીને ફરતા હતા અને તેમના બેજ પણ નહોતા. આ વાત આ વખતના પ્રદર્શનમાં પણ જોવા મળી. પેલેટ ગનના ઉપયોગ અંગેનો પ્રશ્ન હજુ પણ યથાવત્ છે.

તેઓ કહે છે, “10 તારીખ પહેલાં પત્રકારોએ યૌન ઉત્પીડનના આરોપો લગાવ્યા હતા. તેની એફઆઇઆર નોંધાવવા માટે પણ ઘણો પ્રયત્ન કરવો પડ્યો હતો, પરંતુ તે હજુ સુધી નોંધાઈ નથી; હાલમાં માત્ર તેની તપાસ ચાલી રહી છે. બીજી તરફ, જેમણે યૌન ઉત્પીડનની ફરિયાદ કરી હતી, તેમના વિરુદ્ધ હવે એક એફઆઇઆર નોંધાઈ ગઈ છે.”

નેહા બોરાની ભૂમિકા

બીબીસી ગુજરાતી

દિલ્હીમાં વિરોધપ્રદર્શનોનું આહ્વાન ત્રણ મુખ્ય જૂથોએ કર્યું હતું – સીજેપી, આઇસાના નેતૃત્વ હેઠળનાં ડાબેરી સંગઠનો અને કૉંગ્રેસના નેતૃત્વવાળું ઇન્ડિયા ગઠબંધન. તેમાં એજન્ડા નક્કી કરનાર પક્ષ કયો દેખાઈ રહ્યો છે?

નિસ્તુલા હેબ્બાર કહે છે કે વિરોધ પક્ષનો એજન્ડા – ઓછામાં ઓછું મુખ્ય ચૂંટણીકમિશનર જ્ઞાનેશકુમારને જવાબદાર ઠેરવવાનો એજન્ડા તો સેટ થઈ ગયો છે. તેમના જણાવ્યાનુસાર, પ્રદર્શન સાથે એક સમસ્યા એ પણ હોય છે કે તેને ગૌરવપૂર્ણ, યોગ્ય અને સંતોષકારક રીતે કેવી રીતે સમાપ્ત કરવું, ખાસ કરીને ત્યારે જ્યારે તમારી માંગણીઓ તરત સ્વીકારી શકાય એવી ન હોય.

તેઓ કહે છે, “ઇન્ડિયા બ્લોકના પ્રદર્શનની સંરચના મને ગમી. એ સુપ્રીમ કોર્ટ સુધી જઈને પૂર્ણ થયું. તેમણે અદાલતમાં અરજી દાખલ કરી, સંબંધિત કચેરીમાં ગયા અને કોર્ટ કેસ ફાઇલ કર્યા પછી ત્યાંથી નીકળી ગયા. તેથી વીકેન્ડને જોતાં હું કહીશ કે વિરોધ પક્ષને અને નેહા બોરાને સારા ગુણ મળવા જોઈએ, જ્યારે સીજેપીને થોડા ઓછા ગુણ મળવા જોઈએ.”

જુગલ પુરોહિતના મતે, આ વખતના પ્રદર્શનમાં ત્રણેય પક્ષો વચ્ચે મુદ્દા અંગે એકરૂપતા જોવા મળી. મુખ્ય ચૂંટણીકમિશનર જ્ઞાનેશકુમારના રાજીનામા, એસઆઇઆર પ્રક્રિયા અને જેના કારણે ચૂંટણીકમિશનમાં મૂળભૂત ફેરફારો આવ્યા હોવાનું કહેવાય છે તે કાયદા વિશે, ત્રણેય પક્ષો લગભગ એકસરખી વાત કરી રહ્યા છે. પરંતુ કાર્યપદ્ધતિમાં તેમને આવી એકરૂપતા દેખાતી નથી.

શ્રીનિવાસન જૈન કહે છે કે જ્યારે તમે સરકારને પડકાર આપો છો, ત્યારે તમારે તેનું ફૉલો-અપ પણ કરવું જોઈએ. જો તમે પ્રદર્શન અથવા પડકારની જાહેરાત કરો અને પછી મેદાનમાં દેખાતા જ ન હો તો લોકો સ્વાભાવિક રીતે તેના વિશે પ્રશ્નો ઊભા કરશે.

