Home તાજા સમાચાર gujrati તિરુપતિ મંદિરનો એ રૂમ જ્યાં કર્મીઓએ ફરજિયાત ધોતી જ પહેરવી પડે, અન્ડરવેર...

તિરુપતિ મંદિરનો એ રૂમ જ્યાં કર્મીઓએ ફરજિયાત ધોતી જ પહેરવી પડે, અન્ડરવેર પહેરીને આવવાની મનાઈ છે

3
0

Source : BBC NEWS

બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, Getty Images

પ્રકાશિત

વાંચવાનો સમય: 7 મિનિટ

જો એવું પૂછવામાં આવે કે મંદિરોમાં દાનની ચોરી અટકાવવા માટે કેવા પ્રકારનું સંચાલન કે વહીવટ હોવો જોઈએ, તો આ પ્રશ્ન થોડો વિચિત્ર લાગી શકે.

પરંતુ કમનસીબે, અયોધ્યાના રામમંદિરમાંથી લાખો રૂપિયાના દાનચોરીની ફરિયાદો સામે આવ્યા બાદ, ધાર્મિક માન્યતાઓ કે મતભેદોને ધ્યાનમાં લીધા વિના, આ મુદ્દો સમગ્ર દેશમાં ચર્ચાનો એક વિષય બની ગયો છે.

આવી સ્થિતિને કારણે સ્વાભાવિક રીતે જ એક પ્રશ્ન ઊભો થાય છે, એ એ કે શું મંદિરોનો વહીવટ ટ્રસ્ટ, વ્યક્તિઓના સમૂહ કે સરકારના હાથમાં હોવો જોઈએ, કે પછી મુખ્ય કાર્યકારી અધિકારી (સીઇઓ)ની નિમણૂક કરીને તેને કંપનીની જેમ સંચાલિત કરવાની વાત એક વધુ સારો વિકલ્પ રહેશે?

આ પ્રકારના ઘણા પ્રશ્નો પૂછવામાં આવી રહ્યા છે, કારણ કે ધાર્મિક સ્થળોમાંથી દાનચોરી કરનારાના કારણે ઘણા ભક્તોની શ્રદ્ધા ડગી ગઈ છે.

દાનમાં છેતરપિંડી કે ચોરી અંગેના વિવાદો, અથવા તેના કારણે ઊઠેલા મુદ્દાની વાત એ કંઈ નવી નથી.

અયોધ્યામાં રામમંદિર પહેલાં, દેશના સૌથી ધનિક ગણાતા તિરુપતિ ખાતેના ભગવાન વેંકટેશ્વર મંદિરમાં પણ આવા જ વિવાદો થઈ ચૂક્યા છે. આવી જ રીતે, સબરીમાલા મંદિર પણ આવા વિવાદોથી બાકાત રહ્યું નથી.

મુંબઈના પ્રખ્યાત સિદ્ધિવિનાયક મંદિરમાં દાનની રકમના દુરુપયોગના આરોપોને કારણે મહારાષ્ટ્રના રાજકારણમાં પણ આ મુદ્દો ચર્ચાનો વિષય બન્યો છે.

રામમંદિર અને તિરુપતિમાં ભગવાન વેંકટેશ્વર મંદિર, આ બંને પ્રખ્યાત મંદિરો, કાયદાકીય બૉર્ડ દ્વારા સંચાલિત થાય છે, જેમાં સરકારી અધિકારીઓ અને અન્ય વિભાગીય કર્મચારીઓ સામેલ હોય છે.

આ સિસ્ટમ ખૂબ જ સુરક્ષિત માનવામાં આવે છે અને કડક રીતે કામ કરે છે. ચાલો, આ બંને મંદિરોમાં વ્યવસ્થાપન પ્રણાલીને સમજીએ.

તિરુપતિનું ભગવાન વેંકટેશ્વર મંદિર

બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, Getty Images

સૌપ્રથમ, ચાલો તિરુપતિમાં ભગવાન વેંકટેશ્વર મંદિરના સંચાલકીય માળખા પર એક નજર કરીએ. આ મંદિરનું સંચાલન તિરુમાલા તિરુપતિ દેવસ્થાનમ (ટીટીડી) દ્વારા કરવામાં આવે છે.

ટીટીડી એ આંધ્રપ્રદેશ ચૅરિટેબલ અને હિન્દુ ધાર્મિક સંસ્થાઓ અને મંદિરો અધિનિયમ, 1987 હેઠળ સ્થાપિત એક કાયદા દ્વારા રચાયેલી સંસ્થા છે.

