Source : BBC NEWS
Puneet Barnala/BBC
ગુજરાતના ઇતિહાસમાં ‘સુવર્ણ કાળ’ ગણાતા સોલંકી યુગનો સૂર્ય હજુ ઉદય થઈ રહ્યો હતો.
અણહિલપાટણ (અણહિલવાડ)માં ચાપોત્કટ (ચાવડા) વંશની સત્તાનો અંત આવતાં સોલંકી રાજવંશના સ્થાપક મૂળરાજ સોલંકી પ્રથમે ત્યાં સોલંકી વંશની સત્તા સ્થાપી હતી.
ઇતિહાસનાં પુસ્તકોમાં નોંધાયું છે એમ મૂળરાજે ઈસવીસન 942થી 997 સુધી એમ કુલ 55 વર્ષ સુધી શાસન કરી, વર્તમાન ગુજરાત અને આસપાસના વિશાળ પ્રદેશ પર પણ સોલંકીઓની સત્તા સ્થાપવામાં સફળતા મેળવી હતી. મૂળરાજના સમયમાં સોલંકીઓની સત્તાનાં મૂળ એટલાં તો ઊંડાં ઊતરી ગયાં કે લગભગ ત્રણ સદી સુધી આ કુળનું શાસન ગુજરાતમાં જળવાઈ રહ્યું, અને આખરે આ કુળનો શાસનકાળ ‘ગુજરાતના ઇતિહાસનો સુવર્ણ કાળ’ કહેવાયો.
પરંતુ ગુજરાતના આ ‘સુવર્ણ કાળ’ની સ્થાપનાથી માંડી તેનાં મૂળિયાં ઊંડાં ઊતરવાની આ કહાણી ‘અનેક રોમાંચક પ્રસંગો’ ‘આશ્ચર્યચકિત કરી મૂકે તેવી ચમત્કારિક અનુશ્રુતિઓ’થી ભરપૂર છે.
આવી જ કહાણીઓ છે, ‘ભાણેજે મામાની હત્યા કરીને મેળવેલા રાજ્યની’ અને ‘રાજાના સ્વપ્નમાં સોમનાથ’ અને બાદમાં ખેલાયેલા એક ‘ભીષણ’ યુદ્ધની.
‘ભાણેજે મામાની હત્યા કરી ગુજરાતના રાજવંશનો અંત આણી દીધો’
Puneet Barnala/BBC
‘ગુજરાતનો રાજકીય અને સાંસ્કૃતિક ઇતિહાસ ખંડ 4: સોલંકી કાળ’માં સંપાદકો રસિકલાલ છોટાલાલ પરીખ અને હરિપ્રસાદ ગંગાશંકર શાસ્ત્રી નોંધે છે:
મૂળરાજનો પિતા રાજિ કનોજના પ્રતિહાર રાજ્યમાં ગુર્જરદેશનો સામંત હતો, તેનાં લગ્ન અણહિલવાડના ચાવડા રાજા સામંતસિંહની બહેન લીલાદેવી સાથે થયાં. જેનાથી મૂળરાજનો જન્મ થયો.
‘પ્રબંધચિંતામણિ’ પ્રમાણે, મૂળરાજ પુખ્ત વયનો થતાં પરાક્રમી નીવડ્યો ને મામાનું રાજ્ય વધારવા લાગ્યો.
‘પ્રબંધચિંતામણિ’માં એવું પણ જણાવાયું છે કે, ચાવડા વંશનો અંતિમ રાજા સામંતસિંહ ચાવડા મદિરામત્ત અવસ્થામાં પોતાના ભાણેજ મૂળરાજને ગાદીએ બેસાડતો ને ભાન આવતાં ગાદી પરથી ઉઠાડી મૂકતો.
આ રીતે વારંવાર પોતાનો ઉપહાસ થતો જોઈને, મૂળરાજે માણસોને તૈયાર રાખી, એક વખત મદિરામત્ત મામાએ પોતાને ગાદીએ બેસાડ્યો, ત્યારે તેને મારીને પોતે ખરેખર રાજા થઈ ગયો.
