Home તાજા સમાચાર gujrati ‘તું સાંવલ ફૂલ કસ્તુરી…છલળે છલળે વાલ…’ આ વાઇરલ ગીત કઈ ભાષાનું છે...

‘તું સાંવલ ફૂલ કસ્તુરી…છલળે છલળે વાલ…’ આ વાઇરલ ગીત કઈ ભાષાનું છે અને મૂળે કોણે ગાયું છે?

3
0

Source : BBC NEWS

પાકિસ્તાનનું 'છલરે છલરે વાલ' લોકગીત નવી પેઢીમાં વાઇરલ કેમ થયું, સરાઇકી ભાષાનો શું વિવાદ છે?

ઇન્સ્ટાગ્રામ પર હાલમાં ‘છલળે છલળે વાલ’ નામે એક પરંપરાગત સરાઇકી લોકગીત લોકપ્રિય બન્યું છે. પૉપ સંગીતના યુગમાં આ ગીતને સોશિયલ મીડિયા પર મોટી સંખ્યામાં વ્યૂઝ મળી રહ્યા છે અને તેની સાથે એક અલગ પ્રકારની ચર્ચા પણ શરૂ થઈ છે.

પાકિસ્તાની ગાયકો શાન્ઝી સિયાલ અને મોહસિન લાશરીની જોડીએ આ ગીતનું કવર ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ કર્યા પછી થોડા જ દિવસોમાં કરોડો લોકોએ તે જોયું છે. તેમના પોતાના એકાઉન્ટ પર જ આ ગીતને આઠ કરોડથી વધુ વ્યૂઝ મળી ચૂક્યા છે.

આ ગીતના કૉમેન્ટ સેક્શનમાં લોકો એ વાતની ચર્ચા કરે છે કે આ ગીત પંજાબી છે કે સરાઇકી.

પૂર્વ પંજાબના કેટલાક લોકો માટે સરાઇકી કદાચ નવો અને અપરિચિત શબ્દ હોઈ શકે છે, પરંતુ ‘છલળે છલળે વાલ’ એ નવું ગીત નથી.

આ ગીતને પાકિસ્તાનના પંજાબ રાજ્યના મિંયાવલીમાં જન્મેલા શફાઉલ્લા ખાન રોખરી સહિત બીજા ઘણા ગાયકોએ પણ સૂર આપ્યો છે. આ ગીતના કારણે પંજાબી અને સરાઇકી ભાષા મામલે ચાલતો વિવાદ ફરીથી કેન્દ્રમાં આવ્યો છે.

પંજાબી કે સરાઇકી ગીત?

પાકિસ્તાનનું 'છલરે છલરે વાલ' લોકગીત નવી પેઢીમાં વાઇરલ કેમ થયું, સરાઇકી ભાષાનો શું વિવાદ છે?

ઘણા લોકો કહે છે કે સરાઇકી એ પંજાબી ભાષાની જ એક બોલી છે, જ્યારે સરાઇકી કાર્યકરો તેને અલગ ભાષા ગણાવે છે.

પાકિસ્તાનમાં સરાઇકી ભાષાની માન્યતા અને પ્રચાર માટે ચલાવવામાં આવતું અભિયાન એક અલગ રાજ્યની માગણી સાથે પણ જોડાયેલું છે. કેટલાક પક્ષો આ માગણીને ‘સરાઇકિસ્તાન’ અને અન્ય પક્ષો તેને દક્ષિણ પંજાબના ભાગ તરીકે રજૂ કરે છે.

પ્રસ્તાવિત રાજ્યની સરહદ અંગે પણ અલગ-અલગ મત છે. સામાન્ય રીતે એવી માગણી કરવામાં આવે છે કે તેમાં મુલ્તાન, ડેરા ગાઝી ખાન અને બહાવલપુર ડિવિઝનને સામેલ કરવામાં આવે. બીજી તરફ કેટલાક સરાઇકી કાર્યકરો બીજા જિલ્લાઓ પણ સામેલ કરવાની માગણી કરે છે.

પાકિસ્તાનમાં 1981ની વસ્તીગણતરીમાં સરાઇકીને પંજાબીથી અલગ માતૃભાષા તરીકે દરજ્જો અપાયો હતો.

પાકિસ્તાનમાં 2023ની વસ્તીગણતરીમાં 2.88 કરોડ લોકોએ સરાઇકીને પોતાની માતૃભાષા ગણાવી હતી, જે પાકિસ્તાનની કુલ વસ્તીના 12 ટકા થાય છે.

ભારતીયોને આ ગીત કેમ પસંદ પડ્યું?

પાકિસ્તાનનું 'છલરે છલરે વાલ' લોકગીત નવી પેઢીમાં વાઇરલ કેમ થયું, સરાઇકી ભાષાનો શું વિવાદ છે?