1933માં, આ મંદિરનો વહીવટ પહેલી વાર તત્કાલીન મદ્રાસ (ટીટીડી) કાયદા હેઠળ સરકારના નિયંત્રણ હેઠળ આવ્યો.

મંદિરનું રોજિંદું સંચાલન કાર્યકારી અધિકારીના કાર્યાલય દ્વારા કરવામાં આવે છે, જેનું નેતૃત્વ સામાન્ય રીતે ભારતીય વહીવટી સેવા (આઇએએસ)ના અધિકારી દ્વારા કરે છે.

આ કચેરીઓમાં 14,890 કર્મચારી કામ કરે છે. આ ઉપરાંત, મોટી સંખ્યામાં કરાર આધારિત (આઉટસોર્સ્ડ) કર્મચારીઓ પણ અહીં કામ કરે છે. તેમજ, હજારો ‘શ્રીવરી સેવકો’ પણ અહીં સ્વયંસેવકો તરીકે સેવા આપે છે.

આ બૉર્ડમાં રાજકીય પ્રતિનિધિઓ અને હોદ્દેદાર પણ સભ્ય હોય છે. તેમજ, બૉર્ડ ફક્ત નીતિવિષક નિર્ણયો લે છે અને બજેટને પણ મંજૂરી આપે છે.

રાજ્ય સરકાર આ સંસ્થાના હિસાબોનું ઑડિટ રાજ્ય સરકાર કરે છે, તેથી તે રાજ્ય વિધાનસભાની દેખરેખ હેઠળ આવે છે.

ટીટીડીના એક અધિકારીએ બીબીસી ન્યૂઝને જણાવ્યું, “બૉર્ડ જરૂર મુજબ વર્ષમાં ઘણી વખત મળે છે. 2026-27 માટે વાર્ષિક બજેટ માટેની બેઠક આ પૈકી એક હતી. વર્ષ 2025-26માં, બૉર્ડની બેઠકો આઠ અલગ અલગ મહિનામાં યોજાઈ હતી.”

મંદિરમાં દાન

ટીટીડી બૉર્ડના સભ્ય ભાનુપ્રકાશ રેડ્ડીએ બીબીસી ન્યૂઝને જણાવ્યું, “અમારી પાસે હાલમાં 20,000 કરોડ રૂપિયાની થાપણો છે. તેમજ લગભગ 1.97 લાખ દાતા છે. આ દાતા દર વર્ષે 1 લાખ રૂપિયાથી માંડીને કરોડો રૂપિયાનું દાન કરે છે.”

“ઘણા લોકો એક કરોડથી દસ કરોડ રૂપિયા સુધીનું દાન કરે છે. અમારી પાસે લગભગ એક ડઝન ટ્રસ્ટ છે, જે દાન સ્વીકારે છે. આમાંથી સૌથી મોટી રકમ અન્નપ્રસાદમ માટે આપવામાં આવે છે. આ યોજનાને 2,500 કરોડ રૂપિયાથી વધુ રકમ મળે છે.”

તેમણે વધુમાં કહ્યું, “દરરોજ દાનપેટીઓમાંથી સરેરાશ 3.5 કરોડથી 4.5 કરોડ રૂપિયા એકત્ર થાય છે. તેથી, એવું કહી શકાય કે ફક્ત દાનપેટીઓમાંથી જ દરરોજ લગભગ પાંચ કરોડ રૂપિયાની આવક થાય છે.”

1987ના કાયદાની કલમ 50 મુજબ, માન્ય બૅન્કોમાં છ વર્ષથી વધુ સમયગાળા માટે ફિક્સ ડિપૉઝિટ ન રાખવી જોઈએ. તેમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે જો ‘ટીટીડી ઍમ્પ્લોયીઝ કોઑપરેટિવ બૅન્ક’માં રોકાણ કરવામાં આવી રહ્યું હોય, તો રકમ 15 લાખ રૂપિયાથી વધુ ન હોવી જોઈએ.

બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, Getty Images

ભક્તો દરરોજ મંદિરના છ થી 12 હૂંડી (દાનપેટી)માં રોકડ, સિક્કા, સોના અને ચાંદીનાં ઘરેણાં, સોનાની લગડી અથવા ઇંટો, તેમજ મિલકતના દસ્તાવેજ અને ડીમેટ ખાતામાં શૅર અર્પણ કરે છે.