અને આમ, ગુજરાતના એક વૈભવી રાજવંશની સત્તાનો અંત આવ્યો અને બીજા રાજવંશનો પાયો નખાયો.
Puneet Barnala/BBC
જોકે, પુસ્તકમાં નોંધાયું છે એમ ઘટનાનાં સાડા ત્રણસો વર્ષ પછી નોંધાયેલી આ અનુશ્રુતિમાં ઐતિહાસિક તથ્ય કરતાં લોકકથાની ચમત્કૃતિ હોવાની શંકા છે.
જોકે, આ કહાણી ‘બિલકુલ આધારહીન’ ન ગણી શકાય એ સંદર્ભના પુરાવા પણ ઇતિહાસમાં નોંધાયેલા છે.
Puneet Barnala/BBC
‘સૌરાષ્ટ્રનો ઇતિહાસ’ પુસ્તકમાં લેખક શંભુપ્રસાદ હ. દેસાઈ લખે છે, “મૂળરાજે શિખવણીમાં આવી મામાને દગાથી મારી નાખ્યો અને પાટણની ગાદી પચાવી પાડી.”
આ પુસ્તકમાં આગળ નોંધાયું છે કે, “પુત્ર થતાં સામંતસિંહ મૂળરાજનું દત્તકનામું રદ કર્યું, તેથી તેને મારી નાખ્યો.”
‘ગુજરાતનો ઇતિહાસ’ પુસ્તકમાં લેખક પ્રો. મૌલાના સૈયદ અબુ ઝફર નદવી લખે છે, “સામંતસિંહ પોતે મૂળરાજની પરવરિશ કરી હતી અને હરેક જાતની તાલીમ આપી હતી. તે કાબેલ અને બહાદુર હતો.”
“તેણે પોતાનાં સત્કૃત્યોથી લોકોનાં હૃદય જીતી લીધાં. ઘણું કરીને સામંતસિંહની ગફલત અને પોતાની હોશિયારીથી દરબારીઓનું વલણ તેના તરફ થઈ ગયું હતું.”
મૂળરાજની સૌરાષ્ટ્ર પર ચડાઈ
Puneet Barnala/BBC
‘સૌરાષ્ટ્રનો ઇતિહાસ’ પુસ્તકમાં નોંધાયું છે કે, “મૂળરાજે ગુજરાતનું રાજ્ય વધાર્યું હતું, અને અનેક રાજાઓને જીતીને તેમણે ચક્રવર્તીપદ ધારણ કર્યું હતું. તે પરમ માહેશ્વર હતો.”
સૌરાષ્ટ્રના રાજા “ગ્રહરિપુને હાથે પરાજય પામ્યા પછી થોડાં વર્ષો પછી મૂળરાજને સોમનાથનાં દર્શન કરવાની ઇચ્છા થઈ. હૃદયને કોરી ખાતો મામાનો ઘાત અને પાપોનો કીડો તેને શાંતિ મળવા દેતો નહીં. તેથી તે પ્રાપ્ત કરવા શીતળતા મળે તેવું ક્ષેત્ર પ્રભાસ જ છે, તેવી સલાહ મળવાથી તેણે ત્યાં જવા નિશ્ચય કર્યો.”
“ગુજરાતનો રાજા આ પ્રમાણે જવા વિચાર કરે ત્યારે તેના પદને યોગ્ય પૂર્વતૈયરી કરવી જોઈએ. તેથી તેનો પ્રધાન જંબુક એક સૈન્ય લઈ સૌરાષ્ટ્ર ગયો, તેણે ગ્રહરિપુની આજ્ઞા માગવાની કે તેને ખબર દેવાની પણ જરૂર જોઈ નહીં. તેથી ગ્રહરિપુના સેનાપતિએ તેને રોક્યા.”
