Source : BBC NEWS
ઇમેજ સ્રોત, Bipin Tankaria/BBC
-
પ્રકાશિત
-
વાંચવાનો સમય: 6 મિનિટ
ગુજરાતમાં 12, 13 અને 14 સપ્ટેમ્બરે સારો વરસાદ વરસી જતા પાછલાં 30 વર્ષના સરેરાશ વરસાદની સાપેક્ષ આ વર્ષે 84.74 ટકા વરસાદ પડી ગયો છે.
લગભગ દોઢેક મહિના જેટલું લાબું વાયરું ફૂંકાયા બાદ પડેલા આ વરસાદથી કચ્છ ઉપરાંત સૌરાષ્ટ્ર પ્રદેશના દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જામનગર અને રાજકોટ તેમજ ઉત્તર ગુજરાત પ્રાંતના સાબરકાંઠા, બનાસકાંઠા અને અરવલ્લી જિલ્લાઓને આંશિક રાહત થઈ છે.
જોકે વરસાદના આ રાઉન્ડ બાદ પણ આ આઠ જિલ્લાઓમાં સરેરાશના 60 ટકા કરતાં ઓછો વરસાદ પડ્યો છે.
દેવભૂમિ દ્વારકામાં જિલ્લામાં હજુ પણ સરેરાશ ચાર ઇંચ વરસાદ પડ્યો છે જે તેની લાંબા ગાળાની સરેરાશનો માત્ર 12 ટકા થાય છે. પોરબંદર જિલ્લામાં સરેરાશ 8.5 ઇંચ વરસાદ નોંધાયો છે જે તેની લાંબા ગાળાની સરેરાશના 25 ટકા થાય છે.
કચ્છમાં સરેરાશ 11 ઇંચ વરસાદ પડી ગયો છે, પરંતુ તેના લખપત અને અબડાસા તાલુકાઓમાં માત્ર સાત-સાત ઇંચ જ વરસાદ નોંધાયો છે જે તેની સરેરાશના 37 ટકા અને 48 ટકા થાય.
કૉંગ્રેસ અને આમ આદમી પાર્ટીના નેતાઓ છેલ્લાં ત્રણેક અઠવાડિયાંથી માગણી કરી રહ્યા છે કે દ્વારકા-કચ્છમાં રાજ્ય સરકાર દુષ્કાળ જાહેર કરે, પરંતુ સરકારે આવી માગણીઓને હજુ સુધી ધ્યાને લીધી નથી.
ગયા અઠવાડિયે રાજ્ય સરકારના પંચાયત અને ગ્રામ ગૃહનિર્માણમંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે સરકાર ચોમાસું પૂરું થાય ત્યાર બાદ વરસાદની ઘટની સમીક્ષા કરશે અને યોગ્ય નિર્ણય લેશે. સામાન્ય રીતે સપ્ટેમ્બર મહિનાના ત્રીજા અઠવાડિયાથી ગુજરાતમાંથી નૈઋત્યના ચોમાસાની વિદાયની શરૂઆત થઈ જતી હોય છે.
સરકારના આ નિર્ણય વિશે વિરોધ પક્ષો શું કહે છે?
ઇમેજ સ્રોત, Rushikesh Patel/Facebook
ગુજરાત પ્રદેશ કૉંગ્રેસ કમિટીની ખેડૂત પાંખ તેવા ગુજરાત કિસાન કૉંગ્રેસના ચૅરમૅન પાલ આંબલિયા દેવભૂમિ દ્વારકા જિલ્લામાં વરસાદની કેટલી ઘટ છે તે તરફ સરકાર અને રાજ્યના અન્ય ભાગના લોકોનું ધ્યાન ખેંચવા માટે ઑગસ્ટ મહિનામાં કલ્યાણપુર તાલુકાના જેપુર ગામે આવેલા અને હાલ સુકાઈ ગયેલા સાની ડૅમની અંદર “દુષ્કાળગ્રસ્ત ક્રિકેટ ટુર્નામેન્ટ”નું આયોજન કરવાની મંજૂરી માગી હતી, પરંતુ વહીવટી તંત્રે તે અરજી નકારી કાઢી હતી.
