Source : BBC NEWS
ઇમેજ સ્રોત, ani
ગુજરાત સરકારે સુરતના મ્યુનિસિપલ કમિશનર એમ. નાગરાજનની બદલી કરીને તેમને સમગ્ર શિક્ષા અભિયાન વિભાગમાં પ્રોજેક્ટ ડાયરેક્ટર બનાવાયા છે.
તેમની જગ્યાએ શહેરના કલેક્ટર તેજસ પરમારને સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનનો ચાર્જ સોંપવામાં આવ્યો છે.
સુરતના વેડ દરવાજા નજીક નાસીરનગર વિસ્તારમાં લગભગ બે મહિના અગાઉ કેટલાંક મકાનોને વિવાદાસ્પદ રીતે તોડી પાડવાની ઘટના પછી આ કાર્યવાહી થઈ હોવાનું માનવામાં આવે છે.
સુરત મ્યુનિસિપલ કૉર્પોરેશને શરૂઆતમાં આ ડિમોલિશન કોણે કર્યું તે વિશે પોતાને કોઈ જાણકારી ન હોવાનો દાવો કર્યો હતો.
પરંતુ ડિમોલિશનનો મામલો હાલમાં હાઇકોર્ટમાં ચાલે છે જેમાં કોર્ટે વારંવાર તંત્રની ઝાટકણી કાઢી છે અને મ્યુનિસિપલ કમિશનરને કેમ નથી હઠાવાયા તેવી ટીકા કરવામાં આવી છે.
મંગળવારે રાતે એમ. નાગરાજનને સુરતના કમિશનરપદેથી બદલી કરવાના આદેશ અપાયા હતા.
નાસીરનગરમાં 29 અને 30 મે દરમિયાન લગભગ 100 મકાનો તોડી પાડવામાં આવ્યા હતા અને અસરગ્રસ્ત લોકો હાઇકોર્ટમાં ગયા છે.
આ કેસની તપાસ ચાલુ છે ત્યારે નાગરાજન હજુ કેમ કમિશનર પદ પર છે તેવો સવાલ પણ કોર્ટે રાજ્ય સરકારને કર્યો હતો.
આ કેસની સુનાવણી હજુ હાઇકોર્ટમાં ચાલુ છે જે દરમિયાન કેટલાક અસરગ્રસ્તોને કૉમ્યુનિટી હૉલમાં રાખવામાં આવ્યા છે.
હાઇકોર્ટમાં આગામી સુનાવણી 14 ઑગસ્ટે થશે.
અમેરિકાની સેનાનો દાવો, ઈરાન જનારા જહાજને રોકવા માટે મિસાઇલો છોડાઈ
ઇમેજ સ્રોત, Getty Images
અમેરિકાની સેનાના સેન્ટ્રલ કમાન્ડે દાવો કર્યો છે કે તેણે ઈરાનના એક બંદર તરફ જતા એક જહાજને અટકાવ્યું હતું અને તેની સ્ટીયરિંગ સિસ્ટમને અક્ષમ કરી દીધી હતી.
સોશિયલ મીડિયા પ્લૅટફૉર્મ ઍક્સ પર જાહેર કરાયેલા એક નિવેદનમાં અમેરિકાના સેન્ટ્રલ કમાન્ડે જણાવ્યું હતું કે પનામાના ધ્વજવાળું જહાજ ઓમાનની ખાડીમાંથી પસાર થવાનો પ્રયાસ કરી રહ્યું હતું.
અમેરિકન કમાન્ડ અનુસાર, જહાજનો ઉદ્દેશ્ય ઈરાની બંદર સુધી પહોંચીને યુએસ નૌકાદળની નાકાબંધીને તોડવાનો હતો. નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે જહાજના નાગરિક ક્રૂએ યુએસ સૈન્યની વારંવારની ચેતવણીઓને અવગણી હતી.
આ પછી અમેરિકાની નેવીના એમએચ-60 હેલિકૉપ્ટરે જહાજના એન્જિન રૂમ પર બે હેલફાયર મિસાઇલો છોડી.
સેન્ટ્રલ કમાન્ડે કહ્યું, “આ જહાજ હવે ઈરાન જઈ રહ્યું નથી.”
સેન્ટકૉમના જણાવ્યા અનુસાર, મંગળવાર 11 ઑગસ્ટ સુધીમાં 55 કૉમર્શિયલ જહાજોને ડાયવર્ટ કરવામાં આવ્યાં છે, ત્રણ અસહકાર આપનાર જહાજોને અટકાવાયાં છે અને બે જહાજોની તપાસ કરવામાં આવી.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન
SOURCE : BBC NEWS