“જંબુકે કહ્યું કે, ‘મહારાજ મૂળરાજ સોમનાથની યાત્રાએ જાય છે, અને તે ચક્રવર્તી રાજા હોઈ તમને ખબર આપવાની જરૂર નથી.’ ગ્રહરિપુએ ઉત્તર આપ્યો કે ‘યાત્રાળુ તરીકે તેઓ જઈ શકે છે, પણ સૌરાષ્ટ્ર પરનું ચક્રવર્તીપદ મૂળરાજ માને છે એટલું સહેલું નથી.’ તેમણે જંબુકને પકડ્યો અને બહુ હેરાન કરીને છોડ્યો; પણ છોડતાં કહ્યું કે ‘મૂળરાજને કહેજો કે ગ્રહરિપુ જીવે છે ત્યાં સુધી સોમનાથનાં દર્શનનો વિચાર માંડી વાળે.'”
આમ, આ ઘટના સાથે બંને રાજવીઓ વચ્ચેની દુશ્મનાવટનાં મૂળ વધુ ઊંડાં ઊતર્યાં.
“જ્યારે જંબુકે મૂળરાજને આ હકીકત જણાવી ત્યારે મૂળરાજે સૌરાષ્ટ્રનું રાજ્ય પ્રાપ્ત કરી ગ્રહરિપુનો અંત લાવવાની તેની સુષુપ્ત ઇચ્છાને પ્રજ્વલિત કરી. તેણે એક મહાન સૈન્ય તૈયાર કરવા આજ્ઞા આપી; અને ગ્રહરિપુનો ઉચ્છેદ કરવાનો નિશ્ચય કરી તેના મિત્ર અને ખંડિયા રાજાઓને આમંત્રણ મોકલ્યાં.”
‘મારા સ્વપ્નમાં સોમનાથ આવ્યા’
Puneet Barnala/BBC
‘ગુજરાતનો ઇતિહાસ’ પુસ્તકમાં લેખક પ્રો. મૌલાના સૈયદ અબુ ઝફર નદવી લખે છે, “એક બાજુ મૂળરાજે પોતાની ફોજી તૈયારી પરિપૂર્ણ કરી અને બીજી બાજુ લોકોમાં ધાર્મિક જુસ્સો પેદા કર્યો. પ્રથમ તો ગ્રહરિપુ પર હિંદુ ધર્મ વિરુદ્ધ હોવાનું તહોમત મૂક્યું અને બીજી તરફ સોમનાથની હિમાયતનો દાવો કરી લોકોને પોતાના તરફ ખેંચ્યા.”
“તેણે જાહેર કર્યું કે, ‘સોમનાથ મને સ્વપ્નામાં કહે છે કે તું એ લોકોનો નાશ કર, કારણકે તેમણે મંદિર વેરાન કર્યું છે, (અર્થાત્ બૌદ્ધ હોવાથી લોકો તેની પૂજા કરતા નથી. તેમ કોઈ તેની વાત કરતું નથી.'”
આ પુસ્તકમાં તે સમયના જૈન સાધુએ આ બનાવો વિશે લખેલા લખાણને ટાંકીને ગ્રહરિપુ ઉપર કરવામાં આવેલાં તહોમતો અંગે જણાવાયું છે.
જૈન સાધુએ લખ્યું છે કે, “એક વખત સ્વપ્નામાં તેને સોમનાથ મહાદેવ દેખાયા અને ગ્રહરિપુનો વિનાશ કરવાની સલાહ આપી અને તેને ખાતરી આપી કે જે લોકોએ પવિત્ર સ્થળો વેરાન કર્યાં છે એ તમામ ઉપર તને સ્નેહ મળશે. બીજે દિવસે દરબાર ભરી વજીરોની સલાહ લીધી. જીલ વજીરે રાજાના મત માટે એક પૂરજોર ભાષણ કર્યું, જેમાં ગ્રહરિપુ ઉપર તહોમતો મૂક્યાં.”