પાલ આંબલિયા દેવભૂમિ દ્વારકા જિલ્લા કૉંગ્રેસના પ્રમુખ પણ છે અને તેમની આગેવાનીમાં કૉંગ્રેસ કાર્યકરોએ સુકાઈ રહેલા પાકોની વચ્ચે ખેડૂતોને સાથે રાખીને યજ્ઞો કરી માગણી કરી હતી કે દુષ્કાળ જાહેર કરવામાં આવે.
તો બીજી તરફ આમ આદમી પાર્ટી તેના ગુજરાત પ્રદેશ અધ્યક્ષ ઇસુદાન ગઢવી પણ દેવભૂમિ દ્વારકાના ખંભાળિયા તાલુકાના વતની છે એને તેની આગેવાનીમાં તેમની પાર્ટી પણ આવું જ અભિયાન ચલાવી રહી છે.
રાજ્ય સરકાર દેવભૂમિ દ્વારકાને દુષ્કાળગ્રસ્ત જાહેર કરે તેવી માગણી સાથે ઇસુદાન ગઢવીએ ઑગસ્ટના છેલ્લા અઠવાડિયામાં ખંભાળિયામાં “દુષ્કાળ સત્યાગ્રહ” બૅનર હેઠળ ધરણા કર્યા હતા.
તે જ રીતે કચ્છમાં અબડાસા સીટ પરથી ભાજપના ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજાએ 21 ઑગસ્ટે મુખ્ય મંત્રીને પત્ર લખી જણાવ્યું હતું કે અબડાસા વિધાનસભામાં આવતા અબડાસા, લખપત અને નખત્રાણા તાલુકામાં ચોમાસાના બે મહિના વીતી જવા છતા પૂરતો વરસાદ થયો નથી, તેથી આ તાલુકાઓમાં સર્વે કરી “અછત” એટલે કે દુષ્કાળ જાહેર કરવામાં આવે.
આમ આદમી પાર્ટીના ધારાસભ્યો ગોપાલ ઇટાલિયા, હેમંત ખવા, ચૈતર વસાવા વગેરેએ વરસાદના અભાવે સુકાઈ ગયેલ પાકોના પૂળા લઈને 9 સપ્ટેમ્બરના રોજ ગુજરાત વિધાનસભામાં દાખલ થવાનો પ્રયત્ન કર્યો હતો, પરંતુ પોલીસે તેમને બહાર જ રોકી લીધા હતા.
ઇમેજ સ્રોત, Bipin Tankaria/BBC
તેમની માગણીને સરકાર તરફથી હકારાત્મક પ્રતિસાદ ન મળતા વિપક્ષના નેતાઓએ સત્તાધારી ભારતીય જનતા પાર્ટી (ભાજપ) પર તેમના શાબ્દિક પ્રહારો વધુ તીવ્ર કર્યા છે.
બુધવારે બીબીસી સાથે વાત કરતા પાલ આંબલિયાએ કહ્યું, “અતિવૃષ્ટિ કે અનાવૃષ્ટિથી પાકના થતા નુકસાનનું ખેડૂતોને વળતર આપવા માટે ગુજરાત સરકારે 2020 અને 2021માં ઠરાવ કર્યા હતા.”
“તેમાં જણાવ્યું હતું કે જો કોઈ તાલુકામાં સિઝન દરમિયાન 10 ઇંચ કરતાં ઓછો વરસાદ પડે અથવા તો ચોમાસું શરૂ થાય ત્યાંથી 31 ઑગસ્ટ સુધી જો સતત ચાર અઠવાડિયાં સુધી વરસાદ ન પડે અને ખેતીના પાકને નુકસાન થાય તો તે અનાવૃષ્ટિ ગણાશે.”
“દેવભૂમિ દ્વારકા જિલ્લામાં આજની સ્થિતિએ પણ સરેરાશ ચાર ઇંચ વરસાદ થયો છે અને આઠ અઠવાડિયાંનું વાયરું ફૂંકાયું છે.”
“દુષ્કાળ જાહેર કરવા માટે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારે નક્કી કરેલા બધા માપદંડ દેવભૂમિ દ્વારકા જિલ્લો પૂરા કરે છે. તેમ છતાં રાજ્ય સરકાર દુષ્કાળ જાહેર નથી કરતી.”