તેઓ કહે છે: “નેહા બોરા પર એટલું ધ્યાન એટલા માટે અપાઈ રહ્યું છે, કારણકે તેઓ સતત સક્રિય છે અને લોકોને દેખાઈ રહ્યાં છે. સીજેપી મેદાનમાં એટલી દેખાતી નહોતી, જ્યારે નેહાએ 10 તારીખે પણ પ્રયાસો ચાલુ રાખ્યા, 11 તારીખે પણ પ્રયાસો ચાલુ રાખ્યા અને સતત સક્રિય રહ્યાં છે. એ જ કારણે કૉંગ્રેસે આને સ્વીકારીને તેમને આ ભૂમિકા સોંપી છે.”

સીજેપી પર સવાલ

બીબીસી ગુજરાતી

સીજેપીની હવે થોડી ટીકા પણ થવા લાગી છે. તેમનાં વલણ, કાર્યશૈલી અને હવે એક રીતે તેમની ગેરહાજરીને લઈને પણ પ્રશ્નો ઊઠી રહ્યા છે. શું આ તબક્કે તેઓ થોડા પાછળ છૂટતા જોવા મળી રહ્યા છે?

આ પ્રશ્નના જવાબમાં શ્રીનિવાસન જૈન કહે છે કે આને એક પ્રકારના વિરોધાભાસ તરીકે જોઈ શકાય. પ્રથમ વખત જ્યારે આ લોકો ભેગા થયા હતા, ત્યારે સરકારને લાગ્યું હતું કે આ માત્ર સોશિયલ મીડિયા પર મર્યાદિત ઘટના છે અને જમીન પર તેનો ખાસ પ્રભાવ નહીં પડે. પરંતુ વાત એટલી આગળ વધી ગઈ કે સરકારે એક મંત્રીનું રાજીનામું લેવું પડ્યું.

તેઓ કહે છે, “સીજેપી પાસે સ્પષ્ટપણે કેટલીક તાકત છે. લોકોને ભેગા કરવાની શક્તિ, પ્રભાવ, પોતાનો સમુદાય અને દર્શકવર્ગ છે, જેનો અંદાજ કદાચ સીજેપીને પોતાને પણ નહોતો. હવે સીજેપીને એટલી ગંભીરતાથી લેવામાં આવી છે કે સમગ્ર પાટનગરને જ લગભગ બંધ કરી દેવામાં આવ્યું, જે અત્યાર સુધી અન્ય કોઈ પ્રદર્શનકારી જૂથ માટે કરવામાં આવ્યું નહોતું.”

“પરંતુ આ દરમિયાન સીજેપીની સંગઠનાત્મક ક્ષમતા દેખાઈ નથી. તમારા ત્રણ મુખ્ય નેતાઓને કસ્ટડીમાં લઈ લેવામાં આવ્યા અને એ બાદ કોઈ બેકઅપ યોજના દેખાઈ નહીં, કોઈ સ્પષ્ટ બ્લૂપ્રિન્ટ નહોતું. અન્ય જૂથો, જેમકે, ડાબેરી સંગઠનો વગેરેની યોજના અને સંગઠન વધુ મજબૂત હતું. સંગઠનાત્મક દૃષ્ટિએ સીજેપીમાં કેટલીક કમજોરીઓ છે અને અનુભવનો પણ અભાવ છે.”

નિસ્તુલા હેબ્બાર કહે છે: “20 જુલાઈએ પણ અભિજિત દીપકેની તબિયત સારી નહોતી અને તેઓ કદાચ કોઈ ટ્રકમાં હતા. તે સમયે સૌરભ દાસ અને રાંકા, જે.પી. નડ્ડાના નિવાસસ્થાને હતા. એ સમયે આ પ્રદર્શન સામેલ મારા ઘણા બિનપત્રકાર મિત્રોએ કહ્યું અને ઘણાએ સોશિયલ મીડિયા પર પણ લખેલું કે આંદોલન અચાનક દિશાહીન બની ગયું છે.”