‘સૌરાષ્ટ્રનો ઇતિહાસ’ પુસ્તકમાં થયેલી નોંધ પ્રમાણે, “મૂળરાજે આ ચડાઈ ઈસવીસન 979માં કરી. ગ્રહરિપુના રાજ્યઅમલનું આ 37મું વર્ષ હતું અને મૂળરાજનું 35મું. આ બંને રાજાઓ આટલાં વર્ષોથી એકબીજા સામે વારંવાર લડ્યા હતા; અને શત્રુઓ તરીકે રહ્યા હતા.”
“હવે બંને વૃદ્ધાવસ્થામાં પ્રવેશી ચૂક્યા હતા; જેથી મૂળરાજે હવે તેના જીવનનો અંતિમ સંગ્રામ ખેલી લેવા નિશ્ચય કર્યો. જૈનાચાર્ય હેમચંદ્રસૂરિજીએ વર્ણન કર્યું છે તે કદાચ ગ્રહરિપુને ઉતારી પાડનાર છે, અને મૂળરાજને મહાપવિત્ર, પરાક્રમી અને પુણ્યશાળી ચીતરવા માટે ગ્રહરિપુને ગોમાંસભક્ષક અને રાક્ષસ બનાવ્યો છે.”
ગુજરાતનો ઇતિહાસ પુસ્તકમાં જૈન સાધુને ટાંકીને ગ્રહરિપુ પર કરાયેલાં તહોમતો કંઈક નીચે મુજબ હતાં.
1. જાત્રાળુઓને રોકે છે.
2. રસ્તામાં હાડકાં અને માંસ વેરે છે
3. તે બ્રાહ્મણો માટે ખરાબ વચનો વાપરે છે.
4. નવજવાન છે અને અજાણી સ્ત્રીઓને બળાત્કારે મહેલમાં ધસરડી જાય છે.
5. તેણે આસપાસના રાજાઓને દબાવી રાખ્યા છે.
6. ઘણો મગરૂર અને દોલતમંદ છે
ગુજરાતનો રાજકીય અને સાંસ્કૃતિક ઇતિહાસ ખંડ 4: સોલંકી કાળમાં સંપાદકો રસિકલાલ છોટાલાલ પરીખ અને હરિપ્રસાદ ગંગાશંકર શાસ્ત્રી નોંધે છે:
હેમચંદ્રાચાર્યે મૂળરાજનાં કેટલાંક પરાક્રમ વિગતે નિરૂપ્યાં છે. તેમાં પહેલું પરાક્રમ સૌરાષ્ટ્ર અને કચ્છના રાજાઓના પરાજયનું વર્ણવ્યું છે. આ પરાક્રમના નિરૂપણનો સાર આ પ્રમાણે છે:
“ભગવાન શંભુએ મૂળરાજને ગ્રાહરિપુ પર ચડાઈ કરવા સ્વપ્નમાં પ્રેરણા આપી. મંત્રી જમ્બક તથા જેહુલ સાથે મંત્રણા કરતાં તેઓએ પણ મૂળરાજને એવી સલાહ આપી. ગ્રાહરિપુ યાત્રાળુઓને કનડતો હતો ને પવિત્ર પ્રાણીઓના વધથી તથા ભોજનથી તીર્થોને ભ્રષ્ટ કરતો હતો.”