આ ઓનલાઇન દાન, ઇ-દાન અને ડિજિટલ દાન કિઓસ્ક ઉપરાંત છે.

એક અધિકારીએ બીબીસીને જણાવ્યું, “સોના અને ચાંદીના દાગીના સુરક્ષિત રીતે સંગ્રહિત કરવામાં આવે છે. દર મહિને તેનું મૂલ્યાંકન કરવામાં આવે છે અને પછી તિરુપતિમાં ટીટીડી ટ્રેઝરીમાં જમા કરવામાં આવે છે. માલિકીના દસ્તાવેજો મહેસૂલ વિભાગને સુપરત કરવામાં આવે છે, જેથી મિલકતની માલિકી ટીટીડીને ટ્રાન્સફર કરી શકાય.”

અધિકારીના જણાવ્યા અનુસાર, “ટીટીડીનાં ખાતાં આંધ્રપ્રદેશ સરકારના ઑડિટ વિભાગ દ્વારા આંતરિક અને વૈધાનિક ઑડિટને આધીન છે. તેમને હવે ભારતના કમ્પ્ટ્રોલર અને ઑડિટર જનરલ (સીએજી)ના કાર્યક્ષેત્ર હેઠળ પણ લવાઈ રહ્યા છે.”

દાનની રકમ ગણતી વખતે ચોરીનો ભય?

એપ્રિલ 2023ના છેલ્લા અઠવાડિયામાં, પરકામણી (દાન ગણતરી ખંડ) વિભાગમાં કાર્યરત સહાયક તકેદારી અને સુરક્ષા અધિકારી વાય. સતીશકુમારે તિરુમાલા ટાઉન-1 પોલીસ સ્ટેશનમાં સીવી રવિકુમાર વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી.

રવિકુમાર અમેરિકન ડૉલરને ચલણી નાણાંની બાસ્કેટથી અલગ કરવા માટે જવાબદાર હતા.

સતીશકુમારે આરોપ લગાવ્યો કે તેમણે રવિકુમારનો હાથ શંકાસ્પદ રીતે તેમનાં ગુપ્તાંગો તરફ ફરતો જોયો.

બૉર્ડના ભૂતપૂર્વ સલાહકારના જણાવ્યા મુજબ, “કર્મચારીઓ અને નોકરોને દાન ગણતરી ખંડમાં ફક્ત ધોતી પહેરીને જ પ્રવેશ આપવામાં આવે છે. તેમને અન્ડરવેર પહેરીને પ્રવેશવાની મંજૂરી નથી.”

સતીશકુમારે પોતાની ફરિયાદમાં આરોપ લગાવ્યો હતો કે રવિકુમારે 100 અમેરિકન ડૉલરની નોટોની ચોરી કરી હતી. ફરિયાદની તપાસ કરવામાં આવી અને પછી પોલીસે કોર્ટમાં ચાર્જશીટ દાખલ કરી.

આંધ્રપ્રદેશ હાઇકોર્ટના આદેશ અનુસાર, આ કેસમાં સીવી રવિકુમાર વિરુદ્ધ ભારતીય દંડ સંહિતા (આઇપીસી)ની કલમ 379 અને 381 હેઠળ કેસ નોંધવામાં આવ્યો હતો.

આ કેસમાં ચાર્જશીટ 30 મે, 2023ના રોજ તિરુપતિની સેકન્ડ એડિશનલ ફર્સ્ટ ક્લાસ જ્યુડિશિયલ મૅજિસ્ટ્રેટ કોર્ટમાં દાખલ કરવામાં આવી હતી.

આશ્ચર્યજનક રીતે, ફરિયાદીએ જાતે સમાધાન કર્યું. પરિણામે, આરોપીને ભારતીય દંડ સંહિતા (આઇપીસી)ની કલમ 320(8) હેઠળ નિર્દોષ જાહેર કરવામાં આવ્યો.

બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, Getty Images

ન્યાયાધીશ ગન્નામનેની રામકૃષ્ણ પ્રસાદે 19 સપ્ટેમ્બર, 2025ના રોજ આપેલા પોતાના આદેશમાં લોક અદાલતના આદેશ પર રોક લગાવી હતી. તેમણે આ મામલાની સુઓમોટો નોંધ લીધી હતી અને સીબી-સીઆઇડીના આઇજીપી દ્વારા તપાસ કરાવવાનો અને ટીટીડી પાસેથી તાત્કાલિક તમામ સંબંધિત દસ્તાવેજો જપ્ત કરવાનો નિર્દેશ આપ્યો હતો.