“આ સૂચવે છે કે રાજ્ય સરકાર નશામાં છે, 2022ની વિધાનસભા ચૂંટણીમાં 161 સીટો મળી હતી તેના અભિમાનમાં છે.”
પાલ અંબાલિયાએ ઉમેર્યું, “ઋષિકેશભાઈએ કહ્યું છે કે માત્ર વરસાદ નહીં, જમીનમાં રહેલા ભેજ, પાકની વૃદ્ધિ વગેરે બધું જોવાનું હોય. હા એ વાત સાચી. પણ બધું તેમની સામે જ છે.”
“રાજ્ય સરકારે 16 ઑગસ્ટથી દેવભૂમિ દ્વારકામાં ડિજિટલ ક્રૉપ સર્વે ચાલુ કર્યો છે. સર્વેયરો ખેતરમાં આવી ફોટા પાડે ત્યારે તેમને ખાલી ખેતરો કે તેમાં સુકાઈ રહેલા પાકો દેખાય છે.”
“વરસાદના આંકડા તો રાજ્ય સરકાર પાસે છે જ. ભેજની વાત કરીએ તો પગ ફસાઈ જાય તેવડી તિરાડો જમીનમાં પડી ગઈ છે. પરિસ્થિતિ એટલી ખરાબ છે કે ખેડૂતો તેમના પશુને બચાવવા અને કામની શોધમાં હિજરત કરવા લાગ્યા છે.”
ભાજપ શું કહે છે?
ઇમેજ સ્રોત, DrAnil Patel/Facebook
ગુજરાત ભાજપના મુખ્ય પ્રવક્તા ડૉ. અનિલ પટેલ કહે છે કે તેમની પાર્ટી આ મુદ્દે સંવેદનશીલ છે.
બીબીસી સાથે વાત કરતા તેમણે કહ્યું, “રાજ્યના કેટલાક ભાગોમાં વરસાદ નથી પડ્યો. તેથી ખેડૂતોની લાગણી સાચી છે, પરંતુ હવામાન ખાતાની આગાહી છે કે હજુ પણ વરસાદનો ત્રીજો રાઉન્ડ આવશે અને તેથી હજુ ચોમાસું પૂરું થાવનું બાકી છે. જ્યાં વરસાદ નથી થયો ત્યાંના ખેડૂતોને સરકાર મુશ્કેલી નહીં પડવા દે.”
“ગયા વર્ષે પણ કમોસમી વરસાદ થયો ત્યારે મુખ્ય મંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે નિયમોથી આગળ જઈને ખેડૂતોને રૂપિયા 10000 કરોડનું રાહત પૅકેજ આપ્યું હતું. આ વર્ષે દુષ્કાળમાં પણ ખેડૂતોને મુશ્કેલી પડવા નહીં દઈએ.”
“પરંતુ અછત જાહેર કરવા બાબતે કેન્દ્ર સરકારનો પ્રોટોકૉલ છે અને તે જ રીતે રાજ્ય સરકારનો પણ પ્રોટોકૉલ છે અને તેનું પાલન કરવા સરકાર બંધાયેલી છે.”
બીબીસીએ કચ્છમાંથી માલધારીઓની થઈ રહેલા હિજરત તરફ ધ્યાન દોરી ભાજપ પ્રવક્તાને પૂછ્યું કે સરકાર અછત જાહેર કરવામાં મોડું નથી કરી રહી, તો ડૉ. પટેલે કહ્યું, “કચ્છમાં થોડા માલધારીઓએ હિજરત કરી છે તે વાત સાચી છે, પરંતુ ભૂતકાળમાં કચ્છમાંથી બહુ મોટી સંખ્યામાં લોકોની હિજરત થતી હતી. રાજ્ય સરકારના પ્રયાસોને કારણે તે બંધ થયું છે.”
“અછત જાહેર કરવા માટે સરકારે પદ્ધતિને અનુસરવી પડે. રાહત કર્યો, માટે સરકારે કોઈના ખિસ્સામાંથી કાઢીને નહીં પરંતુ કરદાતાએ આપેલા કરનાં નાણાં જ વાપરવાનાં હોય છે. પરંતુ તેના માટે નિયમ અને પ્રક્રિયા હોય છે અને તેને અનુસરવી પડે.”