”છલળે છલળે વાલ’ ગીતની ધૂન 1994માં આવેલી હિન્દી ફિલ્મ ‘મોહરા’ના ગીત “ના કજરે કી ધાર…” જેવી જ છે. ફિલ્મમાં આ ગીતને પંકજ ઉધાસ અને સાધના સરગમે સ્વર આપ્યો હતો. વીજુ શાહે સંગીત આપ્યું હતું. ‘મોહરા’ના ગીતમાં સ્ત્રીની સુંદરતાનું વર્ણન કરવામાં આવ્યું છે, જ્યારે ‘છલળે છલળે વાલ’ ગીતમાં એક પુરુષના વાંકડિયા વાળ, તેની ત્વચાના રંગ અને વસ્ત્રો પહેરવાની શૈલીનાં વખાણ કરવામાં આવ્યાં છે.

અસલમાં દાયકાઓ અગાઉ કલ્યાણજી-આણંદજી સંગીતકાર બેલડીના સંગીતમાં ‘ના કજરે કી ધાર’ ગીત મુકેશના કંઠે રેકૉર્ડ કરવામાં આવ્યું હતું, પરંતુ પછી ગીત રિલીઝ થયું ન હતું. ત્યારબાદ 90ના દાયકામાં કલ્યાણજી શાહના પુત્ર વીજુ શાહે આ ધૂનનો ઉપયોગ કર્યો હતો.

ગલ્ફ ન્યૂઝના એક અહેવાલમાં અહેવાલમાં જણાવાયું છે કે, આ સરાઇકી ગીત પાકિસ્તાનની સાથે-સાથે ભારતમાં પણ રીલ તરીકે બહુ મશહૂર થયું છે. શાન્ઝી સિયાલ અને મોહસિન લાશરીના આ ગીતને ભારતમાં પણ ઘણા ચાહકો મળ્યા છે.

ખાસ કરીને પંજાબમાં આ ગીતે ધૂમ મચાવી છે અને ઇન્સ્ટાગ્રામ તથા યુટ્યૂબ પર તેને લાખો વ્યૂઝ મળ્યા છે. કેટલાક લોકોને આ ગીતની મેલોડી પસંદ પડી છે તો કેટલાક લોકો ગાયકી પર ફિદા થયા છે. ગલ્ફ ન્યૂઝના અહેવાલ પ્રમાણે વર્ષો દરમિયાન ઘણા પાકિસ્તાની લોકગાયકોએ આ ગીતને પોતાનો અવાજ આપ્યો છે, જેમાં મુહમ્મદ હુસૈન બંદિયાલવી મુખ્ય છે. આ ઉપરાંત શફાઉલ્લા ખાન રોખરીએ પણ સરાઇકી સંગીતને વ્યાપક ઑડિયન્સ સુધી પહોંચાડવાનું કામ કર્યું છે.

આ ગીતને ભારતમાં એટલી લોકપ્રિયતા મળી છે કે ઘણા લોકો પોતાના અવાજમાં આ ગીતને સોશિયલ મીડિયા પર મૂકી રહ્યા છે. પંજાબી ગાયિકા સુનંદા શર્માએ પણ પોતાના અવાજમાં આ ગીતને શૅર કર્યું છે.

યુટ્યૂબ પર હવે આ ગીત જોવામાં આવે ત્યારે કૉમેન્ટ સેક્શનમાં મોટા ભાગના લોકો લખે છે કે, તેઓ સોશિયલ મીડિયા પર ‘છલળે છલળે’ની રીલ જોયા પછી આ ગીતને શોધતા આવ્યા છે.

સરાઇકી કેટલી સમૃદ્ધ?

પાકિસ્તાનનું 'છલરે છલરે વાલ' લોકગીત નવી પેઢીમાં વાઇરલ કેમ થયું, સરાઇકી ભાષાનો શું વિવાદ છે?

આમીર અલી સલમાન પાકિસ્તાનમાં સરાઇકી ભાષાને પ્રોત્સાહન આપવા માટે કામ કરે છે. તેમનું કહેવું છે કે, “દિલદી લુટિંડા યાર સજ્જન” જેવાં લોકગીતો અને ગુલામ ફરીદ દ્વારા રચિત કલામ પણ સરાઇકી ભાષામાં છે.

કહેવાય છે કે, સરાઇકી ભાષા એ મુલ્તાની, જાટકી અને બીજી બોલીઓનું મિશ્રણ છે. તેના શબ્દો અને ઉચ્ચારણ પંજાબી કરતાં ઘણાં અલગ છે.

તેઓ કહે છે કે, “ઘણા કલાકારો પોતાને સરાઇકી કહે છે, પરંતુ લોકો તેમને પંજાબી ગાયકો ગણે છે. અમારો ઉદ્દેશ્ય તમામ ભાષાઓની એકતા છે, તેને કોઈ પણ પ્રકારના વિભાજનનો આધાર બનાવવાનો નથી.”

તેઓ કહે છે કે, ‘છલળે છલળે વાલ’ ગીતમાં એવા ઘણા શબ્દો છે, જે એ દાવાને મજબૂત કરે છે કે તે સરાઇકી ભાષામાં છે. આમીર અલી સલમાને કહ્યું કે, ‘કૉક સ્ટુડિયો પાકિસ્તાન’ પર રજૂ થયેલું ‘માહિ દિયા ઝોકન’ ગીત સરાઇકી ભાષામાં છે અને તેને બહુ સરાહના મળી છે.