14 નવેમ્બર, 2025ના રોજ, સતીશકુમારનો મૃતદેહ તડીપત્રી નજીક રેલવે ટ્રૅક પર મળી આવ્યો હતો. આ પછી, મામલો ફરીથી હાઇકોર્ટમાં ગયો. કોર્ટે 2 ડિસેમ્બર, 2025 સુધીમાં આ મામલે વિગતવાર અહેવાલ રજૂ કરવાનો આદેશ આપ્યો.

થોડા દિવસ પછી, રવિકુમારનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાઇરલ થયો. આ વીડિયોમાં, તેમણે કહ્યું કે તેમણે પાપ કર્યું છે. તેમણે તે વીડિયોમાં એવો પણ દાવો કર્યો હતો કે તેમણે પોતાની લગભગ 90 ટકા મિલકત, જે લગભગ 14 કરોડ રૂપિયાની હતી, મંદિરને પશ્ચાતાપ તરીકે દાન કરી દીધી હતી.

હાઇકોર્ટના આદેશ મુજબ, ઍન્ટિ કરપ્શન બ્યૂરો (એસીબી) અને સીઆઇડીએ રવિકુમાર અને કેટલાક અન્ય ટીટીડી અધિકારીઓ સાથે સંકળાયેલા કથિત કેસ પર સીલબંધ કવરમાં કોર્ટમાં રિપોર્ટ રજૂ કર્યો.

આ કેસ હજુ સુધી કોર્ટ સમક્ષ આવ્યો નથી.

જાન્યુઆરીમાં, સીઆઇડીને સતીશકુમારના મૃત્યુની તપાસ ઝડપી બનાવવાનો આદેશ આપવામાં આવ્યો હતો. અનંતપુર જિલ્લામાં ટ્રેનમાંથી પડી જવાથી તેમનું મૃત્યુ થયું હતું કે તેમની હત્યા કરવામાં આવી હતી, તેની તપાસ કરવાનું કહેવામાં આવ્યું હતું.

ટૂંકમાં, ભલે તે મજબૂત હોવાનો દાવો કરવામાં આવે, પરંતુ દાનપેટી ગણતરી ખંડમાં ચોરીનો મામલો સિસ્ટમની પારદર્શિતા પર પ્રશ્નો ઊભા કરે છે.

સબરીમાલા મંદિર ગોલ્ડ કેસ

ભગવાન અયપ્પાના નિવાસસ્થાન ગણાતા સબરીમાલા મંદિરમાં કથિત અનિયમિતતાનો મામલો વધુ ગંભીર માનવામાં આવે છે.

તિરુપતિમાં ડૉલર ચોરીના આરોપો લાગ્યા હતા, જ્યારે સબરીમાલામાં સોનું ગાયબ થવાના આરોપો લાગ્યા હતા.

એવો દાવો કરવામાં આવ્યો છે કે લગભગ સાડા ચાર કિલો સોનું ગુમ થયું છે. આ આરોપો અનુસાર, આ ગુમ થયેલ સોનાને મંદિરના દરવાજા અને દ્વારપાળ (રક્ષક દેવતાઓ) ની મૂર્તિઓ પર તાંબાના આવરણથી બદલવામાં આવ્યું હતું.

1988માં મંદિરના દરવાજા અને અન્ય ભાગો પર સોનાનો ઢોળ ચડાવવામાં આવ્યો હતો. પરંતુ આઘાતજનક રીતે, 2019 અને 2025ની વચ્ચે, આ સોનું કાઢીને તેની જગ્યાએ તાંબું લગાવવામાં આવ્યું.

નૅશનલ મૅટલર્જિકલ લૅબોરેટરી (સીએસઆઇઆર-એનએમએલ)ના તાજેતરના અહેવાલ દ્વારા આ વાતની પુષ્ટિ કરવામાં આવી છે.

મંદિરમાંથી 30.29 કિલો સોનું બહાર કાઢવામાં આવ્યું હતું. ભગવાન અયપ્પાની કથા કહેતા દરવાજા, થાંભલા અને પૅનલ પાછા લાવ્યા પછી, 4.54 કિલો સોનું ગાયબ થયું હોવાનું જાણવા મળ્યું હતું.