જોકે, સૌરાષ્ટ્રનો ઇતિહાસ પુસ્તકમાં એવું પણ નોંધાયું છે કે, “જૈનાચાર્ય હેમચંદ્રસૂરિ કે જે કુમારપાળના ગુરુ હતા, તેણે દ્વયાશ્રય નામના ગ્રંથમાં આ પ્રસંગને અતિશયોક્તિભરી અને અદ્ભુત રીતે વર્ણવ્યો છે. જોકે, એ વર્ણન ઘણું વધાર પડતું અને ખોટું છે. “
આટકોટનું યુદ્ધ
‘સૌરાષ્ટ્રનો ઇતિહાસ’ પુસ્તકમાં નોંધાયું છે એમ, “ગ્રહરિપુનો મિત્ર લાખો ફુલાણી પોતાનું સૈન્ય લઈ આટકોટમાં આવી ઊભો અને મૂળરાજે આટકોટમાં જ લડાઈ આપવાનું વિચાર્યું. તેની સહાયમાં જેતપુરમાં રહેતા નીલીરાણીના કુમારો, વનના ભીલ લોકો અને સિંધનો રાજા જામ હમીર આવ્યો. ગ્રહરિપુનું સ્થાન મજબૂત બન્યું, અને પૂર્ણ ઉત્સાહ તથા વિશ્વાસથી મૂળરાજનું મૂળ સદાને માટે ઊખેડી ફેંકી દેવા તે તૈયાર થયો.”
“મૂળરાજને તેનો ઓરમાન ભાઈ રાખાયત આવી મળ્યો. લાખા ફુલાણીનો તે ભાણેજ હતો અને તેને ત્યાં ઉછરેલો; એટલે તે લાખાનાં સૈન્યોથી, સેનાપતિઓથી તેમજ તેની વ્યૂહરચનાથી પરિચિત હતો. તેણે મૂળરાજને લાખાના લશ્કરની માહિતી આપી અને આટકોટના માર્ગે મૂળરાજના સૈન્યને પૂર્ણ વિશ્વાસથી દોર્યું.”
પુસ્તકમાં નોંધાયું છે કે:
જંબુમાલી નદીના તીરે બંને સૈન્યો સામસામાં ભેટ્યાં; તલવારો અને તીરોની રમત રમવા વીરો અધીરા થયા; ગુજરાતની સેના અર્ધચંદ્રકારે ગોઠવાઈ હતી. તેની એક પાંખે આબુરાજ હતો. તેણે વ્યૂહરચના સમાપ્ત થાય અને યુદ્ધનો પ્રારંભ થાય એ પહેલાં જ પોતાના સૈન્યથી જુદા પડી સૌરાષ્ટ્રના સૈન્ય ઉપર યુદ્ધના નિયમ વિરુદ્ધ ઓચિંતો હલ્લો કર્યો.
આથી, સૌરાષ્ટ્રીય સૈન્યમાં ભંગાણ પડ્યું. ગ્રહરિપુ તેને વ્યવસ્થિત કરે ત્યાં મૂળરાજે તેના હાથીને ગ્રહરિપુના હાથી પાસે લઈ જઈ તેના ઉપર હુમલો કર્યો. ગ્રહરિપુ હાથી ઉપર ઊભો થઈ લડવા માંડ્યો. પણ તે નિશાન ચૂક્યો અને જમીન પર પડ્યો. મૂળરાજ તરત જ નીચે ઊતરી તે ઊભો થાય એ પહેલાં કટાર કાઢી તેની છાતી પર ચડી બેઠો.
લાખાએ જોયું કે ગ્રહરિપુનો જીવનદીપ હોલાવાને વાર નથી; તેથી તેના દશોંદીને તેણે મૂળરાજ પાસે મોકલ્યો અને કહેવડાવ્યું કે ‘ગ્રહરિપુને જીવતો છોડ તે અમે યુદ્ધમાં હાર કબૂલ કરી લઈએ’ પણ મૂળરાજે જવાબ આપ્યો કે ‘આજ ગ્રહરિપુના લોહીથી મારી મૂછ રંગીશ.’
લાખાનાં નેત્રો આ ઉત્તર સાંભળી રક્ત થયાં, હોઠ ધ્રૂજવા લાગ્યા અને ક્રોધના આવેશમાં તેની મૂછો ફરકવા લાગી. ભારતના યુદ્ધમાં કર્ણ અને અર્જુનનો સંગ્રામ થયો હતો, તેવો ભારે સંગ્રામ થયો. વૃદ્ધ લાખાએ તેમની સમગ્ર શક્તિથી હલ્લો કર્યો, પણ મૂળરાજે અને તેના સાથીઓએ એવો જ પ્રબળ પ્રતિકાર કર્યો.