યુટ્યૂબ પર આ ગીતના ડિસ્ક્રિપ્શનમાં પણ તેને સરાઇકી ગીત તરીકે ઓળખાવાયું છે.

સરાઇકી અને પંજાબી વચ્ચે સંબંધ

ભાષાવૈજ્ઞાનિક જોગા સિંહ જણાવે છે કે, “ભાષાવૈજ્ઞાનિકો સરાઇકીને પંજાબીની એક બોલી ગણે છે. ભાષાની દૃષ્ટિએ બે બોલીઓના લોકો અંદરોઅંદર સંવાદ કરીને એકબીજાની વાતને સમજી શકે, તો તે એક જ ભાષાની બોલીઓ ગણાય.”

તેમનું કહેવું છે કે, “ભાષાના મુદ્દે લોકો વચ્ચે વિભાજનનાં મૂળ અસમાન વિકાસ સાથે જોડાયેલાં છે. તેમણે કહ્યું કે, પાકિસ્તાનમાં સરાઇકી ક્ષેત્ર (લાહોર અને આસપાસનો વિસ્તાર)નો વિકાસ અસમાન અને ધીમો રહ્યો છે.”

પૂર્વ પંજાબનું ઉદાહરણ આપતાં તેમણે કહ્યું કે, “અમૃતસરની પંજાબી અને બનૂરની પંજાબી ભાષામાં અંતર છે. તેવી જ રીતે મુલ્તાન તરફ જાઓ તો ભાષા બદલાઈ જાય છે.”

તેમનું કહેવું છે કે, “પાકિસ્તાનના પંજાબમાં પંજાબીભાષી લોકોની મોટી સંખ્યા હોવા છતાં શિક્ષણ હજુ પણ ઉર્દૂમાં જ આપવામાં આવે છે. તેનું કારણ ભાષાની યોગ્ય સમજણની કમી અને રાજકીય છે.”

તેઓ માને છે કે, સરાઇકીની સમસ્યા દક્ષિણ એશિયામાં ભાષાની અવૈજ્ઞાનિક સમજણને કારણે છે.

પાકિસ્તાનનું 'છલરે છલરે વાલ' લોકગીત નવી પેઢીમાં વાઇરલ કેમ થયું, સરાઇકી ભાષાનો શું વિવાદ છે?

પંજાબી અને સરાઇકીનો વિવાદ કેટલો જૂનો?

ડૉ. અસ્મા ફૈઝ ‘લાહોર યુનિવર્સિટી ઑફ મૅનેજમૅન્ટ સાયન્સિસ’ ખાતે પૉલિટિકલ સાયન્સ ભણાવે છે.

તેઓ કહે છે કે, “પાકિસ્તાનમાં સરાઇકી આંદોલન એક સાંસ્કૃતિક માગ તરીકે શરૂ થયું અને એક રાજનૈતિક સંઘર્ષમાં બદલાઈ ગયું. તેના કારણે 1980ના દાયકાના ઉત્તરાર્ધમાં ઘણા રાજકીય પક્ષો ઊભરી આવ્યા હતા.”

તેમનું કહેવું છે કે, યુવાનોમાં સરાઇકી પ્રત્યે જાગૃતિ વધી તે દર્શાવે છે કે તેમનામાં પોતાની ઓળખ અંગેના આત્મવિશ્વાસમાં વધારો થયો છે અને ટિકટૉક જેવા પ્લેટફૉર્મ પર સરાઇકી ભાષામાં વધારે સામગ્રી ઉપલબ્ધ થઈ છે.

સરાઇકી આંદોલન સાંસ્કૃતિક રીતે મજબૂત છે, પરંતુ રાજકીય રીતે નબળું છે, કારણ કે સરાઇકી ઓળખ સાથે સંકળાયેલા કોઈ મજબૂત રાજકીય પક્ષો નથી.

તેઓ કહે છે કે, પંજાબી અને સરાઇકીના ટેકેદારો વચ્ચે લાંબા સમયથી ચર્ચા ચાલે છે, જેમાં બંને પક્ષો પોતાની ભાષાને વધુ પ્રાચીન ગણાવે છે.

1960ના દાયકામાં સરાઇકી બુદ્ધિજીવીઓ દ્વારા પુસ્તક-પ્રકાશનમાં તેજી આવી હતી. વસ્તીગણતરીમાં સરાઇકીને સત્તાવાર રીતે માન્યતા મળ્યા પછી પંજાબી બુદ્ધિજીવીઓનો વિરોધ શરૂ થયો હતો.

તેઓ જણાવે છે કે, “બ્રિટિશ યુગથી જ પાકિસ્તાનના પંજાબમાં ઉર્દૂને અપનાવાઈ છે અને પંજાબી બોલવામાં આવે છે, પરંતુ તેમાં પ્રકાશિત રચનાઓ બહુ ઓછી હોય છે. આ કારણથી જ પંજાબી બુદ્ધિજીવીઓ સરાઇકી આંદોલનના વિરોધમાં અલગ-અલગ પ્રતિક્રિયા આપે છે.”

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

SOURCE : BBC NEWS