161 સીટો જીતવાથી ભાજપને સત્તાનો નશો ચડ્યો છે તેવા કૉંગ્રેસના આક્ષેપનો જવાબ આપતા ભાજપ પ્રવક્તાએ કહ્યું, “વિપક્ષ પાસે સામાન્ય રીતે કોઈ મુદ્દા નથી હોતા. તેથી, નવા નવા મુદ્દા ઉછાળ્યા કરે છે. તે જયારે સત્તામાં હતા અને દુષ્કાળ પડ્યા ત્યારે શું થયું હતું તે મેં જોયું છે, કારણ કે મારી રાજકીય કારકિર્દી 50 વર્ષની છે. તેમ છતાં સરકાર વિપક્ષની વાત સાંભળે છે અને લોકોને મુશ્કેલી નહીં પડવા દે.”
રાજકીય વિશ્લેષકો શું કહે છે?
ઇમેજ સ્રોત, Kaushik Meta/Facebook
રાજકોટસ્થિત વરિષ્ઠ પત્રકાર અને રાજકીય વિશ્લેષક કૌશિક મહેતા કહે છે ગુજરાતની ભાજપ સરકાર નિર્ણય લેવામાં ઢીલ કરી રહી છે તેની પાછળ એક ચોક્કસ કારણ છે.
બીબીસી સાથે વાત કરતા તેમણે જણાવ્યું, “ભાજપ સરકાર વિચારી રહી છે કે દુષ્કાળના જે નિયમો છે તેનાથી વધારે વરસાદ પડી જાય તો દુષ્કાળ જાહેર કરવાની અને પછી રાહતકાર્યો ચલાવવાની પળોજણમાં પડવાની જરૂર ન રહે.”
“એક તો આપણે ત્યાં પાકવીમો નથી એટલે પાક નુકસાનીનું વળતર આપવાનો સંપૂર્ણ આર્થિક બોજો રાજ્ય સરકાર પર આવશે. ભારતનાં કેટલાંય રાજ્યોમાં પાકવીમા યોજના ચાલે છે, પરંતુ ગુજરાત સરકારે તેને કેમ કૅન્સલ કરી?”
“બીજું કે રાહતકાર્યોમાં ગોટાળા થવાની શક્યતા રહેતી હોય છે અને સરકાર સતર્ક ન રહે તો કૌભાંડો થઈ શકે છે. આ બધાથી રાજ્ય સરકાર બચવા માગે છે.”
“એટલા માટે જ તે દુષ્કાળ જાહેર નથી કરતી અને ધારાસભામાં પણ આ પ્રશ્નને ટપાડી દીધો છે.”
તો શું ભાજપે આની રાજકીય કિંમત ચૂકવવી પડશે તેવા સવાલનો જવાબ આપતા કૌશિક મહેતાએ કહ્યું, “ભૂતકાળમાં વિરોધ પક્ષનું વજન હતું અને શાસકોનો અભિગમ પણ હાલના શાસકો કરતાં અલગ હતો. અત્યારે તકલીફ એ છે કે આપણે ત્યાં જેટલો સબળ વિરોધપક્ષ હોવો જોઈએ તે નથી. તેથી સત્તાપક્ષ આવી સ્થિતિમાં પણ ફાવી જાય છે.”
તેમણે કહ્યું કે નરેન્દ્ર મોદી ગુજરાતના મુખ્ય મંત્રી બન્યા પછી રાજ્ય સરકારે એવી પ્રથા ચાલુ કરી કે સીએજીનો રિપોર્ટ છત્રના છેલ્લા દિવસે જ ધારાસભામાં રજૂ કરવો.
“પરિણામ એ આવ્યું છે કે તે રિપોર્ટ પર ધારાસભામાં ચર્ચા કરવાનો કોઈ અવકાશ જ રહેતો નથી અને રિપોર્ટના આધારે સરકારને સવાલો પૂછવાની વિપક્ષને તક પણ મળતી નથી.”
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન
SOURCE : BBC NEWS