કેરળ હાઇકોર્ટે આ મામલાની સુઓમોટો નોંધ લીધી અને સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ (એસઆઇટી)ની રચના કરવાનો આદેશ આપ્યો. જોકે, હાઇકોર્ટે એક ડગલું આગળ વધીને એસઆઇટીને તેનો તપાસ રિપોર્ટ સીધો કોર્ટમાં સુપરત કરવાનો નિર્દેશ આપ્યો.

દેવસ્વોમ બૉર્ડના મંત્રી કે. મુરલીધરને બીબીસી ન્યૂઝને જણાવ્યું હતું કે, “સબરીમાલા કેસ હાલમાં સંપૂર્ણપણે હાઇકોર્ટના નિયંત્રણ હેઠળ છે. જ્યાં સુધી એસઆઇટી તેનો રિપોર્ટ રજૂ ન કરે અને હાઇકોર્ટ તેનો નિર્ણય ન આપે ત્યાં સુધી અમે તેમાં દખલ ન કરી શકીએ.”

પરંતુ, સૌથી ચોંકાવનારી વાત એ છે કે ચોરીના આરોપસર જેમની ધરપકડ કરવામાં આવી છે, એ લોકો ચર્ચાનો વિષય બન્યા છે.

મંદિરના મુખ્ય પૂજારી કંદવરુ રાજીવરુ અને તેમના સહાયક ઉન્નીકૃષ્ણન પોટ્ટીની છેતરપિંડી અને ષડ્યંત્રના આરોપમાં ધરપકડ કરવામાં આવી છે. ઉન્નીકૃષ્ણન પોટ્ટીને આ કેસમાં મુખ્ય આરોપી માનવામાં આવે છે.

આ ઉપરાંત, બે ભૂતપૂર્વ ટીડીબી ચૅરમૅન એ. પદ્મકુમાર અને એન. વાસુ, બૉર્ડના વહીવટી અધિકારીઓ કમિશનર કેએસ બૈજુ અને આરજી રાધાકૃષ્ણન, ભૂતપૂર્વ ટીડીબી સભ્યો એન. વિજયકુમાર અને કેપી શંકરદાસ અને ચેન્નાઈમાં સ્માર્ટ ક્રિએશન્સના માલિક પંકજ ભંડારીની પણ ધરપકડ કરવામાં આવી છે.

બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, Getty Images

મુરલીધરને બીબીસીને જણાવ્યું, “ટીડીબી એક વૈધાનિક સંસ્થા છે. તેથી અમે ઓછામાં ઓછા એક વર્ષ સુધી કોઈ કાર્યવાહી ન કરી શકીએ. જોકે, અમે વિજિલન્સ વિભાગને મંદિરના વિકાસ માટે ઉપયોગમાં લેવાતાં દાનનાં નાણાંની તપાસ કરવા જણાવ્યું છે.”

દેવસ્વોમ બૉર્ડના ભૂતપૂર્વ મંત્રી જી. સુધાકરણે બીબીસી ન્યૂઝને જણાવ્યું હતું કે, “જો ટીડીબી યોગ્ય રીતે કામ કરી રહ્યું હોય અને પૂજારીઓ ભગવાન અયપ્પા પ્રત્યે પ્રામાણિક હોય, તો આવી છેતરપિંડી નહીં થાય.”

આનો અર્થ એ થયો કે હાઇકોર્ટ એસઆઇટી દ્વારા રજૂ કરાયેલા રિપોર્ટ પર વિચાર કર્યા પછી આ કેસમાં કેટલીક વધુ નવી માહિતી સામે આવી શકે છે.

પરંતુ એક એવું ધાર્મિક સ્થળ પણ છે જેના પર સરકારનું કોઈ નિયંત્રણ નથી. ત્યાં દાનની ચોરીના કોઈ મોટા કિસ્સા પ્રકાશમાં આવ્યા નથી. જોકે, કેટલીક અલગ-અલગ ઘટનાઓ બની છે, જેમાં આખી દાનપેટી ચોરાઈ ગઈ છે.

આ ધાર્મિક સ્થળનું સંચાલન સંપૂર્ણપણે ભક્તોના લોકશાહી અધિકારો દ્વારા થાય છે. અમે ટૂંક સમયમાં આ સ્થળ અંગે પણ વિગતવાર અહેવાલ રજૂ કરીશું.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

SOURCE : BBC NEWS