બીબીસી ગુજરાતી

“બીજી વખત જ્યારે તમે લોકોને બોલાવ્યા એટલા સુધીમાં દિલ્હી એક છાવણીમાં ફેરવાઈ ગઈ હતી. હવે ઘણા લોકો કહી રહ્યા છે કે વીડિયો મૂકી એ કહેવાની શું જરૂર હતી કે અમે આ વિમાનથી, આ રીતે આવી રહ્યા છીએ? શાબ્દિક અર્થમાં તો તે ખુલ્લું આમંત્રણ હતું કે આવો અને અમારી ધરપકડ કરી લો.”

નિસ્તુલા હેબ્બાર આગળ કહે છે, “આ લોકોની ધરપકડ થઈ ગઈ અને જે લોકો તેમના આહ્વાન પર આવ્યા હતા, તેઓ એ શોધવા લાગ્યા કે હવે નેતૃત્વ કોણ કરી રહ્યું છે? ત્યારે નેહા બોરાએ આઇએનએ માર્કેટ તરફ કંઈક કર્યું. તેઓ અહીં દોડ્યાં, ત્યાં દોડ્યાં. વિરોધપ્રદર્શનના નામે કંઈક તો કરવાનું જ હતું. એવું તો નહોતું થઈ શકતું કે બધા કહે કે ચાલો, આ ત્રણેયની ધરપકડ થઈ ગઈ છે, હવે આપણે ઘરે જઈએ.”

“તમારા આહ્વાન બાદ જે લોકો આવ્યા છે, તેમને રસ્તો બતાવવો એ તમારી ફરજ છે.તમે જ વિરોધપ્રદર્શનનું આહ્વાન કર્યું છે. તેથી લોકોમાં થોડો સંશય અને શંકા ઊભી થાય એ સ્વાભાવિક છે.”

‘સોશિયલ મીડિયાના પ્લૅટફૉર્મને નિયંત્રિત કરવાનું બહાનું’

બીબીસી ગુજરાતી

આ વખતે પત્રકારો સાથે જે રીતે વર્તન કરવામાં આવ્યું, તેમને ખેંચીને બસોમાં બેસાડવામાં આવ્યા, તેની ઘણી તસવીરો અને વીડિયો સોશિયલ મીડિયા પર સતત સામે આવી રહ્યાં છે.

કોર્ટમાં ચાલી રહેલી સુનાવણીઓ દરમિયાન પણ આ મુદ્દો ઉઠાવાઈ રહ્યો છે.

આ બાબતે જુગલ પુરોહિત જણાવે છે કે સંઘર્ષ અને અથડામણનાં દૃશ્યો તથા વીડિયો બહાર ન આવે તેવા પ્રયાસો કરવામાં આવ્યાં હતાં.

પોલીસ અને અન્ય સુરક્ષા દળો પ્રયાસ કરી રહ્યાં હતાં કે પ્રદર્શનકારીઓને સંપૂર્ણપણે ઘેરી લેવામાં આવે, જેથી પત્રકારો તેમના ફોટા કે વીડિયો ન લઈ શકે. જ્યાં જ્યાં પત્રકારો જઈ રહ્યા હતા ત્યાં સુરક્ષાકર્મીઓ પોતાની ઢાલો ઊંચી કરી દેતા હતા જેથી ફોટોગ્રાફી કે વીડિયો રેકૉર્ડિંગ ન થઈ શકે.

તેઓ કહે છે, “આવું મેં પહેલી વાર જોયું. આ ઉપરાંત, જ્યારે અમે માઇક્રોફોન પર વાત કરી રહ્યા હતા, ત્યારે અમને ઘેરીને અમારા માઇક સામે સીટીઓ વગાડવામાં આવતી હતી. ઘણા લોકો આવું કરી રહ્યા હતા. તમે કલ્પના કરો કે તમે કંઈક કહી રહ્યા હો અને તમારી સામે 20 લોકો સીટી વગાડવા લાગે, તો તમારા માઇકમાં, ઑડિયોમાં અવરોધ ઊભો થઈ શકે છે. ઉપરાંત, તમારી વિચારોની શૃંખલામાં પણ અવરોધ પેદા થશે.”