જેમાં લાખાનું મૃત્યુ થયું.
ગ્રહરિપુએ અસહ્ય સ્થિતિમાં લાખાને મરતો જોયો. સિંધનો હમીર જામ તો ક્યારનો રણભૂમિ મૂકી ચાલ્યો ગયો હતો. મૂળરાજે તેને કહ્યું કે ‘મુખમાં તરણું લે તો જીવતદાન આપું.’ પણ તેનો દશોંદી ચારણ મૂળરાજ પાસે ગયો અને ગ્રહરિપુ જેવા વીરનું અપમાન ન કરવા સમજાવ્યો, તેમજ તેની રાણીઓ બાળકોને લઈ પતિના જીવનની ભિક્ષા માગવા ગઈ. તેથી ગ્રહરિપુની આંગળી કાપી મૂળરાજે તેને છોડી મૂક્યો. ગ્રહરિપુએ પાટણનું સાર્વભૌમત્વ સ્વીકારવું પડ્યું અને મૂળરાજના ચરણે તલવાર ધરવી પડી.
મૂળરાજે ત્યાંથી જઈને સોમનાથનાં દર્શન કર્યાં, અને જે યાત્રાના વેરા માટે તેને યુદ્ધ કરવું પડ્યું હતું તે યાત્રા તેણે પરિપૂર્ણ કરી. ભગવાન સોમનાથે સ્વપ્નમાં ગ્રહરિપુનો નાશ કરવા કરેલી આજ્ઞાનો તેણે અમલ કર્યો.
‘ગુજરાતનો રાજકીય અને સાંસ્કૃતિક ઇતિહાસ ખંડ 4: સોલંકી કાળ’ પુસ્તકમાં નોંધાયું છે કે, “ગ્રાહરિપુ પરની ચડાઈનું વર્ણન માત્ર હેમચંદ્રાચાર્યે કર્યું છે, વસ્તુપાલના સમયના કવિઓએ કે ‘પ્રબંધચિંતામણિ’ના કર્તા મેરુતુંગેય કર્યું નથી, આથી ઉત્તર ગુજરાતમાં નવું રાજ્ય સ્થાપનાર મૂળરાજે સૌરાષ્ટ્રમાં છેક વંથળી (હાલ જિ. જૂનાગઢ) જેટલે દૂર ચડાઈ કરવાનું સાહસ કરવા ધાર્યું હોય એ ભાગ્યે જ સંભવિત ગણાય એમ માનીને હેમચંદ્રાચાર્યે કરેલું મૂળરાજે કરેલા ગ્રાહરિપુના પરાજયનું લાંબું નિરૂપણ કલ્પિત હોવાની શંકા રજૂ કરવામાં આવી છે, પરંતુ આટલા વિસ્તારથી નિરૂપાયેલો આ વૃત્તાંત સમૂળગો કલ્પનાના આધારે ઉપજાવવામાં આવ્યો હોય એવું પણ ભાગ્યે જ બને.
મૂળરાજના સમયમાં દક્ષિણ સૌરાષ્ટ્રમાં વંથલીમાં ચૂડાસમા વંશનો રાજા ગ્રાહરિપુ રાજ્ય કરતો હશે ને મૂળરાજે ઉત્તર ગુજરાતમાં તથા દક્ષિણ રાજસ્થાનમાં પોતાની સત્તા દૃઢ થતાં એના રાજ્ય પર આક્રમણ કરી એનો પરાજય કર્યો હશે એ મુખ્ય હકીકતને અસ્વીકાર્ય ગણવી મુશ્કેલ છે.”
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન
SOURCE : BBC NEWS