વરિષ્ઠ પત્રકાર શ્રીનિવાસન જૈન કહે છે, “2014થી અમે જોઈ રહ્યા છીએ કે ધીમે ધીમે પ્રેસની સ્વતંત્રતાને મર્યાદિત કરવામાં આવી રહી છે. મીડિયા માલિકો પર દબાણ લાવવામાં આવી રહ્યું છે જેથી ચૅનલો અને અખબારો પોતાની સંપાદકીય દિશા બદલી નાખે. હવે તો ફીલ્ડ પર કામ કરતા પત્રકારોને જ અટકાયતમાં લેવાની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે.”

બીબીસી ગુજરાતી

તેઓ વધુમાં કહે છે, “કાશ્મીર, છત્તીસગઢ અને ઉત્તર-પૂર્વ ભારત જેવા સંઘર્ષગ્રસ્ત વિસ્તારોને બાદ કરતાં મેં પહેલાં ક્યારેય એવું જોયું નથી કે પોલીસને એક પ્રકારે સંપૂર્ણ છૂટ આપવામાં આવી હોય, જેથી તે પ્રદર્શનકારીઓ અને પત્રકારો વચ્ચે કોઈ ભેદ ન કરે. પત્રકારો પોતાના ઓળખપત્રો બતાવી રહ્યા હતા, પોતાના માઇક બતાવી રહ્યા હતા, છતાં મારી આંખ સામે લગભગ સાત કે આઠ પત્રકારોને ખૂબ ખરાબ રીતે પકડીને, ગાળો આપતાં આપતાં પોલીસ વાનમાં બેસાડવામાં આવ્યા.”

“આ એક નવો અને ચિંતાજનક બદલાવ છે. જંતર-મંતર 1.0 પછી સરકાર જાણે એક ઘાયલ વાઘની બની ગઈ છે, જેને અગાઉ હાર માનવી પડતી હતી, પીછેહઠ કરવી પડી હતી. આ વખતે તેમણે વધુ આક્રમકતા સાથે કાર્યવાહી કરી છે અને આ આપણા મીડિયાવિશ્વ માટે આ ખૂબ જ ચિંતાજનક બાબત છે.”

શ્રીનિવાસન જૈન એવું પણ કહે છે કે હાલનું મીડિયા પરિસ્થિતિનું પરિદૃશ્ય જટિલ છે, કારણકે કોઈ પણ વ્યક્તિ મીડિયા જેવા ઓળખપત્ર બનાવી શકે છે, પોતાનો લોગો તૈયાર કરી શકે છે અને મોબાઇલ ફોનથી વીડિયો રેકૉર્ડિંગ શરૂ કરી શકે છે. આવી સ્થિતિને નિયમિત અને નિયંત્રિત કરવું એ એક પડકાર છે.

તે સાથે જ તેઓ સરકારની મંશા અંગે પ્રશ્ન ઉઠાવતાં કહે છે, “પરંતુ આ કાયદો અને વ્યવસ્થાનો એટલો મોટો પ્રશ્ન નથી જેટલો સરકાર તેને દર્શાવવા માંગે છે. અને તે આવું એટલા માટે કરવા માગે છે કે મુખ્ય પ્રવાહનું મીડિયા તો હવે મોટા ભાગે નિયંત્રણ હેઠળ આવી ગયું છે, પરંતુ સોશિયલ મીડિયા પરનાં નાનાં અને મોટાં સ્વતંત્ર પ્લૅટફૉર્મ્સ પડકારરૂપ બની રહ્યાં છે. તેથી તેમને નિયંત્રિત કરવાં, કાબૂમાં લેવાં અથવા બંધ કરવાની દિશામાં આ એક બહાનું બની જાય છે.”

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

SOURCE : BBC NEWS